Gujarati Writers Space

દાન : સૌથી મોટું યોગદાન

એવું જરૂરી નથી કે માત્ર પૈસાનું દાન જ દાન આપ્યું કહેવાય. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પૂરતા નાણા ન હોવાથી કેમ દાન કરવું ? પરંતુ દાન ગમ્મે તે પ્રકારે કરી શકાય. બસ, દાન કરવું એ જ છે સૌથી મોટું જીવનનું યોગદાન.

વિદ્યાદાન, રક્તદાન, અન્નદાન, વસ્તુદાન, અંગદાન, ચક્ષુદાન, સેવાદાન…..

★ વિદ્યાદાન : એવું જરૂરી નથી કે વિદ્યાદાન એટલે પુસ્તકો ખરીદીને જ દાન કરવું. જીવનમાં આપણે મેળવેલ વિદ્યા જો કોઈના ઉપયોગમાં આવી શકે તો એ પણ એક દાન જ છે અથવા તો કોઈ એવો વ્યવસાય પસંદ કરવો જેમકે શિક્ષક, પ્રોફેસર. જે લોકો ખુબ ઊંચી ફી ભરી નથી શકતા કે શાળા એ જઈ નથી શકતા, તેમને ભણાવી શકે.

★ રક્તદાન : જયારે આપણા કોઈ સ્વજનને આકસ્મિક રીતે કે અન્ય કોઈપણ સંજોગોમાં રક્તની જરૂર પડે, ત્યારે સમજાય આ રક્ત જે આપણા શરીરમાં વહે છે તેની કિંમત. રક્તદાનની જાગૃતિ માટે ઘણા ખરા પ્રયોગો થાય છે, અને ઘણી એવી જાગૃતિ પણ લોકોમાં આવી છે. સામાન્ય કે આકસ્મિક રક્તની પુરતી તો હજુ સંભવિત શક્ય છે, પણ જે બાળકોને કે લોકોને થેલેસેમિયા રોગ છે, તેમનું જીવન જ રકતદાતાઓ પર નિર્ભર થઈ જાય છે.

★ અન્નદાન : આજે કેટલાય એવા લોકો છે, જેમને એક ટંકનું ભોજન પણ મળતું નથી. અને એવાય કેટલાક લોકો છે, જેમનું ભોજન વેસ્ટ જાય છે. ઘરની વાત તો ઠીક, પણ લોજ અને રેસ્ટોરન્ટમાં રોજ કેટલીય ખાદ્ય પદાર્થોની વધ જોવા મળે છે, અન્નને કચરો માનીને ફેકી દેવા કરતા કોઈના પેટમાં જાય, તો એમને એક દિવસ ભૂખ્યા ન સુવું પડે. હા, પણ આ અન્ન ખાવા લાયક હોય તો જ. એવી જ રીતે આપણા કહેવાતા સામાજિક-વ્યવહારિક પ્રસંગોમાં પણ અન્ન અને ભોજનનો ભરપુર માત્રામાં બગાડ થતો જોવા મળે છે. પેલા તો ગરીબ કોઈ રાત્રે ઘર પાસે માગવા પણ નીકળતા, હવે તો એ પણ જોવા મળતા નથી. એનો મતલબ એવો નથી કે આજે કોઈ ભૂખ્યા સુતા નથી.

★ વસ્તુદાન : આપણી પાસે નકામી અને બિનવપરાશ વસ્તુઓ પડી રહેશે, પણ બીજાને કામ લાગે તો પણ આપણે આપશું નહિ. બની શકે, આપણે જે વસ્તુની એક સમયે જરૂરીયાત હતી, તે આજે હવે કોઈ બીજાને હોય. વસ્તુ એટલે બેઝીક જરૂરિયાતથી લઈને ઘર વપરાશ સુધીની વસ્તુ. આપણે જૂની ને દરેક યાદગાર વસ્તુઓ સાચવી શકતા નથી. હા, અમુક હોય અમુલ્ય, પણ કોઈને મદદરૂપ થાય તેમ હોય તો આ આપણી અમુલ્ય ભેટ કોઈ દાનથી ઓછું નથી.

★ અંગ દાન : ગયા વર્ષે જ એક યુવાન દીકરાના આકસ્મિક મૃત્યુ પછી, તેમના માતા-પિતા એ અંગદાનનો સુંદર અને જાગૃતિ દર્શાવતા વિચારને અમલમાં મુક્યો. આપણા પછી જો આપણા શરીરનું કોઈ અંગ એકાદી વ્યક્તિને પણ જો કામ આવી જાય, તો તે વ્યક્તિને જીવનદાન મળી જાય. જયારે એક અંગ ખૂટ ત્યારે જ અને તેને જ આ વાત સમજાય. પણ, ઘણા લોકો છે જે પોતાના જ સ્વજનોને આ ભેટ આ દાન આપતા હોય છે. કોઈ ઘટના આપણી આસપાસ કે આપણી સાથે ઘટે તો આપણે વધુ સરળતાથી આ વાત સમજી શકીએ. આજે ઘણા ખરા પ્રમાણમાં ચક્ષુદાનની જાગૃતતા જોવા મળે છે, પણ અંગદાન માટે હજુ આપણને આપણા રીવાજો ક્યાંક નડે છે. રીવાજો અને વિધિઓ માટે કરીને એક નહિ પણ બે વ્યક્તિના આપણે દોષી બનીએ છીએ.

★ સેવાદાન : ચાલો માન્યું કે આપણે કોઈ જ દાન… એટલે કે વિદ્યાદાન, રક્તદાન, વસ્તુદાન, અન્નદાન કે અંગદાન આપણા માટે સાવ શક્ય જ નથી. તો સેવાનું દાન તો થઈ શકે કે નહિ ? વોલન્ટિઅર કે સ્વયંસેવક તરીકે કોઈ સ્થળે વ્યક્તિગત કે કોઈ સંસ્થા સાથે જોડાઈ સેવા આપી શકાય. સેવા એ આમ જોઈએ તો દાન ન કહેવાય. પણ મદદરૂપ થવાની વાત છે. કોઈને મદદરૂપ થવું એ એક સેવા જ છે. જે આપણી પાસે છે તે બીજા પાસે નથી કે બીજાને તેની જરૂરીયાત છે, જે આપણી પાસે છે, તે આપવું એટલે દાન…

★ મૌનદાન : ઘણી વખત આ મૌન પણ દાન જેવું જ કામ કરી જાય છે. દિવસ દરમ્યાન માત્ર ૨ મિનિટ મૌન રહી, કોઈના માટે પ્રાર્થના કરીએ, તો ? મને લાગે છે કે આખા દિવસમાં કોઈ એક સમય એવો ફાળવીએ જયારે ૨ મિનિટનું મૌન રાખવાથી, કદાચ કોઈ આજના દિવસમાં સદગત થયેલની આત્માને શાંતિ મળે.

★ ગુપ્તદાન : આ કોઈ દાન નથી. બસ આપણે આ વિષયને વધુ કોમ્પ્લીકેટેડ બનાવી દીધો છે. દરેક પ્રકારના દાન ગુપ્ત શા માટે રાખવામાં આવતા હશે ? સાવ સિમ્પલ વાત ધર્, જ્ઞાતિ, જાતિ, ગરીબ આ કોઈ જ ભેદ ન રહે માટે. પણ આપણે ટેક્સ બચાવવાના અને બ્લેક મનીને વાઈટ કરવાનો સરળ રસ્તો શોધી લીધો. આ ગુપ્તતા એટલા માટે હોય છે કે મેં સેક્યુલારિઝમની જયારે વાત કરી હતી કે લોકો ગમ્મે ત્યાં ધર્મ ને જ્ઞાતિ, જાતિ ઘુસાડી દે છે, જોડી દે છે. પણ આપણને કોઈને ખબર નથી કે જરૂર પડે ત્યારે આપણા શરીરમાં જે લોહી ચડાવવામાં આવે છે, તે કદાચ અન્ય ધર્મ કે જાતિ કે જ્ઞાતિનું પણ હોય શકે. તેમ છતાં આપણે કટ્ટરવાદી કે સાંપ્રદાયિકપણું છોડતા નથી. જો ગુપ્તતા ન રાખવામાં આવે તો કાં કોઈનો નિરર્થક જીવ લેવાય ને કાં દેવાય.

દાન… આ શબ્દને આપણે ખુબ મોટો બનાવી દીધો છે, ખરેખર સમજવામાં આનો અર્થ વિશાળ છે પણ કરવામાં માત્ર એક નાનકડો વિચાર… સંકલ્પ.. નિર્ણય… કે ઇચ્છામાત્ર.

હા, એ વાત પણ સાચી છે કે આજે દાનના નામે ઘણું ચાલે છે, પણ જો આપણે આ વિચાર કે વ્યવહાર પ્રત્યે જાગૃત થઈશું, તો કોઈ આપણને ઠગી નહિ શકે. કુદરતનો નિયમ છે, આપો એટલું પામો. જે કુદરતે આપણને આપ્યું છે, તે આપણે પરત કરવું આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. અન્યથા કુદરત દરેકનો ન્યાય કરે જ છે.

હમણાં તો મેં સાંભળ્યું, કે શાંતિ એ પણ અમુલ્ય દાન છે. દાન એટલે જે નથી તેની પુરતી કે પ્રાપ્તિ કરાવવી.. અને આજે શાંતિ દાનની સૌથી પહેલી જરૂરીયાત છે. તો હવે તમે કરશો કયું દાન ????

અમુક લોકો હસવામાં પણ કહેતા હોય છે, કે “શ્રાવણ દાન કરવા બદલ આભાર…” અને

મારે કહેવું જોઈએ, “સમય દાન કરવા બદલ આભાર….”

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૭ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.