Gujarati Writers Space

Come-Pay-Reason : કમ્પેરીઝન

હમેશા આપણે દરેક બાબતમાં કમ્પેરીઝન કરતા આવ્યા છીએ અને કરતા રહીએ છીએ. પછી એ સંબંધો હોય, ધર્મ હોય, વસ્તુ હોય કે લાગણી.

★ સંબંધોની કમ્પેરીઝન –
ભાઈ-બહેન, સ્ત્રી-પુરુષ, દિકરો-દિકરી, સાસરા-પિયર આમ દરેક સંબંધોમાં કમ્પેરીઝન કરવી આપણી આદત બની ચુકી છે અને ચર્ચા કરવાનો એક મુદ્દો. એવું તો શું સાબિત કરવાનું હોય છે કે સર્ટીફીકેટ જોઈતું હોય છે, કે હમેશા આ મુદાઓ પર ચર્ચા ચાલતી રહેતી હોય. ઘરમાં પણ માત્ર ભાઈ-બહેન જ નહિ પણ બન્ને બહેનો વચ્ચે પણ કમ્પેરીઝન થતું રહેતું હોય. અને એ પણ માતા-પિતાથી લઈ ઘરના સભ્યો, કુટુંબ, સમાજ દરેક અને કમ્પેરીઝન પણ ભણતર, દેખાવ આ બધા વિશે. દરેક વ્યક્તિ અલગ, વ્યક્તિત્વ અલગ તેમ છતાં એક બીજાથી ચડિયાતાની સતત હરીફાઈ ચાલતી રહે ક્યારેક ખુદ તો ક્યારેક અન્ય દ્વારા. આ તો માત્ર ભાઈ-બહેન અને બન્ને બહેનો વચ્ચેની કમ્પેરીઝનની વાત થઈ. સ્ત્રી-પુરુષ ને દિકરો-દીકરી તો હવે સમાજના ખુબ મોટા અને ચર્ચાસ્પદ વિષયોમાંના એક બની ચૂક્યા છે. સાસરા અને પિયરની પણ વ્યવહાર ને વિચાર બાબતે સતત કમ્પેરીઝન થતી રહેતી હોય છે.

★ ધર્મની કમ્પેરીઝન –
ક્રાંતિવીરમાં ખુબ ઉમદા સંવાદ નાના પાટેકર બોલે છે બધા વખાણે છે પણ સમજતા કે સ્વીકારતા કેમ નહિ હોય એ પ્રશ્ન છે ! “યે હિંદુ કા ખૂન, યે મુસલમાન કા ખૂન, બનાનેવાલેને ફર્ક નહિ રખ્ખા ઔર તુમ સબ લગે હો ફર્ક દિખાને…”

મારો ધર્મ ફસ્ટ બાકી બધા વર્સ્ટ એવી તુલનાત્મકનીતિ આપણી થતી જાય છે. આ મુદ્દો પણ હમેશા ચર્ચાનો વિષય જ રહ્યો છે એ વાત પણ બધા જાણે જ છે. ધર્મમાં પણ સંપ્રદાયો રૂપી દિવાલો ઉભી થતી જાય છે અને તિરાડો પડતી જાય છે. એમાં પણ પાછી કમ્પેરીઝન શરૂ થઈ જાય છે.

★ વસ્તુઓની કમ્પેરીઝન –
વસ્તુઓમાં અઢળક ઉદાહરણો મળે તેમ છતાં ફેસીલીટી વાઈઝ, બ્રાન્ડ વાઈઝ. આમ સતત આપણે કમ્પેરીઝન નામના કીટાણુંના શિકાર બનતા રહીએ છીએ.

ટુંકમાં કહીએ તો આપણને કામ્પેરીઝનની આદત પડી ગઈ છે. શોપિંગમાં જઈએ અને કેમ બન્ને વસ્તુઓની કમ્પેરીઝન કરી ખરીદીએ તેવી રીતે આપણે દરેકમાં આવું શરૂ કરી દીધું છે.

★ લાગણીઓની કમ્પેરીઝન –
સુખ અને દુઃખ, સફળતા-નિષ્ફળતા, સારું-ખરાબ, હાસ્ય અને ક્રોધ (ગુસ્સો), પ્રેમ અને ધ્રુણા, પ્રશંસા અને ઈર્ષા, સ્વાર્થ અને નિઃસ્વાર્થ. આમ તો આ બધી આપણે ઉપજાવેલ લાગણીઓ જ છે. આપણો જોવાનો નજરીયો છે. કોઈક માટે દુઃખ આપણા માટે દુઃખ કે કોઈનું સુખ આપણું સુખ બની શકતું નથી. એટલે કે ક્યારેક હરીફાઈમાં કે કામ્પેરીઝાનમાં એકની નિષ્ફળતા જે બીજાની સફળતા બની હોય.

કોઈપણ કાર્ય, ક્રિયા કે સમય-સંજોગ પ્રત્યે આપણી પ્રતિક્રિયા અને એનાથી પણ વિશેષ આપણે કોઈના દુઃખમાં દુઃખની લાગણી વ્યક્ત કરતા કેટલાય શબ્દો, સંવાદોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. શું ખરેખર આપણે એટલા જ દુઃખી હોઈએ છીએ ખરા

આવું બધું માણસને જ સૂઝે… કોઈ વખત પશુ-પક્ષીઓ કે વૃક્ષોને ઉદાસ જોયા એમની ડીક્ષનરીમાં કદાચ
આવા શબ્દોની સરખામણી કે વિરોધાભાશ નથી. આ તો આપણે આપેલા ને શોધેલા શબ્દો છે. આ શબ્દો આવ્યા પહેલા આપણી આવી લાગણી જન્મી હશે કે આ શબ્દો પછી આવી લાગણીઓના ભાવ આપણે જોયા કે અનુભવ્યા હશે આ શબ્દો ને લાગણીઓથી માત્ર આપણે જ પરિચિત છીએ કે પછી સમગ્ર સૃષ્ટિ આ “કમ્પેરીઝન” ફેક્ટર બધે જ ફેલાયેલ હશે કે આપણા પુરતું જ સીમિત હશે…?

કીડી કેટલા પ્રયત્નો પછી સફળ થતી હશે, અથવા તો કેટલી બધી વખત નિષ્ફળતા તેને મળતી હશે, તેમ છતાં તેને સફળતા-નિષ્ફળતા જેવી કોઈ જાણ જ નથી. બસ એને તો એના કર્મ અને પ્રયત્નોમાં જ વિશ્વાસ છે. અને બીજી કીડી તેની સાથે અથવા તો તેનાથી જો આગળ થઈ જાય તેવી ચિંતા, દોડ કે હરીફાઈનો ડર કે દ્વિધા નથી એને તો એની મંઝીલે પહોચવું છે એટલું જ એ જાણે છે.

એટલે પશુ-પક્ષીઓ એકબીજાની કમ્પેરીઝન શું કરતા હશે
શું વૃક્ષો કે ફૂલો એકબીજાની કમ્પેરીઝન કરતા હશે કે પક્ષીઓ ઊચે ઉડવામાં હરીફાઈ કરતા હશે કે પ્રાણીઓ એકબીજાની શ્રેષ્ઠતાની કમ્પેરીઝન કરતા હશે કે આવું કઈ જાણતા પણ હશે ખરા

ખરેખર તો તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે..કે ખુદની ખોજ…ખુદમાં જ રોજ…ના કોઈ ડર,ચિંતા કે હરીફાઈનો બોજ…માત્ર પ્રયત્નો અને કર્મોથી કરીએ ખુદની ખોજ…ચાલતી રહે જીવનની સફર રોજ…ના કોઈ બોજ..બસ રોજ મોજેમોજ…

શું બધી જ વખતે અને બધામાં કમ્પેરીઝન કરવું જરૂરી જ છે કોઈ એક વસ્તુની મિઠાશ કે કડવાશ માણી ન શકાય

જમવામાં પણ જયારે બે સ્વાદ ભેગા થાય તો આપણને જામતું નથી અથવા તો રોગ થવાની શક્યતા વધી જાય છે. હા, એકબીજા વગર બન્ને અધૂરા છે પણ દર વખતે કમ્પેરીઝન કરવી શું યોગ્ય છે

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૯ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.