Gujarati Writers Space

Sunday Story Tale’s – ચુંદડી

સાંજે એન.જી.ઓ. ને લગતું કામ પતાવીને પાછી ફરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ગામના પાદરે જ લોકટોળું ઉમટ્યું હતું. અને એ જોઈ મેં એ તરફ પોતાની દિશા બદલી. થોડુંક નજીક જતાં ટોળાનીવચ્ચેથી સ્ત્રી અને પુરુષોના જાતજાતના અવાજ કાને પડવા માંડ્યા,

‘મારો સાલીને…’, ‘હું તો કહું છું, એના હાથ-પગ જ તોડી નાંખો ! પછી જુઓ કઈ રીતે માની ચુંદડીને હાથ પણ અડાડે છે !’, ‘હા, હા… આની સાથે તો એવું જ થવું જોઈએ…’, અને એવા બધા અવાજો પાછળ એક સ્ત્રીના રડવાના ડૂસકાં દોરાઈ આવતા હતા. હું મહામહેનતે રસ્તો કરતી ટોળા વચ્ચે પંહોચી, અને મને જે વાતનો ડર હતો એ જ દ્રશ્ય મારી આંખો સમક્ષ હતું. ફરી એક વખત આખેઆખું એ જ દ્રશ્ય મારી ભજવાતું હતું જે મેં એક અઠવાડિયા પહેલા વચ્ચે પડીને અટકાવ્ડાવ્યું હતું.

મને આવેલી જોઈ ટોળા વચ્ચે ગુસપુસ થવા માંડી અને અમુક ધીરેધીરે પોતાનો રસ્તો કરવા માંડ્યા. કાળી – ગામની ત્રીસેક વર્ષની સ્ત્રી, જે ગામ આખામાં ‘ગાંડી’ હોવાના અનુમાન હેઠળ વગોવાઇ ચુકી હતી. અને હમણાં પણ જેને ગામના અમુક સ્ત્રી-પુરુષો ઢોરમાર મારી રહ્યા હતા. એમાંથી જ એક ભાઈએ આગળ આવીને મને ચેતવણી આપતા સ્વરે કહ્યું,

“જુઓ, હવે આ વખતે તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી ! ગયા વખતે તમે બોલ્યા અને આ ભૂંડી બચી ગઈ, તે આજે ફરી માની ચુંદડી ચોરવાની એની હામ ચાલી ! આ વખતે તમે અહીંથી છેટા રહેજો. અમારા ગામનો મુદ્દો અમને અમારી રીતે સંભાળવા દો !”,કહેતાં એ મારી તરફ પીઠ ફેરવી ગયા.પણ હકીકતમાં તો એમને કશું કહેવાની જરૂરત જ નહોતી રહી ! ગયા અઠવાડિયે જે સ્ત્રીને માર ખાતાં જોઈ મેં ગામ આખામાં અણખામણી થવાની બીક નેવે મુકીને એને બચાવી હતી, આજે એ જ સ્ત્રીને એની એ જ ભૂલ ફરી દોહરાવવા માટે મને તેની દયા આવતી હતી. અઠવાડિયા આવું જ દ્રશ્ય જોઈ જે આંખોમાં અંગારા ધખતાં હતાં, આજે એ જ આંખોમાં આંસુ વહી રહ્યા હતા !

“અરે, છોડો એને. મરી જશે બિચારી, છોડો.”, કહેતાં હું એને બચાવવા વચ્ચે પડી. મારા અવાજમાં આક્રોશ નહોતો, આજીજી હતી. એને બચાવવા જતાં મને પણ એક-બે થાપટો પડી, પણ મને વચ્ચે આવી ગયેલી જોઈ લોકોએ એકાએક એને મારવાનું બંધ કર્યું. ઘડીભર લગભગ તદ્દન સુનકારો વ્યાપી ગયો !

“સાલી, આજે ફરી બચી ગઈ…”, કહેતાં એક પુરુષ કાળીના પગ પાસે થૂંક્યો. આ એ જ પુરુષ હતો જેની મેં ગયા વખતે ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, “મરદની મૂછો રાખીને ફરે છે, અને સ્ત્રી પર હાથ ઉઠાવીને તારી મર્દાનગી બતાવે છે !” અને એવા જ આકરા વેણ મેં સ્ત્રીઓને પણ કહ્યા હતા. એક સ્ત્રી બીજી સ્ત્રીને જીવ પર આવીને મારવા લાગે એ કલ્પના જ કંઈક વિચિત્ર છે ! એ વખતના મારા બચાવમાં અને આજના બચાવમાં આભ-જમીનનો ફેર હતો ! એ વખતે મને એની માટે લડી લેવાનું જૂનુન હતું, અને આ વખતે દયા ! ખેર, ગમે તે હોય, મને વચ્ચે પડેલી જોઈ ગામલોકોએ એનો બધો ઉશ્કેરાટ મૌખીક રીતે મારા પર ઠાલવી પોતપોતાના ઘરે જવા રવાના થવા માંડ્યા. ગણતરીની મીનીટોમાં આખું પાદર વેરાન થઈ ગયું. બચ્યા માત્ર હું અને કાળી !

મેં એને ટેકો આપી ઊભી કરી. એની ચીંથરેહાલ થયેલ સાડી સરખી કરવા પ્રયાસ કર્યો. એની આંખો વહેવી બંધ થઈ ચુકી હતી, પણ દુર ક્યાંક શૂન્યાવકાશમાં તાકતી હોય એમ નિષ્પલક એક જ દિશામાં ખોડાઈ રહી હતી.

“ચાલ…”, કહેતાં મેં એને ટેકો આપી ચલાવવા માંડ્યું. થોડુંક ચાલીને અચાનક અટકીને એણે પૂછ્યું, “ક્યાં ?”

“ઘરે. મારા ઘરે.”
“મુજ ગાંડીને તારા ઘેર કાં લઈ જાય. મારે નથ આવવું તારે ઘેર.”
“ભલે ન આવતી. જમીને તારે જ્યાં જવું હોય ત્યાં જજે, બસ !” જમવાનું નામ સાંભળી એની આંખો ચમકી અને એણે મારી લગોલગ ચાલવા માંડ્યું.

ઘરે પંહોચી મેં ઘર ઉઘાડ્યું, અને ખાટલો ઢાળીને એને બેસાડતાં પાણી પાયું. થોડીવાર એની પાસે બેસી રહીને એની પીઠ પસવાર્યા કરી. અને પછી એ જાતે જ પડખે થવા ખાટલે આડી પડી. હું ઊભી થઈને રસોડામાં રસોઈની તૈયારી કરવામાં લાગી. એક તરફ ખીચડી ચઢાવવા મુકી ‘ને બીજી તરફ દહીં વલોવી છાશ બનાવવા માંડી. બહાર નજર કરતાં કાળી જાગતી માલુમ પડી. એટલે એના મનનો તાગ પામવા મેં વાતનું અનુસંધાન શોધવાના પ્રયત્નો આદર્યા. અને મનમાં ઘોળાઈ રહેલો પ્રશ્ન જ હોઠ પર આવી ચડ્યો, “કાળી, તારે ફરીથી એવું નહોતું કરવું જોઈતું ! શું જરૂર હતી ચૂંદડીઓને ફરીથી અડવાની ?” કાળીએ પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો, અને જાણે પ્રશ્ન કાને જ ન પડ્યો હોય એમ હલ્યા વગર પડી રહી.

આમ તો કાળીને લોકો ‘ગાંડી’ ગણતા હતા, પણ હું પોતે હજી અસમંજસમાં હતી કે એ ખરેખર માનસિક રીતે અસ્થિર છે કે કેમ ? અને કદાચ ગામ લોકોની એના પ્રત્યેની ઉપેક્ષાને કારણે જ મને એના પ્રત્યે થોડોક પ્રેમભાવ હતો. અને આમ તો એની તરફથી પણ કોઈને કશી જાતની કનડગત ન પડતી. કોઈ નવા આગંતુકને પણ એણે ક્યારેય હેરાન સુદ્ધાં નથી કર્યા ! પોતાની મસ્તીમાં મસ્ત રહી દિવસ આખો આજુબાજુના ગામોમાં ભટકતી રહે અને સુરજ ઢળ્યે અચૂકપણે ગામને પાદરે આવી પંહોચે. ત્યાં કોઈને કોઈ એને વધ્યું-ખૂટ્યું જમવાનું આપી જાય અને બસ એમ જ એની જિંદગીમાંથી એક દિવસ ઓછો થતો જાય ! પણ એને એક જ ખરાબ આદત… પાદર પાસેના મંદિરવાળા ઝાડ પરથી સાડીઓ ચોરવાની !

નાનામોટા ગામમાં આવા સાડીઓથી લદાયેલા ઝાડ એ એક સામન્ય વસ્તુ છે. એમ જ આ ગામમાં પણ એક એવી માન્યતા કે, પાદર પરના માતાના મઢ પર માનેલી માનતા અચૂક પૂરી થાય જ ! અને બદલામાં દેવીભક્તો માતાને ચુંદડી ઓઢાડવાના ભાગરૂપે ઝાડ પર સાડીઓ લટકાવે, અને જોડે જોડે બંગડી, સિંદુર, ચાંદલા, વગેરેનો શૃંગાર પણ માતાને ચઢે ! અને માત્ર એટલું જ નહીં, સ્ત્રીઓએ આખી જીંદગીમાં પોતે ક્યારેય ન પહેરી હોય એવી મોંઘીદાટ સાડીઓ એ ઝાડ પર ચઢાવે. અને એવામાં આ કાળી એ સાડીઓ ચોરી લઈ ગામ આખામાં પે’રીને ફરતી ફરે તો એનું બીજું થાય પણ શું ?

કોણ જાણે કેમ અને ક્યારથી એને આવી લત લાગી છે. લોકો તો કહે છે કે હું આ ગામમાં આવી એ પહેલાથી જ એ ‘કાળી ચોર’ ના નામથી કુખ્યાત છે ! અને લોકો ભલે એને ખાવાનું પૂરું પાડી દેતાં હોય, પણ ગામ આખામાં એવું એક પણ ઘર નથી જેનો ઉંબરો કાળીએ ઓળંગ્યો હોય ! આમ તો એ અવારનવાર ગામમાં રખડતી નજરે પડતી, પણ ગયા અઠવાડિયાના બનાવ બાદ મારી એના માટેની જીજ્ઞાસા વધી ચાલી હતી. અને એવામાં બાજુવાળા મંજુમાસીએ મારી જીજ્ઞાસાની આગને થોડા ઘણા અંશે ધીમી પાડી હતી. તેમણે કાળીનો ભૂતકાળ ઉખેડતાં કહ્યું હતું કે,

“આ મુઈ આ ગામની ક્યાં ? આ તો બે ગામ છેટેથી અહિયાં પરણીને આવી ! અને શરૂના વર્ષો તો બધું બરાબર ચાલ્યું. ગામ આખું કાળી જેવી વહુ પામવા એના ગામમાં વલખાં મારવા માંડ્યા, એવી તો એણે પોતાની છાપ બનાવી હતી ! પણ ધીરેધીરે એનો સંસાર ડોહળાવવા માંડ્યો ! એનો વર જુગાર, દારૂથી માંડીને કૂટણખાનાં સુધીના રવાડે ચડી ગયો. દિકરાની ચિંતામાં ને ચિંતામાં મા લેવાઈ ગઈ, અને બાપ તો એણે નાનપણમાં જ ગુમાવી દીધો હતો. હવે ઘરમાં બચ્યા માત્ર બે જણ, કાળી અને એનો વર ! કાળીને હતું કે માના ગયા બાદ એનો વર શાંત થઈ સીધા રસ્તે આવી જશે, પણ બન્યું એથી ઊંધું ! એ તો વધારે છુટથી વર્તવા માંડ્યો, અને ઘરમાં ‘બીજી’ ઘાલવાની રટ લગાવી બેઠો ! પછી તો કાળી ને એના વરનો રોજનો બરાબરનો ઝઘડો જામતો. પણ એક રાત્રે કોણ જાણે એ બંધ બારણે એ ધણી-બાયડી વચ્ચે શું ઘાટ ઘડાયો કે, બીજી સવારે કાળી એના વરની લોહી નીતરતી લાશનું માથું પોતાના ખોળામાં મૂકી અટ્ટહાસ્ય કરતી બેઠી હતી ! અને એ દ્રશ્ય એટલું તો ભયંકર હતું કે ગામ આખું એ જોઈ હેબતાઈ ગયું હતું ! બસ, એ દી’ ‘ને આજનો દી’, આજ સુધી કાળીએ ઘરમાં પગ નથી મુક્યો, ‘ને ગામ આખામાં ગાંડાની જેમ બબડાટ કરતી લઘરવઘર ફર્યા કરતી હોય છે !”

‘સીસ્સ્સ…’, કરતાં કુકરની સીટી વાગી અને મારા વિચારોમાં ખલેલ પડી. ખીચડી અને છાશ પીરસી હું કાળી પાસે જઈ બેઠી. મારા કહ્યા વિના જ એણે ખાવા માંડ્યું. હું પણ એને ખાતા જોઈ રહી બાજુમાં બેસી રહી. અને એને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ એ બોલી, “એ સાડીઓ મારી જ છે. માતાને એની કોઈ જરૂર નથી… મને છે !”, કહેતાં એણે એનો ફાટેલો પાલવ છાતી પર સરખો કર્યો.

“તને જરૂર હોય એ સાચું ! પણ આમ કહ્યા વિના થોડી લઈ લેવાય ! એ તો ચોરી…”, હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા જ એણે છાશનો ગ્લાસ કંઈક જોર સાથે નીચે પટક્યો અને બોલી, “માંગવાની મારી આદત નથી ! જમવાનું પણ કોઈ સામેથી આપી જાય કે ખવડાવે તો ખાઉં છું, બાકીને માંગીને ખાવાની બદલે ભૂખ્યાં જ સુઈ જાઉં છું ! અને એ સાડીઓની જરૂર એ ઝાડ કરતાં મારા ડીલને વધારે છે. એકવાર સાડી ચઢાવીને એ લોકો એમાંથી મુક્ત છે, એ બાદ એ સાડીનું શું થાય છે એનાથી એમને શું નિસ્બત ?” એના જવાબ સામે મારે મૌન થઈ જવું પડ્યું. થોડીવારે એકલા એકલા હસતી હોય એમ હસી અને બોલી, “લોકો મને ગાંડી કહે છે, પણ ખરેખર તો એ લોકો ગાંડા છે ! ઝાડને સાડી ઓઢાડીને બહુ મોટું પુન્ય કમાવ્યું હોય એમ મલકાય છે ! અને હમણાં જો હું એ ઝાડ નીચે બેસી અમસ્તી ધુંણવા માંડું તો આનાથી દસ ગણી સારી ચીજો મને માતા સમજીને ભેટે ચઢાવી જાય ! અને જેટલા પણ મને પતિની હત્યારણ કહે છે એ બધા એક જ રાગ ગાતા થઈ જાય કે, ‘સાક્ષાત દેવી અવતાર છે. માં કાલિકાનું રૂપ ધરી રાક્ષસનો વધ કર્યો.’ પણ એમના જેવું દંભી કોણ થાય ?”, કહેતાં એણે છાશનો ગ્લાસ મોઢે માંડ્યો.

“પણ આવું શા માટે કરે છે તું ? અને આવું બધું ક્યાં સુધી ચાલ્યા કરશે ? ક્યાં સુધી એમની માર ખાતી રહીશ ?”

“જ્યાં સુધી એમની શાન ઠેકાણે નહીં આવે ત્યાં સુધી ! એક દી’ તો એમને સમજાશે જ કે એ સાડીઓની જરૂર એ ઝાડ કરતાં મારા ઉઘાડાં ડીલને વધારે છે. અને આવા મારા જેવા તો બીજાય કેટલાંય છે આ મલકમાં. અને તમને એક વાત કહું, આજે જે પુરુષો મને મારીને પોતાની મર્દાનગી બતાવી રહ્યા હતાં, આ એ જ બધા હોય છે જે મારી આ ફાટેલી સાડીમાંથી ડોકાતાં મારા અંગોને ધારીધારીને જોઈ રહેતાં હોય છે. અને કોઈ કોઈ તો ગાંડી ગણી અડપલું કરતાંય નથી અચકાતું. અને તમે જ મને કયો, ક્યારેય મેં શૃંગારને હાથ પણ અડાડ્યો ? મારે તો બસ ડીલ ઢાંકવાથી નિસ્બત ! અને એક દી’ તો એવો આવશે જ જયારે આ બાયુંની આંખેથી અંધશ્રદ્ધાની પટ્ટી ઉતરશે અને કોઈ એકાદના મનમાં માણસાઈનો દીવો પ્રગટશે. અને જે દી’ કોઈ બાઈ ઝાડને સાડી ઓઢાડવાને બદલે મારા ઉઘાડાં ડીલને ઢાંકી જશે એ દી’ આ ભવનું લ્હેણું પૂરું ! પણ ત્યાં લગી તો હું આમ જ કરવાની !”, કહેતાં એ ઊભી થવા ગઈ.

મેં એનો હાથ પકડી લઈ એને બેસાડી દીધી, અને એની આંખોમાં તાકી રહેતાં કહ્યું, “કાળી, મને તું ગાંડી નથી લાગતી !” અને એ એક જ વાક્યથી એની આંખોની હિલચાલ બદલાઈ ગઈ. અને જાણે ઓચિંતું જ કોઈ પ્રેત આવીને વળગી પડ્યું હોય એમ એ જોર જોરથી હસવા માંડી. એનું અટ્ટહાસ્ય એટલું ભયાનક હતું કે મારે બેઠા બેઠા જ બે ડગલા પાછળ સરકી જવું પડ્યું !

એમ જ હસતાં રહી એ ઊભી થઈ અને ઘર બહાર નીકળી. આજુબાજુના થોડાક લોકો વિચિત્ર અવાજો સાંભળી બહાર ડોકાઈ રહ્યા હતા. એમની તરફ જોઈ મારી તરફ આંગળી ચીંધીને બોલી, “આને હું ગાંડી નથી લાગતી. એ ગાંડીને ડાહી હોવાની પટ્ટી પઢાવે છે… હાહાહા, આને હું ગાંડી નથી લાગતી…”, અને એમ જ હસતા રહી એ આંખોથી દુર ચાલી ગઈ. આજુબાજુના લોકોએ મને આંખોથી ઠપકો આપ્યો અને પોતપોતાના ઘરમાં સરકી ગયા.

હું અંદર આવીને સ્ટડી ટેબલ પર ડઘાઈને બેસી રહી ! એક તરફ એનું હાસ્ય કાનોમાંથી ખસવાનું નામ નહોતું લેતું, અને બીજી તરફ મનમાં એની સમજદારી ભરી વાતોના પડઘાં પડ્યા કરતા હતા ! ધ્યાન ભટકાવવા મેં ડાયરી કાઢીને આજનો દિવસ નોંધવા માંડ્યો, અને કાળી સાથેની મુલાકાતને વિસ્તારથી વર્ણવી અંતે ઉમેર્યું, ‘એનું અને મારું કામ એક જ છે, સમાજને સુધારાનો માર્ગ બતાવવાનો. અને એ કહેવાતી ગાંડી સ્ત્રી મારા કરતાં દસ ગણું સારું કામ કરી રહી છે. અમારા કામ કરવાના માર્ગ જુદા છે, અમારી સમજદારી જુદી છે. એની પોતાની માન્યતાઓ પ્રમાણેની એની પોતાની એક આગવી સમજ છે, જે કદાચ આ સમયનું કોઈ પણ માનવી કદાચ જ સમજી શકે. કારણકે, એ પોતાના સમય કરતાં વહેલા જન્મેલા લોકોમાંની એક છે !’ આટલું લખીને મેં ડાયરી બંધ કરી, અને આંખો સામે એક જ પ્રશ્ન વંચાતો રહ્યો કે, ‘ગાંડી એ છે કે અમે ?’

– Mitra ❤

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.