Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati

કૉક કાઢે તે પહેલાં જ ખસવું જરૂરી છે.

જેમ ફોટો પડાવતાં ટાણે હસવું જરૂરી છે.
તેમ cctv માં ય સદા મલકવું જરૂરી છે.

સમયે સમયે બીજાને તમે આપજો તક,
કૉક કાઢે તે પહેલાં જ ખસવું જરૂરી છે.

ભરી રાખશો પીડાઓ મનમાં તો મરશો,
વાર તહેવારે ખાનગીમાં રડવું જરૂરી છે.

જો બનશો પાર્થ તો મળી જ જશે કૃષ્ણ,
વાત સાચી હોય ત્યારે લડવું જરૂરી છે.

આ મારું આ તમારું કરશો ક્યાં લગણ?
ફળ તો ફળ છે એને તો ફળવું જરૂરી છે.

ટોચ પર હો ત્યારે જ લઈ લેજો નિવૃત્તિ,
ક્યારેક ભરી વસંતે ય ખરવું જરૂરી છે.

કશું ના કરી શકો તોય બનજો જટાયુ,
રાવણો ને જાન જોખમે નડવું જરૂરી છે.

~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.