Gujarati Writers Space

બુકર પૂરાણ

ગુજરાતમાં જે પ્રમાણે કુમાર મેગેઝિન, જેમાં તમારી વાર્તા છપાય એટલે તમે સાહિત્યકાર તરીકે સ્થાપિત થઈ જાઓ. તમારા મૂળિયા મીઠા જળના હોવાનું ખેડૂત એટલે કે એડિટર માપી લે. તેવું પેંગ્વિનમાં પણ છે, પેંગ્વિન તમારી બુક છાપે એટલે રાઈટરનો સળગતો સિક્કો તમારા માથમાં બેસી જાય. અમુક અપવાદોને બાદ કરતા. આવુ કેટલાક અંશે બુકર પ્રાઈઝમાં પણ લાગુ પડે. તમે બુકર જીતો એટલે તમે ક્લાસિક રચના આપનારા સાહિત્યકારમાં તો નહીં, પરંતુ તેનાથી નીચે પણ નહીં તેવા સાહિત્યકારમાં તમારી ગણના થવા માંડે. બુકરમાં નોમિનેશન મળે અને તમે જીતો કે ન જીતો પણ નોમિનેશન મળે એ તમારા માટે મોટી વાત હોય છે. અત્યાર સુધી બુકરના જજ કેવી રીતે પુસ્તકોનું મુલ્યાંકન કરે છે, તેની નજીવી બાબતોનો મને ખ્યાલ આવી ગયો છે. જેમ કે તમારી બુક ઈતિહાસને થોડી ઘણી રિલેટેડ હોવી જોઈએ. ભારતની નબળાઈ આંકો તો વધારે સારૂ. 500થી વધારે પેજ ધરાવતી હોવી જોઈએ એટલે સામાન્ય વાચક વાંચે તો તે પૂરી ન કરી શકે. અને રિજનલ ભાષામાં અનુવાદકો પણ માથુ પછાડે ! અઘરૂ અંગ્રેજી વાપરવાનું જેના કારણે વાચકની મનોદશા ખરાબ થઈ જાય. હ્યુમર બુક હશે તો ઓછી પસંદ કરી શકાશે સિવાય કે હાર્વડ જેકબ્સન. બુકર વિજેતા રાઈટરની બુક તો તુરંત નોમિનેટ કરી જ દેવાની. કારણ કે તેનાથી આગલા જજનું માન સચવાય.

તમને મેં આ લગાવેલા તુક્કા લાગતા હશે, તો ભૂતકાળમાં જોઈ આવો. મેં કંઈ ખોટું કહ્યું નથી. ક્રોસવર્ડ કે એવી જગ્યાએ જઈ અભ્યાસ કરી આવો.

2014થી તો બુકર તમામ દેશના અંગ્રેજી લેખકોને અથવા અંગ્રેજીમાં અનુવાદિત થયેલી કૃતિને આમંત્રિત કરે છે. આ પહેલા એવો સિરસ્તો કે નિયમ હતો કે તમારે એક સમયે ઈંગ્લેન્ડના તાબા હેઠળ હોવું જરૂરી હોય. એટલે સારો લેખક પણ એ વિચારે કે મારો દેશ શા માટે ઈંગ્લેન્ડનો ગુલામ નહતો. એટલે કે… તમે કોમનવેલ્થ રાષ્ટ્રમાં હોવા જરૂરી છો. હવે તો આ એડી પણ ભાંગી ગઈ છે, એટલે કોમનવેલ્થવાળુ નીચા પગ કરીને ચાલે છે. 1969માં જ્યારે બ્રિટન દ્વારા બુકરની શરૂઆત કરવામાં આવી ત્યારે પી. એચ. નેબ્યુ પ્રથમ વિજેતા બન્યા હતા. જેમની અંગ્રેજી બુકનું નામ હતું સમથીંગ ટુ આન્સર ફોર. જેઓ ઈંગ્લેન્ડના જ હતા. તો પણ નેબ્યુ જેવા તેવા લેખક નહતા. નેબ્યુએ 23 નવલકથાઓ લખી હતી. પણ તેમની દાળ બુકરથી ગળી અને વિકીપીડિયામાં તેમનું પેજ બન્યું. બાકી નેબ્યુને ઈંગ્લેન્ડના ક્રોવબ્રોઘ શહેર સિવાય કોઈ ઓળખતું નહોત.

બુકરમાં અત્યારસુધી ઘણા લોકો પોતાના વિજયનો ઝંડો લહેરાવી ચૂક્યા છે, પરંતુ આઈરિશ મુર્ડોક, કિંગ્સલે એમિસ, વિલિયમ ગોલ્ડિંગ, સલમાન રશ્દિ, કુઝો ઈશિગુરો, લેન મેકવેન, અને માર્ગારેટ એટવુડ જેની બ્લાઈન્ડ અસેસિનેશન કાફી પોપ્યુલર થયેલી તેવા લેખકો દુનિયાભરમાં પોપ્યુલર છે. બાકી હું તમને ભારતનો વારો આવશે એટલે એક લેખકનું નામ આપીશ. એ ભાઈ નોમિનેટેડ થયેલા પણ તમે સાહિત્યના ‘ખા’ હોવા છતા તેને નહીં ઓળખી શકો. (છેલ્લેથી આગલો ફકરો)

2009માં જ્યારે મને બુકરિયો વાંચવાનો ચસ્કો લાગ્યો ત્યારે તેમાં હિલેરી મેન્ટલનો બહુમુલ્ય ફાળો હતો. તેણે મારી અંદર બુકરના બીજનું પ્રત્યારોપણ કર્યું. હિલેરી મેન્ટલની ત્યારે વુલ્ફ હોલ નામની બુક આવેલી. જેમાં તેણે બ્રિટનના રાજકીય ઈતિહાસને ઊપન્યાસમાં ઢાળ્યો હતો. હિલેરીની આ સિવાય 2012માં બ્રિંગ અપ ધ બોડીસ આવી. જે આ વુલ્ફ હોલની સિક્વલ હતી. જેમ ફિલ્મોની સિક્વલ હિટ નથી જતી તેવું બુકરમાં નથી. બ્રિંગ અપ ધ બોડીસ માટે પણ હિલેરી બુકર તાણી ગયા. આ સિવાય નોબેલ પ્રાઈઝ વિનર અને મારા ફેવરિટ જે.એમ.કોટીઝ પણ બે વાર બુકરને ઘેર લઈ જઈ ચુક્યા છે. લાઈફ એન્ડ ટાઈમ ઓફ માઈકલ કે (કેન) અને ધ ડિસગ્રેસ માટે. તેમાં મેં ડિસગ્રેસના થોડા પાના ઊલટાવેલા છે. જે પછી માથુ દુખવા માંડ્યું એટલે કામ પ્રગતિ પર હૈ… અને પીટર કેરી… ઓસ્કર એન્ડ લ્યુસિન્ડા અને ટ્રુ હિસ્ટ્રી ઓફ કેલી ગેંગ માટે ઢસડી ગયા. હવે હાલ તો લોકો એવું માની રહ્યા છે કે અરૂંધીતી રોય બીજીવાર બુકર લઈ જશે !

બુકરના ઈતિહાસમાં એક વખત એવુ બન્યું કે કોઈ કારણોસર અને પૈસાની તંગીના કારણે બ્રિટનના બુકરમાં 1947 જેવી સાહિત્યમાં ભારેલા અગ્નિની પરિસ્થિતિનું નિર્માણ થયું. બ્રિટન પાછુ કડકુ થઈ ગયું એટલે તે વર્ષે બુકરનું આયોજન ન કરી શકાયું. પરંતુ 2008માં બુકરના માનદ્દોએ નક્કી કર્યુ કે હા, મિસિગ બુકરનું આયોજન તો કરવું પડશે જ. એટલે 2008માં 1970ના નોમિનેશનની કૃતિઓ મંગાવવામાં આવી. તે વખ્તે એક કૃતિ ભારતીય બેકગ્રાઊન્ડ ધરાવતી હતી. ઊપરથી આયોજનમાં કોઈ કચાસ ન રહી જાય માટે 1970ના જજને જ લેવામાં આવ્યા. નોમિનેટેડ રાઈટરની માહિતી તો તમને ઈન્ટરનેટ પર મળી જશે. પણ જે માણસ જીત્યો તેનું નામ હતું જે.જી.ફેરવેલ અને બુકનું નામ હતું સાઈઝ ઓફ ક્રિષ્નાપૂર. જેમાં 1857ના બળવાની વાત હતી. હવે ભારત અને ફેરવેલની વાત ક્યારેક પછી…

હવે 2005માં આવીએ. ત્યારે બુકરવાળાઓએ નક્કી કર્યું કે મેન ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ આપવું જોઈએ. જેની ખાસિયત દુનિયાના કોઈપણ ખૂણે વસવાટ કરતા અને વિચરતી જાતિમાં પોતાનું સ્થાન ધરાવતા લેખકોને કોઈ અમીર અનુવાદક ટ્રાંસલેન્ટ કરે, તો આ ગરીબનું નામ થઈ જાય. ઈસ્માઈલ કાદરે… કોઈ દિવસ આ બંદાનું નામ સાંભળ્યું છે ? ઓકે… આ એક અલેબિયન લિટરેચર રાઈટર છે. જેને બુકરે માન આપેલું. તો પણ આ ઈન્ટરનેશનલ પ્રાઈઝના કારણે પ્રસિદ્ધિના શિખરો પર ચઠ્યા એલિસ મુનરો, ચિનુબા જેવા લેખકો આ લિસ્ટમાં છે. જેમાં ભારતમાંથી આશાપૂર્ણાદેવીનું નામ પણ ગયેલું અને અમિતાવ ઘોષ તો પોતાની ibis ટ્રાયોલોજી માટે હતા જ. પણ હવે સફારીની જેમ એક સવાલ પૂછું ! આશાપૂર્ણાદેવી સિવાય હજુ એક લેખક હતા જેમની કૃતિઓ પ્રાદેશિક ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદિત થઈ, તેઓ નોમિનેશન પામ્યા અને કુશળતા પૂર્વક હાર્યા. આ લેખકનું નામ શું ?

હવે એવા ત્રણ લેખકો પણ છે, જેમણે બુકર પણ જીત્યો હોય અને નોબેલ પણ. એક તો ઊપર વાત કરી જે.એમ. કોટીઝ બીજા નાડિન ગોડમિર અને ત્રીજા વી.એસ.નાયપોલ. જેમણે આખા ભારતને પાને પાને ઊતારી દીધુ.

1969થી બુકર મળે છે. એકવાર ખાડો પડ્યો તો 2008માં પૂર્યો પણ ખરો, આમ છતા, બુકરમાં જેટલી સાહિત્યની રચના થાય છે, તેટલી ફિલ્મો નથી બનતી. છેલ્લી બુકર કૃતિ પરથી બનેલી ફિલ્મ સલમાન રશ્દિની મીડનાઈટ ચિલ્ડ્રન હતી. જેને ક્રિટિક્સે ધમરોળી નાખેલી. તો પણ મૃત્યુ પેલા જોવા જેવી લિસ્ટમાં સામેલ સિન્ડલર્સ લિસ્ટ, ધ ઈંગ્લીશ પેશન્ટ, ધ રિમેન્સ ઓફ ધ ડે. જેવી ગણીગાઠી ફિલ્મો બની છે.

હવે ભારત. હું લિસ્ટ નહીં કહું કે કોણ, ક્યારે, કેમ, કેવી રીતે, જીત્યું. પણ સલમાન રશ્દિને બુકરમાં સૌથી વધારે નોમિનેશન મળ્યા છે. ચાર વખત નોમિનેશન… ! મિડનાઈટ ચિલ્ડ્રન માટે તો તેઓ જીત્યા. ઊપરથી જ્યારે બુકર ઓફ બુકરનો વારો આવ્યો (અત્યાર સુધી બુકરમાંથી કઈ સર્વશ્રેષ્ઠ પુસ્તક છે એવું) ત્યારે બે વાર રશ્દિની મિડનાઈટ ચિલ્ડ્રન જીતી ચુકી છે. અરૂંધીતી રોય પ્રથમ મહિલા જેણે જીત્યો. તો કિરણ દેસાઈની માતા અનિતા દેસાઈને ત્રણવાર નોમિનેશન મળ્યું પણ જીત્યા એક પણ નહીં જે સપનું દિકરીએ પૂરૂ કર્યું. ઈનહેરીટેસ ઓફ લોસ…. આ સિવાય કમનસીબ લેખકોમાં અમિતાવ ઘોષ જેમને શેડો લાઈન્સ (ગુજરાતીમાં છાયારેખા) માટે અને તેમની ટ્રાયોલોજી માટે નોમિનેશન મળેલા પણ કોઈવાર જીતતા નથી. નસીબ નહીં પરંતુ દરેક વખ્તે પ્રતિદ્વંદ્ધી ટક્કરનો આવી જાય છે. આ સિવાય નીલ મુખર્જી પોતાની અદભૂત શૈલીના કારણે ઓળખાય છે. તેમની પાસ્ટ કન્ટીન્યુસ એકવાર તો વાંચ્યા જેવી છે. 2014માં તેમને ધ લાઈવ્સ ઓફ અધર્સ માટે નોમિનેટ કરેલા. બ્રિટન અને ભારતીય મૂળના લોકોએ પણ બુકર માટેનો વિજેતા નીલને ગણી લીધો હતો. પણ જજીસને હાર્વડ જેક્બસનની ફિંન્કલર ક્વેશ્ચન ગમી ગઈ. અને નીલનું પત્તુ કપાઈ ગયું. ત્યારે બ્રિટને હોહો કરી મુકેલી. અને લોકોનો બુકર પરથી વિશ્વાસ પણ ઊઠી ગયેલો. રોહિન્ટન મિસ્ત્રીએ અત્યારસુધીમાં ત્રણ નોવેલ લખી છે, સચ અ લોંગ જર્ની, ફાઈન બેલેન્સ અને ફેમિલી મેટર્સ અને મારા સાળાને ત્રણેવાર નોમિનેશન મળી ગયું, પણ જીત્યો નહીં. 2008માં તો અરવિંદ અડિગાએ ધમાલ મચાવી દીધેલી. વ્હાઈટ ટાઈગર જેનો ગુજરાતી અનુવાદ પણ સુંદર થયેલો. આ બુક વાંચીને થયેલું કે આને બુકર કહેવાય ! અને હવે એ લેખક જેને તમે ઓળખતા હો તો ? જેની મેં આ કચરાછાપ લેખમાં આગળ રજૂઆત કરી ‘જીત થાયીલ’ (Jeet Thayil) કોઈ દિવસ નામ સાંભળ્યું છે. 2012માં નાર્કોપોલિસ નામની કિતાબ માટે તેમને નોમિનેશન મળેલું. જેમાં તેણે મુંબઈ અને ડ્રગ્સની કહાનીઓને વર્ણવેલી. હકિકતે તમે નામ સાંભળ્યું જ નહીં હોય… ખોટું ના બોલતા….

હવે 2017 આવી ગયો છે. બ્રિટને આ રૂડા અવસરે થોડી બુક્સની જાહેરાત કરી છે. તમારે વેબસાઈટમાં જોઈ લેવાનું કે આ દુનિયામાં આપણા સિવાય કેટલા નવા લેખકો છે, જેમાં ભારતનો પણ કોઈ અજાણ્યો મુશ્ટંડો જીતી આવે તો નવાઈ નહીં, પણ આ વખતે તો બધા અરૂંધીતી અરૂંધીતી કરે છે… તો આ બાઈ બીજીવાર જીતી પણ જાય… અને હા, ઈન્ટરનેશનલ મેન બુકરનો વિજેતા ઘોષિત થઈ ગયો છે.

~ મયુર ખાવડું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.