Gujarati Writers Space

Sunday Story Tale’s – લહુ

“અરે આવ આમીર આવ… બેસ જોડે જમવા !”, ડાયનીંગ ટેબલ પર બેસી રહી, મેં ઘરમાં પ્રવેશી રહેલા આમીરને આવકાર આપતા કહ્યું.

“અરે નહીં… નહીં, આપ લોગ ઇત્મીનાન સે ખાઈએ. હું તો ઘરેથી જ જમીને આવ્યો છું.”, આમીરે મારા પપ્પાથી નજરો ચુરાવતા કહ્યું.

“અરે તો શું થયું ? આવીને જોડે બેસ અને જે થોડું ગમે એ લેજે.” મમ્મીએ તેને ખુરશી ખેંચી આપી બેસવા માટે આગ્રહ કરતાં કહ્યું, “આજે તારા કાકાની તબિયતની ગાડી ફરી પાટે ચઢવાની ખુશાલીમાં એક નાનકડી પાર્ટી જેવું રાખ્યું છે ! બધાય ઘર ઘરના જ છીએ…”

“હાં, અહીં અમે બધા ઘર ઘરના જ છીએ !”, પપ્પાએ ‘અમે’ પર થોડુંક વધારે જોર આપી આમીરના ત્યાં બેસવા પર નારાજગી દર્શાવતા કહ્યું. પપ્પાની વાતથી આમીરને લાગી આવશે એમ ધારી એનું ધ્યાન ભટકાવવા ભાભીએ તેની થાળીમાં ગુલાબજાંબુ, પુલાવ વગેરે પીરસવા માંડ્યું.

આમીર અને હું હાઈસ્કુલથી જોડે ભણતા. એ અને બીજા અન્ય દોસ્તો પણ મારા ઘરે આવીને જ વાંચતા. સમય જતા બીજા બધા તો છુટા પડતા ગયા, પણ મારો અને આમીરનો જોડે વાંચવાનો સિલસિલો સેકન્ડરીથી માંડી, હાયર સેકન્ડરી – સાયન્સ, બેચલર અને માસ્ટર્સ સુધી અકબંધ રહ્યો છે.

આજે પણ એ મારા ઘરે વાંચવા જ આવ્યો છે, અઠવાડિયામાં જ અમારે માસ્ટર્સની પરીક્ષાઓ આપવાની છે, અને પછી કદાચ ઈન્ટરવ્યું પણ જોડે જ આપવા જઈશું. આમ તો આમીર ખુબ જ મળતાવડો જીવડો, ગમે એને મળે એને દસ મીનીટમાં પોતાનામાં ભેળવી દે. પણ પપ્પાના કેસમાં એ વાત લાગુ ન પડી શકે. કોણ જાણે કેમ, પપ્પાને આમીરથી એટલો વાંધો શા માટે છે… કદાચ એના ધર્મના કારણે જ !

“તો ચચ્ચા, હવે કેમ છે તમારી તબિયત ?”, આમીરે પપ્પાથી નજરો ચુરાવતા રહી પૂછ્યું.

“હા, ઠીક છે હવે !”, પપ્પાએ પણ સાવ જ ઉડાઉ જવાબ આપ્યો.
“આમીર, તને તો ખબર જ છે તારા કાકાની હાલત કેવી થઇ ગઈ’તી !”, મમ્મીએ પોતાની આદત મુજબ જ આદિથી અંત સુધીની વાત કહેવી શરુ કરી, “કોણ જાણે કોણ અને ક્યારે એમને ગાડી અથડાવીને ચાલ્યું ગયું… અને લોહી તો એટલું બધું વહી ગયું કે ન પૂછો વાત ! અને અમને તો છેક બે કલાક બાદ હોસ્પિટલથી ફોન આવ્યો ત્યારે ખબર પડી. પછી તો હું, તારા ભાઈ, આ તારો ભાઈબંધ, બધાએ જ દોટ મુકી હોસ્પિટલ તરફ. અને સદનસીબે એ જ હોસ્પિટલ હતી જ્યાં તારી ભાભી નર્સની જોબ કરે છે. એની ડ્યુટી આવી અને એણે જે તે ડોક્ટર સાથે સલાહ-મસલતો કરી લીધી. અને ડોકટરે પણ સ્ટાફના પરિવારનું પેશન્ટ હોવાથી વિશેષ કાળજી લીધી. અને ભગવાન ભલું કરજો એ બંદાનું, જેણે અમારા આવા સંકટ સમયે પોતાનું લોહી આપીને આમનો જીવ બચાવ્યો ! તને ખબર છે, એક તો આમનું બ્લડ ગ્રુપ એકદમ રેર, અને એમાંય બ્લડ બેંકમાં એ ગ્રુપનું લોહી મળે જ નહીં ! અને બીજી તરફ એમનું લોહી અટકવાનું નામ જ ન લે… એવામાં જીવ અદ્ધર ન થઇ જાય તો શું થાય, હેં ?”

“બસ હવે, બહારના લોકોને બધું જ કહી સંભળાવવાની કોઈ જરૂર નથી.”, પપ્પાએ મમ્મી પરની નારાજગી જતાવતાં એને ચુપ થઈ જવા કહ્યું.

એ સાંભળી આમીરનો પુલાવ ખાતો હાથ એકદમથી અટકી ગયો. બીજી જ સેકન્ડે એ ખુરશીમાંથી ઉભો થઈ પોતાના ચોપડા ઉઠાવી સડસડાટ મારા રૂમ તરફ આગળ વધી ગયો, અને જતા જતા મને કહેતો ગયો, “હું અંદર જઈને વાંચું છું, તું પછી આવ નિરાંતે !”

“અરે પણ આ ગુલાબજાંબુ…!”, મમ્મીએ એને રોકતા કહ્યું, પણ ત્યાં સુધીમાં એ રૂમમાં પણ ઘુસી ચુક્યો હતો.

“શું તમે પણ, બિચારા છોકરાનું દિલ દુખાવી દીધું…”
“તને એની માટે બહુ લાગણી આવે છે કેમ ?”
“હા તો આવે જ ને… મારે જેમ મારા બે દીકરા એવો જ મારો આમીર !”
“ખબરદાર જો એ ઈંડા-મરઘી ખાવાવાળા ખૂનને મારા દીકરાઓ સાથે સરખાવ્યો છે તો…”
“પપ્પા, કોઈનું ભોજન કેવું હોવું જોઈએ એ એની પોતાની અંગત પસંદગીનો વિષય છે.”, આટલી વખતથી ચુપ ઊભા ભાભીએ આમીરનો પક્ષ લેતા કહ્યું.

“વહુ, તમે આમાં ન પડશો. તમને ખબર નથી આ લોકો કેવા હોય છે !”
“કેવા હોય છે એટલે ? એ પણ માણસ છે અને આપણે પણ.”
“પણ આપણા લહુ ચોખ્ખા છે.”
“એ વિષે તમે ન જ જાણો એ જ તમારી માટે બહેતર રેહશે…”, ભાભીએ બોલવામાં જરાક છુટ લેતા કહ્યું.

“શું ? શું કહ્યું ?”
“કંઈ નહીં પપ્પા, ભાભીથી ભૂલમાં બોલાઈ ગયું, જવા દો એ વાત…”, મેં ભાભી તરફ જરાક આંખથી ઈશારો કરતા વાત આટોપતા કહ્યું. પણ થયું તો કંઈક અવળું જ.

ઊપરથી મારી એ હરકતથી ભાભી વધારે ઉશ્કેરાઈ ગયા, અને મારી તરફ જોતા બોલ્યા, “ના, આજે તો મને કહી જ દેવા દે. જુઓ, સાંભળો પપ્પા… આ જેને તમે હમેશાં પારકો ગણીને અવગણી કાઢો છો ને, એ હતો એટલે જ આજે તમે અમારી વચ્ચે છો….”

“વહુ આ બધું શું બોલી રહી છે ?”, પપ્પાએ મારી તરફ જોતા કહ્યું.
“ભાભી, પ્લીઝ…”, મેં વાત આટોપવા કહ્યું. કારણકે હું નહોતો ઈચ્છતો કે પપ્પાને એ વાતની ખબર પડે અને એમને કોઈ જાતનો પસ્તાવો કે ખરાબ લાગણી થાય. પણ ભાભીને જે વાત કહેવા ના કહી, એ જ એમણે કહી દીધી.

“જો તમને યાદ હોય તો, એ સાંજે તમને અરજન્ટ લોહીની જરૂર હતી, અને ક્યાંય લોહી નહોતું મળી રહ્યું, ત્યારે ક્યાંકથી એક અજાણ્યો ફરિશ્તો આવ્યો અને એણે લાઈવ બ્લડ ડોનેટ કર્યું, અને છેક ત્યારે જઈને તમારો જીવ બચ્યો. અને યાદ છે, એ બંદાએ એક વિચિત્ર શરત મૂકી હતી, કે હું ડોનેશન કરીશ, પણ મારો ચહેરો કોઈને નહીં બતાવું. અને એટલે જ બે પલંગ વચ્ચે પડદો લગાવી એ બધું પાર પાડવામાં આવ્યું’તું. અને એ નેક ફરિશ્તો બીજો કોઈ નહીં ખુદ આમીર પોતે હતો ! જયારે તમને તમારા પોતાના ખૂન એવા તમારા બેય દીકરા કામમાં ન આવી શક્યા ત્યારે એ જ પારકાએ તમારો જીવ બચાવ્યો હતો !”

“મારી રગોમાં આમીરનું ખૂન…!”, પપ્પાએ ભાવ ન કળી શકાય એવા સ્વરે કહ્યું.
“હા… અને આ વાત માત્ર હું, આમીર અને દિયરજી જ જાણતા હતા. અને આમીરની એવી વિચિત્ર શરત પાછળનું કારણ પણ અજબ હતું. એને ખબર હતી કે જયારે તમને ખબર પડશે કે તમારી રગોમાં પારકા ધર્મનું લોહી ફરી રહ્યું છે ત્યારે તમે શું નું શું કરી બેસસો… પણ તમે જે હદે આમીરને ઉતારી પાડો છો, એને નીચો બતાવો છો એ જોતા આજે મારાથી આ વાત કહ્યા વિના રેહ્વાયું નહીં. જો એ દિવસે આમીર ન હોત, તો આજે તમેય ન હોત !”

ઘડીભર માટે ડાયનીંગ ટેબલ પર સન્નાટો છવાઈ રહ્યો. પપ્પા કંઈક વિચારમગ્ન અવસ્થામાં થાળીમાં તાકતા બેસી રહ્યા. થોડીવારે ઉભા થઈ મારા રૂમ તરફ ચાલ્યા. અમે સૌ પણ તેમની પાછળ ચાલ્યા. રૂમનું બારણું સહેજ ખસાવી તેમણે અંદર નજર કરી. અંદર આમીર પલંગ પર પડી રહી ધીરે ધીરે ડુસકા ભરતો હતો. એમણે અવાજ કર્યા વિના બારણું ખોલી અંદર પ્રવેશ કર્યો. હું, ભાભી, મમ્મી, બધા બારણે ઉભા રહ્યા.

અંદર જઈ પપ્પાએ હળવેકથી આમીરની પીઠ પર હાથ ફેરવ્યો. એ સ્પર્શથી આમીર સફાળો બેઠો થયો, અને આંસુ છુપાવતા બોલ્યો, “ચચ્ચા તમે ? કંઈ જોઈએ ?”

પપ્પાએ કંઈ પણ જવાબ આપ્યા વિના એનો હાથ ખેંચી એના હાથના સાંધા પાસેની નસ પાસે દેખાતું પંચર જોયું, અને એને ગાલ પર હાથ ફેરવતા કહ્યું,

“શુક્રિયા આમીર… તેં મને ખોટો પાડ્યો ! તેં સાબિત કરી આપ્યું કે લોહીનો પર્યાય માત્ર લોહી જ હોઈ શકે, પછી ચાહે એ પોતાનું હોય કે બીજાનું !”

– Mitra ❤

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.