Gujarati

બકુલ ત્રિપાઠીની સચરાચરમાં : વાત એક ટાઇમલેસ ક્લાસિકની 

ઓછી ઉંચાઇ, પણ આભ જેવી પ્રતિભા, સતત હસતો ચહેરો, ચહેરા પર અણનમ રહેતો પ્રસન્નતાનો ભાવ, વિદુષકમાં ખપી જાય તેવું વર્તન અને મજાક કર્યા કરવાની જન્મજાત આવડત. સાહિત્યના આ તમામ બાહ્ય લક્ષણ એક જ વ્યક્તિમાં હતા અને તેમનું નામ બકુલ ત્રિપાઠી. બકુલ ત્રિપાઠી જ્યારે નાક પર લાલ કલરનું ટપકું મુકે ત્યારે અદ્દલ જોકર જેવા ભાસતા હતા. પોતાના આ બાહ્ય દેખાવની જાણ હોવાથી જ તેમણે ‘વિદૂષકની આંખમાં આંસુ’ જેવું પુસ્તક અને તેના કવરપેજ પર પણ રડતા વિદુષકની તસવીર મુકી હતી. જોકે એ પુસ્તક અંગત રીતે નથી ગમ્યું. બકુલ દાદાએ ઘણું લખ્યું. જેટલું લખ્યું તેટલું હાસ્ય પર હતું એ આનંદની વાત છે. હાસ્યમાં જે સારી અને લાઇબ્રેરીમાં મુકવા ગમે તેવા પુસ્તકોમાં, બકુલ ત્રિપાઠીના બે પુસ્તકોનો સમાવેશ થાય છે. એક તો ગોવિંદે માંડી ગોઠડી અને બીજી સચરાચરમાં.

આ તો ગુજરાત સરકારના કારણે બકુલ ત્રિપાઠીની સેન્સ ઓફ હ્યુમરનો વિદ્યાર્થીઓને પરિચય થયો. બાકી પાઠ્યપુસ્તકોમાં હાસ્ય એટલે જ્યોતિન્દ્ર અને રમણભાઇ નીલકંઠ સિવાય કોઇને સ્થાન નહોતું. 1991-92ની સાલમાં જન્મેલા વિદ્યાર્થીઓ અચૂક તેમના હાસ્યનિબંધ ‘ક્રિકેટના કામણ’ હેઠળથી પસાર થયા હશે. એ સમયે અમારી સ્કૂલમાં તો કેટલાક વિદ્યાર્થીઓ એ નિબંધ ભણવા માટે નાપાસ થઇ રહ્યા હોવાનું અમારા સાહેબને લાગતું હતું. જોકે એ પાઠ ભણીને આગળ વધી ગયેલા મિત્રોમાંથી કેટલાએ બકુલ ત્રિપાઠીની અન્ય કૃતિઓ વાંચી ?

પાઠ્યપુસ્તકના પાઠનો અભ્યાસ કરીને ‘ફલાણા સંગ્રહમાંથી’ આમ વાંચ્યા પછી જો વિદ્યાર્થીમાં એ સંગ્રહ મેળવવા માટેની ઉત્તેજના જાગૃત થાય તો સમજવું લેખક સફળ થયો છે અને તેણે પોતાનો અનુગામી આપવાની દિશામાં યોગ્ય પગલું ભરી સાહિત્યની ખરા અર્થમાં સેવા કરી છે.

સચરાચરમાં એ બકુલ ત્રિપાઠીની આસપાસનાં જીવન પર બનેલી ઘટનાઓનો કટાક્ષ કરતો સંગ્રહ છે. તેમાં અનામી પાત્રો છે, અને ખૂબ ઓછા શબ્દોમાં, પચ્ચીસ પાનાની વાર્તા કરતાં વાંચકને જલ્દી મળી જતો બોધ છે. સમાજની રોજબરોજની ક્રિયા અને તેનાથી છૂટકારો મેળવવાની તાસીર આમ તો અણગમો લેખકે રસાળ શૈલીમાં નિરૂપ્યો છે. ઓછા શબ્દો, સરળ અને રસાળ શૈલી, કટાક્ષનું બેલેન્સ અને લેખકની આસપાસ બનતી ઘટનાઓનો તાર્કિક મુદ્દાઓ સાથેનો આ પીચ રીપોર્ટ છે. હાસ્યમાં બેલેન્સ રાખવાનું કોઇ બકુલ ત્રિપાઠી પાસેથી શીખે. તેઓ સમાજ પર પણ કટાક્ષ કરતા જાય અને વચ્ચે વચ્ચે પોતાના પર પણ રમૂજના એક-બે બાણ મારી લે. વિનોદ ભટ્ટે આંગળી ચીંધ્યાનું પૂણ્ય પુસ્તક લખ્યું છે તે મુજબ બકુલ ત્રિપાઠી એક આંગળી સામેની તરફ કરી ત્રણ આંગળી પોતાની તરફ કરવામાં આવી છે તેવું વાંચકોને સમજાવી દે છે.

સચરાચરમાં કૃતિના પ્રથમ નિબંધમાં લેખકે ભૂલવાની ક્રિયા પર પ્રકાશ પાડ્યો છે. કોઇનું કંઇ ખોવાયું છે ? નામના આ નિબંધમાં લેખકે માનવની વર્તુણકને ઉજાગર કરી છે. લેખક નોંધે છે કે, ‘માણસ પાસે મગજ હોવા છતા તે ઘણું બધું ભૂલી આવે છે ખોઇ આવે છે. છતા સામેની વ્યક્તિને કહે છે, મગજ ક્યાં છે તારું ?’ બકુલ ત્રિપાઠીના સમયમાં રૂમાલનો ઉપયોગ વધુ થતો. એટલે તેમણે રૂમાલને કેન્દ્રસ્થાને રાખી સમગ્ર વિષયનું પોસમોર્ટમ કર્યું છે. પોસમોર્ટમમાં જેમ લિવર-કિડની-જઠર હોય તેમ લેખક રૂમાલ બાદ અન્ય વિષયો પર પણ ત્રાટકે છે. માત્ર શરીરની રચના નથી સમજાવતા. તેમની રમૂજનો એક નમૂનો જોઇએ.

‘’ચશ્મા પહેરનારનો તો હંમેશ અનુભવ છે કે ચશ્માંને પણ રૂમાલની જેમ ખોવાઇ જવાની ટેવ છે. અને એ લોકોની તો વધારાની મુશ્કેલી એ હોય છે કે ખોવાયેલાં ચશ્માં પણ એમને તો ચશ્માંની મદદ વગર જ શોધવાના હોય છે ! એક પ્રોફેસરની વાત મેં ક્યાંક વાંચી’તી. એ ચશ્માની ત્રણ જોડ રાખતાં. એટલે એમને કો’ક જીજ્ઞાસુએ પૂછ્યું : ‘આ તમે ચશ્માંની એક નહીં બે નહીં અને ત્રણ ત્રણ જોડ રાખો છો, એનું કંઇ કારણ બારણ ખરું ?’

‘ખરું સ્તો.’ પ્રોફેસરે જવાબ આપ્યો, ‘એક જોડ તો નજીકની વસ્તુઓ જોવા માટે અને બીજી દૂરની ચીજો જોવા માટે.’

‘પણ ત્રીજીની શી જરૂર ?’

પેલી બે જોડ ખોવાઇ જાય ત્યારે એને શોધી કાઢવા માટે.’’ (કોઇનું કંઇ ખોવાયું છે-2)

બે એક વર્ષથી થીએટરમાં રાષ્ટ્રગાન ગાવાના મુદ્દા વિશે આપણે ઉહાપોહ કરી રહ્યા છીએ. કારણ કે આપણી જનતાના મગજમાં થીએટર એ મનોરંજનનું સાધન છે. આપણા આર્ટ ફિલ્મમેકરો કહી ચૂક્યા છે કે ફિલ્મોને મનોરંજનથી દૂર રાખવું. તેમ સુરેશ જોષીએ પણ પોતાના નિબંધો અને વિવેચનમાં એ મુદ્દાને ઉઠાવ્યો છે કે સાહિત્યને મનોરંજનથી દૂર જ રાખવું. પણ આપણે તે બંન્ને વસ્તુની ભેદરેખાને ભૂંસી નાખી છે.

રાષ્ટ્રગાન પરના લેખમાં બકુલ ત્રિપાઠી રાષ્ટ્રગાન દરમિયાન જડ બની ઉભી ન શકતા લોકો પર ચાબખા માર્યા છે. 52 સેકન્ડનું રાષ્ટ્રગાન અને ઉપરથી તેની પૂર્ણાહૂતિ બાદ ઘરે જવાની રજા મળતી હોવા છતા લોકો રાષ્ટ્રગાનની વચ્ચે પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે. તેનું બારીક કાતીને બકુલ ત્રિપાઠીએ રજૂઆત કરી છે. જ્યારે નિશાળમાં બેલ વાગે અને બાળકો છૂટે તે પ્રમાણે અહીં લેખક રાષ્ટ્રગાનની રચના આઝાદ થવા માટે જ કરવામાં આવી હોય તેવું માને છે. રાષ્ટ્રગાનના નિબંધમાં લેખકે ઉતાવળીયા જીવનની વાત કરી છે. આ નિબંધમાં તેમનો કહેવાનો હેતુ એ જ કે ‘પરિવર્તન’ થયું છે.

બેગ અને બિસ્તરા નિબંધમાં લેખકે શરૂઆતની કડીમાં જ પ્રથમ નિબંધ સાથે અનુસંધાન જોડી દીધું છે. આવું માત્ર નિબંધ સંગ્રહમાં જ થઇ શકે, પણ શરત એટલી કે તે નિબંધ હાસ્યનો હોવો જોઇએ. બેગ-બિસ્તરાં નિબંધમાં લેખકે પ્રવાસ કર્યો પણ તેઓ સ્ટેશનનું નામ જ ભૂલી ગયા છે. (અગાઉ રૂમાલ ભૂલી ગયા હતા)

બકુલ ત્રિપાઠીએ લગ્ન વિશે ખૂબ ઉંડો અભ્યાસ કર્યો હોય તેવું લાગે છે. આમ તો જગતના તમામ હાસ્યલેખકોને હાસ્યનું સર્જન કરતા પહેલા નિરીક્ષણવૃતિ માટે લગ્ન જ દેખાઇ આવે છે. ડાયરાના કલાકારોથી લઇને યુવા સાહિત્યકારો સુધી, લગ્ન એ તેમનો માનીતો વિષય રહ્યો છે. લગ્નનો ચાંદલો કે ભેટ આ નિબંધમાં લેખકે કહ્યું છે, ‘’આપણે ત્યાં એકાદ કન્યાને વરવાનું પરાક્રમ ન કર્યું હોય એવાને ભાડે ઘર પણ નથી મળતું.’’ લેખક અમદાવાદમાં રહેતા હતા અને અમદાવાદની આ પહેલાથી વર્તુણક (ચિંતા) રહી છે. બેચલરને મકાન આપે નહીં. અમદાવાદમાં કેટલાક લોકો તો એવા છે જે ભાડે મકાન રાખવા માટે પરાણે લગ્નના તાંતણે બંધાય જાય. આમા વાંક અમદાવાદનો જ ગણવો રહ્યો !!

કનૈયાલાલ મુન્શીની આત્મકથામાંથી રમૂજ ઉઠાવવાની લેખકની કલાને બિરદાવવી પડે. એ સમયમાં જ્યોતિન્દ્ર, વિનોદ ભટ્ટ અને ધનસુખલાલ મહેતા સિવાય કોઇ હાસ્ય નહોતું લખતું, છતા તેમણે ગંભીર સાહિત્યકાર મુન્શીના સાહિત્યમાંથી હાસ્ય કાઢી બતાવ્યું. એટલે કે મુન્શી નવલકથાઓમાં ભલે વાત રાજા, સિંહાસન અને ઇતિહાસની કરતા હોય, પણ અંદરખાને તેમનામાં એક હાસ્યલેખક ધરબાયેલો હતો ખરા.

પુસ્તકમાં બુકલ ત્રિપાઠી પર મુન્શીનો ઘણો પ્રભાવ રહ્યો છે. તેઓ વારેઘડીએ મુનશીની વાતો કર્યા કરે છે. જેનાથી સાબિત થાય છે કે આપણી પાસે એ સમયે મુન્શી સિવાય કોઇ સારો લેખક નહોતો.

હાસ્ય લેખક તરીકે સૂક્ષ્મ નિરીક્ષણવૃતિનો નમૂનો તમને બકુલ ત્રિપાઠીમાંથી મળશે, એક સો બોતલ કા નશા હૈ, નામના હાસ્યલેખમાં લેખકે પોતાના લેખનની સમસ્યાને વર્ણવી છે. દુનિયાના કોઇ પણ લેખકને પોતાનો લેખ લખ્યા બાદ એવું લાગવાનું જ કે આ સારો નથી થયો. બકુલ ત્રિપાઠી આ સમસ્યામાંથી પસાર થાય છે. ઉપરથી એ સમયગાળો દિવાળીઅંકનો છે. એટલે તંત્રીશ્રી સામેથી કરગરે છે. (જો તંત્રીશ્રી કરગરતા હોય તો તે લેખમાં લેખકની આત્મશ્લાઘા પણ આવી ગઇ કે “હું” કેટલો મોટો લેખક છું) અને તોય બકુલ ભાઇ લેખ આપવા માટેની ઇચ્છાને અવગણ્યા કરે છે.

આપણા ચિંતકો કરતા હાસ્યલેખકની ફિલોસોફી સો ટચ સોના જેવી હોય છે. ઓશો એટલે જ વિનોદ ભટ્ટને વાંચતા હતા, પણ આપણે હાસ્યલેખકોને કોઇ દિવસ ગંભીર રીતે નથી મૂલવતા. આ હાસ્યનું પુસ્તક છે એટલે હસી કાઢવા જેવું હશે તેવો જ ભાવ આપણી અંદર પ્રગટ થાય છે. સાવ સરળ શબ્દોમાં લેખક કહે છે, ‘’દુનિયામાં એવું કોઇ નથી જેને પ્રશંસા ન ગમતી હોય-પરમેશ્વરને વખાણ પસંદ હોય તેમ લાગે છે.’’ (સો સો બોતલ કા નશા હૈ.. પેજ 29)

‘’સાચું કહું તો પ્રશંસાથી ન ફુલાય એ માનવી માનવી નથી ફુટબોલ છે’’ (સો સો-પેજ 29)

‘’બ્રહ્મા અને અમ્પાયર એ બેના શબ્દો કોઇ દિવસ ખોટા હોય જ નહીં’’ (હું અને ક્રિકેટ-39)

‘’મારી માન્યતા એવી છે કે પાસેથી પસાર થઇ ગયેલા બોલની પાછળ દોડનારો માણસ ગુમાવેલી તક પાછળ દોડનારા જેવો મૂરખ લાગે છે, ગયું તે ભલે ગયું. ભૂતકાળને બદલે આપણે ભવિષ્ય તરફ દ્રષ્ટિ રાખવી જોઇએ. હવેથી આવનારા ફટકાઓનો આપણે વિચાર કરવો જોઇએ, લેવાઇ ગયેલા ચોગ્ગાઓનો નહીં, એવી ભાવના હું રાખી શકતો, કેપ્ટનો ન રાખી શકતા, ને એમાં જ બધી ઉપાધી ઊભી થતી.’’ (હું અને ક્રિકેટ -41)

‘’આજની અંગ્રેજી વાર્તા એ આવતી કાલની ગુજરાતી, મરાઠી કે હિંદી મૌલિક વાર્તા છે !’’ (સાહિત્યમાં અપહરણ પેજ-43)

વીર પુરૂષો માટે કન્યાઓનું અપહરણ કરવાની તકો ઓછી થઈ ગઈ છે. પણ એથી કંઇ વીર પુરૂષોનો ઉત્સાહ દાબ્યો દબાય ? (સાહિત્યમાં અપહરણ – 44) બકુલ ત્રિપાઠીની આ રમૂજ નથી. આ વાસ્તવિકતા છે. આજે પણ છાપાઓમાં યુવતીઓના અપહરણની ઘટનાઓ છપાતી રહે છે. હાસ્યલેખક સાથે બકુલભાઇ ભવિષ્યદ્રષ્ટા હોવા જોઇએ કે, તેમનું આ વિધાન ટાઇમલેસ ક્લાસિક બન્યું છે. આ અને આવી ઘણી ફિલોસોફી પુસ્તકમાં ઠેર ઠેર ભરેલી જોવા મળે છે. જે વાંચીને કોઇ તત્વચિંતક કે સાચા બ્રાહ્મણ પાસેથી વેદોનું જ્ઞાન લેતા હોઇએ તેવું પ્રીતિત થયા કરે.

નવા વર્ષના સંકલ્પો વિશે લેખકનું સાહિત્યક ગણિત જોઇએ, ‘’દાખલા તરીકે મને એક બેસતા વર્ષે કોઇએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઇ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગ્યે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે, ને પચાસ વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે કે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલખ વધારો થાય !’’ (નવા વર્ષના સંકલ્પો-પેજ 34)

બકુલ ભાઇ બી.કોમ થઇને પ્રોફેસર થયેલા એટલે નામુ-ગણિત તો તેમને પાક્કુ જ હોય. બાકી સંકલ્પો વિશે તો જ્યોતિન્દ્ર પણ લખી ચૂક્યા હોવા છતા તેંમણે કોઇ દિવસ આવું ઉંડાણ પૂર્વકનું અભ્યાસ કરી નથી લખ્યું.

મિત્રો કેવા હોય તેના ઉદાહરણ પર બકુલ ભાઇએ સરસ કટાક્ષ કર્યો છે, ‘’જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેંકડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના, આઇસક્રિમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ, રોજ થોડી થોડી સેકંડ વહેલો ઉગે છે’’ (નવા વર્ષના સંકલ્પો પેજ 35)

હવે લેખોની ઉઠાંતરીનો જમાનો આવ્યો છે તેના વિશે બકુલભાઇએ સુંદર કટાક્ષ કરતા કહ્યું છે, ‘’પ્રાણીમાત્રમાં હું વસી રહ્યો છું, એમ કહેતા શ્રીકૃષ્ણની જેમ અજાણ્યા લેખક માત્રની કૃતિ મારી છે એમ માનનારા એક કર્મયોગી, કંઇ પણ ભેદભાવ રાખ્યા વિના, જ્યારે જે હાથ આવ્યો એના લેખનું અપહરણ કરી એને પાવન કરી દે છે. શ્રીકૃષ્ણને સોળ હજાર હતીને ?’’ (સાહિત્યમાં અપહરણ-43)

ઉનાળાની બપોર નામના નિબંધમાં લેખકે પોતાની શાર્પ હ્યુમરનો પરચો આપતા નિંદ્રાદેવી કેટલાક કલાકો માગતા હોવા પર રમૂજ કરી, બેંક વ્યર્થશાશ્ત્રીની દ્રષ્ટિનો લેખ લખવા બકુલ ભાઇએ કેટલા ધક્કા ખાધા હશે તે વાંચીને માલૂમ પડી જાય, અને હાસ્યલેખકના ઘરના સભ્ય જેવા કવિઓ તો હોય જ !!

સાહિત્યકાર પ્રત્યે આપણે તુરંત મુગ્ધ થઇ જઇએ છીએ. બકુલ ત્રિપાઠીના સમયમાં તો ઓટોગ્રાફ બે જ લોકોના લેવાના રહેતા એક લેખકો (જે મોટાભાગે ઘરમાં હોય કાં તો ઘરમાં જ બીમાર હોય) અને બીજા નેતાઓ (જે ઘરમાં હોય જ નહીં એટલે તેમનો ઓટોગ્રાફ તુરંત મળી જાય) અત્યારે સેલ્ફી લેવાનો યુગ ચાલે છે પણ ઓટોગ્રાફ લેવો એ તો સાક્ષાત્ત શિવને રિજવી લીધા હોવાનું કૃત્ય ગણાઇ છે. ઓટોગ્રાફ નામના નિબંધમાં રચયિતા કહે છે, ‘’એમાં સહીનું મહત્વ નહોતું, લેખકનું મહત્વ નહોતું, મહત્વ હતું પ્રયત્નપ્રાપ્ત સિદ્ધિનું.’’ (ઓટોગ્રાફ-74)

બકુલ ત્રિપાઠીએ એટલું બધું નથી લખ્યું કે આપણે તેમના સેમિનારો કરવા પડે કે પછી આપણે તેમની રચનાને મૂલવવા માટે સાહિત્ય સંશોધનો કરવા પડે. પણ એમણે જેટલું લખ્યું એ પોતાનામાંથી લખ્યું, પણ હતું આપણા સૌનું ! જગતની તમામ સમસ્યાઓ એક સમાન છે તેવું તેમને લાગતું હતું. આ પુસ્તકનું કોઇ પણ પાનું ખોલી ઉડતી નજર કરી લો એટલે તેમાં સામાન્ય માનવીના જીવનની સમસ્યા અને કોમન મેન શું મેળવવા ઇચ્છે છે તે લખેલું છે. હાસ્યમાં તેમણે એટલું સારું અને સાચું લખ્યું કે, તેમની લેખનશૈલીને હસ્તગત કરનારો ‘અપહરણકર્તા’ તેમની હાજરી અને ગેરહાજરીમાં પણ જડી નથી શક્યો. કારણ કે બકુલભાઇ જેવા હાસ્યના ગંભીર લેખકને આપણે ગંભીર રીતે લઇ નથી શક્યા. એમાં બકુલ ત્રિપાઠીનો કોઇ વાંક નથી, વાંક આપણો છે કે આપણે તેમને વાંચી નથી શક્યા. તેમને ફેસબુક પર શેર નથી કરી શક્યા.

કોઇ કૃતિ ટાઇમલેસ ક્લાસિક ત્યારે બને જ્યારે તેમાં લખેલી ઘટનાઓ-પ્રસંગો-સમસ્યાઓ-ઇચ્છાઓ-વિષાદો સમય બદલી ગયા છતા હોય એ જ હોય. સચરાચરમાં જેટલું લખેલું છે એમાંથી કોઇ વસ્તુ હાલના સમયમાં બદલી નથી. માત્ર આપણે ટેક્નોલોજી પ્રધાન થયા છીએ સમસ્યાઓથી વિમુખ નથી થઇ શક્યા. અને એટલે આ નિબંધ સંગ્રહ ટાઇમલેસ ક્લાસિક છે અને આ કૃતિ પણ રહેશે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.