Education Exclusive Gujarati Writers Space

ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા

ભાષા તો ધગધગતી જીવંત છે,પણ પ્રજાની માનસિકતા મરવા પડી છે.

ઉપરના કટાક્ષનું લાઈવ ઉદાહરણ જોવું હોય તો આજે આખો દિવસ સોશિયલ મીડિયાની પોસ્ટ જોયા કરવી. પ્રજાનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યાજ સહિત ઉભરાતો જોવા મળશે. (ક્યાંક અંગ્રેજી માટેની નફરત પણ!) પણ એ જોઈને છાતી ગજ ગજ ફુલાવવાની ઉતાવળ ના કરતા હો. ત્રણ મહિના પછી શાળા-કોલેજના નવા શૈક્ષણિક સત્ર ખુલતાની સાથે અંગ્રેજી મીડીયમ સ્કૂલસની બહાર એક આંટો મારી આવજો. નવાઈ લાગશે કે અહીંના ગુજરાતી ભાષાના કટ્ટરપ્રેમીઓ ત્યાં બચ્ચાઓનું એડમિશન કરાવવા કરગરતા હશે કે ખિસ્સા પણ ખુશી ખુશી ખાલી કરતાં જોવા મળશે.🤣

આવો વિરોધાભાસ કેમ?આની પાછળના સામાજિક માનસિક કારણો સમજવા ઊંડા ઉતરવાની કોશિશ કરવા જેવી છે. બહુ અઘરો અભ્યાસ નથી, ફક્ત ખુલ્લા મગજે અને ઝીણી આંખોએ છેલ્લા પચાસ વર્ષનો સામાજિક ઇતિહાસ પર નજર ફેરવી લેવાનો છે.

તમારી આસપાસ કોઈ સિનિયર સીટીઝન વયજૂથના ડોકટર,પ્રોફેસર, કલેકટર, એન્જીનીયર કે લેખક-પત્રકાર ધ્યાનમાં હોય તો એમના પ્રાથમિક શિક્ષણની માહિતી મેળવવાની કોશિશ કરજો. (આ જ પ્રોફેશનોમાં મેક્સિમમ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કમ્યુનિકેશન તરીકે થતો હોય છે.) ગેરેન્ટીથી કહી શકાય કે એમાંના નેવું ટકા લોકો ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં જ ભણ્યા હશે. તો પછી એમને આદર્શ માનવાને બદલે આપણે સવાયા અંગ્રેજો બનવાની ઘેલછા તરફ કેમ ઢળી ગયા? વિચારો, વિચારો, વિચારો…🤔

ચાળીસ પચાસ વર્ષ અગાઉ પ્રાઇવેટ સ્કૂલોનું ચલણ જ ન્હોતું. મેટ્રો સિટીઝમાં અતિ શ્રીમંત અને શિક્ષિત વર્ગ સિવાય ભાગ્યે જ કોઈને પ્રાઇવેટ સ્કૂલ જેવી કોઈ ચીજ હોય છે એની જાણ હતી. અમીર-ગરીબ, ઉચ્ચ-નીચ, પાનવાળાનો દીકરો હોય કે ડોકટરની દીકરી સૌ ગામ-શહેરની એક કે બે સરકારી શાળાઓમાં જ પ્રાથમિક અભ્યાસ કરતા હતા. કોઈ શરમ નહોતી, કોઈ લઘુતાગ્રંથિ નહોતી. આમાંથી જ દેશમાં પ્રોફેસરો પણ બનતા, અને પ્લમ્બર પણ, ડોકટર પણ, અને કમ્પાઉન્ડર પણ. અને આ જ વર્ગ માતૃભાષા ગુજરાતીની સમાંતરે અંગ્રેજી પણ ધડબડાટી બોલાવી શકે એવો કાબિલ બન્યો. દેશ-વિદેશમાં અંગ્રેજીમાં ફલ્યુઅન્ટ કે એકસેન્ટ અંગ્રેજીમાં બોલી-લખી શકે, અરે અંગ્રેજી ફિલ્મોમાં, ન્યૂઝમાં કે ક્રિકેટની કૉમેન્ટરીમાં સબટાઈટલસ વગર ડૂબકી લગાવી શકે એવા વડીલો આપણી આસપાસ હાજરા હજૂર છે. આમાનું કોઈ જ કોનવેન્ટ સ્કૂલોમાં ભણયુ નથી કે ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ કરવા ગયું નથી. 😍

હવે એન્ટ્રી થાય છે સરકારી ગુજરાતી માધ્યમ ની શાળાઓના ખાડામાં ઉતરતા જતા તંત્રની. બીજા ક્ષેત્રોમાં વિકાસની વાતો કરતા કરતા વિકાસ માટે પાયાની જરૂરિયાત એવું શિક્ષણ જરાક સાઈડમાં રહી ગયું. અપડેટ કરવાની વાત તો ઘણી દૂર રહી ગઈ, પણ જે હતું એ ય ગુમાવાતું ગયું. શિક્ષકો પાન-બીડીમાં પિરિયડ પૂરો કરીને ઊંઘ ખેંચી લેતા થયા. જગતનાં સમાંતર પ્રવાહમાં ચાલીને અભ્યાસક્રમમાં ફેરફારો કરવાને બદલે પોતાની જ બનાવેલી નાનકડી દુનિયામાં ખુશ રહેવાનું સરકારી શૈક્ષણિક તંત્રએ સ્વીકારી લીધું. પરિસ્થિતિ એવી થઈ કે ગુજરાતી જ જેમ તેમ ભણાવતું થઈ ગયું, અને અંગ્રેજીની એન્ટ્રી તો પ્રાથમિક શાળાના છેલ્લા વર્ષોમાં થાય તો થાય. બાકી તો ત્રીજા ધોરણ સુધી કક્કો, બારખડી અને ઘડિયા જ શીખવા પૂરતો જ સંતોષ માનવાનો. પાંકે ઘડે કાંઠા ના ચડે મુજબ ઘણાં વિધાર્થીઓ અંગ્રેજી શીખી ના શક્યા અને ઘણાની તો શૈક્ષણિક કારકિર્દી જ અંગ્રેજીની એન્ટ્રી પહેલા ધી એન્ડ થઈ જતી. અંગ્રેજી એ કાયમ માટે વિદેશી ભાષા જ બની રહી. અને આવડત ના હોવાથી થોડી અળખમણી પણ.😢

પણ આ અંગ્રેજીની અણઆવડત સાથે સાથે સમાંતર પાટા પર એક મોટા પરિવર્તનરૂપી ટ્રેઇન ચાલતી હતી. ધીમે ધીમે ગામડાનું શહેરીકરણ થતા મધ્યમવર્ગ ધીરે ધીરે મોટા શહેરો તરફ વસતો થયો. શહેરોની ઝાકમઝોળ અને વૈભવી જીવનશૈલીથી સીધો યા પરોક્ષ રીતે સંપર્કમાં આવ્યો. એમને અંગ્રેજી ભાષાનું ફરજીયાત મહત્વ સમજમાં આવી રહ્યું હતું. રેલવે બુકીંગ હોય કે બેંકની પાસબુક, હોટેલમાં જમવું હોય કે દૂરના પ્રવાસે જવું હોય, અંગ્રેજી વગર છૂટકો જ નહોતો. એટલે મધ્યવયસ્ક લોકોને અંગ્રેજી સાથે પ્રેમ થવો શરૂ થયો. ક્યાંક પ્રેમની સાથે પાગલપન પણ. હવે, પાકે ઘડે કાંઠા તો અહીં પણ ના જ ચડે. અંતે, મુજ વીતી એ તુજ ના વીતે એ હેતુથી પોતાના અંગ્રેજીની અણઆવડતની તમામ ગ્રંથિઓનું પોટલું પોતાના સંતાનો પર નાંખી દીધું. અને એ પોટલાનો ભાર ઉચકતી નવી પેઢી અંગ્રેજી શીખવા તત્પર બની.

ડીમાન્ડનો લાભ લઈને અંગ્રેજી માધ્યમની શાળાઓ શહેરોમાં ઉભરાવા લાગી. વેપારી દિમાગના ટ્રસ્ટીઓ લઘુતાગ્રંથીનો લાભ લેવામાં કોઈ કચાશ રાખે એમ નહોતા. અંગ્રેજીનાં વળગણનો એમણે એ હદે ફાયદો ઉઠાવ્યો કે ગુજરાતીને જ બાયપાસ કરી નાંખ્યું. ‘અમારી શાળામાં ગુજરાતી શીખવતા નથી’, ‘બાળક ગુજરાતીમાં વાત કરશે તો દંડ થશે’, ‘માતા પિતાને પણ અંગ્રેજી આવડવું ફરજીયાત છે. માતાપિતાએ પણ અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી જ બાળકને એડમિશન મળશે’ જેવા તાયફાઓ શરૂ થયા. અંગ્રેજીનાં વૈશ્વિક પ્રભાવનો લાભ લઈને વાલી-વિધાર્થીઓને લૂંટવામાં આ બિઝનેસે પાછું વળીને ના જોયું.👿

વાલીઓ પણ હરખપદુડા-મુરખાઓ આંધળા થઈને અંજાઈ જવા લાગ્યા. મેનેજમેન્ટ રાખે એમ રહીએ એ ભક્તિભાવથી શરણમાં જ રહેવા લાગ્યા. અમુક દોઢડાહ્યોવર્ગ જે નવો નવો પૈસાદાર અને અર્ધશિક્ષિત હતો એ તો એવો અંગ્રેજીનો ભગતડો બનતો ગયો કે ગુજરાતી ભાષાને અવગણવામાં એમને ગૌરવ થતું, ગુજરાતી ધરાર બાળકોને ના શીખવવામાં એમને ઉચ્ચ સોશિયલ સ્ટેટસ પ્રાપ્ત થયાનો સંતોષ થતો. 👹

આ વળગણ એટલું લાંબુ અને ઊંડું થતું ગયું કે સરકારી શાળાઓ જે વેન્ટિલેટર પર તો હતી જ એ છેલ્લા શ્વાસના ડચકા પહોંચી ગઈ. અને પ્રાઇવેટ ગુજરાતી માધ્યમની ઘણી શાળાઓ આઇસીસીયૂમા ગંભીર હાલતમાં પહોંચી ગઈ. (આવી પ્રાઇવેટ અને પ્રમાણમાં વ્યાજબી શાળાઓ ઠીક ઠીક અંગ્રેજી ભણાવતી હતી,પણ અપડેટ ના થવાના કારણે કે બિઝનેસ સ્કૂલસનાં જાદુઈ પ્રભાવ સામે પોતાનું અસ્તતિત્વ ટકાવી રાખવામાં ગઈ.)

અને હવે…??? ઘણી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી હડધૂત કરાય છે. સરકારી નિયમ પ્રમાણે હમણાં હમણાં ગુજરાતીને ફરજીયાત બનાવવાના કારણે વિધાર્થીઓને જેમતેમ એકડીયા બગડીયા બોલતા કરી દેવામાં આવે છે, એ પણ નિરસતાથી. મૂર્ખ વાલીઓ તૂટક તૂટક અંગ્રેજી બીલતા એમના ટાબરીયાઓને જોઈને બ્રિટિશ સામ્રાજ્યના રાજા બની ગયા હોય એમ રાજી થાય છે. જાઓ કરો ફતેહ..🤣

પણ, આ બધા હાહાકારમાં પાયાનું મનોવિજ્ઞાન ભુલાય ગયું. માણસને શીખવા માટે ફક્ત સ્કૂલ જ પૂરતી નથી. એ જન્મે ત્યારથી જ જોઈને, બોલીને, સાંભળીને શીખતો હોય છે. જન્મ્યા પછી સૌપ્રથમ કાને માતૃભાષા અથડાય છે. બાર પેઢીના ડીએનએ લઈને પેદા થતું બચ્ચું માતૃભાષાની કુદરતી સમજણ સાથે જ જન્મે છે. (સ્કૂલે ગયા વગર કે પુસ્તકોમાં ગુજરાતી શીખ્યા વગર પણ બચ્ચું માતૃભાષા બોલતું-સમજતું થઈ જાય છે.) અર્થાત સ્વાભાવિક જ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પૂરતું ભણેલું બાળક ઉચ્ચ કક્ષાની ગ્રહણશક્તિ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી શકે છે, બીજાઓની સરખામણીમાં કોઈ પણ વિષયમાં વધારે ઊંડાણ સુધી પહોંચી શકે છે. અને એ પ્રાથમિક સમજણનો પાયો મજબૂત થયા પછી એના પર જગતભરની ભાષાઓ-જ્ઞાનની બુલંદ ઇમારત બનાવવી પ્રમાણમાં સહેલી પડે છે. આ છે અસ્સલ ફતેહ…😍

બીજીતરફ જે ઘરમાં સાત પેઢીથી કોઈ અંગ્રેજી ભણયુ ના હોય,અંગ્રેજી છાપા અને અંગ્રેજી ફિલ્મોના પણ ઔરંગઝેબ હોય એવા વાતાવરણમાંથી કુમળીવયે અંગ્રેજી માધ્યમમાં પહોંચી ગયેલું બાળક એટલું સાહજિક બની શકતું નથી. કંઈક અલગ અલગ અનુભવ્યા કરે છે. હોશિયારી અને મહેનતના જોરે એ માર્ક્સ તો લાવી જાણે છે પણ ગ્રહનશક્તિ અને જ્ઞાન માટેનો ઇન્ટરેસ્ટ ક્યારેક કેળવી શકતો નથી. પરિણામે લાંબાગાળે ઘાટ એવો ઘડાય છે કે નરસિંહ મહેતાની કવિતાઓ તો એ શીખ્યો જ નથી.અને શેક્સપિયરને સમજવા જેટલો એ લાયક નથી. બાવાના તો બેઉ બગડયા..😜 (વાલીઓ પૂર્ણશિક્ષિત હોય અને એરિસ્ટોક્રેટ ફેમિલી હોય એવાં બાળકો માટે આ લાગુ પડતું નથી.)

આખી કથાનો સાર એટલો જ કે બાળકોને શરુઆતમાં માતૃભાષા શીખવો, સમજ કેળવો, જ્ઞાન મેળવવા માટેનો વ્યસની બનાવો. આટલા તત્વો માતૃભાષા પાસેથી મેળવી લીધા પછી એ સમજણના પાયા પર ફક્કડ અંગ્રેજી શીખો, બીજી અડધો ડઝન ભાષાઓ શીખો. વિદેશમાં જઈને રાજ કરો. દેખતે હૈ કી કૌન તુમ્હે રોકતા હૈ! પણ, માતૃભાષાને નફરત કરીને અંગ્રેજીનાં માર્ક્સ ગણ્યા કરશો કે સ્કૂલ-ટ્યુશનની મોંઘીદાટ ફિઝમાંથી જીનિયસ થવાના સપનામાં રાચ્યાં રહેશો તો ઊંઘેકાંધ પટકાશો. અને ત્યારે મોઢામાંથી ‘ઓય માડી…ઓય બાપ…’ જ નીકળશે, એની ય આપણી ગેરેન્ટી…🤣

-બીજા એંગલથી ગુજરાતી ભાષાની ચિંતા(?) કરીએ તો એમાં થોડોક વાંક ગુજરાતી સાહિત્યનો પણ છે. પણ એ ચર્ચા બીજા ટ્રેક પર હોવાથી ફરી ક્યારેક..🙏

અંતે એક મજ્જાની વાત કરીએ. બક્ષીબાબુએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે બે ગુજરાતીઓ ભેગા થાય ત્યારે કાયમ અંગ્રેજીમાં જ વાતો કરે. પણ હું ને ગુણુંબાપુ(ગુણવંત શાહ) જ્યારે મળીએ ત્યારે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. (આ કટાક્ષ સમજાય એને વંદન. બાકીના પોગો જુએ..😉)

~ ભગીરથ જોગીયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.