Gujarati Writers Space

એચ.એન.ગોલીબારનું વિશ્વ : Bazzar of bad dreams

ગુજરાતી લેખકો હોરર સાહિત્ય નથી લખતા. તેનું કારણ ગુજરાતી સાહિત્યકારો છોકરીને પ્રેમ કરી નવલકથા લખી શકે, ભૂતને પ્રેમ કરીને નહીં. પણ દાયકાઓ પહેલા એચ.એન.ગોલીબાર નામના ભૂત-પ્રેતકથા લખનારા લેખકનો જન્મ થયેલો.

જય વસાવડાના મતે લાઈબ્રેરીમાં સસ્પેન્સ અને રહસ્યકથાઓના પુસ્તકો સૌથી વધારે ફાટેલા હોય. એ રીતે ગોલીબારની નવલકથાઓ પણ અમારી જૂનાગઢની લાઈબ્રેરીમાં ફાટેલી રહેતી. વાચકો ક્રિસમસ પર પૂંઠા ઘરમાં ટીંગાળવા લઈ જાય તે તો બરાબર, પણ કેટલાક ‘પ્રેત-વાચકો’ ગોલીબારની નવલકથાના વચ્ચેના પાના લઈ જતા. હવે, કોઈ આ નવલકથા લઈ ગયું હોય, તો બીજા વાચક માટે પ્રોબ્લેમ એ થાય કે, વચ્ચેનું એ પાનું જ ન હોય, પાછુ જબરૂ સસ્પેન્સ ત્યાં જ કેદ હોય. હવે ગુજરાતી વાચકોનો તો તમને ખ્યાલ છે. પ્રાણ જાય પણ પુસ્તક ખરીદ્યો ના જાય. બસ, આ રીતે સસ્પેન્સથી વંચિત રહે, પરંતુ ખરીદીને ન વાચે.

ગોલીબાર એકમાત્ર એવા ગુજરાતી સાહિત્યકાર (લોકપ્રિય લેખક)છે, જેમણે ગુજરાતને ડરાવ્યા. આ પહેલા આયનો નવલકથાથી અશ્વિની ભટ્ટે પણ લોકોને ડરાવવાનું કામ કરેલું હતું.

અશ્વિની ભટ્ટે એ પછી હોરર નવલકથાઓ લખવાનું છોડી દીધું. જેની પાછળનું કારણ તે ભોળાભાઈનો ધંધો ભાંગવા માગતા નહીં હોય !

ગોલીબાર તો ગુજરાતી સાહિત્યના એવા નવલકથાકાર પણ છે, જે પોતાની આગામી દરેક નવલકથામાં પ્રથમ પાનું એ લખતા કે, ‘હવે મારી આગામી નવલકથા આ છે.’ (આવુ હવે કોઈ કરી શકે ?) એટલે વાચકોને બે-ઈન્તેહા નવા ભૂતનો ઈન્તેઝાર રહેતો. પાછી એ નવલકથાઓની લિસ્ટ 15થી 16 હોય. મને ટોટલ આંકડો ખબર નથી કે ગોલીબારે કેટલી નવલકથાઓ લખી, પરંતુ અત્યારે નવભારત સાહિત્ય મંદિરમાં તેમની જેટલી નવલકથાઓ વેચાઈ છે, તેની ડબલ લખી હશે.

તો ગોલીબારને સોશિયલ મીડિયા વગર જ ખૂદનું પ્રમોશન કરનારા સાહિત્યકાર ગણી શકો. તેમની નવલકથાની વચ્ચે એવુ ચોક્કસ આવે કે, ‘જ્યારે એક ખૂબસુરત યુવતી ફસાઇ હેવાનની જાળમાં…’ એટલે આપણને વાચક તરીકે મન થાય કે, આ નહીં હવે આ નવલકથા વાંચવાની છે.

ઘણા તો હાથમાં રહેલી નોવેલ પૂરી ન કરી હોય અને લાઈબ્રેરીએ જઈ બદલી આવતા. (આ કારસ્તાન મેં પોતે જ કરેલું) જી આપને જણાવી દઉં કે, ગુજરાતી સાહિત્યમાં આવુ તે એકલા કરતા અને આજની તારીખે કોઈ બીજા સાહિત્યકાર એ કૌવત દાખવી નથી શક્યા. જેનું કારણ ગોલીબાર જેવું લખવું મુશ્કેલ છે. (અને આ હકિકત છે)

તમે અશ્વિની ભટ્ટ બાદ સસ્પેન્સ-થ્રીલરમાં કોનું નામ મુકો ? એક જ નામ એચ.એન. ગોલીબાર. આ સિવાય કોઈ નામ જ નથી. સિવાય કે રાજકોટ સદર બજારમાં બેઠા બેઠા લખતા કનુ ભગદેવ હતા.

રાજકોટની સદર બજારમાંથી જ્યારે ગોલીબારની નવલકથા મળી ત્યારે આજે રાતે ડર લાગશે એ વિચારે મેં દિવસે વાંચી લીધેલી. બાદમાં સાહિત્યના દુશ્મનો એવા ગોલીબારના વાચક મિત્રોને મેં રાતે વાંચવા આપી.

અમારા મિત્ર પારઘી સંજય તેમની નવલકથા જંતર-મંતર વાચતા વાચતા અડધે રસ્તે પહોંચેલા. એટલામાં હોસ્ટેલની બારી ખખડી. તેઓ રૂમમાં એકલા રહેતા. બારી ખખડતા તેમને લાગ્યું ભૂત આવ્યું. હિંમત કરીને બારી ખોલી તો ખબર પડી કે ભેંસ હતી. આખી હોસ્ટેલને જ્યારે તેમણે વાત કહી ત્યારે બધા પાગલોની જેમ હસતા હતા. આ વાસ્તવિક ઘટના અને ગોલીબાર ભાઈની તાકત કહેવાય.

એટલે ગોલીબારમાં હાસ્યનું તત્વ પણ રહેલું છે, પણ તે આપણે અંગત રીતે લઈ શકીએ. હું તો હંમેશા મારા દુશ્મનોને જન્મદિવસ પર ગોલીબારના પુસ્તકો જ ભેટમાં આપુ છું. વાચતા વાચાત ક્યાંક બીક લાગે અને ભાઈ કે બહેનનો ફટાકીયો થઈ જાય, તો આપણા પર નામ ન આવે.

હોરર વાચતા મર્યા આ બહાને ગોલીબારનું વધુ મોટું નામ થાય અને આપણા પર ગુનો દાખલ ન થાય. સાહિત્યમાં ખૂન કરવાની આજ મઝા છે.

આજે જ્યારે નવગુજરાત સમય જેવા છાપામાં ગોલીબાર કૉલમના લસરકા મારે છે, ત્યારે ખ્યાલ આવે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હોરર લખતા હતા અને હાસ્યમાં આવી ગયા.

તો અગાઉ મેં ગોલીબારની પ્રમોશન સ્ટાઈલની વાત કરેલી. અત્યારે તો સોશિયલ મીડિયા પર દરેક લોકો પોતાને પ્રમોટ કરે છે, પણ ગોલીબારે ખૂદને કાગળના પાનાઓમાં પ્રમોટ કરેલા. આ પાનાઓ વાંચો તો ક્યાંક અશ્વિની ભટ્ટ, ચેતન રાવલ, સુરેશ દલાલ જેવા લોકોએ તેમના વિશે લખ્યું હોય, પણ તે એક પાનામાં… છૂટુછવાયું જ હોય !

આનાથી વિશેષ ભોળાભાઈ કોઈ દિવસ સામે નથી આવ્યા. તમારી સામે આવ્યા હોય તો બરોબર મારી સામે તો નથી જ આવ્યા.

તેમની એક નવલકથા છે કામણટુમણ. જેની પ્રસ્તાવનામાં ભોળાભાઈ ગોલીએ લખ્યું છે કે, મારી શેતાન નામની નવલકથા હતી. અને આ નવલકથાનું મુખપૃષ્ઠ તૈયાર કરવાનું હતું. જેમાં શેતાન નામ બરોબર ફિટ થઈ જાય. ઓલરેડી નવલકથા લેટ થઈ ગયેલી. અને પાછા નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ ટાઈમના પાક્કા એટલે રાડો નાખે. તેમના એક માનીતા મિત્રને ત્યાં તેઓ શેતાન ટાઈટલ કઢાવવા માટે ગયા.

થોડીવાર થઈ તો પ્રિન્ટર બંધ થઈ ગયું. હવે વાતને ટુંકાણમાં પતાવું તો ગોલીબાર સાહેબ લગભગ છથી સાત જગ્યાએ ગયા. જે પ્રિન્ટર મશીનો અમદાવાદમાં નવા આવ્યા હતા, તે પણ બંધ થઈ ગયા. આ તેમની નવલકથાની તાકત. ટાઈટલ શેતાન નાખો ત્યાં ધબાંગ થઈ જાય. પછી તો ત્રણ પાનામાં ગોલીબાર ભાઈએ આ મશકત્તનું વર્ણન કર્યું છે. એટલે નવલકથા કરતા તો તેમના પુસ્તકો છાપવા માટેના કારનામા દિલચશ્પ છે.

બીજુ કોઈ દિવસ ગોલીબારે મસમોટી નવલકથાઓ નથી લખી. વધીને 275માં પાને સમાપ્ત લખેલું હેડિંગ આવી જાય. અને તેનો અંત પણ તમને સંતુષ્ટ કરે. જ્યારે અશ્વિની ભટ્ટને વાંચે બધા, પણ સામેના વ્યક્તિને ડર લાગે, ક્યાંક નવલકથા પૂરી થયા પછી વાચકને શૂરાતન ચડી જાય અને તે આશકા માંડલ જોરથી માથામાં મારે તો મૃત્યુ થઈ જાય. કારણ કે નવલકથા એટલી મોટી હોય… એ હિસાબે ગોલીબારે ખૂબ નાની નવલકથાઓ આપી છે.

આમ જુઓ તો એમની વાંચેલી બધી નવલકથાઓમાં મને થોડી વસ્તુ કોમન લાગેલી. એક ભૂત છે, ક્યાં તો તે ભૂતકાળનો બદલો લઈ રહ્યું છે, અને ક્યાં તો તે મરીને વર્તમાનમાં ભૂત થયું છે. એટલે ભૂત તો થયું જ છે. અને સામેના ગુનેગારોને અથવા તો ભોળાભાઈ જેવા ભોળા માણસોને મારવાનું કામ કરે છે. એટલામાં કોઈ ભૂવો આવે અને તમને ભૂતથી છૂટકારો અપાવે. તેમની એકમાત્ર નવલકથા જિન્નાતમાં મદદ કરતું ભૂત છે ! પેલા નાયકને ખલનાયક એટલી મદદ કરે છે, યાર, મારો તો જીવ બેસી ગયો, મનમાં થતું ચોપડીમાંથી આ જિન્નાત બહાર આવી મારી તમામ આશા અપેક્ષાઓ પૂરી કરી નાખે.

થોડીક વાતો વર્ણનની. ગોલીબાર સાહેબને લાગ્યું હશે, થોડું શૃંગારિક વર્ણન કરવું જરૂરી છે. ભૂત સાથે જીવતા મનુષ્યને સૂવડાવે. પછી જે વર્ણન શરૂ થાય, સાચુ કહું એ તો બ્લુ ફિલ્મની પણ ગરજ સારે, પણ એક વાતની સો વિઘે ખોટ. આપણને લાગે કે હમણાં ભૂત સાથે માણસની સુહાગરાત શરૂ થાશે. ત્યાં ભૂત જ પેલાને પતાવી નાખે ! જી લલચાયે રહા ન જાયે… પરંતુ એકમાત્ર જંતરમંતરને મુકતા, પેલા ત્રણ પાનામાં જ ખૂશ કરી નાખ્યા.

આ લખવાનો અર્થ એટલો જ કે અત્યારે તમામ પ્રકારનું સાહિત્ય તૈયાર થઇ રહ્યું છે. લવ વધારે પડતું, એનાથી પણ વધારે કવિતા, તેનાથી થોડું ઓછું ફિલ્મો, વિવેચન… જેને કંઈ ન આવડે, તે મારી જેમ વિવેચન જ કરે ! પછી વાર્તામાં વિચરતી જાતી અને ગૂમનામ થયેલા હોરર લેખકો.

અશ્વિની ભટ્ટની આયનો અને વચ્ચે યુવા લેખકોમાં ભાવિન અધ્યારૂએ હોરર વાર્તાઓ આપી, પણ ગુજરાતીમાં ગોલીબાર જેવી નવલકથાઓ કોઈ નથી આપી શક્યું. મને લાગે છે ગોલીબાર સરસ્વતી પાસેથી વરદાન લઈ આવેલા, ‘જા એવા વિસ્તારમાં તારો જન્મ થશે, જ્યાં તારૂ કામ તારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે… તથાસ્તુ….’

~ મયુર ખાવડુ

One Reply to “એચ.એન.ગોલીબારનું વિશ્વ : Bazzar of bad dreams

  1. બહુ સારુ લાગ્યું વાંચી ને…હુ પણ ગોલીબાર સાહેબ નો વાંચક છું…આપ ની પાસે તેમની કોઈ રાતરાણી કૈ બીજી કોઈ નવલ
    કથા હોય તૌ તેની ડિજિટલ કોપી બનાવી ને મુકવા વિનંતિ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.