Exclusive Gujarati Writers Space

બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા

બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા: આ એક એવી રમકડાંની પિસ્તોલ બની ગઈ છે, જેનાથી આરોપીઓને બીક લાગતી નથી અને ફરિયાદીઓને એમાં વિશ્વાસ રહ્યો નથી…

હૈદરાબાદમાં પ્રિયંકા રેડ્ડી સાથે જે થયું એનું વર્ણન લખવામાં અને વાંચવામાં કંપારી છૂટે એવું ભયાનક હોવાથી એમાં ઊંડે ઉતરવાનો કોઈ મતલબ નથી. પીડિતાઓના ફોટાઓ મૂકીને, મીણબત્તીઓ સળગાવીને, રેલીઓ કાઢીને કે અન્ય કોઈ પણ પ્રકારે પોતપોતાનો આક્રોશ વ્યક્ત કરીને છૂટી જવું સહેલું છે. પણ, આવી ઘટનાઓમાંથી પસાર થવાની વેદના આપણે પોતે અનુભવી નથી એટલે એ પીડાનો આપણને સાચો ખ્યાલ જ નથી એ કડવી હકીકત સ્વીકાર્યા વગર છૂટકો નથી…

આપણે સામાન્ય જનતા છીએ, આપણી દુનિયા અને આપણી જિંદગી સંવેદનશીલતા અને જડતા વચ્ચે અટવાયા કરે છે. એટલે લાચારીને વશ થઈને કંઈ ના સૂઝે તો આવી ક્રૂર ઘટનાઓ પ્રત્યે ધર્મ આધારિત કટ્ટરવાદ થોપીને આડકતરો-કાલ્પનિક ન્યાય મેળવવાની કોશિશો કર્યા કરીએ છીએ. પણ હકીકત તો એ છે કે આપણે અંદરખાને જાણીએ જ છીએ કે કડક કાયદાકીય વ્યવસ્થા વગર આવી ઘટનાઓ અટકવાની નથી…

આપણો કાયદો એ હદે નપુંસક છે કે સો ગુન્હેગાર ભલે છૂટી જતા, પણ કોઈ એક નિર્દોષને સજા થવી ના જોઈએ એવી બાયલાગીરીઓનું આચમન આપણે વર્ષોથી પાઠ્યપુસ્તકોમાંથી લેતા રહ્યા છીએ. અને આ અંચળા હેઠળ આપણે હજારો ગુન્હેગાર ઉભા કરી દીધા છે. આપણે વાતો ક્રાંતિની કરવી છે, દરેક ક્ષેત્રમાં પરિવર્તનો લાવવા છે પણ બળાત્કારને લગતા કાયદામાં અનેક પરિવર્તનો થયા હોવા છતાં હજી પણ બળાત્કારની ઘટનાઓ અટકી નથી. કારણ કે મુળભુત રીતે કાયદામાં છટકબારીઓ જ ઘણી છે…

કાયદાની કલમો ગણિતમાં ડફોળ વિધાર્થી જેવી છે, જે એક અને એક બે જેવો સીધો દાખલો પણ કેલ્ક્યુલેટરમાં એક વત્તા એક બરાબર બે થાય જેવી લાંબીલચક પ્રક્રિયાઓમાં અટવાયા કરે છે…

બળાત્કારનાં અમુક કેસ સીધાં ને સટ હોય છે, એમાં મી ટુ જેવા કાવાદાવાઓ અને ખણખોદને કોઈ અવકાશ હોતો જ નથી. છતાં પણ આરોપો સત્ય સાબિત કરવાની આટલી ચળ શા માટે? અને સાબિત થઈ ગયા પછી પણ ઉપરી કોર્ટમાં જવાનો હક કે અંતે ફાંસી થયા પછી પણ રાષ્ટ્રપતિને દયાની અરજીની જોગવાઈઓ આપીને આપણે કયા સિદ્ધાંતો કે આદર્શો પુરવાર કરવાના છે? ફાસ્ટટ્રેક કોર્ટ એટલા માટે ઉભી કરવામાં આવી છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં તત્કાળ ધોરણે ન્યાય મળે. પણ એના પછી જો ફરીથી હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટ સુધી ધક્કાઓ ખાવાના હોય તો એ પ્રજાને અને ખાસ તો પીડિતોને લલ્લુ બનાવવાની જ વાત છે…

હજારો સ્ત્રીઓ જ્યાં દર વર્ષે બળાત્કારનો ભોગ બનતી હોય ત્યાં એકાદ બે કેસમાં જાહેર ફાંસી આપીને બીજા લાખો ગુન્હેગારમાં ભય ઉભો કરવામાં પણ આપણા કાનૂનને મર્યાદાઓ નડે છે? એટલીસ્ટ, એવા કડક ઉદાહરણો આપણે સમાજમાં ઠોકીને પણ બળાત્કારી રાક્ષસોને એવાં સીધાદોર કરવા પડશે કે બળાત્કારનો વિચાર કરતા પહેલાં પણ નપાવટ જંગલીઓ કંપી ઉઠે…

ભારતને આપણે વિકાસના નામે ગ્લોબલ બનાવવાના ફીફા ઘણા ખાંડયા છે, તો આરબ દેશોના બળાત્કાર સંબંધી કાયદાઓ અમુક હાઇપ્રોફાઇલ કેસમાં અપનાવીને સ્ત્રીઓને ભયમુક્ત કે પીડામુક્ત બનાવવામાં કયા ગાંધીજી નડે છે! ગાંધીજી ખુદ કહેતા કે આવા કિસ્સાઓમાં સ્ત્રીઓ છરી ચલાવે તો એ પણ હિંસા નથી જ…

કાયમ સ્ત્રીસ્વતંત્રતાના ગુણગાન ગાતી ફેમિનિસ્ટ જમાતો આવાં રાક્ષસો સામે સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવાની ઘેલી વાતો કરે છે, અને હથિયારો રાખવાની સાવ જ અવ્યવહારુ વાતો કરે છે. જે પરિસ્થિતિ એમણે એમના બાપજન્મારામાં અનુભવી જ નથી એ ઉકેલ લાવવાની વાતો આ લોકો ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી ચર્ચાઓમાં આ જમાત શુરી છે. હવસખોર રાક્ષસો સામે તો ખુદ કાયદાએ જ અમુક બાયલાગીરીઓ ત્યજીને મેદાનમાં ઉતરવું પડે છે…

જાહેરમાં ફાંસી કે કાસ્ટ્રેશન જેવી સજાઓ ફક્ત બે ચાર કેસોમાં આપી જુઓ. આખા દેશનાં લુખ્ખા મવાલીઓ સીધા દોર થઈ જશે. અને હજી પણ એ જ લાંબીલચક પ્રક્રિયાઓમાં બે ત્રણ દાયકાઓ ખેંચવા હોય તો આ દેશને સ્ત્રીઓનાં મૂળભૂત હક અંગે વાતો કરવાનો કોઈ જ અધિકાર નથી એમ સમજવું…

ન્યાય હવે સોશિયલ મીડિયામાં અને સડક પરની રેલીઓ સુધી સીમિત રહી જાય તે દેશની સ્ત્રીઓ માટે બિલકુલ યોગ્ય નથી. ન્યાય તો પોલીસની વર્દીઓમાં અને અદાલતો બાદ જેલના સળિયાઓ પાછળ અતિશય ક્રૂર થઈને પ્રગટવો જોઈએ…

– ભગીરથ જોગીયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.