Gujarati Writers Space

ચંદ્રકાંત બક્ષીની કુત્તી : સાલીના આંચળ જાડા થઈ ગયા છે હવે

ચંદ્રકાંત બક્ષીની કુત્તી. વર્ષો સુધી વિવાદોમાં રહી. જેણે વાંચી તે પણ તેના વિશે બે શબ્દ બોલતો હતો, નહોતી વાંચી તે તેના વિશે ચાર ચાર શબ્દ બોલતો હતો. સંગ્રહ પ્રાપ્ત ન થયો તો બક્ષીનામામાં બક્ષી પર ગુજારેલા સિતમને વાંચી કુત્તીની આસપાસ રખડ્યાનું આશ્વાસન મેળવી લેતો હતો. જૂનાગઢ પછી રાજકોટમાં મશાલ વાર્તાસંગ્રહ ખૂબ શોધ્યો છતાં નહોતો મળતો. આજે એ વાર્તાસંગ્રહ હાથ લાગી ગયો. નિયમ મુજબ જે સંગ્રહમાં બક્ષીની કુત્તી વાર્તા હોવાની તેની સાપેક્ષે બીજી વાર્તાઓનું મૂલ્ય વધારે હોવા છતા ઘટી જવાનું. ખાસ તો મેં પણ કુત્તીની અભિલાષાએ જ વાર્તાંસંગ્રહ ખરીદ્યો છે. પણ વાર્તાસંગ્રહ શોધતા પાણી આવી ગયેલા. એક એક પ્રકાશન સંસ્થાએ જઈ કૂતરૂ જેમ ટાયર ઉપર ટાંટિયો ઉંચો કરી મુતરે તેમ ઈન્કવાયરી કરેલી. બે વર્ષ પહેલા શોધ સંશોધનની ક્રિડા પર અલ્પવિરામ મુકી દીધેલું. પૂર્ણવિરામ કોઈ દિવસ નહીં.

આ સમયે એક પ્રકાશકને મશાલ વાર્તાસંગ્રહ વિશે પૂછેલું ત્યારે તેણે તોંદ પર હાથ ફેરવતા કહેલું, ‘એ હવે ક્યાં છપાઈ છે. એનું પાછું પ્રાગટ્ય થાય તેના સપના જોવાના જ નહીં.’

આજે ક્રોસવર્ડમાં એ વાર્તાસંગ્રહ હાથમાં આવી ગયો. પ્રવીણ પ્રકાશને પ્રસિદ્ધ કર્યો છે. પ્રવીણ પ્રકાશન પાસે ખૂબ ઓછા પણ ઉંચા દરજ્જાના લેખકો છે. વજુ કોટક પછી હરકિષન મહેતા અને હવે તો ચંદ્રકાંત બક્ષીની તમામ નવલકથા સાથે વાર્તાસંગ્રહો પણ છાપે છે. જે લોકો મશાલ વાર્તાસંગ્રહ વાંચવા માટે તલપાપળ થતા હતા તેમના માટે પ્રવીણ પ્રકાશને તાજો ઘાણવો પીરસ્યો છે.

બક્ષીની વાર્તાઓમાં ફિલોસોફી, હ્યુમર, ઘટનાને રમાડવાની બક્ષી બાબુની આવડત, વાંચકોને મજા આવે તેટલી વાર્તાની લંબાઈ, ન સાંભળ્યા હોય તેવા નામ, ભદ્રંભદ્રને વિચારતા કરી દે તેવા અવનવા શિર્ષક, પાત્રોને બ્રેડ પકોડા ખવડાવતા ખવડાવતા ક્યારે બક્ષીજી જીન કે વાઈનની બોટલમાં ઉતારી દે તેનો ખ્યાલ જ ન આવે. જેમને દારૂ, મટન, મચ્છીથી પરહેજ હોય તેમના નાકનું ટીચકુ ચડાવ્યા વિના આખે આખી વાર્તા પૂરી કરાવી નાખે અને છેલ્લે ઓડકાર પણ અપાવે. મશાલ સંગ્રહમાં પેજ નંબર 146થી શરુ થતી કુત્તી વાર્તાનો નમૂનો જૂઓ.

એનું નામ ટીટ્સી અકસ્માતે જ પડી ગયેલું. એક વાર હું અને કુશાન એની બંને તરફ સૂતેલા પડ્યા હતા ત્યારે એની ભરપૂર છાતીઓ ખૂલ્લી પડી અને હું તેના ઉભાર પર ધીરે ધીરે ગાલ ફેરવતો હતો. કુશાન બાજુમાં લેટેલો સિગરેટના દરાઝ કશ લેતો કંઈક ચિંતામાં હતો. ટિટ્સીએ મારા ગાલને ધક્કો મારી હટાવ્યો.

‘સાલા તારી દાઢી વાગે છે’

‘વાગે જ ને ? સવારે કરી હતી ?’ મેં કહ્યું, પછી એના સ્તન પર હોઠ લગાડ્યા.

કુશાને મોઢું ફેરવીને એના તરફ જોયું, ‘દાંત નથી વાગતા ?’

એ કંઈ જવાબ આપે એ પહેલા મેં કહ્યું, ‘આની સાલીના આંચળ જાડા થઈ ગયા છે હવે.’ પછી સ્તનની ડીંટડીઓ પકડીને—

– મયૂર ખાવડુ (પુસ્તક શોધ પૂર્ણ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.