Gujarati Writers Space

અશ્વીની ભટ્ટની કોમેડી

યુટ્યુબ પર અશ્વીની ભટ્ટ એવુ સર્ચ કરો એટલે એક વીડિયો તમને દેખાશે. જેમાં અશ્વીની ભટ્ટ ભાષણ આપતા હોય છે. આ અશ્વીની દાદાનો એકમાત્ર સારો કહી શકાય એવો વીડિયો છે. જેના તમામ રમૂજી અંશો મેં ભેગા કર્યા છે. આમ તો સાંભળીને લખવુ એટલે માથાના દુખાવાનું કામ. તો પણ જેટલુ થાય એવુ કર્યુ છે. વિનોદ ભટ્ટે તેમના વિશે લખેલુ કે, તેઓ ઉંટ લઈ ભણવા જતા !!! તો આવા સદાબહાર અશ્વીની ભટ્ટની આવી જ કેટલીક રમૂજી ગાથાઓ, ન સાંભળી હોય, તો બાદમાં સાંભળી લેજો. અને એવુ લાગે કે વાચવુ છે, તો વાંચી લો.

અશ્વીની ભટ્ટ સ્કુલ કાળમાં ભણતા હતા ત્યારે તેમને ટાકો કાપવાનો વારો આવતો. આ માટે મગનભાઈ નામના એક શિક્ષકની નિમણુંક કરવામાં આવેલી. મગનભાઈ ટાકો કાપવામાં માહેર. આ ટાકો એટલે કાપડ. ત્યારે અશ્વીની ભટ્ટની સ્કુલના પ્રિન્સિપાલ ઝીણાભાઈ દેસાઈ એટલે સ્નેહરશ્મિ. હવે આ રોજ રોજ ટાકો કાપવુ ગમે નહિ, જેના કારણે અશ્વીની ભટ્ટ અને તેમના મિત્રોએ નક્કી કર્યુ કે આ ટાકો ઉપાડી જઈએ. તે એક દિવસ સ્કુલના માસ્તરોની નજર ચુકવી અને ટાકો ઉપાડી ગયા, પણ આવડા મોટા ટાકાનું કરવુ શું…? એ સૌથી મોટો પ્રશ્ન હતો. જેથી તમામ તોફાની મિત્રોએ તેમાંથી શર્ટ પેન્ટ બનાવવાનું નક્કી કર્યુ. આ માટે નજીકના દરજીની દુકાને ગયા. ત્યાં જઈ અને સીવડાવ્યુ, પણ આ તો સીવડાવ્યા બાદ એ વાતની જાણ થઈ કે, જ્યાં કપડા સિવડાવવામાં આવ્યા હતા, તે જગ્યા તેમના ટાકાવાળા શિક્ષક મગનભાઈની હતી. જેથી મુસીબત આવી પડી. જેની વસ્તુ ચોરી ત્યાં જ પાછુ બતાવવા ગયા જેવો ઘાટ થયો. તમામ શિક્ષકો ગુસ્સે ભરાયા. જેની પાછળનું સૌથી મોટુ રિઝન અશ્વીની ભટ્ટ પોતે શિક્ષકના દીકરા હતા, અને જો તે જ આવડા મોટા નંગ હોય, તો પછી તેના બીજા મિત્રો જે આ મહાકાંડમાં સામેલ હતા, તેમનું શું કરવુ…? અશ્વીની ભટ્ટના પિતાએ તો શિક્ષકોને કહ્યું મારો દીકરો તો સારો છે, પણ આ લોકોની સોબતે બગાડ્યો છે. પણ, હવે અશ્વીની ભટ્ટના પપ્પાને કોણ સમજાવે કે આ પોતે જ સોબત બગાડનારો છે. જેથી પેરેન્ટસની મીંટીગ કરવામાં આવી અને એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આમને સજા તો મળવી જ જોઈએ. આ પહેલા આ તમામ વિધાર્થીઓને બરતરફ કરવાનું નક્કી કરવામાં આવેલુ, પણ મગનભાઈની કૃપાના કારણે આ ન થયુ. જેથી સી. એન. સ્કુલના માસ્તરે અશ્વીની દાદા અને તેમના તમામ મિત્રોના ગળામાં બોર્ડ ટીંગાળ્યા, અને તેમાં મોટા અક્ષરોમાં એવુ લખેલુ હતું કે, અમે ચોર છીએ, અમે મગનભાઈ સાહેબનો ખાદીનો ટાકો ચોર્યો છે, તે માટે અમને સજા થઈ છે, અને અમે ફરીથી આવુ ક્યારે પણ વર્તન નહીં કરીએ. અમે ખૂબ માફી માગીએ છીએ. હવે ગળામાં બોર્ડ નાખી ક્લાસે ક્લાસે ફેરવવામાં આવે, પણ અશ્વીની ભટ્ટને કંઈ ફર્ક ન પડે. કારણ કે માન મરતબાની તમામ સિમારેખાઓ અને લક્ષ્મણ રેખાઓ તે ઓળંગી ગયેલા. હવે થતુ એવુ કે અશ્વીની દાદા અને તેમના તમામ મિત્રોને ક્લાસમાં ઉભા રાખવામાં આવતા અને ગળામાં રાખેલુ પાટીયુ વંચાવવામાં આવતુ. જ્યારે પહેલા ધોરણના ક્લાસમાં પહોંચ્યા તો આ નાના ટેંણીયાઓને વાંચવામાં તો તકલીફ પડે, જેના કારણે અશ્વીની ભટ્ટ અને તેમના મિત્રોને શરમના શેરડા પડ્યા. કારણ કે જ્યારે શબ્દ ચોર્યા બોલવામાં આવે ત્યારે પહેલા ધોરણના વિધાર્થીઓને તે આકરો પડે, અને પરિણામે અડધી કલાક અશ્વીની ભટ્ટ અને તેમના મિત્રોને ઉભુ રહેવાનો વારો આવ્યો. પેલા બોલી ન શકે અને અશ્વીની ભટ્ટને ઉભુ રહેવાનું.

હવે આ કિસ્સા પરથી અશ્વની ભટ્ટને થયુ કે હું થોડુ સુધરી જાવ. બાપાને કંઈક આનંદ પડે તેવુ કરવાનું તેમણે વિચાર્યુ, પણ એ દિવસ ન આવ્યો. પિતાને એમ કે અશ્વીની ક્યારે સુધરશે. ખુદને આનંદ પડે તેવુ કરતા હતા, બીજા કોઈને આનંદ પડે કે ન પડે તેનો કોઈ દિવસ મગજમાં વિચાર ન લાવ્યો. અને હવે લેખન તરફ વળ્યા. જેમાં તેમણે છુપો ખજાનો નામની એક વાર્તા લખી. અશ્વીની ભટ્ટે લખવાનું શરૂ કર્યુ ત્યારની આદત કે પોતે પહેલેથી લાંબુ લખે, પછી તે ઓથાર હોય કે આખેટ હોય. જેના કારણે વાચકોની આતુરતા અને ઈચ્છાનો અંત આવતા ઘણીવાર લાગતી. લાઈબ્રેરીમાં તો તેમનું એક પુસ્તક આ વર્ષે અને બીજા પુસ્તકનો ભાગ આવતા વર્ષે વાંચવાનું મળે તેવુ બને. છુપો ખજાનો એક લઘુનવલકથા હતી. જેને ગણીને સિતેર પન્ના હતા. તે વર્ષે જીવરામ જોશી ઝગમગના એડિટર હતા. જે ગુજરાત સમાચારમાં એક પાનુ ચલાવતા હતા. જીવરામ કાકાને ચશ્મા પહેરવાની આદત જ્યારે તેઓ પોતાના ચશ્મા થોડા ત્રાંસા કરી અને જુએ એટલે મનમાં જેમ દરેક લેખકને સંકોચ પેદા થાય તેવો થાય કે, જવુ કે ન જવુ, પણ હિંમત કરી અને એક દિવસ અશ્વીની ભટ્ટ તેમની ઓફિસે પહોંચી ગયા. સૌથી મોટી વિમાસણ એ હતી કે અશ્વીની ભટ્ટ હતા ત્યારે પંદર વર્ષના પણ મારી માફક ઉંમર ના દેખાય એટલે લાગે અગિયાર વર્ષના. અશ્નીની ભટ્ટને જોયા એટલે ખુન્નસ નજરે પૂછ્યુ, ‘આ શું લાવ્યો છો…?’ અશ્વીની ભટ્ટે પોતે લખેલી વાર્તાનું નામ આપ્યુ. જીવરામ કાકાએ કહ્યું , ‘એવુ તો સાઈડમાં મુક.’

અશ્વીની દાદાએ એ વાર્તા વાચવાનું કહ્યું. જીવરામ કાકા હેબતાઈ ગયા, ‘અરે બાપ રે આટલુ લાંબુ ક્યારે વંચાય પછી વાચી લઈશ.’ અશ્વીની દાદા ઘરે ગયા. બીજા દસ દાડા બાદ પાછા આવ્યા. વાંચ્યુ, સામેથી જવાબ આવ્યો ના. અશ્વીની દાદા પોતાના ભાષાણમાં એ વાતને કબૂલ કરે છે, તેમની પાસે ટાઈમ નહતો, જેથી તેઓ વાચી નહતા શકતા. આમને આમ બે મહિનાનો સમય પસાર થઈ ગયો. અશ્વીની ભટ્ટ પાછા ગયા. મનમાં થયુ કે આ વાચશે નહીં, ફાઈલ પાછી લઈ આવીએ. તે ત્યાં પાછા માગવા ગયા. જીવરામ ભાઈએ બેસાડ્યા. એક બિસ્કીટનુ પડીકુ ખવડાવ્યુ. તે અશ્વીની ભટ્ટ ચાવ કરી ગયા. એ પૂરૂ થયુ પછી ફાઈલને ઢગલામાંથી બહાર કાઢી. પછી આકડ વિકડ આંખ કરી અને પૂછ્યુ, ‘તે લખી છે…?’

અશ્વીની ભટ્ટને થયુ યાર આ માનશે નહીં. એટલે ખોટું બોલ્યા, ‘ના, આ મારા મોટા ભાઈએ લખી છે !’ જીવરામ કાકાએ અશ્વીની દાદાના ભાઈના વખાણ કર્યા અને કહ્યું, ‘વાર્તા ખૂબ સરસ લખી છે, અને અક્ષર બહુ સારા.’ અશ્વીની દાદાની આ એક જ વસ્તુ ત્યારે બરાબર હતી. જે મરતા પર્યત રહી. હવે ભાઈના નામની ખૂદ ઉજવણી કરતા હતા. બાદમાં જીવરામ કાકા બોલ્યા, ‘તારા ભાઈને કહેજે મળી જાય !!!’

હવે સૌથી મોટી પ્રોબ્લેમ એ થઈ કે અશ્વીની દાદાને મોટોભાઈ નહીં. ત્યાં જ વિચારવા લાગ્યા, આ ક્યાં કરી. બહાર નીકળ્યા એટલે ખૂબ પસ્તાયા. સીધી સાઈકલ પછાડી ત્યાર પછી માથા પર હાથ પછાડ્યો. અશ્વીની દાદાને યાદ આવ્યુ કે ત્યાં એક કલ્યાણ કરીને છોકરો રહેતો હતો. હાઈટમાં છ ફુટ મોટો હોવાના કારણે તે મોટો ભાઈ લાગશે, એવુ મનમાં સેટ થઈ ગયુ, પણ કલ્યાણનું ખાતુ એવુ કે તે આવેલો યુપીથી. સ્ટોપરને ઈસ્ટોપર કહે. અશ્વીની દાદાએ તેને સમજાવ્યો, ‘જો સરખુ બોલજે અને જીવરામ કાકાને ઈમ્પ્રેસ કરી દેજે.’

કલ્યાણ કહે, ‘તુ પહેલા વાર્તાની ફાઈલ તો લાવ’ એટલે અશ્વીની ભટ્ટે તેમને દસવાર વાર્તા કહી, પણ અગિયારમી વાર સંભળાવ્યા છતા તે મુખ્ય પાત્રનું નામ પણ યાદ ન રાખી શક્યો. એટલે દાદા પાછા ઓફિસે ગયા. ત્યાં જઈ કહ્યું, ‘કાકા ભાઈ મુંબઈ રહે છે.’

જીવરામ કાકાએ કહ્યું, ‘તો આવે ત્યારે લઈ આવજે, ઉતાવળ ક્યાં છે…? મારે તેને કહેવુ પડે એમ છે, કે આ વાર્તામાં આટલુ આટલુ કર.’

હવે અશ્વીની ભટ્ટને ખબર નહીં કે તેમના આ જીવરામ કાકાને ખબર હતી કે અશ્વીની ભટ્ટને કોઈ ભાઈ નથી!!! પણ આખરે તે બાળવાર્તા ગુજરાત સમાચારમાં છપાઈ. સાત હપ્તામાં બાળવાર્તા અને અશ્વીની ભટ્ટને લેખક હોવાનું બહુમાન મળ્યુ. જીવરાજ કાકા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકોને એવુ કહેતા કે આ નંગ છે, જેણે આ અદભુત વાર્તા લખી છે.

પછી અશ્વીની ભટ્ટે ચોપડીઓ (પુસ્તકો એવુ નથી બોલતા) ટ્રાંસલેટ કરી. એ પણ એક જુદી વાત છે. લગભગ 42 થી 45 જેટલી ચોપડીઓ ટ્રાંસલેટ કરેલી. પછી લજ્જા સન્યાલ નામની પ્રથમ નવલકથા સંદેશમાં છપાઈ. અશ્વીની ભટ્ટ ખુદ એવુ સ્વીકારે છે, ‘રવિવારના છાપામાં ખીચડો હોય, એટલે આપણી નવલકથા કાદાચ કોઈના ધ્યાનમાં ન આવે એટલે મારી નવલકથા સોમવારના પાનામાં છપાતી.’ કારણ કે કશુ ખબર ન પડે કે કોના કારણે કોપીઓ વધારે વહેંચાણી. અશ્વીની ભટ્ટનું માનવુ છે કે ‘એડિટરો તો ઘઉંમાંથી કાંકરા વીણતા હોય છે. દિગ્ગજ છગનલાલ ગુજરી ગયા. હવે ખબર નથી પડતી કે કોણ છે આ છગનલાલ !? આ છાપાઓની દુનિયામાં એક ટ્રેજડી છે. આપણા દેશમાં ખરેખર સાચુ છાપુ જ નથી. થયુ હતું… એ છાપુ અભિયાન થવાનું હતું. અભિયાન મેગેઝીન… ’

શરૂઆતમાં રવિન્દ્ર ઠાકોર હતા, જેમની સાથે તે ગુજરાત સમાચારમાં જતા અને સ્પેસ ફિલર લખતા. શાંતિલાલ શાહ તેના માલિક. અશ્વીની ભટ્ટ તેમની પાસે ગયા અને કહ્યું, ‘આ મેં લખ્યુ છે.’

‘તે લખ્યુ તો શું ?’ શાંતિલાલે ગુસ્સેથી કહ્યું.
‘આ છપાઈ ગયુ છે.’ અશ્વીની ભટ્ટે નરમાશથી કહ્યું.
‘હા, તો છપાઈ ગયુ છે, તો શું…?’ શાંતિલાલ ફરી ગુસ્સેથી બોલ્યા.
અશ્વીની ભટ્ટે ગરીબાઈથી પૂછ્યુ, ‘સાહેબ કંઈક પૈસાનું…?’ તો ગજવામાંથી પાકિટ કાઢે અને પાંચ રૂપિયા આપે. અશ્વીની ભટ્ટ ગરીબ બ્રામ્હણની માફક ઉભા જ રહે.

એટલે શાંતિભાઈ પૂછે, ‘કેમ ઉભો છે ?’
અશ્વીની દાદા ફરી ગરીબ બ્રામ્હણ બની જાય ‘હવે પાંચ જ રૂપિયા.’
એટલે બીજા ખીચ્ચામાંથી બેની નોટ કાઢી કહે, ‘ચાલ હવે જતો રહે…’
તો એવી રીતે ગુજરાત સમાચારમાં આગળ વધ્યા. અને ગુજરાત સમાચારમાંથી સૌથી વધારે પૈસા લેતા લેખક થયા. જ્યારે સંદેશે તેમને વિશાળ તખ્તો આપ્યો. અને ત્યાં અશ્વીની દાદા ફરીવાર ભાષણની વચ્ચે અટકતા અટકતા બોલે છે, ‘અહીં ઉભા શું કામ છીએ, વખાણ કરવા તો ઉભા છીએ.’ તમને લાગશે પણ સોમવારનું પાનું, ઈટ ગીવ્સ સંદેશ સમ શોર્ટ ઓફ પ્રેસ્ટિજ. અશ્વીની દાદાને લોકો પૂછે કે, ‘તમારૂ સાહિત્યમાં પ્રદાન શું ?’ એટલે અશ્વીની દાદા બોલે, ‘પેલા તો મને પ્રદાન શબ્દનો અર્થ જ ખબર નથી. આ દરેક જણ પ્રદાન પ્રદાન શું કરે છે આપવુ હોયો તો આપ.’ આગળ તેઓ જણાવે છે, હું કંઈ નરસિંહ મહેતા નથી કે એટલો જીવવાનો નથી, પણ મેં ગુજરાતીઓને વાંચતા રાખ્યા છે.

1997માં અશ્વીની ભટ્ટને હ્રદયની બિમારી થઈ, આમ તો થતી હતી, આ સાચેક થઈ. તેમના ફાધર હરિપ્રસાદ ભટ્ટ તે પણ આ બિમારીથી ગુજરી ગયેલા. તેમને થયુ કે બાપા મકાન સાથે બિમારી પણ વારસામાં મુકતા ગયા છે. તેમના મિત્ર ગીરીશે તેમને ડોક્ટર તુષારને મળવાનું કહ્યું. તો બીજા દિવસે લેંઘો જભ્ભો પહેરી એક યુવાન માણસ તેમની સામે આવ્યો. આમ તો તેમના ઘરે ઘણા ઓળખાણ વિનાના લોકો રહી ચુક્યા છે. એટલે તેમના માટે આ નવાઈ નહીં. તેમને થયુ કે આ કોઈ નવો વધ્યો લાગે છે. પૂછ્યુ, ‘કોણ છો ?’

તો સામેથી જવાબ આવ્યો, ‘ડોક્ટર તુષાર, મારે તમને ઘણા સમયથી મળવુ હતું, પણ સમય મળતો ન હતો. અશ્વીની ભટ્ટથી પૂછાઈ ગયુ, ‘તમારે નહીં મારે ત્યાં આવવાનું હોય.’

‘હું ક્યાં પેશન્ટને જોવા આવ્યો છું, આપણે તો નવલકથા વિશે વાત કરવાની છે.’ અને દરેક લેખકની આ વિકનેસ હોવાની જ, તેમને આત્મ પ્રશસ્તિ જોતી જ હોય. અશ્વીની દાદાએ તેમને બેસાડ્યા અને બે કલાક અશ્વીની દાદા નવલકથા વિશે બોલ્યા. ત્યારબાદ તપાસ કરી અને કહ્યું, ‘આ તો ઓપરેશન કરવુ પડશે. વાલ પણ ખરાબ છે.’ હવે અશ્વીની ભટ્ટને તો એક જ વાલની ખબર ‘કૂકરનો !!!.’ અશ્વીની ભટ્ટે પૂછ્યુ, ‘ના કરાવુ તો…?’

ડોક્ટર તુષાર બોલ્યા, ‘તો ધીમે ધીમે રૂમની બહાર પણ ન જવાઈ.’
અશ્વીની ભટ્ટથી પૂછાઈ ગયુ ‘આમા મરવાના ચાન્સીસ કેટલા…?’ એટલે પેલા ડોક્ટરે સાત આઠ કારણ જણાવી કહ્યુ, ‘મારી ભુલના કારણે પણ જાય.’

અશ્વીની ભટ્ટે વિચાર્યુ આની પાસે જ ઓપરેશન કરાય.
હવે થોડી આત્મશ્લાઘા વિશેની વાત કરીએ. અશ્વીની ભટ્ટથી ટોઈલેટ જવાતુ નહતું. તો તેમણે કમ્પાઉંડરને કહ્યું ‘તુ મને ટોઈલેટ લઈ જા’

પેલો કહે, ‘સાહેબ ટાંકા તુટી જાય.’
અશ્વીની ભટ્ટ કહે, ‘ભલે તુટી જાય.’
‘ના સાહેબ નવલકથા કોણ આપશે…?’
આ તેમનો જ્ઞાનપીઠ એર્વોડ હતો. થોડું ભણેલો માણસ પણ તેમને આવુ કહેતો. આ તેમના જીવનની બ્લેક કોમેડી છે. અને વીડિયો પૂરો થાય છે. બસ આનાથી વધારે હું તેમના વિશે કશું નથી જાણતો, પણ મને લાગે છે આટલી વાર લખી અને વાચ્યુ, પણ સાલુ બરાબર ન લખાયુ.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.