Gujarati Writers Space

અનુરાગ કશ્યપનું સાહિત્ય વિશ્વ…

મારો જન્મ થયો ઉત્તરપ્રદેશના ગોરખપૂરમાં, પણ તમને જાણીને નવાઇ લાગશે કે, મારા ભાઇ અભિનવ કશ્યપના જન્મ સાથે એક મસ્તમજાની વાત જોડાયેલી છે. અભિનવનો જ્યાં જન્મ થયો તે જગ્યા એટલે કે ગેંગ્સ ઓફ વાસેપૂરમાં તમે જોયેલું સરદાર ખાન ઉર્ફે મનોજ બાજપાઇનું પહેલું ઘર.

હું હંમેશાથી બીજા છોકરાઓ સાથે ભળી નહોતો શકતો. પિતાશ્રી ઉત્તરપ્રદેશના ઇલેક્ટ્રીસીટી વિભાગમાં કામ કરતા હતા. તેમની બદલી થયા કરતી હતી. મને જ્યારે પહેલી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો ત્યારે હું એકલો પડી ગયેલો. અત્યારના છોકરાઓ ફ્રી માઇન્ડેડ નથી. ફ્રિ રહી શકતા નથી. સરયુ નદીના કિનારે અમે રખડતા. બધા રસ્તાઓ અમારા હતા. ઘેર મા-બાપને અમારી ચિંતા નહોતી.

જ્યાં હું ભણતો એ સ્કૂલના બધા છોકરાઓ અંગ્રેજી બોલતા હતા અને હું બોલતો હતો હિન્દી. શરમના કારણે મેં ત્યાં કોઇ મિત્ર ન બનાવ્યો પણ ત્યાં લાઇબ્રેરી સાથે મારો સંપર્ક થઇ ગયો.

મને ખબર નહોતી કે શું વાંચવું ? શું ન વાંચવું ? પણ ત્યાં ઘણા બધા પુસ્તકો હતા. મેં માત્ર નવ વર્ષની ઉંમરમાં આખી મહાભારત વાંચી લીધી. બધા પાત્રો મને કંઠસ્થ થઇ ગયા. વાંચતો થયો એટલે મને લખવાનો શોખ ઉપડ્યો. કંઇકનું કંઇક લખ્યા કરતો હતો. તેનો શું અર્થ થાય કે તેને શું કહેવાય તેની મને કંઇ ગતાગમ પડતી નહોતી.

હાઇ સ્કૂલમાં પહોચ્યો ત્યારે મારી નજર પડી પ્રેમચંદ પર. પ્રેમચંદનું માનસરોવર મેં વાંચી નાખ્યું. પસંદ આવ્યું એટલે મેં લાઇબ્રેરીયનને જઇ પૂછ્યું, ‘આને કહેવાય શું ?’

લાઇબ્રેરીયને જવાબ આપ્યો, ‘આ ટૂંકી વાર્તા છે. શોર્ટ સ્ટોરી…’
મેં આવી બીજી વાર્તાઓ માગી. પણ પ્રેમચંદની કક્ષાનું હિન્દીમાં લખનારા ખૂબ ઓછા લોકો હતા. એટલે લાઇબ્રેરીયનની કૃપાથી મારો એક બીજા સાહિત્યકાર સાથે ભેટો થયો. શરદ જોશી. શરદ જોશીનું સાહિત્ય વાંચ્યા પછી મારામાં લખવાનો દબાયેલો કિડો સ્પ્રિંગની જેમ ઉછળ્યો. હું લાંબું ખૂબ લખતો હતો. પ્રેમચંદને વાંચ્યા પછી મને લાગતું હતું કે ટુંકી વાર્તાના ક્ષેત્રમાં ખેડાણ કરવું યોગ્ય રહેશે. મને ખબર નહોતી હું શું કરી રહ્યો છું, પણ મેં ટુંકી વાર્તાઓ લખી. સ્કૂલની મેગેઝિન માટે એ વાર્તાઓ મોકલી અને ત્યાં રિજેક્ટ થઇ ગઇ. પણ હું હતાશ નહોતો થઇ રહ્યો. કારણ કે, મારે કોઇ સાહિત્યનું ખેરખાં નહોતું બનવું.

વાર્તાઓ સાથે મને કવિતાઓ લખવાનો ઘણો શોખ હતો. મને ગમતી કવિતાઓ લખતો અને મારા શિક્ષકોને વંચાવતો. મારા શિક્ષકોએ મારા પિતાને કાન ભંભેરણી કરી કે, તમારા દિકરાને કંઇક થઇ ગયુ છે. તે કંઇક અલૌકીક લખ્યા કરે છે.

એ સમયે મને જન્મ અને મૃત્યુની કવિતાઓ લખવી ગમતી હતી. બસ લખ્યા કરતો હતો. મારા નિજાનંદ માટે. ફાધરને ફરિયાદ કર્યા પછી તો કોઇને વંચાવવું મને યોગ્ય ન લાગ્યું એટલે મેં મારી અંગત ડાયરીમાં તે કવિતાઓ સંભાળીને રાખી દીધી.

ખબર મળી કે નિબંધ સ્પર્ધા આવી છે. મને લખવાનો શોખ-મારા વાંચવાના કારણે જાગ્યો હતો. પંદર પંદર પાનાના નિબંધો ઢસડી મારતો હતો. આટલું લાંબું લખવાના કારણે જજીસ પણ વ્યાકુળ થઇ જતા હતા. સતત 9 વખત મેં તે નિબંધ સ્પર્ધા જીતી. એટલા માટે કે મને વાંચવાનો શોખ ઘુસી ગયો હતો.

મારા ભાઇ અને મારી બહેનમાં તે જોવા નહોતો મળતો. બસ હું જ મારી આ સાહિત્યની દુનિયામાં લિપ્ત રહેવા માંડ્યો હતો. બાયોલોજી વિષય મને ગમતો અને સાયન્સ તરફ જુકાવ હોવાના કારણે મેં બાયોલોજી વિષયમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. પણ દિલ્હીમાં મારુ ધ્યાનભંગ કર્યું ઉર્વશી જેવી છોકરીઓએ.

ઉત્તરપ્રદેશનો છોકરો જ્યારે સ્કર્ટમાં કોઇ છોકરીને જુએ તો કુમળી વયે તેને ફોસલાવવાના પટાવવાના વિચારો આવવા માંડે. મને પણ આવવા લાગ્યા. કોઇ સિનીયર્સના જૂના એડિડાસના શૂઝ પહેરવા માટે પૈસા ભેગા કરવા. તેની સાથે વાતો કરવાની કોશિશ કરવી. અને તે વાત ન કરે, મોં ઘુમાવી ચાલી જાય, તો અરિસામાં જોવા લાગતો. મારા વાળ તો બરાબર છે ને ? મેં કપડાં તો બરાબર પહેર્યા છે કે નહીં ?

હું દિલ્હીમાં છોકરીઓની પાછળ લટ્ટુ હતો. આવું કરતો હતો તેની પાછળનું કારણ બધા આવું કરતા હતા અને મને કહે આમ કરવાનું તો મારું ધ્યાન ત્યાં ચાલ્યું જતું. પહેલાથી આવો અને અત્યારે પણ કંઇ બદલાયો નથી.

પણ ત્યાંની લાઇબ્રેરી સાથે મારી સોબત લાગી ગઇ. એ લાઇબ્રેરીમાં હિન્દીનું તમામ સાહિત્ય ફેંદી નાખ્યું. કોણ લેખક તેની સાથે મને કોઇ મતલબ નહોતો. મારો મક્સત હતો બસ વાંચવું.

એ સમયે મેં શરતચંદ્ર ચટોપાધ્યાયની દેવદાસ વાંચી. સાચુ કહું તો મને બિલ્કુલ પસંદ નહોતી આવી. ખબર નહીં તેના પરથી મેં દેવડી શા માટે બનાવી ?

પણ મારી નજર તો હજુ છોકરીઓ પર જ હતી. આ અંગ્રેજી બોલતી મેડમોને પટાવવાનો એક જ ઇલાજ હતો કે તમને અંગ્રેજી બોલતા આવડવું જોઇએ. અંગ્રેજી બોલવા માટે શું કરવું પડે ? અંગ્રેજી વાંચવું પડે.

તો હું દોડીને લાઇબ્રેરીયન પાસે ગયો અને કહ્યું કે મને અંગ્રેજીની બુક્સ આપી દો. સાહિત્યની બુક્સ જેથી મારો જીવ પરોવાય. આ પહેલા જ હિન્દીમાં અનુવાદિત દોસ્તોવયેસ્કી અને લિયો ટોલ્સટોય સાથે મારો પનારો પડી ગયો હતો. હવે તેમને અંગ્રેજીમાં વાંચવાના હતા. લાઇબ્રેરીયનને ખબર પડી ગઇ કે આ અંગ્રેજી સ્ટાર્ટ કરી રહ્યો છે. એટલે તેણે મને કહ્યું, ‘શરુ જ કરવું છે તો આ માણસથી કર.’

તે બુક જે મારા હાથમાં આવી તેનું નામ હતું મેટામોર્ફોસિસ અને રાઇટર ફ્રાન્સ કાફ્કા. મને આ જર્મનમાં રસ પડ્યો અને જર્મન લેખકોમાં પણ. મેટામોર્ફોસિસ, ટ્રાયલ સહિતની તેની ટૂંકી વાર્તાઓ મેં વાંચી નાખી. મેં પહેલા જ કહ્યું કે વાર્તાઓ વાંચવી મને ગમતી હતી, પણ મારી વાર્તાઓ તો કોઇ સાહિત્યક મેગેઝિનોમાં છપાઇ નહોતી રહી. તે લોકો રિજેક્ટ કરતા રહેતા હતા. ઉપરથી હવે છોકરીઓ પરથી મારૂ ધ્યાન હટવા લાગ્યું. મેં તેને મારી જિંદગીથી દૂર કરી દીધી તેમ કહી શકો.

એક દિવસ માર્ક્સને વાંચુ તો સામ્યવાદી બની જાઉં. કોઈ બીજા લેખકને વાંચુ તો તેની અસર મારા પર પડે. હું રોજ બદલતો હતો.

ઘેરથી પિતાશ્રીનો ફોન આવ્યો, ‘આ વખતે તું યુપીએસસીની પરીક્ષા આપે છો ને…’
મેં હા કરી નાખી, પણ પરીક્ષા આપી નહીં. કારણ કે મારી દિવસ અને રાત સાહિત્યએ ચોરી લીધી હતી. હું બિલ્કુલ એવું ઇચ્છતો નહોતો કે કોઇ પરીક્ષા તેની વચ્ચે આવે. મેં કંઇક નવું કરવાનો પ્લાન કર્યો.

એ સમયે મારી મુલાકાત થઇ અનિરૂદ્ધ વહાબ સાથે. અનિરૂદ્ધ ફ્લૂટ વગાડતો હતો. અચરજ પમાડતી વાત એ હતી કે ફ્લૂટ વગાડી તે પૈસા કમાતો હતો. મને તેનામાં રસ પડ્યો અને હું મારા બોરિયા બિસ્ત્રા બાંધીને અનિરૂદ્ધની નાની એવી ખોલીમાં રહેવા આવી ગયો. અમારા બંન્નેના વિચારો કોઇને સમજાય તેવા નહોતા. એ સમયે સાહિત્યમાં તો ન ચાલ્યા પણ કદાચ આપણે મેગેઝિનમાં ચાલી જઇએ તેવો વિચાર આવ્યો.

અનિરૂદ્ધ સાથે મેં આસપાસમાં બનતી ઘટનાઓનું નિરીક્ષણ કરી એક પોર્નોગ્રાફી મેગેઝિન શરૂ કરવાનું નક્કી કર્યું. અનિરૂદ્ધ મોજીલો માણસ હતો. તે મારી વાતમાં આવી ગયો તેમ જ કહોને. તેણે હા કરી નાખી.

અમે બંન્ને પ્રકાશકની દુકાને ગયા અને અમારી મેગેઝિનની વાત નખશીખ તેને કહી. પછી તેણે અમને બંન્નેને માર્યા. ધોલ ધપાટ થઇ અને અમે અમારો જીવ બચાવી ભાગ્યા. આ માર પછી આવા ગતકડા કરવાનું અમે છોડી દીધું.

હું આવી ગયો મુંબઇ. અહીં પોતાની ટેલન્ટના જોરે આવનારા લોકો વિચારતા હોય છે કે, અમે રહેશું ક્યાં ? ખાશું ક્યાં ? આવી વાતો તેમના મગજમાં ચાલતી હોય છે. મને તેવી વાતોની કંઇ પડી નહોતી. આપણે તો સામાન બાંધ્યો અને નીકળી પડ્યા. નસીબમાં કંઇક હશે તો રાહ મળી જ જવાની છે.

અચરજ પામશો તમે. મેં પૈસા લીધા વિના અને નામની આશા રાખ્યા વિના અઢળક ફિલ્મો લખી. લોકોને મારું કામ પસંદ આવતું હતું. કારણ કે હું પૈસા નહોતો માગતો. મને પણ ખ્યાલ હતો કે જો હું પૈસા માગીશ તો મારી પાસેથી કામ ચાલ્યું જશે. વિચારો તમારી ક્રેડિટ નથી આવી રહી અને તમે ડિરેક્ટર-પ્રોડ્યુસરને મફતમાં સ્ક્રિપ્ટીંગ કરી આપો છો. પણ સમય જતા સત્યા આવી ગઇ અને મારી ગાડી દોડવા માંડી.

એવું લાગે છે કે, સાહિત્ય અને સિનેમામાં પૈસા અને ક્રેડિટની આશા રાખ્યા વિના કામ કરો તો પછી ભવિષ્યમાં ભલીવારી થાય. જોકે હવેના સમયમાં બધું બદલાઇ ચૂક્યું છે. મારી બે કંપની છે. અનુરાગ કશ્યપ ફિલ્મ એન્ડ પ્રોડક્શન અને ફેન્ટમ. ફેન્ટમ કંપનીમાં હું મોટા પ્રોડ્યુસરો સાથે કામ કરું છું, પણ એ મોટા લોકોને અનુરાગ કશ્યપની કંપનીમાં નજર નથી દોડાવવાની. અહીં પૈસા માટે નહીં ડિરેક્ટરના પોંઇન્ટ ઓફ વ્યૂથી ફિલ્મો બને છે, ચાલે છે. એટલે લોકો મારી પાસે આવે છે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.