Gujarati Writers Space

અંતર સંવાદોની વર્ષા

“ભૂલ્યા ભુલાસે માહિયર માળખાં.
ભૂલી જશું મોસાળે વાટ
ઋણ ભૂલીશું ધરતી માંતના,
ભૂલી જશું પોતાની જાત.

(વળી) ભૂલી જવાશે કો અભાગીયા..
ભૂલી જવાશે પ્રીતની રીત.
(પણ) નહીં રે ભુલાય એક આટલું..
કોક દન કરી’તી પ્રીત. “

” માનવીનું શુ ઠેકાણું. એક દન તો બધું જ ભૂલી જાય. . “

જુના ડ્રાફ્ટ ખોલી ને આજે જોયું. ઘણી બધી યાદો સાચવીને બેઠું છે. જીવનમાં લખેલો સૌથી પ્રિય પ્રેમપત્ર. વાંચ્યો. .

પ્રિય મિઠુંડી,

શુ કહી ને તને સંબોધુ. ? નથી તને હું મારી પ્રિયતમા કહી શકતો કે, નથી કહી શકતો “તું”. પણ છતાં કેમ મને તારી જ યાદોમાં તરબતર રહેવાની આદત પડી ગઈ છે! શું હશે એ એહસાસ મને ખબર નથી જે મને તારી આટલો તારી નિકટ લાવે છે, અને હું જાણવા પણ નથી માંગતો. પણ તારા હોઠોમાંથી નીકળતો એક એક શ્વર મને આ એક જ જિંદગી વારંવાર જીવવા માટે પ્રેરે છે. બની શકે તને મારી આ વાતો ફકત એક આવેગ કે આવેશમાં લખાયેલ લાગે, પણ ખરેખર મારી આ વાતો મારી રોમ રોમમાંથી નિચોડેલ તારા પ્રેમનો રંગ છે.

મારા મનમાં હંમેશા પ્રશ્ન થતો હતો, કે શું ખરેખર પુન:ર્જન્મની જેમ પુન:પ્રેમ પણ થતો હશે. ? જોકે મને આ સવાલનો જવાબ તારામાં મળ્યો છે. ક્યારેક તારો ફોટો જોવું છે તો સ્વર્ગની કલ્પના થાય છે. સાચું કહું ને તો કદાચ સ્વર્ગ મળવું સહેલું હશે, પણ તારી સાથે જીવવું કદાચ વિચારોમાં જ શક્ય છે. હું જોકે આમ તો ઘણી બધી બાબતોમાં સ્વાર્થી છું. હું મારી લાગણી હોય કે વસ્તુ હું વહેંચવામાં ખૂબ ખચકાવ છું. હું ખૂબ આત્મમુગ્ધ વ્યક્તિ છું જેને કદાચ પોતાનાથી વધારે વહાલું કોઈ નહીં હોય. પણ એ સત્ય પણ તને મળ્યા બાદ વેરવિખેર થઈ ગયું છે. આ વિચારીને ખરેખર તારી પર ખૂબ ગુસ્સો આવે છે, પણ તારા મોતી રૂપી મેસેજ કે તારા મોકલાવેલ ફોટા જોઈને એ બધો ગુસ્સો ક્યાંક ખોવાય જાય છે. ક્યારેક તો એવું થાય છે કે તને તારી જોડે આવીને તારી એક એક ક્ષણને મારા પ્રેમથી ભરી દવ. પણ બીજી જ ક્ષણે વિચાર આવે છે કે કદાચ તને સ્પર્શથી કદાચ તારી પવિત્રતા કે માત્યતા અભડાય જાય તો. ? પણ એ વાત પણ હું કબુલું છું કે મારા જીવની મુક્તિ માટે તારો સ્પર્શ પણ ખૂબ જરૂરી છે. તું કદાચ આવી બધી વાતોને મારું પાગલપન કહીશ પણ પ્રેમમાં તો આવું પાગલપન જ પ્રેમને જીવંત રાખે છે. જોકે તારી બાબતે હવે હું થોડો સ્વાર્થી થવા લાગ્યો છું. એને મને એ સ્વાભાવિક પણ લાગે છે. પ્રેમની લાગણીઓમાં હું તને ફક્ત મારી કક્ષાઓ સુધી જ કલ્પી શકું છું. અને આવો થોડો ઘણો સ્વાર્થ પ્રેમમાં તો યોગ્ય જ ગણાય. આમ પણ મને એવી સ્ત્રી વધારે આકર્ષે છે જેનું હિમોગ્લોબીન 14થી 16ની વચ્ચે હોય. જેના બ્લડ ટેસ્ટમાં સુગર નહીં સપના હોય (આ ક્યાંક સાંભળેલું છે). મને તારી દરેક વાતમાં સપના દેખાય છે. હઉ એ વાયદો નહિ કરું કે હું તને અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરીશ. કેમ કે હું નસીબ અને ભવિષ્યમાં નથી માનતો. પણ એટલું જરૂર કહીશ કે મારી ક્ષણ-ક્ષણમાં ફક્ત તારો જ વાસ હશે.

સાચું કહું તો હું પ્રેમને ક્યારેય જીવનસત્ય તરીકે સ્વીકાર્યું જ નથી. હું ક્યારે કોઈની પણ સામે નસીબ કે સંજોગની વાત પણ નથી કરી. પણ જ્યારથી તારી સાથે સબંધ બંધાયો છું, મને નસીબ જેવું કાંઈક લાગવા લાગ્યું છે. હું એ માનવા લાગ્યો છું કે હા, પ્રેમની સંવેદના પ્રત્યક્ષ પ્રાપ્તિ સિવાય પણ સંવેદે છે. હું એ માનું છું કે તારી અને મારી વચ્ચે જે દીવાલ છે એને કદાચ કુદરત પણ ન મિટાવી શકે. કેમ કે એ પણ મનુષ્યોમાં વહેંચાય ગયો છે. પણ તું નિશ્ચિન્ત રહેશે. મારા પ્રેમના વિકાસમાં હું ફક્ત તારી એજ ક્ષણોનો ઉપયોગ કરીશ જેનું તારી અસલ જિંદગી સાથે કોઈ લેવા-દેવા નહીં હોય. હું ફક્ત તારા એવા પ્રેમની કલ્પના કરું છું, જે ફક્ત કલ્પનામાં જ હોય. હું નથી ઇચ્છતો કે હું એને વાસ્તવિકતામાં લાવી પ્રેમના આવેગને નષ્ટ કરું.

અત્યાર સુધીમાં મને જે તારા માટે લાગણીઓ છે, તે કદાચ આ શબ્દો પૂરતી સીમિત જ સીમિત છે. બની શકે. કે ભવિષ્યની તારી લાગણીઓ મારા શબ્દોને વધારે વાચા આપે.

કદાચ તારો. જ.
– વાશું

જિંદગીમાં પણ ટીવીની જેમ રિવર્સ બટન હોય તો કેટલું સારું. મન ફાવે ત્યાં pause કરી શકાય. ના ગમતો સમય. forward પણ કરી શકાય.

ઓહ. ..
સાંજ આજે પાછી ફરી એકવાર વિકરાળ બની છે. ભયંકર અને બિહામણી. ઘણા સમયથી આ સાંજ મને ભૂલી ગઈ હતી. આજે અચાનક બારીમાંથી સૂર્યને આથમતો જોયો. હા, કદાચ એ જ પક્ષીઓ પાછા ફરી રહ્યા છે. જે થોડા સમય પહેલા રોજ મને દેખતા. આજે એ મારી તરફ જોવાનું ભૂલી ગયા છે. કદાચ હવે એમને આદત નથી રહી. આ તરફ જોવાની. શુ એ પણ માનવી જેવા બની ગયા છે…???

ઓહ, તું એ સાંજમાં નથી આજે કોણ જાણે ક્યાં ગઈ. અરે, પણ તું તો કહેતી હતી કે જીવનમાં આવે ત્યારે ક્ષણિક ના આવતો. અનંત માટે આવજે, પણ આજની સાંજ પણ કંઈક અલગ જ લાગે છે. અરે તને ખબર છે, આજે હું સાંજે ચા પીવા બેઠો છું. મારુ સપનું હતું ને કે હું તારી એઠી ચા પીવું. છોડ એ પણ કેટલું હાસ્યાસ્પદ હતું નહીં ને.

છોડ તારી અને મારી વાતો. ચાલ એકવાર ફરી ક્ષિતિજોની પેલે પાર જઈને મળીયે. એક અજાણ્યા પ્રદેશમાં એક અજાણી લાગણીઓ સાથે, એક અજાણી વ્યક્તિ બની ને… ઓહ યાર, કેટલું સુંદર સપનું હતું એ. કે હકીકત…???

ખબર નથી. .

અનાયાસે જ આજે તારી યાદોના વમળો મારા મન અને મસ્તિષ્કને ઘેરીને બેઠા છે. કોઈ જગ્યા જ નથી છોડતા. સાંજ પડી ત્યારથી જ જતા જ નથી. કોણ જાને કેમ આજે મારો હાથ તારા તરફ લંબાયો પણ ખરો. પણ ત્યાં તો તું જ ઓઝલ થઈ ગઈ. એક મૃગજળની જેમ…

છોડ…
લખવાનું તો ઘણું છે. પણ અહીંયા નથી લખી શકાતું ને… તો સૉરી, બસ આટલું જ…

~ અમીન ઉમેશ
( મિડનાઈટ થોટ્સ – Sarjak.org )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.