Gujarati Writers Space

‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!

ફિલ્મ ‘અંધાધૂને’ તો પણ ખરી કરી છે. કહે છે કે કેટલાકને ઊંઘમાં પણ પેલું સસલું દેખાય છે ને કેટલાક તો ઘરે આવતા કુરિયર બોય કે દૂધવાળાને પણ પૂછી જોવે છે કે, ‘તને શું લાગે છે? ‘અંધાધૂન’ના અંતમાં શું થયુ હશે? કયો અંત સાચો હશે?’ કેટલાક ઘરોમાં તો કયો અંત સાચો એ મુદ્દે પતિ-પત્નીમાં અંટશ પડી ગઈ છે!

હકિકત કંઈક એવી છે કે વર્ષો પહેલા લોકોએ ‘ગુપ્ત’ ફિલ્મનો એન્ડ દિવાલો પર લખી નાખ્યો ત્યારે એ ઘટના જોઈ શ્રીરામ રાઘવનનું દિલ દ્રવી ઉઠેલું. વર્ષો બાદ એમણે એવા લોકોની સાન ઠેકાણે લાવવા એક એવી ફિલ્મ બનાવી જેનો અંત પોતે સમજે છે એ જ છે ને? એવું કન્ફર્મ કરવા લોકો ત્રણ દિવસ સુધી ચાર ચાર લોકો સાથે ચર્ચા કરતા ફરે ને છતાં કોઈને કોઈ ડાઉટ રહી જ જાય. ફિલ્મ ક્રિટિક પાર્થ દવે જેવા કેટલાકને તો ખુદ આયુષમાન ખુરાનાએ અંત કીધો હોવા છતાં સ્વીકારવા તૈયાર નથી ને ડાઉટ નીકળે છે! માહિતી તો ત્યાં સુધીની છે કે આયુષમાને પાર્થને સાચો અંત શું છે એ વાત કહી. પછી પાર્થે સામી કેટલીક તર્કબદ્ધ દલીલો કરીને કહ્યું કે આટલા કારણોસર અંત તમે કહો છો એ નહીં, પણ હું કહું છું એ હોવો જોઈએ. એ સાંભળીને આયુષમાન પણ માથુ ખંજવાળવા માંડેલો અને કહ્યું કે, ‘તો પછી (શ્રી) રામ (રાઘવન) જાણે હોં…!’ હોવ…હમ્બો…હમ્બો!

અંત પાછો એવો છે કે દિવાલ પર એક લાઈનમાં લખી દો તો કોઈ માને જ નહીં. તમે લખ્યું હોય એની નીચે કોઈ બીજું આવીને પોતાને સમજાયો હોય એ અંત લખી જાય. એટલે વળી તમે માનતા હોવ એ અંત સમજાવવા તમારે વળી બીજી ચાર દિવાલો જોઈએ અને પબ્લિક ટોઇલેટ્સની દિવાલો તો વધી વધીને કેટલી લાંબી હોય? બીજા કોઈની દિવાલો ચીતરવા જાવ તો એ દિવાલનો માલિક હાળો મારે એવો હોય. ના, એટલા માટે નહીં કે તમે એની દિવાલ ચીતરી મૂકી હોય બલ્કે એટલા માટે કે એ વળી ‘અંધાધૂન’નો અંત કંઈક અલગ જ માનતો હોય.

સાલુ કોઈ એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ કે કવિતા જેવું થયુ છે. એમાં શું ઘણાને કંઈક સમજાયું હોય તો ઘણાને બીજુ કંઈક સમજાયું હોય, ઘણાને કંઈ જ ન સમજાયુ હોય તો દરેકને કંઈક અલગ અલગ પણ સમજાયુ હોય, પણ બધા જ બીજાને કંઈકને કંઈક સમજાવી દેવા ઈચ્છતા હોય. (આ વાક્યમાં કંઈ સમજાયુ? લેખકને પણ નથી સમજાયુ.) કહે છે કે ઘણીવાર તો આવી કૃતિઓના કર્તાને પણ નથી સમજાયુ હોતું કે એમણે શું સર્જી નાંખ્યું છે! એ તો મારા કે તમારા જેવા કોઈ જાણકાર જઈને સમજાવે ત્યારે એમને ખબર પડે કે એમની કૃતિમાંથી એક અર્થ આવો પણ નીકળે છે. સુગમ સંગીત જેવું. કોઈએ લખેલું કે, જેમાં આપણને ‘શું ધૂળ ગમ પડે?’ એ જ સુગમ સંગીત! એવી એબ્સ્ટ્રેક્ટ કૃતિઓમાં અને ‘અંધાધૂન’માં ફરક એ કે પેલામાં કોઈને મજા કંઈ ન આવી હોય અને છતાં બધા એ એમાંથી કંઈક સમજી ચોક્કસ લેવું હોય. નહીં તો સમાજમાં મોં કેવી રીતે બતાવી શકાય? જ્યારે ‘અંધાધૂન’માં મજા સૌને અંધાધૂંધ મજા આવી છે અને એટલે જ બધા એનો અંત સમજવા માંગે છે અથવા તો એમ કહીએ કે બધા એવું ઈચ્છે છે કે એનો અંત એ જ હોય જે તેઓ સમજ્યા છે. હોવ…હમ્બો…હમ્બો! શ્રીરામ રાઘવને સ્પોલર્સ આપી દેનારાઓની ખરી ફિરકી લીધી છે!

ફિલ્મ ‘અંધાધૂન’નું નામ ઘણા ‘અંધાધૂંધ’ સમજે છે. બાપડા ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે આવું જ થાય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટમાં તેમનું સેશન હતું ત્યારે કેટલાક એવું પૂછતાં પણ દેખાયાં હતાં કે – ‘રમન રાઘવ’નું સેશન ક્યાં છે?

લગભગ બે-એક વર્ષ પહેલાની વાત છે. બન્યું હતું એવું કે જીએલએફમાં શ્રીરામ રાઘવનનો વર્કશોપ કનોરિયામાં પાછળ સેપ્ટના કોઈ હોલમાં હતો. ત્યાં સુધી પહોંચવા આખુ જીએલએફ ચીરીને જવું પડતું. લોકોને વેન્યૂની ખબર ન હોય, મોડા પડ્યાં હોય અને ઝડપથી સેશનમાં પહોંચવું હોય એટલે સ્વાભાવિકપણે કોઈને પૂછવું પડે. જીએલએફનું જે મુખ્ય ઘટનાસ્થળ છે પેલું વૃક્ષ અને જીએલએફનો ચોરો. એ ચોરાથી સહેજ આગળ સેપ્ટની દિશામાં જાવ એટલે તરત જ જમણા હાથ પર એક સ્ટોલ હતો. જ્યાં સલિલ દલાલના તાજા પ્રગટ થયેલા પુસ્તકો મળતાં. સલિલ દલાલ પણ ત્યાં જ મળતા. આઈ મિન, લોકોને મળતા. લોકો ચોરો વટાવીને સીધા જ એ સ્ટોલે જઈને જ પૂછપરછ ચાલું કરતા. ઉતાવળમાં નામમાં ક્યારેક ગોટો થઈ જતો અને શ્રીરામ રાઘવનના બદલે રમન રાઘવનો વર્કશોપ ક્યાં છે? એવું પૂછી બેસતા. રમન રાઘવ સિરિયલ કિલર હતો એટલે ‘રમન રાઘવનો વર્કશોપ’ જેવો શબ્દપ્રયોગ કોઈ આપણી કરે તો આપણને પણ ખાટો ઘચરકો આવી જાય ત્યારે વિચારો કે આવો સવાલ સાંભળીને બાપડા સલિલ દલાલ પર તો શું વિતી હશે?

બોલિવૂડની ફિલ્મોના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી રોમાંચક, રસપ્રદ અને રહસ્યમય ગેસ્ટ અપિરિયન્સ કદાચ ‘અંધાધૂન’ના સસલાનો હશે! કહેનારા તો ત્યાં સુધી કહે છે કે ‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુના શોમાં કામ કરતું હતું. જાદુગર જે પેટીમાંથી સસલા કાઢી બતાવવા અને ગાયબ કરવાનો ખેલ બતાવતા એ પેટીમાં રહેતુ હતુ!

ફ્રી હિટ :

ધ એઈટ કોલમ અફેર : એક કલ્પના કરો. અખબારના પહેલા પાને છપાયેલી કોઈ સ્ટોરીનું પાત્ર છેલ્લા પાને છપાયેલી કોઈ સ્ટોરીના પાત્રના પ્રેમમાં પડે અને તેને મળવા ઈચ્છે તો શું થાય? ડિરેક્ટરની કલ્પના મુજબ એ પહેલા પાનાના કેરેક્ટરે છેલ્લા પાના સુધીની સફર ખેડવી પડે. વાત છે એક અખબારના પહેલા પાને છપાયેલી સ્ટોરીના કેરેક્ટર મેરેથોન રનર રોબી અને છેલ્લા પાને છપાયેલી સ્ટોરીની કેરેક્ટર ટેનિસ ચેમ્પિયન શીરેનની. રોબી શીરેનના પ્રેમમાં પડે છે. તેને મળવા માટે અખબારના વચ્ચેના પાનાઓની સફર આરંભે છે અને એ સાથે જ સર્જાય છે એક થ્રીલર શોર્ટ ફિલ્મ – ‘ધ એઈટ કોલમ અફેર’. એ અંગ્રેજી શોર્ટફિલ્મને 1987માં નેશનલ એવોર્ડ મળેલો. એના મેકર એટલે શ્રીરામ રાઘવન. ‘ધ એઈટ કોલમ અફેર’ને એવોર્ડ જાહેર થયો ત્યારે તેઓ ઈસરોમાં કામ કરતા હતા અને નવરંગપુરામાં રહેતા હતા. અખબારમાંથી તેમને ખબર પડી કે તેમને નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તેમણે અમદાવાદ છોડી દીધું અને મુંબઈમાં સેટલ થયા. (અમદાવાદ છોડ્યાના 25 વર્ષ બાદ તેઓ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે આ લેખકને તેમની સાથે વાર્તાલાપની તક મળેલી. એ વાર્તાલાપના અહેવાલમાંથી. લેખ સાથેની તસવીર પણ એ મુલાકાત સમયની જ છે.)

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૧૧-૦૨-૨૦૧૯ )
વેબસાઈટ (davetushar.com)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.