Gujarati Writers Space

એક અઘરું પુસ્તક લેવાઇ ગયું છે,‘અનાર્યનાં અડપલાં’

વાર્તા સાહિત્યના સૌથી મોટા લેખક જયંત ખત્રી છે, તે કહેવામાં કંઇ અતિશ્યોક્તિ નથી. તેમના જીવન વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. એટલે લાંબો લેખ કરવો કે આર્ટિકલ કરવો એ પરવડે નહીં. તેમના જીવન વિશે વેર વિખેર લખાયેલું પડ્યું છે, અને તેમની વાર્તાઓનું વિવેચન દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.

જયંત ખત્રીની વાર્તાઓનું કલેક્શન મારી પાસે છે, તો પણ ખબર નહીં કેમ તેમની વાર્તાઓનું પુસ્તક મારી આંખ સામે આવે કે હું તુરંત એ પુસ્તક ખરીદી લઉં. આ વખતે પણ એવુ જ બન્યું છે. જયંત ખત્રીની વાર્તાઓનું સાહિત્ય અકાદમી દ્વારા સંપાદિત કરેલ પુસ્તક હાથમાં આવ્યું.

વાર્તાઓ એ જ હતી. કંઇ નવુ નક્કોર ન હતું, પણ જો એકની એક વાર્તા વાંચીને નવું ફિલ થાય, પહેલી વખત વાંચતા હો તેની અનુભૂતિ અને રોંગટા ખડા થઇ જાય, એક નવો મેસેજ મળે, નવું શીખવા મળે તો સમજવું કે તમે જયંત ખત્રીને વાંચી રહ્યા છો.

અમે બુદ્ધિમાનો, હિરોખૂંટ, તેજ ગતિ ધ્વનિ, ધાડ, લોહીનું ટીપુ, ખીચડી, સેબલ, ખલ્લાસ અને આવી ઘણી પ્રકટ-અપ્રકટ વાર્તાઓનો આ સંગ્રહ છે.

આ પુસ્તકમાં ધીરેન્દ્ર મહેતા દ્વારા તેમની પ્રસ્તાવના લખાઇ છે. તેમની વાર્તાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશસ્તિનું પુર છે અને ટીકાઓનું ખાલી રણ છે, જેમાં કોઇ દિવસ ટીકારૂપી વરસાદને સ્થાન નથી.

એક પત્રમાં જયંત ખત્રી કહે છે, ‘વાર્તાઓ કેવી રીતે લખવી ? વાર્તામાં કથાવસ્તુને ધ્યાનમાં રાખવું જરૂરી બની જાય છે. શૈલી વિશે ન વિચારો. શૈલી વિશે વિચારશો તો વાર્તામાં તમે શું કહેવા માગો છો તે ખોવાઇ જશે. અલોપ થઇ જશે. તમારે કહેવું છે તે કહી નાખો. શૈલી સમય જતા આપોઆપ સામે આવી જશે.’

તેઓ મોટાભાગે બોલચાલ કે પત્ર લખવામાં પણ ઇંગ્લીશ ભાષાનો પ્રયોગ કરતા હતા. એટલે અંગ્રેજીના કેટલાક શબ્દો પણ તમને જોવા મળે. ફિલ્મોમાં કહેવાય કે બાહુબલી ઇ બાહુબલી બાકી કંઇ નહીં. (કર્ટસી જયેશ અધ્યારુ) તેમ વાર્તામાં કહેવાય કે જયંત ખત્રી ઇ જયંત ખત્રી જેમની વાર્તાઓમાંથી તો બક્ષીબાબુએ પણ પ્રેરણા લીધી હતી.

હકિકતે હાસ્યસમ્રાટ જ્યોતિન્દ્ર પછીની દસ જગ્યા ખાલી રાખી નંબર આપવો પડે તેમ રિજનલ ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓની કસોટી કરવામાં આવે તો પહેલા દસ ઇનામો તો જયંત ખત્રી જ લઇ જાય. મેં ખુશવંત સિંહને વાંચ્યા છે, મંન્ટોને વાંચ્યા છે, અમૃતા પ્રીતમ, ફણીશ્વરનાથ રેણુ, પ્રેમચંદ, અમૃતલાલ નાગર અને ઓ હેનરી, ઓસ્કર વાઇલ્ડ સહિત અઢળકને…. પણ જે પોતીકુપણું જયંત ખત્રીમાં છે તેવું ક્યાંય નથી.

~ મહેન્દ્રસિંહ પરમાર “રખડુનો કાગળ”

મહેન્દ્રસિંહ પરમાર આ નામ હમણાં હમણાં બોવ ચગ્યુ છે. સાહિત્યમાં તેમણે બે પુસ્તકો આપ્યા છે. એક વાર્તા સંગ્રહ પોલિટેકનિક. 2002માં તે વાર્તા છપાયેલી. જે પછી આર.આર.શેઠ પબ્લિકેશનની શ્રેષ્ઠ વાર્તાઓના પુસ્તકમાં સંગ્રહિત થઇ. કારણ કે સંપાદક હિમાંશી શેલત હતા. ત્યારથી અત્યાર સુધી કોઇને આવો વાર્તાકાર પગરણ માંડી ચૂક્યો છે તેની ખબર સુદ્ધા નહોતી.

ગીતામાં કહ્યું છે ને, મહેનત કરો ફળની ઇચ્છા ન રાખો. ફળ આપોઆપ મળી જશે. મહેન્દ્રસિંહને આ બરાબરનું લાગુ પડે છે.

સમય આવી ગયો ટોયલેટ જોનરની ફિલ્મોનો. અને ફેસબુક સહિત અંગ્રેજી સાઇટો ટોયલેટ એક પ્રેમકથા કોઇ ગુજરાતી વાર્તાની કોપી હોવાનું છાપરે ચઢી પોકારવા લાગી. પણ લેખકશ્રી શાંત… બિલ્કુલ શાંત….

ફિલ્મ રિલીઝ થઇ અને વાર્તાનો એક ફકરો જુઓ, “રમણની વહુ પરણીને પેલવેલુકી ડેલામાં આવી ત્યારે મને કાંઇ ખબર નહીં. અમદાવાદ એના પિયરમાં તો ‘હાઇકલા’ વ્યવસ્થા ! ક્યાંય જાવાપણું જ નહીં. રમણ સાથે ગાળેલી પહેલી રાતના કેફમાં ને કેફમાં સવારે ઉંધા હાથની નિશાની કરી સાસુને પૂછેલું કે ‘ક્યાં ?’ ત્યારે સાસુએ કહેલું સવારમાં નહીં રાતે ને રમણની વહુ રીત સરની હબક ખાઇ ગયેલી. સવારની ટેવવાળી રમણની વહુને રાતનાં સમયપત્રકમાં આવતા એક વરસ નિકળી ગ્યેલું. શરૂઆતના દિવસોમાં એણે ખાવાનુંય ઓછું કરી નાખેલું. એકાદવાર એણે બળવોય કરેલો, સવારે જાવું હોય તો શું કરવાનું ? સાસુએ ધધડાવીને કહી દીધેલું, ‘અમદાવાદ જતા રેવાનું !’ પછી તો જોકે ઘીના ઠામમાં ઘી, ને ડેલામાં રમણની વહુ, ક્યાં જાય ?” (પોલિટેકનિક વાર્તામાંથી)

આ ઘટનામાં થોડો અમથો ફેરફાર કરો તો ટોયલેટ એક પ્રેમકથાનો સીન યાદ આવી જાય. રાતે લોટા પાર્ટી ઉપડે છે. એ કહો કે કેસ્ટ્રોલ કે ફેવિકોલના ડબ્બા લઇ સ્ત્રીઓ જતી તેનું વર્ણન પણ લેખકે બાકી નથી રાખ્યું. એ કેટલું શાર્પ ઓબ્ઝર્વેશન હશે કે આપણે જે રોજ જોઇએ તેના પરથી પણ એક વાર્તાનો ફકરો તૈયાર થાય. સાહિત્ય કે સિનેમાની દુનિયામાં બે માણસને એક સરખા વિચાર ન આવી શકે. બાકી તમે કે હું મહેન્દ્રસિંહ ન હોત.

મહેન્દ્રસિંહ ગુજરાતી સાહિત્યમાં ટોયલેટ જોનરનું સાહિત્ય લઇ આવ્યા. સ્ત્રીઓની વેદના તેમણે પરખી, ચોપડીમાં ઉતારી અને સામે આવી. શું ખબર કે દુર્લભ જેવા સુલભ ગામે ગામ બનાવવાનો પ્રધાનમંત્રીશ્રીને વિચાર પણ આ વાર્તા પરથી જ આવ્યો હોય ?

તેમનું બીજુ પુસ્તક રખડુનો કાગળ. પર્સનલ એસે છે. કોઇ પર્સનલ વસ્તુ હોય એટલે મને મઝા આવે. પોલિટેકનિક કરતા આ નિબંધસંગ્રહ મને ગમે છે તેની પાછળનું કારણ કુદરત છે. આ નિબંધસંગ્રહમાં સારસ છે, ખોડિયાર ડેમ છે, આહવાનું વર્ણન કે જ્યાં પુરૂષ પીને ઢેલ થાય અને ઢેલ આ મોરને લઇ જાય… સંવાદ પણ એવા. શબ્દો પણ ચોટદાર અને કવરપેજ પરના અક્ષરો પણ… હવે. તેમના ખભ્ભા પર જવાબદારી વધી ગઇ છે. બ-બ્બે સાહિત્ય અકાદમીના ઇનામો લઇ જનારો આ ખેરખાં ત્રીજુ કયુ પુસ્તક આપે છે તેની સાહિત્યરસિકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

~ ગુજરાતી વાર્તાસૃષ્ટિ (સં. બાબુ દાવલપુરા-ઉત્પલ પટેલ)

હવે તો હાલતા ચાલતા પ્રકાશકો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહના પુસ્તકો બહાર પાડી દે છે. કારણ વિનાના ! એ જ વાર્તાઓ. પ્રકાશકો પણ અનુમતિ આપી દે છે. જાણે જૂની વાર્તાઓ નવી લખાઇને હેરી પોટરની બુકની જેમ તેમાં પાત્રો હાલતા-ચાલતા પ્રગટ કરવાના હોય…. નહીં…???

પણ શ્રેષ્ઠ વાર્તાસંગ્રહોના કલેક્શનમાં આ અત્યાર સુધીનું બેસ્ટ છે. પોસ્ટઓફિસ તો હોય જ. પણ તેમાં સુન્દરમની માજા વેલાનું મૃત્યુ વાર્તામાંથી નીકળતી દલિત સંવેદના હોય. તેમાં ઘનશ્યામ દેસાઇની ચાર પાનાની વાર્તા ગોકળજીનો વેલો વિચારતા કરી મુકે. ઘનશ્યામ ભાઇને તો વર્ષોથી લોકો ટોળુ વાર્તાના કારણે ઓળખે છે.

રઘુવીર ચૌધરીની બેસ્ટ સ્ટોરી કઇ ખ્યાલ છે ? અગિયારમાં ધોરણમાં પહેલીવાર તેની સાથે મેળાપ થયેલો. નામ છે પોટકુ. બક્ષીબાબુ પણ છે, જેને બીજા કેટલાક વાર્તાસંગ્રહમાં લોકો સમાવેશ કરતા ભૂલી ગયા છે. ઉમાશંકર જોષીની વાર્તા છેલ્લુ છાણુંમાં ઉર્મીઓનો આસ્વાદ મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ લિસ્ટ સુરેશ જોશીની થીગડુ કેમ ભૂલાય… લવ યુ થીગડુ એન્ડ સુરેશ જોષી. અને આવી અઢળક વાર્તાઓ જે માર્વેલના સુપરહિરો સુપરનોવાની જેમ ચમકી છે.

~ કુમાર વાર્તાસંગ્રહ સંપુટ-2

કુમારનો લેખ કર્યો તો એમાં કહી ચૂકેલો કે સંપુટ એક આપણને મળેલ નથી. એમની પાસે પણ હાજરાહજુર નથી. પણ કુમારની વાર્તાઓનો સંપુટ-2 એ સમયની વાર્તાઓની ઝાંખી કરે છે જ્યારે વાર્તામાં સાયન્સ ફિક્શનને સ્થાન ન હતું. અહીં વિજયગુપ્ત મૌર્યની સાહસિક વાર્તાઓ વાંચવા મળશે. ગાંડા હાથીનો સામનો વાર્તા છે જેને ગોળી મારવાની છે. જે એક પરિવાનું નિકંદન કાઢી ચૂક્યો છે.

મૈસૂરની નરભક્ષી વાઘણ… જેમાં એક ખૂંખાર વાઘણને મારવા માટે ખેલાયેલો જીવ સટોસટનો ખેલ છે. પણ આ શિકારો કે સાહિત્ય પર કલમ ચલાવવાનું કામ વિજયગુપ્ત મૌર્યએ નથી કર્યું. આ કામ કર્યું છે પ્રકૃતિવિદ્દ ડબલ્યુ એચ મિચેલે. છતા જરા પણ નહીં લાગે કે વિજયગુપ્તે આ કહાનીઓનો અનુવાદ (રજૂઆત) કર્યો છે. એવું લાગે જ્યારે આપણી ભાષામાં રચાયેલું સાહિત્ય છે. જો કુમારે આ વાર્તાઓને છાપી નહોત તો આ વાર્તાઓ બાળસાહિત્યમાં ખપાઇ જાત. પણ કુમારે ઉપાડી એટલે આ વાર્તા બાળની “મરી” વયસ્કોની થઇ ગઇ.

આપણા બાળ સાહિત્યને ઉંચુ લાવવા શું કરવું જોઇએ ખ્યાલ છે ? પહેલા તો પ્રકાશકોએ કોઇ નવલકથા છપાતી હોય તે માફક તેને ટ્રીટ કરવી જોઇએ. જેમ હેરી પોટર અને નાર્નિયા કે હાન્સ એન્ડરસનની બુકમાં થાય છે. તો મોટા પણ એ પુસ્તકો વાંચશે. રસ્કિન બૉન્ડ કે નારાયણનું બાળસાહિત્ય વંચાવાનું કારણ તેની પેપરબેક માવજત જ છે.

તો કુમારમાં આગળ ઉપર છે અશોક હર્ષની સાયન્સ ફિક્શન વાર્તા લોખંડી બરૂ. અશોક હર્ષ યાદ આવ્યો ? જેમનું વિનોદની નજરેમાં પહેલું ચરિત્ર છે. મોમાં પાન ચાવતા હોય છે. એક ભાઇ આવી પૂછે, ફલાણી ટ્રેન અને અશોક હર્ષ ઉઉઉઉ કરે છે. પછી પાન થૂંકી કહે છે, ‘આ ગઇ એ જ હતી.’ આવો મશ્કરો મજાનો માણસ આવી સારી વાર્તાઓ લખી શકે ? આવી સારી સાયન્સ ફિક્શન વાર્તાઓ ?

આ સિવાય દંશ, હાગામુચી, રસાયણમૃત જેવી દિલ દહેલાવતી વાર્તાઓ. કુમાર મેગેઝિનની સંપુટ-2ની હજુ ઘણી પ્રતો છે. આ જમાનામાં જ્યાં સારી વાર્તાઓ વાંચવા નથી મળતી ત્યારે આ લ્હાવો ચૂક્યા જેવો નથી. ગેટ સેટ ગો… બઉઆની પોળ.

~ સુરેશ જોશીનું સાહિત્યવિશ્વ

સુરેશ જોશી. આ નામ સામે આવે એટલે મને તો થીગડુ દેખાઇ. તેમની ગૃહલક્ષ્મી, બીજી થોડીક, કિચિત્ત, એકદા નૈમિષારણ્યે, વિદુલા, છિન્નપત્ર, મરણોત્તર જેવા પુસ્તકો આ એક પુસ્તકમાં ગ્રંથસ્થ છે. સાહિત્ય પરિષદે લેવા જવાનું થયુ ત્યારે સુરેશ જોશીના બે ચાર પુસ્તકો ખરીદ્યા. પણ હંસાબહેન હોય એટલે ખર્ચ બચાવવાના. તેમણે આ સમગ્ર સાહિત્ય આપી દીધુ. છેલ્લી કોપી હતી. ઉપરથી કહ્યું કે આ વાંચી લો અને તેમાંથી જો સુરેશ જોશીની કોઇ સાહિત્યકૃતિ ઘટતી હોય તો પરિષદ છે જ.

આપણા લેખકોમાં જે સારા હોવાનો ગુણ ખૂબ ઓછાને સાંપડ્યો છે, તેમ પુસ્તકો વેચવામાં પણ આવો સ્વભાવ હંસા બહેનને જ પ્રાપ્ત થયો છે. આ પુસ્તકમાં અડધે રસ્તે છું, પૂર્ણ કર્યા પછી સુજો પર સમય મળ્યે લખશું.

~ એક ખૂબ અઘરુ પુસ્તક લેવાઇ ગયુ છે.

અનાર્યનાં અડપલાં અને પ્રકીર્ણ લેખો. પહેલી વાત તો એ કરવી રહી કે, આના કરતા કોઇ બીજુ પુસ્તક ખરીદ્યુ હોત કે પછી નવલકથા જેવું તો મઝા આવેત. પણ અનાર્યનાં અડપલાંમાં મને કંઇક નવીન લાગ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલું છે કે, રામનારાયણ વિશ્વનાથ પાઠક દંપતી તરફથી મળેલા અનુદાનમાંથી બે પુસ્તકો થઇ ચૂક્યા છે. મલબારી કાવ્યરત્નો અને હિરાબહેન પાઠક કૃત આપણા વિવેચનસાહિત્યો. જેમાં ત્રીજા ગ્રંથ તરીકે અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો એદલજી સંજાણા દ્વારા તૈયાર કરવામાં આવી પ્રગટ કરતા તેમને આનંદ થાય છે.

સંજાણા સાહેબે લખ્યું છે કે પંચાવનથી વધારે વર્ષો થયા કલમ અને કાગળ સાથે અડપલા કર્યે. હવે સમજાયું કે અડપલાં એટલે કેવા પ્રકારના અડપલાં.

સંજાણા સાહેબને એ વાતનો ખ્યાલ નહોતો કે ગદ્ય શું કે પદ્ય શું ? તેઓ તો માત્ર લખ્યા કરતા હતા. આપણા વિવેચકોમાં અનુભવ તો છે, સાવ હાંકી કાઢ્યા જેવા નથી. તેમણે કહેલું કે સાહિત્ય લખવાની શરૂઆત 40-45 વર્ષની ઉંમરે કરવી ત્યાં સુધી સાહિત્યના તમામ પાસાંઓનો અભ્યાસ કરવો. તોપણ લખવાની કુટેવ હોય તો આગળ જતા લખાણ સુધરે ખરુ તેમાં કંઇ ખોટું નથી.

લેખક શ્રી સંજાણા સાહેબે લખવાની શરૂઆત કરી. પછી કલમ અને કિતાબમાં ઝવેરચંદ મેઘાણીએ તેમની પાસેથી કેટલાક લેખો મંગાવ્યા. નમ્રભાવે સંજાણા ભાઇ કહી દે છે કે,‘હવે લખવું નથી જેટલું લખ્યું છે તેટલું ગોઠવી ફરી લખી છપાવવું છે.’ પણ લેખો એવા હતા કે કોઇ પ્રકાશક તેને છાપવા માગતું ન હતું. છેલ્લે બળવંતરાય ક ઠાકોર મદદે આવ્યા. પણ તે વધુ જીવ્યા નહીં અને સંજાણા સાહેબના લેખોને તેમની સાથે એકલા છોડી ચાલ્યા ગયા.

પરંતુ આ લેખ ત્યારે તો શું અત્યારે પણ કોઇ ન છાપે ! ખબર છે શા માટે ? ફેસબુકમાં લખ્યા લખ કરતા અને પોતાની જાતને લેખક માની લેનારા મુગ્ધસાહિત્યકારો આ વાતથી વંચિત હશે. તો કહી દઉં કે સંજાણા સાહેબે કરેલો હતો સંસ્કૃત, મરાઠી, ફારસી છંદનો અભ્યાસ. છંદ અને પીંગળ આ બંન્નેમાં તેમની મહારત હતી. ગુજરાતી સાહિત્યનો આ એકમાત્ર નિબંધ સંગ્રહ જેની શરૂઆત છંદથી થાય (છંદના શબ્દો વિશેનું વિવરણ) તેનો અંત પીંગળથી થાય. બધા લેખોની આ ખાસિયત છે. એક નમૂનો જોઇ આ અઘરી રચનાને જલ્દી આટોપીએ. ‘‘પારસીઓ ઘણે ભાગે ‘ણ’ કાર ઉચ્ચારતા નથી. કેટલાક તો તે ઉચ્ચારી શકતા નથી. એમ છતા રૂસ્તમજી ભોજન ઘણો આનંદ ‘તણ’ (ત્રણના અર્થમાં) માણી શકે, સંધારણી, બોધનું. અને કાણીએ તો એક જ ઠેકાણે દાટ વાળ્યો છે,‘તમારી કાણી શ્રીમતી…. ક્રિકેટ ખેલે ખરાં ?’ સમજવામાં જ જિંદગી જતી ન રહે તો સારૂ.

~ અડધી સદીની વાંચનયાત્રા

મહેન્દ્ર મેઘાણી… છાપામાં છપાયુ, મેગેઝિનમાં લખાયું, પુસ્તકમાં છે, કવિતા સંગ્રહમાં છે, કોઇ ચોપડામાં લખાયું કોઇ કોરા કાગળમાં લેખકે અમસ્તુ ટપકાર્યું. આ બધુ આમા છે.

102 નોટ આઉટ ફિલ્મમાં અમિતાભના હાથમાં આ ચોપડી છે. બુકની ખાસિયત એ કે કોઇ પણ જગ્યાએથી તેને ખોલવામાં આવે તો સીધુ પ્રકરણ જ નીકળે. એટલે ગુજરાતીને કોલેસ્ટ્રોલ થયુ હોય અને શરીર ફાટીને બહાર નીકળે તેવી બુક હોવા છતા વાંચવામાં તસુભાર પણ કંટાળો નહીં ઉપજે. તમને મન થાય ત્યારે લઇને બેસી જાઓ. મોટાભાગના લેખકોને પહેલા ભાગમાં આવરી લેવામાં આવ્યા છે. બાકીના ભાગ ખરીદવાના બાકી છે. પણ શાર્પ એડિટીંગ કોને કહેવાય તે અહીં શીખ્યા જેવુ છે. મહેન્દ્રભાઇ વિશે એવું કહેવાતું કે, એમને મન થાય તો હાઇકુમાં પણ બે પાંચ શબ્દો ઓછા કરી નાખે.

તો અઠવાડિયાના વાંચેલા આ પુસ્તકો હતા. હવે આગળ વાંચી મન થાશે તો ટપકારી શેર કરશું. ત્યાં સુધી મહાન મયૂરના જય માતાજી….

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.