Gujarati Writers Space

A Century is not Enough: My Roller-coaster Ride to Success

ભારતીય ક્રિકેટ ટીમના આક્રામક કેપ્ટન સૌરવ ગાંગુલી આપણા ઘરના મોંઘેરા મહેમાન બન્યા છે. બે દિવસ પહેલા જ ભાવસાર સાહેબ નવા ડાર્ક રૂમમાં આવેલા ત્યારે તેમણે સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરેલી, પરંતુ તેમને વધારે રસ નહોતો પડ્યો એટલે કંઇ વાતચીત થઇ નહીં.

વાત છે ગાંગુલીની બુક ‘અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફની.’ બુક મોટી સાઇઝની નથી. હિન્દીમાં પણ છે. અંગ્રેજો માટે અંગ્રેજીમાં પણ છે. ધોની, સચિનની બાયોગ્રાફી વાંચી પણ તેમાં એક વસ્તુની ખોટ વર્તાય, જે ગાંગુલીની બુકમાં પૂરી થાય છે. એ છે મોટિવેશનલ ક્વોટેશનની.

આપણા ગુજરાતી પ્રવચનકારો જોર જોરથી બરાડા પાડી ધુરંધરોના ક્વોટેશનોથી આપણા પછવાડે પ્રેરણાનું ઇન્જેક્શન મારતા હોય છે, વિચાર આવે કે તેમના મોઢામાં ઘી-ગોળ આવે છે ક્યાંથી? જોકે કોઇ દિગ્ગજ ગાંગુલીની બુક વાંચી તેના મીઠા મધુર ક્વોટેશનો અને કહાનીના પારણા કરાવે તે પહેલા આપણે ખાતમુર્હૂત કરી નાખીએ. પહેલા ચેપ્ટરમાં આવતા બે ક્વોટેશનો મને ગમ્યા. એમાંથી એકાદ એટલી હાઇક્વોલિટીનું નથી, પણ છે સારું.

-> પહેલા ચેપ્ટરમાં ગાંગુલીએ પોતાની નિવૃતિ વિશે વાત કરી છે. નિવૃતિ પહેલા જ ગાંગુલીને ટીમમાંથી ખદેડી દેવામાં આવે છે ત્યારે તેને જમ્બો યાદ આવતો હોય છે. અનિલ કુંબલે નિવૃતિ લેવાના હોય છે ત્યારે દાદા તેને પૂછે છે, ‘ઉતાવળ તો નથી થઇ જતીને?’ જમ્બો જવાબ આપે છે, ‘ના, આજ સમય છે.’

ગાંગુલી યાદ કરતા કહે છે કે, ‘ભારતીય ક્રિકેટ ટીમનો એ એવો યુગ હતો જ્યારે અનિલ અને મારા રિપ્લેસમેન્ટ હજુ ટીમને મળ્યા નહોતા. એવામાં તેણે નિવૃતિ લઇ લીધી.’

-> સૌરવ ગાડીમાં બેસી ઇડન ગાર્ડન જતો હોય છે. તેને આગામી ટૂર્નામેન્ટની તૈયારી કરવાની હોય છે. તેને પાક્કી ખાતરી હોય છે કે તે ભારતીય ટીમમાં સિલેક્ટ થઇ જશે, એ જ સમયે આપણી કોમ (પત્રકાર)નો ગાંગુલી પર ફોન રણકે છે, ઇડન ગાર્ડનનું મેદાન હવે દૂર નથી. ગાંગુલી ફોન ઉઠાવે છે અને રિપોર્ટર કહે છે, ‘તારું ટીમમાં સિલેક્શન નથી થયું.’

મોબાઇલમાંથી આવતો આ અવાજ ડ્રાઇવર સાંભળે છે અને તે દાદાને પૂછે છે, ‘હવે ?’

દાદા જ્યારે ફિલ્ડમાં કોઇનાથી કેચ છૂટી ગયો હોય તેવા આક્રામક અંદાજમાં ધીમેથી બોલે છે,‘ગાડી પાછી ફેરવી લો.’

આવુ થાય ત્યારે કેવુ લાગે? ગાંગુલી અહીં પહેલું ક્વોટેશન ફટકારે છે, ‘તમે કોઇ કંપનીમાં કામ કરતા હો અને કંપની તમારે બદલવી હોય તો તમે અંબાણીમાંથી ટાટામાં જઇ શકો, ટાટામાં ન ગમે તો બિરલામાં, ત્યાં ન ગમે તો ઇન્ફોસિસમાં ટ્રાય કરી શકો, પણ એક ક્રિકેટર જ્યારે સિલેક્ટ ન થાય ત્યારે તે ઓવર થઇ જાય છે. અમારે ક્યાં જવું ?’

ગાંગુલીનું આ ક્વોટેશન કેટલું સાચું છે. દરેક વ્યક્તિ ધોની કે સચિન નથી બની શકતો. શું તમારું સિલેક્શન ભારતીય ટીમમાં ન થાય તો તમારે ઇંગ્લેન્ડ ટીમમાંથી ટ્રાય મારવી જોઇએ? આ ક્રિકેટ છે કોઇ ટાટા-બિરલાની કંપની નહીં !

-> ગાંગુલીએ કરિયરના છેલ્લા તબક્કામાં ખૂબ સહન કર્યું. તેણે પોતાની બાયોગ્રાફીના પહેલા ચેપ્ટરમાં એ વાત નોંધી છે, ‘શીખર પર પહોંચી જાઓ તો ધ્યાન રાખવું શીખરને ઢાળ પણ છે…’ સુપર્બ… ક્યા બાત હૈ… ભારતીયોને આવી બાયોગ્રાફીની જરૂર છે એમ હું નહીં કહું, પણ આવા મોટિવેશનલ ક્વોટની જરૂર છે અને તે ગાંગુલી જેવો માણસ પોતાની બાયોગ્રાફીમાં કહે તો મજ્જા આવી જાય. કારણ કે દાદા આપણા જમાનાના ખેલાડી રહ્યા છે. 90ના ખેલાડી, જેની ગગનચુંબી સિક્સરોથી ભલાભલા બોલરોના પરસેવા છુટી જતા હતા.

-> દુર્ગાપૂજા દાદાની ફેવરિટ રહી છે. દાદા નાના હતા ત્યારથી કોલકત્તાની નદીને કિનારે માતાની મૂર્તિને ડુબતી જોતા હતા. કેવી રીતે ગણેશ ચતુર્થીની માફક માતાજીને સાચવવામાં આવે અને પછી નદીમાં ધામધૂમપૂર્વક તેનું વિસર્જન કરતી વખતે લોકો ફુટી ફુટીને રડતા હોય છે. દાદા ફેમસ બની ગયા હતા. એટલે આ પૂજામાં ન જઇ શકે. પણ નિર્ણય કર્યો કે જવુ તો ખરું. તેમણે હરભજન સિંહનો ગેટઅપ ધારણ કર્યો. પરિવારના લોકોએ કહ્યું કે, ‘તું એક સેકન્ડમાં પકડાઇ જઇશ, પબ્લિક તને છોડવાની નથી.’

પણ દાદાને પોતાની સિક્સરો જેટલો આત્મવિશ્વાસ હતો. તેણે શેખી મારી કહ્યું, ‘તમે જો જો તો ખરા.’

દાદા ગયા અને પોલીસવાળાએ તેમને રોક્યા. કલકત્તામાં પાજી ક્યાંથી? ધ્યાનથી તેણે આંખોમાં જોઇ દાદાને કારમાં આવવાનું કહી દીધું. દાદાની અદમ્ય ઇચ્છા હતી કે હું ખટારામાં બેસી માતાનું વિસર્જન જોવા જાવ, પણ પોલીસ કોઇ વાતે આવું રિસ્ક ઉઠાવવા તૈયાર નહોતી. કલકત્તાની પોલીસને પણ ખબર હતી કે લોકો અમારા કરતા વધારે બ્યોમકેશ છે. દાદાને પકડાતા વાર ન લાગે. એ દૂર્ગાપૂજા તો ઠીક પણ એ પછીની દુર્ગા પૂજા જ્યારે દાદાનું સિલેકશન ન થયું અને ઉપર આપણે વાત કરી તે દાદાએ મનાવી જ નહીં. મનાવી ખરી પણ, મનથી ન મનાવી શક્યા.

-> એ દિવસોમાં સૌરવે બેટીંગમાં સારું પ્રદર્શન બરકરાર રાખવા માટે એક લીગમાં રમવાનું નક્કી કર્યું. ગાંગુલી કહે છે, હું એ ટીમના કોઇ ખેલાડીના નામ પણ નહતો જાણતો, જેની સામે રમી મારા જેવા ક્રિકેટરે ખુદને સાબિત કરવાનો હતો. ક્રિકેટ તમારી પાસે શું શું કરાવી શકે?

-> નાગપુરની ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં દાદાએ 85 રન માર્યા. 15 રન માટે સેન્ચુરી ચુકી જવાનું તેમને દુખ હતું. ઓસ્ટ્રેલિયાએ દાદાને ઓનર આપ્યું, પણ ગાંગુલી કહે છે, ‘એ થોડી ક્ષણો માટે જ હતું, મને ખબર હતી કે બ્રેટલી જેણે ઓનર આપ્યું, હેન્ડસેક કર્યું તે બાઉન્સર મારવાનો જ છે.’ પણ દાદા માટે આજ ટેસ્ટની બીજી ઇનિંગ દુ:સ્વપ્ન સમાન બની ગઇ. ક્રેઝાની બોલિંગમાં દાદા આઉટ થયા. દાદાએ કહ્યું છે, ‘આ મારી કરિયરનો સૌથી ખરાબ શોટ હતો.’

આ મેચમાં તો દાદાએ કેપ્ટનશીપ પણ કરેલી. તેમણે તે યાદો તાજા કરતા લખાવ્યું છે, ‘ધોનીએ મને છેલ્લી ઓવરોમાં જ્યારે ભારત જીતની નજીક હતું ત્યારે કેપ્ટનશીપ સોંપી. મેં તેનો ઇન્કાર કર્યો, પણ તે ફરી મારી પાસે આવ્યો અને વિનંતી કરી. હું તેની આ વિનંતીને અવગણી શકુ તેમ નહોતો. મેં ત્રણ ઓવર સુધી કેપ્ટનશીપ કરી. ફિલ્ડ ગોઠવી. બોલર મારી પસંદગીનો રાખ્યો. ત્રણ ઓવર બાદ હું ધોની પાસે ગયો અને કહ્યું, આ તારું કામ છે પ્લીઝ… અને ધોની ફરી કેપ્ટન બની ગયો.’

આગળ દાદા કહે છે, ‘એ દિવસે અમે ખૂબ પાર્ટી કરી. મજા આવી ગઇ. આવી પાર્ટી મેં કોઇ દિવસ નહોતી કરી. કેવી રીતે ખૂદને મનાવું કે આવતીકાલ હું આ ટીમનો હિસ્સો નથી, જેને દશકો સુધી મારો પરિવાર માનતો હતો. મેં અલવિદા કરી નાખ્યું.’

-> 1992માં દાદા વેસ્ટઇન્ડિઝ સામે વનડેમાં ડેબ્યુ કરી રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના ધુરંધર બોલરો સામે દાદા 3 રને માત ખાઇ ગયા. સચિન સિવાય એ મેચમાં કોઇ ખેલાડી સારું પ્રદર્શન કરી ન શક્યું. જોકે દાદાને એક સારો અનુભવ થયો. દાદા પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તેમની ટીમ બસથી હોટેલ જવા તૈયાર થઇ ગઇ હતી. દાદાએ વિનંતી કરી કે, વાંધો ન હોય તો હું વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાથે આવી શકુ? વેસ્ટ ઇન્ડિઝને કોઇ વાંધો નહોતો. ગાંગુલી થોડી પ્રેક્ટિસ કરી બસમાં સવાર થયો અને તેને ક્રિકેટનો સૌથી મોટો નિયમ સમજાયો, જે કોઇ ડિક્શનરીમાં નથી હોતો, એ માત્ર અનુભવે જ મેળવી શકાય છે.

‘એ સમયે હું વેસ્ટ ઇન્ડિઝની બસમાં ચઢ્યો. બસમાં એક જ સીટ ખાલી હતી અને જે સીટ ખાલી હતી તે કર્ટલી એમ્બ્રોસની બાજુમાં હતી. એ દિગ્ગજ બોલર જેણે ગમે તેવા ઘાતક બેટ્સમેનને ધૂળ ચાટતો કરી દીધેલો. મેં તેમની બાજુમાં જગ્યા ગ્રહણ કરી. તેમની ઉંચાઇ એવી હતી કે માથુ સામાન રાખવાની જગ્યા સુધી અડકતુ હતું. તે હસે ત્યારે તેના ગાલ જ્યારે કાન પાસે પહોંચી જાય તેવું પ્રતીત થતુ હતું. થોડી વારમાં કર્ટલી હસવા લાગ્યા. ગીતો ગાવા લાગ્યા. તેમની સાથે આખી બસ હસવા લાગી, ગીતો ગાવા લાગી. મેં માર્ક કર્યું કે અમારી બસમાં વાતાવરણ ગંભીર રહેતું જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં વાતાવરણ નોર્મલ હતું. અમે એ મેચ હાર્યા વેસ્ટ ઇન્ડિઝ જીતી ગઇ.’

-> પણ દાદા સાથે કોન્ટ્રોવર્સીનો તો પહેલી મેચમાં જ શુભારંભ થઇ ગયો હતો. દાદા સતરમાં ખેલાડી હતા. કેટલામાં? ગણીને સતરમાં. તેમને ટીમમાં એટલે લેવામાં આવેલા કે ટીમને એક બેટ્સમેન અને પાર્ટટાઇમ બોલરની જરૂર હતી. દાદા કહે છે, ‘એ સમયે મારા સિનિયરોને બોલ રમાડતા રમાડતા હું ફુલ ટાઇમ બોલર અને પાર્ટ ટાઇમ બેટ્સમેન બની ગયો હતો. સંજય માજરેકર મારા રૂમમાં આવતા અને મેચની હારનો ગુસ્સો મારા પર ઉતારતા, જોકે અત્યારે અમે સારા કોમેન્ટેટર પાર્ટનર છીએ. દિલીપ વેંગેસકર જેવા દિગ્ગજ સાથે મારે રૂમ શેર કરવો પડતો. સચિન સિવાય ટીમમાં કોઇ ખેલાડી ચાલી નહોતો રહ્યો. મને તો તક જ નહોતી મળી રહી. મારું કામ હતું ટીમને બ્રેકમાં ડ્રિન્ક પહોંચાડવાનું. હું પહોંચાડતો જ હતો પણ એ દિવસે હું ટીવી સામે બેસી ગયો. ક્રિકેટ ઇતિહાસના બે દિગ્ગજ કોમેન્ટેટર રિચી બૅનો-બિલ લોરી કોમેન્ટ્રી આપી રહ્યા હતા. તેમની આર.જેની માફક બોલવાની સ્ટાઇલથી હું મંત્રમુગ્ધ થઇ ગયો. કપિલ દેવને ઘૂંટણમાં ઇજા થઇ હતી, તો પણ તેમણે વિકેટ મેળવી લીધી. ડ્રિકનો સમય થઇ ગયો અને હું ટીવી જોતો રહ્યો. કોમેન્ટેટર્સના અવાજમાં ખોવાતો રહ્યો. મને ભાન ન રહ્યું કે સામે લાઇવ મેચ ચાલે છે!! હું મેદાન પર ન પહોંચ્યો એટલે સિનિયર્સે મારી ઝાટકણી કાઢી અને મને અભિમાની ઘોષિત કરી દેવામાં આવ્યો.’

-> ત્યારે બંગાળ તરફથી બે ખેલાડી રમતા હતા. ગાંગુલી અને સુબ્રતો બેનર્જી. બંન્નેને ટીમમાં લેવામાં આવ્યા પણ તક ન મળી. અઝરુદ્દીન કેપ્ટન હતા અને તેમણે સુબ્રતોને પસંદ કર્યો એટલું જ નહીં તેને બોલિંગ પણ આપી. સુબ્રતોએ મેચમાં ત્રણ વિકેટ ખેરવી લીધી, પણ પછી અઝરુદ્દિન સાથે શું થયું કે તે ટીમમાં સુબ્રતોને લેતા હતા, પણ તેને બોલિંગ નહોતા આપતા. ખબર નહીં કેમ? (સમજાણું)

આવી તો ઘણી વાતો આ બુકમાં છે, પણ રિવીલ નથી કરવી, તમે વાંચી લેજો. જો મને મન થયું તો હું બીજી શ્રેણીમાં દાદા વિશે લખીને મુકીશ, પણ બોસ બાયોગ્રાફીની સિમ્પલ હિન્દી અને રાઇટીંગ સ્ટાઇલ મન મોર બની થનગાટ કરાવે તેવી છે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.