Gujarati Writers Space

Mothers Day અને Fathers Day એક દિવસ જ શા માટે…?

Father’s day, mother’s dayના દિવસે બધા એ ફેસબૂક, વ્હોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયામાં ઘણી બધી પોસ્ટ કરી, પણ શું Father’s day, mother’s dayના એક જ દિવસે પોતાના પિતાને માન – સન્માન આપીને તેમનો ધન્યવાદ કરી આપણે એમણે આપણા માટે વેંઢેલી મુસીબત, આપણા માટે કરેલા ત્યાગની ભરપાઈ કરી દઇશુ…?

ઘણા લોકો તો એવા પણ હશે, કે ઘરમાં પોતાના પિતાનું માન જરા પણ નહીં રાખતા હોય. પણ ફેસબૂક, વ્હોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયામાં ઘણી બધી પોસ્ટ કરી હશે, શું આ છે Father’s day, mother’s day…?

બધાએ પોસ્ટ તો જરૂર કરી હશે, પણ વાસ્તવિકતામાં પોતાના પિતાનો કેટલા લોકોએ આભાર માન્યો…? અને શું એમનો આભાર માનવો એ સારું છે…? શું માતા અને પિતાનો આભાર માનવો એ એમણે આપણા માટે કરેલા ત્યાગની ભરપાઈ છે…?

આજે દુનિયામાં જુદા જુદા દિવસોની ઉજવણી થાય છે, પશ્ચિમના દેશોમાં તો સંતાન 18 વર્ષની થાય એટલે માતા પિતાની જવાબદારી પૂર્ણ થઈ જાય છે, પણ શું આપણા દેશમાં એવું છે…? ત્યાં એટલા માટે જ આવા Father’s day, mother’s day દિવસોની ઉજવણી થાય છે. કે એ એક દિવસ સંતાન પોતાના માતા પિતા સાથે રહે અને એમનો આભાર વ્યક્ત કરે. પણ શું આપણે લોકો કદી પોતાના માતા પિતાનો એક દિવસ આભાર વ્યક્ત કરીને એમનું ઋણ ચૂકવી શકશુ…?

ઘણા લોકો એવી દલીલ કરે છે કે માતા પિતાએ તમારું લાલન પાલન કરીને તમને મોટા કર્યા એ તો એમની ફરજ હતી, ચોક્કસ હતી એ એમની ફરજ, પણ એક વાર સ્વયં વિચારજો કે એમણે જેટલું કર્યું તમારા માટે, શું એ બધું કરવું માત્ર એમની ફરજ જ હતી…? બાકી કહેવાય છે કે જ્યારે પોતાના પર વીતે છે ત્યારે જ સમજમાં આવે છે, કારણ કે જેવું કરો છો તેવું જ ભરો છો.

શું આપણે એમને કરેલા ત્યાગનો આભાર પ્રગટ કરીને તેમનું અપમાન નથી કરતા…? અગર એમને કરેલા ત્યાગનો આભાર પ્રગટ કરવો જ છે, તો એમને રોજ માન સન્માન આપો, એમને તમારો સમય આપો, એમની કાળજી લ્યો, એમની દરેક જરૂર સમજીને તેને પૂરી કરો.

મિત્રો પોતાના માતા પિતાના દિલના અરમાનોને એક વાર સમજીને એમને પુરા કરવાની કોશિશ તો કરો, જો પુરા નહીં થાય તો પણ તમારી કોશિશ જ એમને ખુશી આપશે. આ હશે એમને એમના ત્યાગનું થોડા અંશનું વળતર. આ હશે એમને કરેલા ત્યાગનો આભાર, આ બધા છતાં પણ તમે કદી તેમનું ઋણ તો નહીં જ ચૂકવી શકો.

એટલે જ દુનિયામાં ભગવાન, અલ્લાહ, ગોડ, જે પણ માનો એ બધા પછીનો પેહલો દરરજો માતા પિતાને આપવામાં આવ્યો છે. એ માટે જ માતા માટે માતૃદેવો ભવ: અને પિતા માટે પિતૃદેવો ભવ: કહેવાય છે.

પોતે જ જરા વિચારજો……..

~ મિતાલી સોલંકી ‘માનસી’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.