Geet Gujarati Poet's Corner

ગાઈ લઉં છું

ગાઈ લઉં છું એકાદું ગીત..
વણમાંગી પીડને વલોવીને હળવેથી
તારવી લીધું છે નવનીત
એનું ગાઈ લઉં છું એકાદું ગીત..

પાછું વળીને જોઈ લેવાની ટેવ તો
પડી..પડી તે કેમ કાઢવી?
કોઈ આવતું નથી ની છે ખાતરીને તોય
વાટ ઝીણકી ઝળહળતી એક રાખવી
ચીલો ચાતરીને ચાલનારા મનની સામે
હૈયું ચાતરે નહિ જુગજૂની રીત
ત્યારે ગાઈ લઉં છું એકાદું ગીત..

મળવાના બહાના કંઈ ઓછા નથી ને
તોય અળગા રહેવાનું શીખી લીધું
કારણ વિશે કે પછી ભારણ વિશે કે
પછી વળગણનું કંઈ જ નથી કીધું
ખાલી છે હાથ પણ હૈયું ભરેલું રાખ્યું,
પૂછ્યું નહિ હાર છે કે જીત
ખાલી ગાઈ લઉં છું એકાદું ગીત..

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.