Gujarati Writers Space

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૮ )

કાંચી જે રીતે એના બાબા વિષે વાત કરી રહી હતી, એ પરથી એનો તેના પિતા પ્રત્યે નો લગાવ સાફ જોઈ શકાતો હતો ! પણ ખબર નહી કેમ, પણ કાંચી અચાનક ચુપ થઇ ગઈ હતી !

મેં પણ એને પૂછવાનો પ્રયાસ ન કર્યો, અને થોડીવાર રહી એણે જાતે જ આગળ વધાવ્યું.
“… અને પછી મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો ! ઇશાન… ! મારો પહેલો પ્રેમ… !”
એનું એ વાક્ય સાંભળી હું એની તરફ જોઈ સહેજ મલકાયો. અને મને અંદાજો આવ્યો, કે આ વાર્તા કદાચ એક લવ-સ્ટોરીનો આકાર લઇ રહી છે… !

“ઇશાન… ! ઇશાન શર્મા ! હું જયારે હાઇસ્કુલમાં પ્રવેશી ત્યારે, મારી અને એની પહેલી મુલાકાત થઇ હતી ! પટનામાં ! એ મારાથી બે વર્ષ મોટો હતો. હું આઠમાં ધોરણમાં હતી, અને એ દસમામાં !
હું એ સ્કુલમાં નવી હતી. અને એ સ્કુલમાં પ્રાયમરી પતાવીને હાઇસ્કુલમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે, એમના સિનિયર્સ દ્વારા એક નાનકડી ‘વેલકમ પાર્ટી’ નું આયોજન કરવાની પ્રથા હતી. એ પાર્ટીમાં જ હું અને ઇશાન મળ્યા હતા !

અમારી પહેલી મુલાકાત પણ ખુબ જ યાદગાર હતી. હું પાર્ટીમાં સાવ અજાણી હતી. માંડ બે પાંચ છોકરીઓ મને ઓળખતી હશે. અને હું પણ સંકોચ થી એમની પાછળ ફર્યા કરતી હતી. મને યાદ છે, મેં વ્હાઈટ ફ્રોક પહેર્યું હતું… જે કદાચ થોડું ઓલ્ડ-ફેશન લાગી રહ્યું હતું. પણ મારા શ્યામ રંગને તદ્દન ફીટ બેસે તેમ હતું. અને ત્યારે અમારા એક શીક્ષકે, ઈશાનની બેચ સાથે અમારો પરિચય કરાવ્યો હતો.

ઇશાન, તેની ઉંમર ના બધા કરતા સહેજ મોટો લાગતો હતો ! મજબુત બાંધો, અને ચેહરા પર સહેજ સહેજ દાઢી ઉગવાની શરુ થઇ હતી. એ વારંવાર મારી પર નજરો જમાવી રહ્યો હતો. અને મને પણ એ ગમી રહ્યું હતું. કદાચ એ ઉંમર જ એવી હોય છે, જયારે ખુદને અરીસામાં જોઈ રેહવું ગમે, કોઈ તમને જોઈ રહે તો ગમે… ! પણ એ મારાથી ગોરો હતો ! અને બસ એ એક કારણ જ મને તેના થી નજરો ચુરાવવા માટે પુરતું હતું ! હું જયારે નાની હતી, ત્યારે મને મારા શ્યામ રંગ પર ખુબ શરમ આવતી… અને આજે એવું વિચારતા, એવા વિચારો પર પણ હસવું આવે છે… !”, કહી એ હસી પડી.
“પછી..?”, મેં પૂછ્યું.

“પછી ઈશાને, મારી નજીક આવી મને સાથે ડાન્સ કરવા માટે પૂછ્યું. પણ મેં કોઈ જવાબ ન આપ્યો. એ થોડીવાર ચુપ થઇ ગયો. પછી દોડીને મારા માટે કોલ્ડડ્રીંક લઇ આવ્યો… પણ મને આપતા જતા, ઉતાવળમાં એ મારા ફ્રોક પર પડ્યું ! હું મારા ભીના ફ્રોકને જોઈ રહી. મારી આંકમાં આંસુ આવી ગયા. અને એકાએક એ આંસુમાં ગુસ્સો ભળી ગયો, અને મેં ઇશાન ને જોરથી તમાચો મારી દીધો… !”

“ખરેખર…?”, મારાથી પૂછી લેવાયું.
“હા…. અને ત્યારે એની શકલ જોવા જેવી હતી. લગભગ પાર્ટીમાં આવેલ બધા અમને બંને ને જ જોઈ રહ્યા હતા. પણ હું તરત ત્યાંથી ભાગીને ઘરે આવી ગઈ. મેં બાબાને એ વિષે કઈ ન કહ્યું.
બીજા દિવસે સ્કુલના ટાઇમ પર ઇશાન સ્કુલના ગેટ પર હાથમાં સોરીનું કાર્ડ, લઈને ઉભો હતો. અને મને આવતી જોઈ, રીતસરનો મારી માફી માંગવા માંડ્યો.

“સોરી… મારાથી ભૂલ થઇ ગઈ… ઉતાવળમાં ડ્રીંક આપવા ગયો, અને… સોરી…”
“ઇટ્સ ઓકે… એન્ડ આઈ એમ સોરી ટુ, ફોર ધેટ સ્લેપ…”
“થેન્ક્સ… ! આઈ એમ ઇશાન… ઇશાન શર્મા ! એન્ડ વ્હોટ્સ યોર ગુડ નેમ… !?”
“કાંચી ! કાંચી બેનર્જી…”
“ફ્રેન્ડસ.. !?”, કહી એણે હાથ લંબાવી મિત્રતા નો પ્રસ્તાવ મુક્યો. અને મેં સ્મિત કરી, હાથ મિલાવી એનો મિત્રતા નો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

ત્યાર બાદ રોજ અમારી મુલાકાત સ્કુલમાં થતી ! ક્યારેક એ મને મારા વિષયોમાં મદદ પણ કરતો. એનું અંગ્રેજી ખરેખર ખુબ જ પ્રભાવી હતું. એ ગમે ત્યારે ગમે તે વિષય પર અંગ્રેજીમાં બેધડકપણે બોલી શકતો.

પાછળથી મેં બાબાને પણ એની મુલાકાત કરાવી હતી. પછી તો એ મારા ઘરે પણ આવતો, અને અમે જોડે સ્કુલ, અને ભવિષ્ય અંગે વાતો કરતા રેહતા !

સમય વીતતો ચાલ્યો ગયો. અને મૈત્રી વધુ ગહન થતી ગઈ… કદાચ એથી વિશેષ ! હું ધીરે ધીરે એના પ્રત્યે આકર્ષાઈ રહી હતી. અને કદાચ એ પણ !

જયારે હું દસમાં માં આવી ત્યારે એણે મને પ્રપોઝ કર્યું હતું ! એ ઉંમરે શું કરવું અને શું ન કરવું, એનો અમને કઈ ખ્યાલ ન હતો. મેં ત્યારે એને કોઈ જવાબ નહોતો આપ્યો… અને એણે કહ્યું હતું, એ મારા જવાબ ની રાહ જોશે ! મારી હા અથવા ના, બંને એને મંજુર રેહશે !

પણ એ દિવસ પછી અમારા બે વચ્ચે ઘણું બધું બદલાઈ ચુક્યું હતું. કારણકે હું જાણતી હતી, એ મને ચાહે છે, અને મારા જવાબની રાહમાં છે. અને જયારે આપણે એવું કંઇક જાણતા હોઈએ, ત્યારે પોતાની સહ્જીક્તાઓ ગુમાવી દેતા હોઈએ છીએ !

એ સમયે મારી દસમાની ફાઈનલ પરીક્ષા નજીક આવી રહી હતી, અને હુ એની તૈયારીઓમાં લાગેલી હતી. અમારે મળવાનું ઓછુ થઇ ગયું હતું. એક મુલાકાતમાં મેં એને કહ્યું હતું, કે દસમાના રીઝલ્ટ ના દિવસે હું એને એનો જવાબ આપીશ ! સમય વીતતો ગયો. પરીક્ષા આવી, અને ગઈ ! હવે હું માત્ર સારા પરિણામની રાહમાં હતી… અને ઇશાન મારા જવાબ ની રાહમાં ! અને આખરે એ દિવસ પણ આવ્યો. એ સમયમાં પરિણામો સ્કૂલમાંથી જાહેર થતા. હું સ્કુલ પર મારું પરિણામ લેવા પંહોચી. હું સારા ટકા સાથે ઉતીર્ણ થઇ હતી. મેં ઇશાન ને ત્યાં ધાર્યો હતો, પણ એ હજી સુધી આવ્યો ન હતો. હું લગભગ એકાદ કલાલ સુધી સ્કુલ બહાર ઉભી રહી. ઘરે બાબા મારા પરિણામ લઈને આવવાની રાહ જોતા હતા, અને આ ઇશાન કોણ જાણે ક્યાં ગુમ થઇ ગયો હતો. હું એના પર ગુસ્સો કરતી, ઘરે આવી ગઈ.

પરિણામ સારું આવ્યા છતાં, મારો મુડ સારો ન હતો. એ જોઈ બાબા એ પૂછ્યું, “શું થયું કાંચુ…?”
“બાબા… ઇશાન… ! જુઓને આજે મારું પરિણામ આવ્યું છે, અને એ મને મળવા પણ નથી આવ્યો…”
“અરે કંઇક કામ માં હશે… ! એક કામ કર, તું જ એની પાસે થઇ આવ. અને મારી સાયકલ લઇ જા…. જલ્દી પંહોચીશ… !”

“હા, હું જ જઈને એની ખબર લઇ આવું છું…”, કહેતા હું ઘરેથી સાયકલ લઈને નીકળી પડી.
આખા રસ્તે મને ઈશાનના જ વિચારો આવતા રહ્યા… આજની મુલાકાત કેવી હશે…? એ મારા જવાબ પર કેવો પ્રતિભાવ આપશે…? અને આવા બીજા કેટલાય વિચારો સાથે હું ઈશાનના ઘરે પંહોચી.
પણ ત્યાં લોકોનું મોટું ટોળું જમા થયેલું હતું ! એ જોઈ હું જરા ઘભરાઈ ગઈ, અને ભીડ ને ચીરતી અંદર પંહોચી. અને ત્યાં જઈને મેં જે જોયું, એ હું આજ સુધી નથી ભૂલી શકી ! મારી સામે લોહીમાં લથબથ લાશ પડી હતી ! ઈશાનની લાશ !”, એનું અંતિમ વાક્ય સાંભળતા જ હું ચોંકી ઉઠ્યો. પણ એ સ્વસ્થ લાગી રહી હતી ! અને મારા માટે તો એનું એ સમયે સ્વસ્થ દેખાવું પણ એક આશ્ચર્યથી ઉતરતું ન હતું !

“એ જોઈ હું ત્યાં જ ઢગલો થઈને બેસી ગઈ ! આજુબાજુના લોકો ઘટના અંગે ચર્ચાઓ કરી રહ્યા હતા, કે કઈ રીતે ઈશાનને સાયકલ પર ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી, અને એ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો ! અને કેટલાય લોકો એમ પણ કહી રહ્યા હતા, કે ઇશાન કામ વગર સ્કુલ તરફ જઈ રહ્યો હતો, અને ખુબ ઉતાવળમાં પણ હતો… અને અચાનક વળાંક પર એને ટ્રક સાથે અકસ્માત નડ્યો !

એ સાંભળી, મારા નીચે જાણે જમીન હતી ન હતી થઇ ગઈ… ! ઇશાન ની મૃત્ય પાછળ જાણે અજાણે હું પોતે જ જવાબદાર હતી. ઇશાન મને મળવા સ્કુલ આવી રહ્યો હતો અને આ બધું….”, કાંચીના ગળે ડૂમો ભરાઈ આવ્યો. અને આંખો સહેજ ભીની થઇ !

પણ એણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “અને મારો જવાબ… ! એ તો એણે સાંભળ્યો જ નહી… ! હું એની નજીક સરકી, અને એનો હાથ પોતાના હાથમાં લઈને બેસી ગઈ. અને જાણે એને પોતાનો જવાબ કહી રહી હોઉં એમ, ‘હા… ઇશાન હા…’ કહી ચોધાર આંસુએ રડવા માંડી ! આજુબાજુ ભેગા થયેલા લોકો માટે એ દ્રશ્ય એક કુતુહલ થી ઉતરતું ન હતું ! ત્યાં માત્ર ઇશાન ના પરિવાર વાળા જ મને ઓળખતા હતા… પણ એમના માટે પણ મારી એ ‘હા’ એક પ્રશ્નાર્થ જ હતો !

એ દિવસ… ! એ દિવસે હું ચુપચાપ ઘરે આવી, અને સુઈ ગઈ ! બાબા ને છેક બીજા દિવસે ઈશાનની મોતના સમાચાર મળ્યા. અને બીજા દિવસે મેં, તેમને આખી વાત કરી… અને મને હળવા થવા માટે એક ખભો મળ્યો… !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.