Gujarati Poet's Corner Poetry

ઓળખ

ઓળખ

હું
હું એક એવી સ્ત્રી…
જે
અડધી પડધી ઈચ્છાઓને
છ મીટર લાંબા
રંગબેરંગી વસ્ત્રોમાં
અંગે લપેટી
પોતાની જ ધરી પર ઘુમરકીઓ લેતી
એક પૂતળી…

જે નથી જાણતી કે
ઈચ્છા આકાંક્ષાઓ ક્યા ખોવાઈ છે,
એટલે જ માઈલો સુધી ગયેલી
અધખૂલી ઉદાસ નજરને
ત્યાંથી જ પાછી વાળી લે છે
વળતી પળે
સાડીનો છેડો, માથે આઘેરો લઈ
નીચી નજરે સજાવે છે

હોઠ પર એક બનાવટી હાસ્ય…
ટીકા ટિપ્પણીઓથી બચવા જ સ્તો
હા હું એજ સ્ત્રી છું,
જેણે છ મીટર લાંબા વસ્ત્રમાં
સાચવીને સમેટી રાખી છે
દફનાવેલી અધૂરી ઈચ્છાઓ

~ હેમશીલા માહેશ્વરી ‘શીલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.