Gujarati Poet's Corner

એક પ્લીઝ : ગઝલ

એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ,
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ.

રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ.

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ .

કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ.

જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ.

– અનિલ ચાવડા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.