Entertainment Gujarati

મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!

મને તો ટ્રેલર જ નબળું લાગેલુ હોવાથી હું કોઈ અપેક્ષા લીધા વિના જ ફિલ્મ જોવા ગયેલો, પણ કંગનાએ મને ખોટો સાબિત કર્યો. આ ફિલ્મ હું ધારતો હતો એટલી ખરાબ નહોતી, પણ હું ધારી શકું એના કરતા પણ વધારે ખરાબ નીકળી!

વ્હેર ધ હેલ ઈઝ રિસર્ચ એન્ડ કોમન સેન્સ? તમે ઝાંસીની રાણી પર ફિલ્મ બનાવી રહ્યાં છો, કોઈ બાળફિલ્મ નહીં. ફિલ્મની શરૂઆતની પંદર-વીસ મિનિટ જોઈને વિચાર આવતો હતો કે આ ફિલ્મનું નામ ‘બાળપરી’કે ‘સોનપરી’ કેમ નથી? આ ફિલ્મ બાળફિલ્મની કેટેગરીમાં કેમ નથી આવતી? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા હિન્દુસ્તાનના એક અનન્ય પાત્રનું આવુ બાલિશ ચિત્રણ? ધિક્કાર હો. ફિલ્મની સ્ક્રિપ્ટ ‘બાહુબલી’ ફેમ કે.વિજયેન્દ્ર પ્રસાદે લખી છે, પણ ક્યાં ‘બાહુબલી’ અને ક્યાં ‘મણિકર્ણિકા’? ઈટ્સ લાઈક ‘શોલે’ની કમાણી ‘શાન’માં સમાણી…! હૂહ… વિજયેન્દ્રપ્રસાદ, આપસે હમે યે ઉમ્મિદ નહીં થી.

આપણા મેકર્સ કદાચ એવું સમજતા લાગે છે કે ઐતિહાસિક ફિલ્મ એટલે કોસ્ચ્યૂમ્સ, સેટ્સ અને સીજીઆઈ. આ બધુ એક દમદાર સ્ક્રિપ્ટ અને આલા દરજ્જાની એક્ટિંગને વધુ ઉઠાવ આપી શકે અને જો એ ન હોય તો ઠીક મારા ભઈ હવે. આઈસ ઓન કેક હોય આઈસ ઓન હાંડવા ન હોય.

આ ફિલ્મ આપણા સુધી પહોંચી એ પહેલા અનેક કારણોસર ચર્ચામાં રહેલી. ડિરેક્ટર ક્રિશ અને એક્ટર સોનુ સુદે ફિલ્મ સાથે છેડો ફાડી લીધેલો. પછી કોનો શું વાંક હતો એ મુદ્દે ક્રિશ, સોનુ અને કંગનાના નિવેદનોની સામસામી કવ્વાલી રમાતી રહી. હજુ સુધી કોણે કેટલુ ડિરેક્ટ કર્યુ એ મુદ્દે કંગના અને ક્રિશ અગલ અલગ દાવા કરી રહ્યા છે. સમજોને કે આ ફિલ્મનો પણ ઝાઝા રસોઈયા કઢી બગાડે જેવો જ ઘાટ થયો છે. જોકે, કંગનાનો દાવો છે કે સિત્તેર ટકા ડિરેક્શન એનુ છે. એના પાત્રનું જે મહિમામંડન થયુ છે અને પરિણામે ફિલ્મની જે પત્તર રગડાઈ છે એ જોતા એનો દાવો ચોક્કસ સાચો હશે.

રાણી લક્ષ્મીબાઈ એક મહાન પાત્ર હતુ એ વાત સાચી, પણ એની આસ-પાસના લોકો કંઈ ફિલ્મમાં બતાવાયા છે એવા વહેંતિયા નહોતા. ફિલ્મની શરૂઆતમાં દર્શાવાયા છે એટલા નબળા તાત્યા ટોપે અને નાનાસાહેબ મેં ક્યાંય નથી વાંચ્યા. એકચ્યુલી, નાનાસાહેબ અને તાત્યા ટોપે તો 1857ના બળવાના અરસાના કેરેક્ટર્સ પૈકીના એટલા ખતરનાક કેરેક્ટર્સ છે કે એમના પર તો દર્શકો ચોંકી ઉઠે એવી એક અલાયદી થ્રિલર બની શકે. કંગનાની એક્ટિંગ સારી છે. કેટલાક દ્રશ્યોમાં એની આગઝરતી આંખોમાં રાણીનો તગતગતો રૂઆબ જોવા મળે પણ સામે જોઈએ એવી સ્થિતિ ન જામી હોય તો એ શું કામનું? ‘શોલે’ મહાન હતી કારણ કે તેના દરેક પાત્રોનું કેરેક્ટરાઈઝેશન એવું કરાયેલુ કે આજે પણ લોકોને દરેક પાત્રો યાદ છે. ડિટ્ટો ‘બાહુબલી’, પણ અહીં તો મોહંમદ ઝીશાન અય્યુબ, અતુલ કુલકર્ણી અને ડેની સહિતના તમામ કલાકારો ઓલમોસ્ટ વેડફાયા છે. અંગ્રેજ કેરેક્ટર્સ પણ કેરિકેચર જેવા જ છે. ફિલ્મ છોડીને સોનુ સુદ બચી ગયો!

મનુનું બાળપણ એટલુ શુષ્ટુ શુષ્ટુ બતાવાયુ છે કે મેં ઉપર કહ્યું એમ તમે ‘સોનપરી’ જોતા હોય એવું લાગે. ક્લાઈમેક્સના ફાઈટિંગ સિન્સ ઠીક છે, પણ સ્ટાર્ટિંગની તલવારબાજીનું ફિલ્માંકન એટલુ વાહિયાત છે કે કંગના તલવાર વિંઝે છે કે દાંડિયો કે સાવરણી ફેરવે છે એ ન સમજાય. ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો છે જેમાં કંગના એકથી વધુ લોકો સાથે લડતી હોય ત્યારે સ્પષ્ટ જણાઈ આવે કે તે એક સાથે લડતી હોય ત્યારે બીજા પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવે છે કંગનાપર ઘા નથી કરી રહ્યાં. આ ફાઈટિંગ સિન્સની મર્યાદા છે.

ફર્સ્ટ હાફ સુધીમાં ચારથી પાંચ હથોડાછાપ સોંગ્સ ઝીંકાય છે. ભણસાલીએ ‘બાજીરાવ મસ્તાની’માં બાજીરાવને ‘પદ્માવત’માં ખીલજીને આઈટમ સોંગ્સ કરતો બતાવ્યો અને આ ફિલ્મમાં મેકર્સે રાણી લક્ષ્મીબાઈને કોઈ બસ્તીમાં જઈને અચાનક જ કોઈ ફાલતુ સોંગ પર નાચતી બતાવી. અરે, વિષયની કંઈક તો આમન્યા જાળવો. ફિલ્મમાં આઠ આઠ સોંગ્સ છે, પણ એકપણ પ્રભાવ નથી છોડતું. શિવતાંડવ ઠીક છે. રાણીના લડવાના દૃશ્યો પર મહિષાસૂરમર્દિની સ્ત્રોત વગાડવાનો નિર્ણય સારો, પણ એની ધૂન મને તો ન ગમી.

આ ફિલ્મ જોતી વખતે એવો વિચાર આવતો હતો કે જે રીતે કેટલીક ઈમારતોને ઐતિહાસિક ધરોહર જાહેર કરીને તેની સાથે કોઈ પણ જાતની છેડછાડ પર પ્રતિબંધ મુકી દેવાય છે એ જ રીતે કેટલાક ઐતિહાસિક વિષયો પર ફિલ્મ બનાવવા પર કેટલાક બોલિવૂડીયા ડિરેક્ટર્સ પર પ્રતિબંધ જ ઝીંકી દેવો જોઈએ. કહે છે કે શાહજહાંએ તાજમહેલ બનાવનારા કારીગરોના હાથ કપાવી નાંખેલા. જેથી એવી ઐતિહાસિક અને સુંદર ઈમારત બીજું કોઈ ન બનાવડાવી શકે. ઐતિહાસિક વિષયની આટલી ખરાબ માવજત કરનારાઓના પણ કાંડા કાપી નાંખવા જોઈએ જેથી ભવિષ્યમાં તેઓ બીજા કોઈ ઐતિહાસિક અને અમૂલ્ય વિષયનો આવો કચરો ન કરે.

ફ્રી હિટ :

પહેલા માત્ર મેથડ એક્ટર્સ આવતા હવે મેથડ ન્યુઝ એન્કર્સ પણ પેદા થઈ ગયા છે! કહે છે કે કેટલાંક તો મેથડ નહીં, પણ ‘બોથડ એન્કર્સ’ છે!

~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૧૧-૦૨-૨૦૧૯ )
વેબસાઈટ (davetushar.com)

ફિલ્મ રીવ્યુ

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.