ઈશ્ક: લવલેટરના પેશનથી સ્ક્રીનશોટના ટેન્શન સુધીની સફર…

ઈશ્ક: લવલેટરના પેશનથી સ્ક્રીનશોટના ટેન્શન સુધીની સફર…

વીસેક વર્ષનો રાજસ્થાની છોકરો, અહીંયા વાળંદની દુકાને કામ શીખે ને થોડું ઘણું કમાય લે. અઠવાડિયાનો થાક ઉતારવા માથામાં તેલ મસાજ કરવાનું મારુ કાયમી સરનામું. આજે ત્યાં પહોંચ્યો ત્યારે ભાઈ દેશી ફોનના ડબલામાં ભૂંગળા ભરાવીને એક ખૂણામાં ભરાય ગયેલો. મને જોતા ફોન મૂકી દીધો ને મસાજ શરૂ કર્યું. પછી વાર્તા માંડતા કહે કે, ‘મારી સગાઈ થઈ ગઈ છે અને અમારે તમારી જેમ ગમે ત્યારે ફોન ના થાય, વોટ્સએપ પણ નથી ફોનમાં. એ ઢોરને ચારો નાખવા આવે એટલી જ વાર વાત કરવાની, બાકી બાપુજી ખીજાય…’ મેં એને કહ્યું કે ‘તું તારે ભૂંગળા ભરાવીને વાત ચાલુ રાખ.’ છોકરો રાજીનો રેડ થઈ ગયો ને અમો મનમાં બોલ્યા કે ‘અમે ભલે હવે ઇ લાગતા ના હોઈએ પણ છીએ તો ઈ ના ઇ જ!’ એ એની મસ્તીમાં મસાજ કરતો ભૂંગળામાં પ્રેમાલાપ કરતો હતો અને અમારું મગજ નવરત્ન તેલની ઠંડકમાં પહોંચી ગયું એ જમાનામાં…

પ્રેમમાં પત્રો લખવાનું સદભાગ્ય કોઈ નસીબદારને જ મળે. અર્લી નાઇન્ટીઝમાં જન્મેલી એ કદાચ છેલ્લી પેઢી હશે જે પ્રેમપત્રો, ઈમેલથી વાયા SMS થઈને વોટ્સએપ સુધી પહોંચી. ત્યારે ક્યાં ‘બ્લ્યુ ટિક’ હતા, હેં? કોઈક ભાઈબંધ કે એની બહેનપણી સાથે પહોંચડેલો પત્ર પછી સામેથી વિજયી મુદ્રામાં સ્માઈલ મળે એને જ ‘બ્લ્યુ ટિક’ સમજી લેવાનું. “ઇમોજી” શબ્દ તો હવે આવડ્યો, બાકી નોટબુકની વચ્ચેથી મસ્ત મજાનું કોરુંધાકોર પાનું નજાકતથી ફાડવાનું કે એકાદ સળ ના પડી જાય કે આડાઅવળી ફાટ ના પડી જાય! આપણી પાસે તો ભૂરી બોલપેન હોય તો હોય, પણ કોઈકની ઉધાર લીધેલી કે પડાવી લીધેલી લાલ બોલપેનથી એક “હાર્ટ” ચીતરવાનું, એમાં વચોવચ તીર દોરીને આપણા ને એના નામનો પહેલો અક્ષર ઉપર નીચે ઘાટો કરીને લખી દેવાનો, પછી એક ચિત્રકારની અદાથી ભૂરી પેન હાથમાં લેવાની!

સામેવાળા પાત્રની માનસિક ક્ષમતા અનુસાર મરીઝ કે ગાલિબ કે પછી એનાથી ઉતરીને કુમાર વિશ્વાસ કે રાહત ઇન્દોરીની શાયરીઓ ઠપકરવાની. એ ય પચશે કે નહીં એવી શંકા હોય તો કોઈક સસ્તા શાયરની અથવા મનઘડત શેર ઠોકી દેવાનો! બે ચાર દિવસે માંડ એકાદ પત્રની આપલે થતી હોય ત્યાં “hmmm” કરવાની ફુરસદ જ કોને હોય? મનમાં હોય એટલો ઉભરો ઠાલવી દેવાનો. સ્ક્રીનશોટ વાયરલ થવાની બીક એના તરફથી તો હોય જ નહીં. હા, ગુગલ બેકઅપની જેમ આપણી કે એની સ્ફુકબેગમાં પડેલો લેટર બાપુજીઓ કે માસ્તરોના હાથમાં આવી જાય તો વગર વોટસઅપે ભવાડાઓ વાયરલ થઈ જાય! ને ત્યારે જે ઈજ્જતના કચરા થતા એવી તાકાત તો કોઈ વાયરલ થયેલા “સ્ક્રીનશોટ”માં હોતી જ નથી હો. એમાંય વાયડો ભાઈબંધ કે જલણખોર બહેનપણી આપણો મેસેજ ના પહોંચાડે તો ફેસબુક-વોટ્સએપમાં અકાળે બ્લોક થયાનું દર્દ થાય.

એ કાળાપાણીની કેદમાંથી માંડ હાશકારો થયો જ્યારે વોડફોનમાં 34 રૃપિયામાં 340 SMS રૂપી “મેઘદૂત” આ દેશની યુવાપેઢીને મળ્યા. પણ એમાંય સાલી કઠણાઈ એ કે ભાવ ખાતી કન્યાઓ દસ મેસેજ પછી જેમતેમ કરીને જવાબ આપે ને આપણે ગરીબો બે ચાર દિવસમાં 34 રૂપિયાનો ધુમાડો કરી નાંખે. લોન લઈને કરાવેલા “નાઈટ કોલિંગ” રિચાર્જ આપણું તો જેમતેમ થયું હોય ત્યાં એને પણ કરાવી દેવાનું? તો ય ભાગ્યમાં ભમરો હોય તો વાંદરી રોજ રાતે બા, દાદી કે બહેનની બાજુમાં સૂતી હોય, અલગ બેડરૂમની સગવડ હોય એવી અમીર બાપની લાડલીઓ વળી આપણને ઘાસ ના નાંખતી હોય, ને ઉલ્લુ બનાવવા ઘાસ નાંખે તો ય આપણા રિચાર્જથી બીજા કોઈ ભેગી ગુફ્તગુ કરતી હોય એવી તો પાછી હોંશિયાર! આપણે તો લેણીયાતોના ટેનશન કરતા પાર્ટી આપણી ટિકિટે ચૂંટણી જીતીને ક્યાં ગઠબંધન કરી આવી એ પાછો કોઈ શેરલોક હોમ્સ જેવો પ્રાણપ્રશ્ન!

પણ ગમે એ હોય ત્યારે અત્યારના “વોટ્સએપ”ની જેમ જુના પ્રેમ ફટાફટ છૂટતા નહિ ને નવા પ્રેમો સરળતાથી મળતા નહિ. એટલે જ વગર દારૂએ ગાલિબ કે દેવદાસ થઈ જવાની સુવિધા સાવ સહેલાઈથી પ્રાપ્ત થતી. વાત જ નસીબના ચોઘડિયા ઉઘડે ત્યારે બે ઘડી થતી હોય એમાં “ઈગો ક્લેશ” તો ક્યાંથી થાય? અગાશીના આછા અજવાળે એકાદ ક્ષણ સાથે વિતાવવા મળે એ જ “ચરમસુખ” હોય ત્યારે ‘તું મને સમજી શકતો નથી’/સમજવા માંગતી નથી…’ જેવી વાહિયાત વાતોને સ્થાન જ ક્યાં હોય? ઓનલાઈન હોવા છતાં “બ્લ્યુ ટિક” થવા જેવી કાળમુખી વેદના તો ત્યારે આપણા દુશ્મનોએ પણ જોઈ નહોતી. કેમ કે, એ મજબૂરી કા નામ મહાત્માની જેમ “પ્લેટોનિક પ્રેમ”નો પથરાળ જમાનો હતો, એ જ કદાચ ઈશ્કનો જમાનો હતો!

“આસિમ” હવે રાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ, ઢંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ, વ્યંગ પણ ગયો!

-Bhagirath Jogia

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.