ચમન ચોટલીને ચૂંટણીની ચટણી ચચરી ગઈ!

ચમન ચોટલીને ચૂંટણીની ચટણી ચચરી ગઈ!

વાત એમ હતી કે ઘણા સમયથી ચમન ચોટલી તરફથી આપણે પરમ જ્ઞાન પામીએ એવા કોઈ વોટ્સએપ મેસેજ કે ફેસબુકની પોસ્ટ નહોતી મળતી. હવે આપણને ફડક પેસે કે આવડો આ પાંચ વરસ લમણા લેતો હોય ને હવે સામી ચૂંટણીએ આપણને ભાવ આપતો બંધ થઈ ગયો કે તે કોઈક મરવાની થયેલી પાર્ટીએ એને ટિકિટ આપી દીધી કે શું!

ગમે તેમ તોયે મોટા ને પહોંચેલ માયા હોવાથી આપણે સામો મેસેજ કરવામાં નાનમ ના રાખીએ. અમોએ સીધો જોડ્યો:

‘ચમનભાઈ, એવા બધા બિઝી થઈ ગયા કે અમને મેસેજમાં પણ યાદ નથી કરતા હેં, ચૂંટણી લડો છો કે શું?

‘અરે યાર, વાત જાવા દયો. ટિકિટ કપાય ગઈ યાર.’

‘અરેરે, તારી ટિકિટ કાપવાની મૂર્ખામી તો કઈ પાર્ટી કરે યાર?’

‘હવે ડૉક્ટર, શું તમેય, મારી નહિ, પણ હું જેની નીચેથી પગાર લેતો હતો એની ટિકિટ કપાય ગઈ. એ મહાન નેતા જ હવે અપક્ષ લડવાના છે. તો મારું હવે પાર્ટીમાં કશું કામ રહ્યું નહિ ને હું નવરોદાટ બેઠો છું.’

આમ તો આપણે સમજીએ કે આ ચમન તો વર્ષને વચલે દહાડે એસ.ટી.ની ખખડધજ બસમાં બેસે તો પણ એને ટિકિટ મળે તો મળે. બાકી તો પાછલા ટાયરની ઉપરની ફાટેલી સીટ મળે તો દેડકાની જેમ ઉછળતો જાતો હોય! પણ આપણે તો શું કે ગમે એમ તોય એ માણસ તો મોટો. સંબંધ હોય તો ક્યારેક કામ લાગશે એમ માનીને સંબંધ રાખીએ.

‘પણ ચમન, તારે તો દિલ્હી સુધીની ઓળખાણ, લોકલ રાજકારણમાં તો તું મુખ્યમંત્રીને ય ગાંઠે એમ નથી. તારા જેવા સેનાપતિની કોને જરૂર ના હોય યાર!’

‘તમે આજે ખરાબ ટાઈમ જોઈને ઠેકડી ઉડાવતા નહિ હોય. બાકી મને બધું ખબર હોય કે તમે ય મારા વિશે કેટલી ઠેકડી ઉડાવતી પોસ્ટ લખો છો.’

‘અરે હોય કઈ ચમન, તારા વિશે તો સામેની પાર્ટી ખરાબ લખી શકતી નથી. સામાન્ય દુશ્મનો તો સપનામાંય ભૂલથી પોસ્ટ લખાય જાય તો ડીલીટ કરી નાંખે છે!’

આ તો આપણને પંપ મારવાની મજા આવે બાકી એના વિશે તો શું એના પાંખો કપાયેલા બોસ વિશે પણ ના લખીએ! કેમ કે, ગમે એમ તોય મોટો માણસ ને પાછો પહોંચેલો. (આવું આપણે એને સંબંધ સાચવવા કહીએ એટલું જ બાકી જો લખીએ તો…)

ફરીથી મેં ચમનને પંપ મારીને કોમેડી પિક્ચર લાઈવ મફતમાં જોવાની લાલચે પૂછ્યું:

‘જો ચમન, તારી સર્જનાત્મકતા મેં જોઈ છે. એટલે જ કહું છું. તારા જેવા સેનપતિની તો દરેક પાર્ટીને ગરજ હોય. તું પેલી__ પાર્ટીમાં ટ્રાય કર.’

‘અરે ભાઈ, તમને રાજકારણમાં કઈ ખબર જ નથી પડતી. હું પહેલા એ જ પાર્ટીમાં હતો ને, આ મારા બોસ જેની ટિકિટ કપાય ગઈ એ પણ એ જ પાર્ટીમાં હતા ને! એ તો સાહેબને લાગ્યું કે જીવનમાં કંઈક આગળ આવવું જોઈએ. (મૂળ તો બોસ ધોતિયાના ઢીલા તે સામેની પાર્ટીએ સીડી બતાવીને, બીડી પાયને દબોચી લીધેલો.) એની પાછળ હું પણ આવેલો. મને લેવા નહોતા માંગતા પણ મેં ને બોસે ગદગદ થઈને પગમાં દંડવત પડી ગયા ત્યારે મેળ પડ્યો. પણ હવે બોસ જ ફૂટેલા ફુગ્ગા જેવા થઈ ગયા છે તો…’

અમોએ હવે મફતની બબૂચક ફિલ્મથી કંટાળેલા, એટલે વાત ટુંકાવવાના આશયથી કહ્યું:

‘જો ભાઈ, ધીરજ રાખ. હજી કહું છું, તારા જેવો સેનાપતિ…’

મારી વાત અડધેથી કાપીને મોટું વડચકું નાંખતા કહ્યું કે,

‘તમે યાર દોસ્ત છો એટલે ચલાવું છું. બાકી મારુ ભેજું ના ફેરવો. ઘરમાં છોકરાવને નાસપતિ ખવડાવવાના પૈસા નથી ને તમે સેનાપતિ સેનાપતિની પત્તર ઠોકો…’

વધારે ગાળો આપે એ પહેલાં અમોએ ફોન કટ કરી નાંખ્યો. ને ચમનને કહેવુ પણ શું? કેમ કે, ગમે એમ તોય મોટો માણસ ને કામનો માણસ તો ખરો ને! (આ વિશેષણ પણ એણે જ પોતાને આપેલું હો!😉

-Bhagirath Jogia

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.