ગુજરાત નક્કી કરશે કે નરેન્દ્ર મોદી 2024માં કેટલી તાકાત સાથે લડશે! (Part 1 & 2)

ગુજરાત નક્કી કરશે કે નરેન્દ્ર મોદી 2024માં કેટલી તાકાત સાથે લડશે! (Part 1)

સત્તાની સાપસીડીનો ખેલ પથરાયને બેઠો હોય ત્યારે નક્કી નથી હોતું કે કોના પાસા પોબારા પડશે, કોણ સીડી ચડીને ટોચે પહોંચશે અને કોના ભાગે કાળોતરો ભટકાશે! કેમ કે રમતમાં ખિલાડીઓ ભલે પોતપોતાની રીતે ઉસ્તાદ હોય, પણ અંતે તો એ રમત છે અને પાસાઓ નક્કી કરતા હોય છે કે એને કઈ રીતે કોના લમણે લખાવું છે!

સાલ 2000ની આસપાસ રાજકારણમાંથી થાકીને સેમી સંન્યાસ લઈ ચૂકેલા, અમેરિકા જતા રહેલા નરેન્દ્ર મોદીને કોઈક રીતે અડવાણી પકડી લાવે છે. એ અગાઉ એક કોર્પોરેશનનું ઇલેક્શન હારી ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી હલ્લો મચાવે છે કે “આ રીતે તો ગુજરાત હાથમાંથી જતું રહેશે!” મોડેથી મામલો સમજી ગયેલા સંઘ-અડવાણી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવે છે. પણ ભાજપની એક મજબૂત લોબીમાં સવાલ ઉભો થાય છે કે સંઘના પ્રચારક મુખ્યમંત્રી કઈ રીતે બની શકે? પણ કચ્છના ભૂકંપ પછીની કામગીરી અને પછી બહુચર્ચિત ગોધરાકાંડ બાદ 2002માં વહેલા ઇલેક્શન કરાવીને 127 સીટો સાથે ભવ્ય વિજયી બનેલા મોદી દરેક વિરોધીઓની જીભ પર તાળું મારી દે છે!

પછી તો બ્રાન્ડ ગુજરાત થકી 2014દિલ્હીના તખ્ત પર બિરાજમાન “બ્રાન્ડ મોદી” ભલે ભારતભરમાં ” વન મેન શો મીડિયા ઇમેજ” ઉભી કરે પણ અંદરથી એક વાત તો સમજે છે કે ગુજરાત કોંગ્રેસ ખતમ થઈને પણ ખતમ થઈ નથી. 2002માં હિન્દૂ હ્ર્દયસમ્રાટ બન્યા ત્યારે ય કોંગ્રેસ 50 પ્લસ સીટો લઈ આવે છે, જે ક્રમશ: દર ચૂંટણીમાં વધતી વધતી અંતે 2017માં 77 સીટો સુધી પહોંચે ને આશ્ચર્યજનક રીતે ભાજપ 127 સીટથી ડાઉન થતું થતું 99 પણ આવીને અટકી જાય છે!

કેમ કે, ગુજરાતની 35-40 ટકા જનતાને ક્યારેય ફરક નથી પડ્યો કે ગાંધી પરિવાર દિલ્હીમાં નબળો પડતો જાય છે. એમને ફરક નથી પડતો કે મોદી-શાહ માટે તો જનક જ હિંદુત્વની પ્રયોગશાળા એવું ગુજરાત છે. માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી KHAMની રાજનીતિ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) ગુજરાત કોંગ્રેસને ભલે સરકારને એ 149 સીટની એ ઊંચાઈએ લઈ જાય છે કે સત્તાવીસ વરસ વિપક્ષમાં રહ્યા બાદ પણ એ અસર ગોધરાકાંડના ભયાનક ધ્રુવીકરણ પછી પણ ધી એન્ડ નથી થતી.

પણ 2022ની લડાઈ કોંગ્રેસ-ભાજપ બેય માટે મોઢા પહોળા રહી જાય એવી સરપ્રાઈઝિંગ રહી જશે એ કોઈએ ધાર્યું નહોતું. દિલ્હીથી આવેલા કેજરીવાલ એન્ડ કંપની સુરત કોર્પોરેશનમાં થોડી સીટો જીત્યા પછી ભાજપ વિચારતું રહ્યું કે કોંગ્રેસના વોટ કપાશે અને આપણને જબરી બહુમતી મળશે. જે સાવ ખોટું પણ નહોતું જ. આમ આદમી પાર્ટીનો ટૂંકો ઇતિહાસ તો એ જ સાબિત કરે છે કે નબળી પડેલી કોંગ્રેસની જગ્યા લેવા જ એ મહેનત કરતી રહી છે. પણ કોંગ્રેસને રેકોર્ડબ્રેક હરાવીને પંજાબના સિંહાસન પર બેઠા બાદ એ પાર્ટી ગુજરાતમાં નાના પગલે પણ ભારે હાકલા પડકારા સાથે ઘર કરી જવાના ઉત્સાહમાં દેખાયા પછી દિલ્હી અને નાગપુરમાં બેઠેલા મોટા માથાઓના ભવા ખેંચાયા. કેમ કે, સમીકરણો એવા ગરબડી ગયા કે ભલભલા રાજકીય વિશ્લેષકો ફટ દઈને કહી નથી શકતા કે “આ વખતે આની આટલી સીટ, જાઓ લખી રાખો…”

કેમ કે, કેજરીવાલ એન્ડ કંપનીની એન્ટ્રી એવી ઉછળતી ને સળગતી ભોંયચકરી છે જે કોને કપાળે ચોટીને દઝાડશે એ સ્પષ્ટ નથી. એટલે જ ભાજપ-કોંગ્રેસ બેયના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુજરાત ભલે હિંદુત્વનો ગઢ કહેવાતું હોય પણ હકીકત એ છે કે દરેક ચૂંટણીઓ સામાજિક સમીકરણો પ્રમાણે લડાતી આવી છે. પણ અત્યાર સુધી થયું એવું કે મોદી-શાહની જોડીએ હિંદુ મતદાતાઓને એકબાજુથી હિંદુત્વનું વર્તુળ દોરી આપ્યું ને એમાં રમવા માટે જ્ઞાતિવાદનું રમકડું આપ્યું. આમ બે પ્યાદાઓ ફેકીને બ્રાન્ડ મોદી 2022 સુધી અમર રહી. ઇવન ભાજપના કાયમી વફાદાર એવા પાટીદારો સળગતા આંદોલન પછી પણ થોડાક અંશે હિંદુત્વ તરફ ઝૂકી ગયા ને ભાજપ હોઠ પર માંડ માંડ આવેલા પ્યાલાની જેમ સત્તાની તરસ બુજાવી.

પણ હવે મામલો મેદાને છે, બન્ને પાર્ટીઓ અત્યાર સુધી પોતપોતાની વોટબેંક ટાઈટ પકડીને બેઠી હતી એમાં ત્રીજી પાર્ટી ઉઘાડી તલવારની જેમ કોને ક્યાંથી કાપી નાખશે એ નક્કી નથી. સવર્ણ, પાટીદાર અને મોટા ભાગના ઓબીસી ભાજપની ચુસ્ત વોટબેંક છે. જે 49 ટકા વોટ સાથે ભાજપને સત્તા સુધી લઈ જતી હતી. સામેછેડે કોંગ્રેસને 40 ટકા વોટ સાથે બહુમતીની નજીક લઈ જનારા દલિત, મુસ્લિમ, આદિવાસીઓ, ઓબીસીનો નાનકડો ભાગ….પણ ત્રીજી પાર્ટી જ્યારે મારતી ઘોડે આવે ત્યારે???

કઈ જ્ઞાતિ કોની જશે, જશે તો કેટલા વોટ લઈને, કેજરીવાલની ખુલ્લી મશીનગનમાંથી છૂટતી ગોળીઓ ભાજપને વાગશે કે કોંગ્રેસને? કે બેયને થોડી થોડી વાગશે? સમીકરણનો તાગ મેળવવો અઘરો છે. પણ સાવ અશક્ય નથી….

Part 2 ટૂંક સમયમાં…😊

-Bhagirath Jogia


ગુજરાત નક્કી કરશે કે નરેન્દ્ર મોદી 2024માં કેટલી તાકાત સાથે લડશે! (Part 2)

વાત ગાંધીનગરની ગાદીએ કબજો જમાવવાની નથી, વાત 2024માં દિલ્હી ગુમાવી દેવાની પણ નથી, વાત ભારત જોડો યાત્રાથી ટક્કર આપી રહેલા રાહુલ ગાંધીની પણ નથી ને વાત રાષ્ટ્રીય પાર્ટી બનવાની ગાજવીજમાં મંડી પડેલા, વિપક્ષનો ચહેરો બનવાની ચેલેન્જ આપી રહેલા અરવિંદ કેજરીવાલની પણ નથી. વાત હજી સુધી તો હળવેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા ને મજબૂરીથી મહાત્મા ગાંધી બની રહેલા ભારતભરના ક્ષત્રપોની પણ નથી.

વાત છે તો હજી છ મહિના પહેલા લખનૌ પાસેથી દિલ્હી-નાગપુરે માગેલા લેખિત ખુલાસાની કે-” તમે સવા ત્રણ સો સીટ પરથી અઢીસો સીટ પર કયા કારણોસર આવી ગયા? એક નબળો ને તૂટી ગયેલો વિપક્ષ સવા સો સીટો લઈને રેકોર્ડબ્રેક 35 ટકા વોટ કઈ રીતે લઈ જઈ શકે???” આ જ તો વાત હતી કે યોગી આદિત્યનાથને 2024માં પ્રમોટ કરીને 2029માં પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે થનગની રહેલા નાગપુરના હાથ દિલ્હીએ બાંધી રાખ્યા છે!

વાત મહારાષ્ટ્રના ઉભા થયેલા એ પાવર હાઉસની પણ છે કે જ્યાં લોકપ્રિય મંત્રીને કદ પ્રમાણે વેતરી નંખાય અને લોકપ્રિય બનવા જઈ રહેલા મુખ્યમંત્રીને ઉગતા પહેલા જ ડામી દેવાય. વાત એ બન્ને ગુરુ-શિષ્યની જ છે કે જેના રાજ્યના હજારો કરોડના પ્રોજેકટ રાતોરાત રાજ્યવટો આપી દેવાય. વાત કર્ણાટકની પણ છે ને વાત રાજસ્થાનની પણ.

ખૈર, રાજનીતિમાં આ નવી નવાઈની ઘટનાઓ નથી. વર્ષોથી રાજકારણમાં આ જ ચાલ્યા કરે છે. પોલિટિક્સ નારિયેળ કરતા ઊંધું હોતું હશે કદાચ, ઉપરથી સ્મૂધ લાગે પણ છોતરાં કાઢીને ફંફોળો તો ખરબચડું નીકળે!

પણ, હવે ગુજરાતનું આ ઇલેક્શન મોદી-શાહની જુગલજોડી માટે આ છુપા આક્રોશને દબાવી દેવાની એક ફરજીયાત ઝડપવી જ પડે એવી તક છે. કેમ કે, દિલ્હીના સિંહાસન પર હજી 2029 સુધી આ રીતે જ એકહથ્થુ શાસન કરવું હશે તો પોતાના પાવર હાઉસ એવા ‘ગુજરાત મોડેલ’ પર પ્રભુત્વ મેળવવું પડશે. 2029 દુરની વાત છે, પણ 2024માં કયા સાંસદ કે મંત્રીને કાપી નાખવા ને કયા મંત્રીને નવી કેબિનેટમાં એન્ટ્રી આપવી એ નિર્ણય નાગપુરને બદલે દિલ્હી પી.એમ.ઓમાંથી લેવો હોય તો ગુજરાત પર પ્રભુત્વ ફરજિયાત છે.

સરકાર જો કર્ણાટક, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં ય બનાવી શકાય, તો ગુજરાતમાં ગાંધીનગર કબજે કરવું એ નાનીમાનો ખેલ જ છે. પણ એ પાવરહાઉસ ના કહેવાય. તરત જ લખનૌ અટ્ટહાસ્ય કરે કે નાગપુરના સુર બદલાય જાય! બેય ગુજરાતીઓ આ ભવિષ્યની શક્યતાઓથી અજાણ નથી. ને અંતે મુદ્દો એ પણ તો છે કે નાગપુરની ચોઇસ ધીમે ધીમે લખનૌ તરફ વળી રહી છે. આ તો દિલ્હીનો પ્રભાવ એવો છે કે કોઈ ઊંચો અવાજ કરતું નથી. પણ એ પ્રભાવનું મૂળ તો ગુજરાતમાં જ છે!

36 સભાઓ, અઢી ડઝન મંત્રીઓની ફોજ ને કરોડોની ઝાકમઝોળ ગાંધીનગરમાં કબજો મેળવવા માટે નથી ખડકાતા, પણ દિલ્હીમાં પંજો દબાવીને બીજાઓને ચૂપ કરી શકાય એ પણ એક વિઝન હોય! અંતે, મુદ્દો એ પણ તો છે કે 2029માં દિલ્હીની દાવેદારી કોઈ અણગમતાના હાથમાં કચવાતે મને ના આપવી પડે!

અને આ 2029નું મૂળિયું જ 2022નું ગુજરાત ઇલેક્શન છે. લડાઈ અત્યારે ત્રિકોણીય લાગતી હોય પણ ફાઇનલ મેચ સુધી પહોંચતા પહોંચતા બે જ ટીમ લડી શકવાની છે. પણ આખો ખેલ “આપ”નો એટલો રોલ છે કે ચુનંદા સભ્યો વિધાનસભામાં પહોંચી જાય કે 90-100 એવી સીટ જ્યાં બે મુખ્ય પાર્ટીઓ વચ્ચે 5 કે 10 હજાર વોટનું અંતર છે ત્યાં ફક્ત અમુક હજાર વોટ મેળવીને અણધાર્યો ખેલ પલટી શકાય!

ત્રિશંકુ વિધાનસભા બહુ દુરની કોડી બની ગઈ છે. પણ બીજેપી ઇચ્છતું હશે કે ગ્રામીણમાં આપ પલટી મારે તો 127 સીટનું જૂનું સપનું સાકાર થઈ જાય ને કોંગ્રેસ ઇચ્છતું હશે કે શહેરોમાં બીજેપીને આપ થોડુંક ભૂ પાઈ દે તો બીજેપીને 90 એ અટકાવી શકાય! અને પોતે અશક્ય લાગતી બહુમતી મેળવી શકે. બાકી તો 8મી ડિસેમ્બરે પત્તાઓ ખુલશે ત્યારે ખબર પડશે કે કોના ભાગે સત્તાનો સૂરજ ઉગે છે.

-Bhagirath Jogia

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.