Sun-Temple-Baanner

ઊનાનો ચૌલુક્યવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઊનાનો ચૌલુક્યવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ


⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ ઊનાનો ચૌલુક્યવંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી )

➡ ઈતિહાસને ઉજાગર કરવો પડતો હોય છે અને એને ઉજાગર કરવાં માટે અનેક રાતોના ઉજાગરા કરવાં પડતાં હોય છે. ઈતિહાસ એટલે ગમતી કથાઓ નહીં પણ સાચી વિગતો. આ સાચી વિગતો એટલે શું વળી ? સાચી વિગતો એટલે જેનાં પુરાવાઓ પ્રાપ્ત થયાં છે તે ! ગ્રંથિત વિગતો આગ્રહયુક્ત હોય છે એટલે એ સાચી હોવાં વિષે શંકા -કુશંકા પેદા થાય એ સ્વાભાવિક જ છે ! પુસ્તકોની વિગતો સંપૂર્ણતયા સત્યથી વેગળી જ છે એટલે એનાં પર બિલકુલ આધાર રાખી શકાય એમ નથી જ !

➡ ગુજરાતનો ઈતિહાસ તો ઘણો લાંબો છે.પણ જેટલાં જરૂરી હોય એટલાં જ રાજવંશો આવરી લેવાય બાકીની બાદબાકી જ ઉચિત ગણાય. અનુ મૈત્રક કાળમાં ગુજરાતમાં ૧૧ જેટલાં રાજપૂત – ક્ષત્રિય રાજ્યો ઉદભવ્યા હતાં જેમાં એક અતિ મહત્વનું રાજ્ય છે ઉનાનું ચૌલુક્ય રાજ્ય. કેટલાંકના મનમાં શંકા જરૂર થાય કે મુલરાજ સોલંકીએ પાટણમાં ચૌલુક્ય રાજ્ય એટલે કે સોલંકીઓનો સુવર્ણયુગ તે અને આ ચાલુક્યો વચ્ચે કોઈ સંબંધ ખરો કે ! સોલંકીયુગ વિષે જ્યારે લખ્યું ત્યારે કેટલાંકે મારું ધ્યાન દોર્યું હતું કે ઉનાના ચાલુક્ય વંશ વિષે લખશો ખરાં કે નહીં ! એ બે વંશો વિષે સ્પષ્ટતા અનિવાર્ય હોવાથી આ વંશ વિષે આવરી લેવું મુનાસીબ સમજ્યું છે. આમેય તે સોલંકી યુગ કરતાં ૪૦૦ વરસ પહેલાનો છે જે વિષે જાણવાની ઇન્તેજારી દરેકને હોય જ એટલે એને વિષે આ લેખ લખું છું.

➡ સૌ પ્રથમ તો આ જાણકારી ક્યાંથી પ્રાપ્ત થઇ ? તો એ વિષે પણ તમને જણાવી દઉં કે — ચાલુક્ય વંશના રાજા બલવર્મા અને રાજા અવનિવર્મા (દ્વિતીય)નામે બે રાજાઓનાં ઉનમાંથી મળેલાં ઇસવીસન ૮૯૩ અને ઇસવીસન ૯૦૦નાં દાન્પત્રો પરથી ચાલુક્ય કુળનો એક રાજવંશ થયો હોવાની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. આ રાજવંશ વિષે આ બે અભિલેખ સિવાય બીજાં કોઈ સાધન પરથી આ માહિતી મળતી નથી. એટલે એને જ સાચી માનીને દરેકે ચાલવું રહ્યું !

➡ હા. આ કોઈ શિલાલેખ નથી આ તો બે તામ્રપત્રો છે આમેય ચાલુક્યવંશના તામ્રપત્રો જ વધારે ઉપલબ્ધ થયાં છે. આ બન્ને તામ્રપત્રોમાં આ કૂળનું નામ “ચાલુક્ય ” જણાવાયેલું છે પરંતુ તે બંનેમાં આ રાજવંશની ઉત્પત્તિ વિષે કંઈ કરતાં કંઈ જણાવાયેલું નથી.

➡ આમ તો આપણે સૌ એ જાણીએ જ છીએ કે મૈત્રકકાળનાં શાસનકાળ દરમિયાન દખ્ખણમાં વાતાપિના ચાલુક્યોએ લગભગ ઇસવીસન ૫૩૫થી ઇસવીસન ૭૬૪ સુધી રાજ્ય કર્યું હતું . તેમની એક લાટશાખા લગભગ ઇસવીસન ૬૬૯થી ઇસવીસન ૭૪૫ સુધી સત્તા પર શોભાયમાન હતી.

➡ આ રાજવંશના લેખોમાં આ રાજાઓને માનવ્યગોત્રના હારીતીપુત્રો કહેવામાં આવ્યાં છે. તેમની કૂળદેવી સાત માતાઓ (સપ્તમાતૃકા) હતી. કાર્તિકેય દેવ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિનું કારણ હતાને ભગવાન નારાયણે વરાહના ચિહ્નવાળો ધ્વજ તેમને આપ્યો હતો એવું વર્ણન આવે છે ખરું ! આ રીતે તેમને ચાલુક્યોની ઉત્પત્તિ આપી છે. વાતાપિના ચાલુક્યોની સત્તા ઇસવીસનની આઠમી સદીમાં અસ્ત પામી. જો કે એમની પૂર્વશાખા તો તે પછી પણ અસ્તિત્વ ધરાવતી હતી. પરંતુ વાતાપિના વંશની જેમ પૂર્વની શાખાના લેખમાં પણ દસમી સદીના અંત સુધી ચાલુક્ય કૂની ઉત્પત્તિ વિષે બીજો કોઈ જ ઉલ્લેખ મળતો નથી.

➡ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોની સત્તાની પડતી થતાં ત્યાં કલ્યાણીના ચાલુક્યોનો રાજવંશ સ્થપાયો ત્યરે તો ગુજરાતમાં સોલંકીયુગની શરૂઆત થઇ જ ચુકી હતી. વેંગીમાં પૂર્વીય ચાલુક્યોનો વંશ હજી ચાલુ રહ્યો હતો. આ કાળના ચાલુક્યોનાં રાજ્યમાં આ કૂળની ઉત્પત્તિ વિષયક જુદી જુદી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત થઇ હતી જે આ પ્રમાણે છે –

[૧] બિલ્હારી કે જે જબલપુર જીલ્લમાં સ્થિત છે ત્યાંથી મળેલા સંવત વગરના ઇસવીસન ૯૯૪ની આસપાસના ક્લચુરીવંશના રાજા યુવરાજદેવ બીજાના સમયના લેખમાં ભારદ્વાજ (દ્રોણ) મુનિએ પોતાનું અપમાન કરનાર રાજા દ્રુપદને શ્રાપ આપવાં માટે “ચુલુક” (ખોબા)માંથી લીધેલા જળમાંથી સક્ષાત વિજયની મૂર્તિરૂપ એક પુરુષ ઉત્પન્ન થયો. જેમાંથી ચૌલુક્યવંશ ચાલ્યો.

[૨] ભગવાન બ્રહ્માજીનાં પુત્ર અત્રિનાં નેત્રમાંથી ઉત્પન્ન થયેલાં ચંદ્રનાં વંશમાં ચાલુક્યવંશ રહેલો છે તેમ બિલ્હણના આશ્ર્ય્દાતાના પશ્ચિમી સોલંકી રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા(ઇસવીસન ૧૦૧૬થી ઇસવીસન ૧૧૨૭)ના એક શિલાલેખમાં લખાયેલું છે !

[૩] દૈત્યોની કનડગતને પરિણામે ઉત્પન્ન થયેલ ચિંતારૂપ મંદરાચલના મંથનમાંથી બ્રહ્માજીનાં ચુલુકમાંથી એક વીર પુરુષ ઉત્પન્ન થયો તે ચૌલુક્ય કહેવાયો. તેમાંથી હારિત, માનન્ય વગેરે વંશજો થયાં. આ વંશનો મૂળ પુરુષ અયોધ્યાથી આવ્યો હતો એમ વિક્રમાંકદેવચરિતમાં કહેવામાં આવ્યું છે અને તે સૂર્યવંશી હતો.

➡ આવી એક કથા તો આપણે સોલંકીયુગમાં જોઈ જ ગયાં છીએ પણ અહીં તો ત્રણ -ત્રણ કથાઓ છે જેમાં પણ અનેક મતમતાંતરો છે ! અ કથાઓનો તામ્રપત્રોમાં કોઈ જ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી. એટલે કદાચ એવું મન માનવા પ્રેરાય છે કે — સોલંકીકાળની પ્રચલિત માન્યતાઓ આ સમયે પ્રચલિત નહીં થઇ હોય; મૈત્રકકાળની માન્યતા જ આ સમયે પ્રચલિત હશે.

➡ ઊનામાંથી મળેલ બે તામ્રપત્રો પૈકી એક તામ્રપત્ર રાજા અવનિવર્મામાં આ ચાલુક્યવંશની વંશાવલી આપવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તે વંશમાં કલ્લ અને મ્હલ્લ નામે બે મહિપતિ થયાં. પ્રશસ્તિના આરંભમાં કલ્લ – મહલ્લ એ બે ભાઈઓની સંયુક્ત પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાં તેમને બન્નેને મહામતિ – મહીપતિ કહીને તેમની શ્વેત કીર્તિ તેમનાં નિર્મલ ગુણો વડે પ્રસિદ્ધિ પામી હોવાનું જણાવ્યું છે. એ બે વચ્ચે રામ-લક્ષ્મણ જેવું અન્યોન્ય અવિભિન્ન ભાઈઓનું ભ્રાતૃત્વ હતું.

✔ ઉનાનો ચૌલુક્ય રાજવંશ :-

➡ આ રાજવંશની સ્થાપનાનો સમય જાણવા મળતો નથી. પરંતુ દાનપત્રોનાં સમય પરથી રાજા બલવર્માનું રાજ્ય ઇસવીસન ૮૯૫ના અરસામાં પૂરું થયેલું જણાય છે. રાજા બલવર્મા, તેમના પિતા અવનિવર્મા પહેલા, પિતામહ બાહુકધવલ અને એમનાં પ્રપિતામહનો રાજ્યકાળ ૨૫-૨૫ વર્ષનો ગણીએ તો કલ્લના પુત્રના રાજ્યનો સમય ઇસવીસન ૭૯૫-૮૨૦નો અંકાય. આ ઉપરથી કલ્લ અને મહલ્લનું રાજ્ય ઇસવીસનની આહ્મી સદીના ઉતરાર્ધમાં થયું હોવાનું ફલિત થાય છે.

➡ આ પછી સુવિભૂષિત નૃપોની વચ્ચે કુલકીર્તિયુક્ત કલ્લ મહાક્રાંતિ અને સ્થિર શ્રી વડે કલ્પદ્રુમોમાં પારિજાતની જેમ શોભ્યો તથા અરિનો ક્ષય કરનાર એ રાજા રાજ્ય કરતો હતો ત્યારે લોકોમાં નિર્ભયતા અને ધર્મનિષ્ઠતા, તુષ્ટિ, સંપત્તિ અને દાનશીલતા પ્રવર્તતી હતી એવી પ્રશસ્તિ આપીને તેમનાં વંશજોનો વૃત્તાંત આપે છે.

➡ આ પરથી આ રાજ્ય આ બે ભાઈઓએ સાથે મળીને મેળવ્યું હોય ને શરૂઆતમાં એ બંને ભાઈઓ અભિન્ન રાજાઓ જેવાં ગણાતાં હોય અને છતાં તેમાં મુખ્ય રાજા મોટો કલ્લ હોય ને એના પછી કલ્લના પુત્રપૌત્રાદિને રાજ્યવારસો મળ્યો હોય એવું લાગે છે.કલ્લ પછી તેનો પુત્ર ગાદીએ આવ્યો જેનું નામ દાનપત્રમાં વાંચી શકાતું નથી. સૂચિત સમયાંકન અનુસાર એનો સમય ઇસવીસન ૭૯૫-૮૨૦ હોઈ શકે છે.

➡ તેમની પ્રશસ્તિ નીચે પ્રમાણે આપવામાં આવી છે —

➡ એ રાજમાંથી (કલ્લમાંથી) જેની વિશાળ કીર્તિ પ્રસરી છે, જે લક્ષ્મીનો ભંડાર છે, જે ગુણોનું ચરણ છે, જે શૌર્ય અને મતિનું સ્થાન છે તેવો પુત્ર થયો. જે ઘોડસવારીમાં નિપુણ હતો. જે તુંગ, મત્ત, માતંગ જેવો દુર્ગમ હતો અને જે ઉગ્ર્દંડ દેતો હતો, તેવા તે રાજાથી ત્રાસ પામેલા શત્રુઓ વનવગડામાં આશરો લેતાં હતાં. તેના પછી તેનો પુત્ર બાહુકધવલ ગાદીએ આવ્યો કે જેનો સમય ઇસવીસન ૮૨૦-૮૪૫ આંકી શકાય. તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે તેણે રાજાધિરાજ પરમેશ્વર ભૂમિનાથો હરાવ્યાં અને કોક ધર્મ નામનાં રાજાને હરાવ્યાં ઉલ્લેખ મળે છે.

➡ એ સમયે બંગાળના પાલવંશનાં ધર્મપાલ નામે પ્રતાપી રાજા થયો. એને પ્રતિહાર વંશના રાજા વત્સરાજ (ઇસવીસન ૭૭૮-૭૮૩) તથા તેના ઉત્તરાધિકારી નાગભટ બીજા (મૃત્યુ ઇસવીસન ૮૩૩) સાથે તેમ જ રાષ્ટ્ર્કૂટ વંશના રાજા ધ્રુવ ધારાવર્ષ (ઇસવીસન ૭૮૦) તથા તેના ઉત્તરાધિકારી ગોવિંદરાજ ત્રીજા (ઇસવીસન ૭૯૩-૮૧૪)સાથે વિગ્રહ થયેલો. આ પરથી બાહુકધવલે ધર્મ નામના રાજાનો પરાજય કરેલો એ ઉલ્લેખ પાલવંશના ધર્મપાલને લાગુ પડતો હોવા સંભવે છે. તો બાહુક ધવલે એ પરાક્રમ પોતાની સ્વતંત્ર તાકાતથી નહીં પણ પોતાનાં કોઈ પરમસ્વામીનાં મદદનીશ તરીકે કર્યું હોવું જોઈએ. એમનાં વંશજો પ્રતિહાર રાજાધિરાજોનાં સામંત હતાં ને એનાં સમકાલીન પ્રતિહાર રાજા નાગભટ બીજાએ ગુજરાતના કેટલાંક ભાગ પર પોતાની સત્તા જમાવી હતી. એ જોતાં આ ચાલુક્ય રાજાનો પરમસ્વામી પ્રતિહાર રાજા નાગભટ બીજો હોવો જોઈએ.

➡ આ તામ્રપત્રમાં બાહુકધવલે કર્ણાટકના સૈન્યની પાછળ પડી યુધ્ધમાં એકલાં હાથે તલવારથી તેનો સંહાર કર્યો હોવાનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ સ્પષ્ટત: કર્ણાટકના રાષ્ટ્રકૂટ રાજ્યને લાગુ પડે છે. પ્રતિહાર વંશને માટે રાષ્ટ્રકૂટ વંશ તો પાલવંશ કરતાંયે વધારે પ્રબળ પ્રતિસ્પર્ધા ધરાવતો હતો. રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ત્રીજાએ પ્રતિહાર રાજા નાગભટ બીજાની સત્તાનો ઇસવીસન ૮૦૦ન સુમારમાં હ્રાસ કરી ધીધેલો ને ઇસવીસન ૮૧૪માં તેનાં પછી તેનો બાલપુત્ર અમોધવર્ષ ગાદીએ બિરાજમાન થયો હતો. આથી બાહુક ધવલે કર્ણાટકના સૈન્યને હરાવ્યનો ઉલ્લેખ પ્રાય: ગોવિંદરાજ ત્રીજના મૃત્યુ પછી થયેલા કોઈ સંઘર્ષને લાગતો હોવાં સંભવે છે. પરંતુ આ સંઘર્ષ રાષ્ટ્રકૂટોની લાટ શાખાનાં કર્ણાટકી સૈન્ય સાથે થયો હશે કે નષ્ટ સત્તા પુન: પ્રાપ્ત કરવા માતા પ્રતિહાર રાજાના કર્ણાટકના રાષ્ટ્રકૂટ રાજય સાથેના સંઘર્ષના ભાગરૂપે પ્રતિહાર રાજાધિરાજની મદદ રૂપે થયો હશે એ નક્કી કરવું મુશ્કેલ છે.

➡ આમ, પાલ અને રાષ્ટ્રકૂટ એ બબે પ્રબળ રાજ્યોના પરાજયમાં આપેલાં ફાળાનેલઈને એ રાજાધિરાજણે હરાવ્યાનો દાવો કરે છે તે અસ્થાને તો નથી જ !

➡ તેની પ્રશસ્તિમાં મુખ્યત: તેનાં આ યશસ્વી પરાક્રમોની જ યશોગાથા ગાવામાં આવી છે. અન્ય ગુણોમાં તો તેને મહાનુભાવ અને ધર્મનો રક્ષક કહ્યો છે એટલું તો નોંધપાત્ર જ છે !

➡ બાહુકધવલ પછી તેનો પુત્ર અવનિવર્મા (પ્રથમ) ગાદીએ આવ્યો જેનો સમય ઉપર જણાવેલી ગણતરી મુજબ ઇસવીસન ૮૪૫-૮૭૦નો આંકી શકાય.

➡ તેમની પ્રશસ્તિ તામ્રપત્રમાં નીચે પ્રમાણે આપી છે —–

➡ તે શૌર્ય, પ્રતાપ, વિનય આદિ ગુણોથી યુક્ત હતો. તેણે પૃથ્વીનું રક્ષણ કરીને પોતાનું નામ સાર્થક કર્યું.

➡ અવનિવર્મા પહેલાનો પુત્ર બલવર્મા તેનાં પછી ગાદીએ આવ્યો. આ રાજાનું જે દાનશાસન છે તેમાં તેનેવિષે તે ભોજ્દેવના અનુગામી મહેન્દ્રાયુધદેવનો સામંત હતો એમ જણાવ્યું છે.આ મહેન્દ્રાયુધદેવ તે સ્પષ્ટત: કનોજનો પ્રતિહાર વંશનો રાજા મહેન્દ્રપાલ પહેલો છે. બલવર્મા પંચમહાશબ્દ ધરાવતો ને મહાસામંત બિરુદ ધરાવતો એટલી જ હકીકત તેમાં આપી છે.

➡ પરંતુ એમનાં પુત્ર અવનિવર્મા બીજાના દાનશાસનમાં બલવર્માની ગુણપ્રશસ્તિ આપી છે. તેમાં તેના કેટલાંક પરાક્રમ ગણાવ્યા છે. બલવર્માએ યુદ્ધમાં વિષઢણે હરાવ્યો અને એની પાસેથી મોટાં ઢક્કાની જોડ પડાવી લીધી. (વિષઢના હાથી -ઘોડા પ્રખ્યાત હતાં. બલવર્માનું ખડગ તીક્ષ્ણ હતું. ઢક્કા ની જોડી દ્રઢ, ઊંડી અને કર્ણપ્રિય ધ્વનિવાળી હતી બીજું બલવર્માએ યુદ્ધમાં ઘણાં રાજાઓને હણ્યા હતાં અને ભુવનને હૂણવંશ વિનાનું કર્યું. જો કે સમકાલીન રાજાઓમાં વિષઢ અને જજજપ જેવાં કોઈ જ રાજાઓના નામ મળતાં નથી. તેનું વલભી નું દાનશાસન સંવત ૫૭૪નું દાનશાસન મળે છે જેનું ગણિત ગણતાં તેનો સમય ઇસવીસન ૮૯૨નાં ડિસેમ્બરની લગભગ ૨૮મી તારીખનો આવે છે. સૂચિત સમયાંકન અનુસાર તેનો રાજ્યકાળ કદાચ ઇસવીસન ૮૭૦થી ૮૯૫નો હોઈ શકે છે. આ સમય તેના દાનપત્ર પણ બરોબર બંધ બેસે છે. આ દાનપત્ર બલવર્માએ નક્ષીસપુરમાંથી આપેલ છે.

➡ બલવર્માએ નક્ષીસપુમાંથી વલભી સંવત ૮૯૩મા કણ્વીરિકા નદીના કાંઠા ઉપર આવેલ તરુણાદિત્ય નામના સૂર્યના મંદિરને નક્ષીસપુર ચોરાસીમાં આવેલું જયપુર ગામ દાનમાં આપેલું .

➡ દાનપત્રોની વિગતો પરથી બલવર્માના રાજ્યમાં નક્ષીસપુર ચોરાસી નામે વિભાગ હોવાનું જાણવા મળે છે. એના રાજ્યની રાજધાની નક્ષીસપુર હોવા સંભવે છે. તેના દાનપત્રમાં સ્વહસ્ત નીચે શ્રી ધીઇફની સહી છે જે મહેન્દ્રપાલદેવનો અંતપાલ હોવાનું અવનિવર્મા બીજાનાં તામ્રપત્ર પરથી માલૂમ પડે છે. દાન પત્રનો લેખક દત્તનો પુત્ર ધારાદિત્ય છે. તેનાં સાક્ષીઓ ૪ બ્રાહ્મણ, ૪ વણિક અને ૪ મહત્તર છે.

➡ પ્રશસ્તિમાં બલવર્માના ગુણ આ પ્રમાણે વર્ણવવામાં આવ્યાં છે —–

➡ બલવર્મા સત્કર્મી અને શત્રુના મર્મને વ્યથિત કરનારો હતો. તે રાજા હતો ત્યારે જનતા અધર્મ વિષે સશંકિત નહોતી. અવનિવર્માનો પુત્ર સત્કર્મી, મિત્ર બંધુને જનતાનું કલ્યાણ કરનાર અને કીર્તિવાળો હતો. એ શત્રુના મર્મને ભેદવાવાળો હોઈ, લોકોએ એનું બલવર્મા નામ પાડયું હતું.

➡ એ સદા સત્ય બોલનાર, સ્નાન, જપ આદિમાં પારાયણ લાખો યાચકોને વિપુલ સંપત્તિ આપનાર દ્વિજો અને ગુરુઓની આશા પૂરનાર, બાળપણથી સદા ત્રિલોચનનાં ચરણોનું અર્ચન કરવાંવાળો હતો. આ પરથી આ રાજા માહેશ્વર હોવાનું માલૂમ પડે છે.

➡ એણે આપેલું આ દાન સૂર્યના મંદિરને આપવામાં આવ્યું છે. તેથી એ ઉપરાંત તે સૂર્યનો પણ ઉપાસક હોવાનું જણાય છે. બલવર્મા પછી તેનો પુત્ર અવનિવર્મા (બીજો) ગાદીએ આવ્યો જેનો ઉલ્લેખ તેના પોતાના વિક્રમ સંવત ૯૫૬ (ઇસવીસન ૯૦૦)માં આપેલાં દાનપત્ર પરથી મળે છે. તેનું બીજું નામ યોગ હતું.

➡ અવનિવર્મા (બીજા)એ યાક્ષ્દાસ અને બીજાં રાજાઓ ઉપર હુમલો કરી તેમને હરાવ્યા તેવું તામ્રશાસન પરથી જાણવા મળે ચ્ચે. તેમ જ આ યક્ષદાસના અખિલ સૈન્યનો દ્વંસ કરી તેની પાસેથી સાગરક્ષોભ નામની તૂરી (વાજિંત્ર} પડાવી લીધી. એનાં પાયદળના સૈનિકોએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કરી જીતાયેલા રિપુનાં અલંકારરૂપ શંખછત્ર ધ્વજ વગેરે ઝુંટવી લીધાં. જ્યારે તે પરાક્રમી રાજાએ ધનુષ્યબાણ લઈને ગજદલ સાથે આક્રમણ કર્યું ત્યારે યક્ષદાસ હરણ જેવાં શત્રુસમૂહો સાથે દૂર પોતાની ભૂમિમાં ભાગી ગયો..

➡ સમકાલીન જ્ઞાત રાજાઓમાં આવું યક્ષદાસ જેવું કોઈ નામ મળતું જ નથી.

➡ તેણે ધરણીવરાહને નસાડયો તેવું પણ તામ્રપત્રમાં આપેલ છે. આ ધરણીવરાહ તે વઢવાણના ચાપ વંશનો રાજા જે વિષે આપણે આ અગાઉના લેખમાં જોઈ જ ચુક્યા છીએ.

➡ અવનિવર્મા (બીજો) પણ બલવર્માની જેમ પ્રતિહાર વંશના મહારાજાધિરાજ મહેન્દ્રપાલદેવ ( આશરે ઇસવીસન ૮૮૫થી ઇસવીસન ૯૦૭-૯૦૮)નો સમાંત હતો. બલવર્માની જેમ પ્રતિહાર વંશના મહેન્દ્રપાલદેવનો ખંડિયો હોવાનું જાણવા મળે છે. અવનિવર્મા (બીજા)એ ક્યાંથી દાન આપ્યું તે તેનાં દાનપત્રમાં જણાવવામાં આવ્યું નથી. પરંતુ બલવર્માની જેમ તેણે આ દાનશાસન પ્રાય: નક્ષીસપુરથી ફરમાવ્યું છે. તેણે વિક્રમ સંવત ૯૫૬માં જયપુરની ઉત્તરે આવેલ અમ્બુલક ગામ જયપુરની કણ્વીરિકા નદીની પાસે આવેલા તરુણાદિત્ય મંદિરને દાનમાં આપ્યું. દાન્પત્રની વિગતો પરથી આ ચોરાશી સૌરાષ્ટ્ર મંડલમાં આવેલી હોવાનું જાણવા મળે છે. તેના દાનપત્રમાં પણ (બલવર્માની જેમ ) ધીઇકની સહી ચ્ચેજે મહેન્દ્રપાલે નીમેલો તેનો અંતપાલ હોવાનું અહીં સ્પષ્ટ જણાવ્યું છે.

➡ તેનાં ગુણ તામ્રપત્રમાં નીચે પ્રમાણે ગાવામાં આવ્યાં છે —-

➡ તેનાં નેત્રો કમળનાં પાંદડા જેવાં, ખભા નમેલા હતા, તે ઉદાર દિલવાળો હતો. જયારે તે હાથમાં શાસ્ત્ર લઇ યુદ્ધમાં ઉતરતો ત્યારે દરેક યુધ્ધમાં રણાંગણ તરત જ ખ્દ્ગથી કપાયેલા હાથીઓવાળું અને છેડેલા મસ્તકોવાળું થઇ જતું. આ રાજા સિવાય કલિકાળમાં રાજ્યશ્રીનું રક્ષણ કરવાં ત્રિલોકમાં બીજાં કોઈનું સામર્થ્ય નહોતું. આ રાજાએ વિભૂતિ, પ્રાણ અને લક્ષ્મીની ચંચળતા ને ક્ષણભંગુરતા જોઈ આ ભૂમિદાનની પ્રવૃત્તિ આદરી.

➡ આ ચૌલુકય કે ચાલુક્ય વંશનો ઇસવીસન ૯૦૦ પછીનો ઇતિહાસમાં ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી.

➡ ચાલુક્યવંશનાં જે બે દાનશાસનો મળ્યાં છે તેમાં તેઓના રાજ્યના એક વહીવટી વિભાગનો ઉલ્લેખ આવે છે. પરંતુ તે પરથી એ રાજ્યની રાજધાની વિષે કોઈ જ પ્રકારની માહિતી મળતી નથી. આ રાજ્યનો એ વહીવટી વિભાગ તે નક્ષીસપુર ચોર્યાસી છે. આ નક્ષીસપુરમાંથી બે દાનશાસન ફરમાવવામાં આવ્યાં છે જેમાના પ્રથમ દાનશાસનમાં જયપુર નામનું ગામ અને દ્વિતીયમાં અંવુલ્લક નામે ગામ દાનમાં ગામ દાનમાં અપાયેલું છે. એની ભૂગોળ વિષે પણ હજી બધાનાં મનમાં દ્વિધા જ છે પણ તોય આછોપાતળો ખ્યાલ જરૂરથી મળી રહે છે. આમ તો આ નક્ષીસપુર ક્યાં હતું અને અત્યારે તેનું હાલનું નામ શું છે તેની તો કોઈને ખબર નથી. રહી વાત જયપુરની તો જેપુર,જેપર કે જેનગર નામે ગામો ઘણી જગ્યાએ મળે છે.

➡ જુનાગઢ જિલ્લાનાં તલાળા તાલુકામાં જેપુર, જુનાગઢ જિલ્લાનાં ઉના તાલુકામાં જેનગર, મોરબી પાસે આવેલું જેપુરમ, વાંકાનેર તાલુકાનું જેપુર અને જેતપુર તાલુકાનું નામે ગામ આવેલાં છે. પરંતુ આ જેપુર કે જેનગરની આજુબાજુમાં આવેલાં કોઈ ગામ દાનશાસનમાં જયપુરની આસપાસ જણાવેલાં ગામો સાથે બંધબેસતાં નથી. આવું તો આ દાનશાસનમાં જણાવેલાં દરેક ગામો સાથે થયું છે પણ તેની વિગતો બિનજરૂરી હોવાથી અહી અપ્રસ્તુત છે.

➡ આટલું એટલાં માટે લખ્યું છે કે દાનશાસન અને ગ્રંથમાં ઉલ્લેખિત નામો અને સ્થળો વિષે કશું જ બંધબેસતું નથી. કથાઓ પણ વિરોધાભાસી અને અપ્રસ્તુત જ છે . ખબર નહીં કેમ પણ ગુજરાત જ આ પૌરાણિક કથાઓનો સહારો લે છે તે જ ! ભારતનો ભવ્ય ઈતિહાસ જો ધ્યાનથી તપાસશો તો એમાં આવી કથાઓ જવલ્લે જ જોવાં મળશે એમાં ઐતિહાસિક વિગતો વધુ જોવાં મળશે અને કથાઓ ઓછી. હા કેટલીક અપ્રસ્તુત વાર્તાઓ જરૂર ફેલાવવામાં આવી છે જે સરવાળે ઈતિહાસને હાનિકર્તા જ નીવડે છે. ગુજરાતના ઇતિહાસમાં આવું વધારે પડતું બન્યું છે અને કોણ જાણે ક્યાં સુધી બન્યાં કરશે તે જ ! પાટણનો ચૌલુક્ય કૂળનો સોલંકીયુગ અને ઉનાના ચૌલુક્ય વંશ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એ બન્ને જુદાં છે. પણ એનો અર્થ એ નથી કે ઊનાનો ચાલુક્ય વંશ નહોતો થયો . થયો તો પણ પુરતી વિગતોના અભાવે એ દટાઈ ગયો છે. બહાર લાવીએ પણ તોય એ જ સાચું છે એવું માનીને તો ન જ ચલાય ! કારણકે ઘણાં વિરોધાભાસ છે એમાં. ગણતરી એ ઈતિહાસ નથી એ વાત ઈતિહાસકારો અને સાહિત્યકારોએ સમજી લેવાની જરૂર ખરી. ગુજરાતના ઇતિહાસમાં આ જ એક રાજવંશ એવો છે જેનાં રાજાઓના નામ ક્રમબદ્ધ રીતે મળતાં નથી. તેમ છતાં નામ પ્રમાણે ગુણ હોવાથી ઊનાનો આ ચૌલુક્યવંશ પરાક્રમી જરૂર હતો પણ સાવલ એ છે કે જો એમણે યુધ્ધો કર્યા હોય તો જ્યાં રાજધાનીની જ ખબર નાં પડતી હોય ત્યાં આ યુધ્ધો થયાં હોય એ વાત કેવી રીતે સાચી માની લેવાય ! ઘણી બધી વિગતો, નામો અને સાલવારીનો અભાવ છે એટલે કશું જ સ્પષ્ટ થતું નથી !

➡ જે રીતે ઈતિહાસ આગળ વધે છે છે અને એનું નિરૂપણ થાય છે એ રીતે ઉનાના ચૌલુક્યવંશની બાબતમાં નથી બન્યું ઇતિ સિદ્ધમ ! હવે પછી કોક નવા વંશ વિષે જોઈશું. આમ તો ગુજરાતનો ઈતિહાસ મારે જે લખવો છે તે તો લખાઈ જ ચુક્યો છે. હવે આવી રીતે ઈતિહાસ લખવાની મારી કોઈ તૈયારી નથી જ ! એટલે એનાં પર પૂર્ણવિરામ તો લાવવું જ પડશે મારે ! જો કૈંક સારું લાગશે તો જ નવા વંશ વિષે લખીશ ! નહીંતો નહીં જ !

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.