Sun-Temple-Baanner

ગુર્જર પ્રતિહાર વંશ | ભાગ – ૩


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુર્જર પ્રતિહાર વંશ | ભાગ – ૩


⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬)
———- ભાગ – ૩ ———-

➡ ઈતિહાસ ક્યારેય યથાતથા રજૂ કરી શકાતો નથી કે નથી એને મોણ ભભરાવીને કહેવાતો. ઈતિહાસ એટલે માનવજાતની વાત અને એનો વિકાસ ! બસ આટલી જ વાત આપણે યાદ રાખવી જોઈએ. ઈતિહાસ તો ઘણી બધી બાબતોનો હોય છે ધર્મ, જાતિ, સ્થળ, ઈમારત , મંદિર કે રાજવંશ.પર ઈતિહાસ લખતાં હોઈએ ત્યારે એક જ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તેની ઉત્પત્તિથી માંડીને તેનો અંત અને એ માટે એનાં સબળ કારણો આપવાં જોઈએ. ઇતિહાસમાં રજૂઆત એટલે કે ભાષાશૈલીનું ઘણું વધારે મહત્વ છે. બાકી માહિતી તો પહેલેથી તે આત્યના શોશિયલ મીડિયામાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે જરૂરત છે એનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની નહીંતર આટલાં બધાં વર્ષો સુધી આપણે ગુજરાતના ભવ્ય ઈતિહાસથી અજાણ ના જ રહ્યા હોત ને !

➡ ગુજરાતના પોતાનાં પણ ઘણાં રાજવંશો છે બિલકુલ રાજસ્થાનની જેમ જ પણ એક ખામી છે રાજસ્થાન અને ગુજરાતમાં તે એ કે ગુજરાતનો ઈતિહાસ હજી પણ ભૂગર્ભમાં દટાયેલો છે જયારે રાજસ્થાનનો નહીં જ ! ગુજરાતનો પોતીકો ઈતિહાસ સમૃદ્ધ જ છે અને રહેશે ! જરૂરત છે એને બહાર લાવવાની ! ગુજરાત પર બાહરના રાજાઓ કે જેઓ ભારતીય પણ નહોતાં તેમણે પણ રાજ કર્યું છે અને ભારતના રાજવંશોનો હિસ્સો પણ ગુજરાત રહી ચુક્યું છે. ગુજરાતને પોતાનો રાજા મળ્યો મૈત્રકકાલમાં અને પછી મિત્રકકાલ પછી ગુજરાતના પરગણા છૂટાં થઈ સ્વતંત્ર થવાં માંડયા આમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો નંબર આગળ આવે. મધ્ય ગુજરાતે આજ સમય દરમિયાન સમગ્ર ગુજરાત પર રાજ કરી શકે એવો રાજવંશ આપ્યો -ચાવડા વંશ ! તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં ગુર્જર પ્રતિહારો એ પોતાની સત્તાની ધાક જમાવી હતી જો કે એની રાજધાની તો ભિન્નમાલ (શ્રીમાલ) હતી. આ રાજવંશ મૂળ કઈ જાતિનો હતો એ આપણે આગળ જોયું હવે એ રાજવંશ કઈ રીતે બન્યો અને એમાં કેટલાં રાજાઓ થયાં એની વાત !

➡ “ગુર્જર પ્રતિહાર વંશ ” ગુર્જરાત્ર પ્રદેશમાં નિવાસ કરવાનાં કારણે તેઓ ગુર્જરો કહેવાયા અને એમણે ઇસવીસનની સાતમીથી અગિયારમી શતાબ્દી સુધી વિદેશી આક્રમણો અને ભારતના બે સુખ્યાત રાજવંશો દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ વંશના શાસકો અને પૂર્વના એટલે કે બંગાળના પાલવંશના શાસકો સાથે કન્નૌજના અધિપત્યને લઈને યુદ્ધ થયાં કરતાં હતાં, તેઓએ ભારતની સીમાઓનું વિદેશી આક્રમણકારોથી રક્ષા કરી એટલે તેઓ પ્રતિહાર કહેવાયાં

➡ ગુર્જરો વિષે સર્વપ્રથમ જાણકારી આપણને દક્ષિણા મહાન રાજવી પુલકેશીંન્ બીજાના ઐહોલના અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે. જેમાં સર્વપ્રથમ “ગુર્જર” શબ્દનો ઉલ્લેખ થયેલો જોવાં મળે છે આપણને તો ગ્વાલિયર કે જે ગુર્જરોના અધિપત્યમાં જ હતું ત્યાંના શિલાલેખમાંથી આપણને ગુર્જર રાજાઓની એક લાંબીલચક વંશાવલી પ્રાપ્ત થઇ છે.

➡ સૌ પ્રથમ તો એ વંશાવલી પ્રમાણે રાજાઓના નામ અને સાલવારી જોઈ લઈએ.

✔ ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ :-

(૧) નાગભટ્ટ પ્રથમ – ઇસવીસન ૭૩૦ – ૭૫૬
(૨) કક્કુસ્થ અને દેવરાજ – ઇસવીસન ૭૫૬ – ૭૭૫
(૩) વત્સરાજ – ઇસવીસન ૭૭૫ – ૮૦૦
(૪) નાગભટ્ટ દ્વિતીય – ઇસવીસન ૮૦૦ – ૮૩૩
(૫) રામભદ્ર – ઇસવીસન ૮૩૩ – ૮૩૬
(૬) મિહિર ભોજ [ભોજ પ્રથમ] – ઇસવીસન ૮૩૬ – ૮૮૫
(૭) મહેન્દ્રપાલ પ્રથમ – ઇસવીસન ૮૮૫ – ૯૧૦
(૮) ભોજ દ્વિતીય – ઇસવીસન ૯૧૦ – ૯૧૩
(૯) મહિપાલ – ઇસવીસન ૯૧૩ – ૯૪૩
(૧૦) મહેન્દ્રપાલ દ્વિતીય – ઇસવીસન ૯૪૩ – ૯૪૮
(૧૧) દેવ્પાલ – ઇસવીસન ૯૪૮ – ૯૫૪
(૧૨) વિનાયકપાલ – ઇસવીસન ૯૫૪ – ૯૫૫
(૧૩) મહીપાલ દ્વિતીય – ઇસવીસન ૯૫૫ – ૯૫૬
(૧૪) વિજયપાલ – ઇસવીસન ૯૫૯ – ૯૮૪
(૧૫) રાજપાલ – ઇસવીસન ૯૮૪ – ૧૦૧૯
(૧૬) ત્રિલોચનપાલ – ઇસવીસન ૧૦૧૯ – ૧૦૨૪
(૧૭) યશપાલ – ઇસવીસન ૧૦૨૪ – ૧૦૩૬

➡ ઇસવીસન ૭૩૦ થી ઇસવીસન ૧૦૩૬ ૩૦૬ વર્ષ સુધીનો સુદીર્ઘ શાસનકાલ ગણાય એમાં બેમત નથી જ. એટલા વર્ષોમાં એમને ઘણો સંઘર્ષ વેઠવો પડયો હોય એ સમજી શકાય એવી જ બાબત છે. રાજગાદી એમનેમ નથી પ્રાપ્ત થતી અને એમાં શાંતિથી આરામથી કોઈપણ રાજા રાજ્ય કરી શકતો જ નથી ! રાજા થાય એટલે યુધ્ધો તો કરવાં જ પડે છે પોતાની પ્રજાના રક્ષણ માટે ! અહી આપેલી સાલવારી સાચી જ છે એવો હું કોઈ દાવો પેશ કરતો જ નથી ! કારણકે આ સાલવારી દરેક જગ્યાએ ખોટી જ અપાઈ છે. લાગે છે કે મૂળમાં જ કોક ક્ષતિ રહી ગઈ છે. અથવા બરાબર ના વંચાયું હોય કે ન ઉકેલાયું હોય એવું પણ બને કદાચ ! અહીં પણ રાજા મહીપાલ દ્વિતીય પછી રાજા વિજયપાલ ગાદીએ બેસે છે તેમાં રાજા મહીપાલ દ્વિતીયનો અંત આવે છે ઇસવીસન ૯૫૬માં અને રાજા વિજયપાલ ગાદીએ બેસે છે ઇસવીસન ૯૫૯માં. તો આ ઇસવીસન ૯૫૬થી ૯૫૯ સુધી કયો રાજા રાજ કરી ગયો એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ ત્રણ વર્ષમાં કોઈએ ગાદી સંભાળી જ નહોતી કે શું ?

➡ આવા બધાં પ્રશ્નો ઉભા ના કરે તો એને ઈતિહાસ જ ના કહેવાય . ઘણેબધે ઠેકાણે ઘણા વર્ષો ખૂટે છે ! ક્યાં સાચાં અને ક્યાં ખોટાં એ ખબર જ નથી પડતી. વિકિપીડિયા પર પણ આધાર રાખવો ભૂલભરેલો જ છે. વિકિપીડિયા અંગ્રેજીમાં પહેલેથી જ ૩-૪ વર્ષ ઉમેરી દેવામાં આવ્યાં છે એટલે એ ભૂલ છતી થતી નથી પણ બાકી બધે આ જ સાલવારી અપાઈ છે જે છે તો ભૂલભરેલી જ !

✔ ગુર્જર પ્રતિહાર વંશ :-

➡ જોધપુરથી બાહુકનો એક શિલાલેખ વિક્રમ સંવત ૮૯૪નો અને ઘટિયાલા (જીલ્લો જોધપુર)થી બે લેખ મળ્યા છે જે વિક્રમ સંવત ૯૧૮ના છે. આ અભિલેખો પરથી દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહાર નામે એક રાજવંશ થયો હોવાનું જાણવા મળે છે. આ અભિલેખો પ્રમાણે આ વંશની ઉત્પત્તિ ભગવાન રામચંદ્ર્જીના ભાઈ લક્ષ્મણ સાથે સાંકળવામાં આવે છે ને લક્ષ્મણ રામના પ્રતીહારનો અધિકાર બજાવતો હતો એ પરથી આ વંશનું નામ “પ્રતિહાર” પડયાની એક પૌરાણિક કથા પ્રચલિત થઇ છે જેને લીધે જ આ માન્યતાએ જન્મ લીધો છે.

➡ આ વંશના બાઉકના વિક્રમ સંવત ૮૯૪નાં અભિલેખમાં આ વંશની લાંબામાં લાંબી વંશાવલી આપવામાં આવી છે. ને તેમાં જણાવ્યા પ્રમાણે આ વંશનો પ્રથમ પુરુષ હરિશ્ચન્દ્ર નામે બ્રાહ્મણ રાજા હતો.

➡ રાજા હરિશ્ચન્દ્ર ગુર્જર પ્રતિહાર વંશના આદિપુરુષ કહેવાય છે. જેમણે સૌ પ્રથમ મંડોરને જીતીને ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની બનાવી પણ એમનાં પછીના કમજોર શાસકો વિષે આપણને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થતી તેમની કૂળદેવી ચામુંડા માતા છે. રાજા હરિશ્ચન્દ્રવિષે સૌ પ્રથમ લિખિત સાક્ષ્ય બાણભટ્ટ રચિત “હર્ષચરિત્ર “આપણને એમના વિષે જાણકારી પ્રાપ્ત થાય છે

➡ રાજા હરિશ્ચન્દ્રને બે પત્નીઓ હોવાનાં કારણે એ વંશ બે શાખાઓમાં વિભક્ત થઇ ગયો
બ્રાહ્મણ પત્ની :- ઉજૈન શખા
ક્ષત્રિય પત્ની (ક્ષત્રાણી) :- મંડોર શાખા

➡ અંતત: શાસક નાગભટ પ્રથમ ના સમયમાં ગુજરાત સુધી સામ્રાજ્ય વિસ્તારવાના કારણે બંને શાખાઓને સંમિલિત કરી દેવામાં આવી.અને રાજધાની ભીન્નમાલ (જાલૌર કરી દેવામાં આવી. રાજા હરિશ્ચન્દ્રને ચાર પુત્રો હતાં – ભોગભટ, કક્ક, રજ્જિલ અને દદ્ધ. તેઓએ માંડવ્યપુર જીતીને ત્યાં ઉંચો કિલ્લો બંધાવ્યો. એ ચાર પુત્રોમાંથી માત્ર રાજ્જિલનો જ વંશ આગળ ચાલ્યો. તેનો પુત્ર નરભટ, નરભટનો પુત્ર નાગભટ. નાગભટે મેડંતપુર (મેડતા), જીલ્લો જોધપુર)માં પોતાની રાજધાની સ્થિર કરી. આ નાગભટને બે પુત્રો તાત અને ભોજ હતા. તાતે પોતાનું રાજ્ય તેના નાના ભાઈ ભોજને સોંપી પોતે માંડવ્યના આશ્રમમાં રહેવા લાગ્યો. તાતનો પુત્ર યશોવર્ધન, તેનો પુત્ર ચંદુક, ચંદુકનો પુત્ર શિલુક, શિલુકનો પુત્ર ઝોટ, ઝોટનો પુત્ર ભિલ્લાદિત્ય. ભિલ્લાદિત્યના પૌત્રોના જ્ઞાત સમય પરથી ભિલ્લાદિત્યનો સમય લગભગ ઇસવીસન ૭૮૦-૮૦૦નોઅંદાજાય છે ભિલ્લાદિત્યનો પુત્ર કક્ક આ રાજાએ ગૌડ લોકો સાથે મુદગગિરિ (મોંઘીર)માં યુદ્ધમાં લાધી યશ પ્રાપ્ત કર્યો. એણે આ પરાક્રમ મુખ્ય પ્રતિહાર વંશના સમ્રાટ નાગભટ બીજાના સમાંત તરીકે કર્યું લાગે છે.

➡ બાઉકના સમયમાં આ પ્રતિહાર રાજ્ય પર કોઈ શત્રુ રાજાઓનું આક્રમણ થયું તેમાં આખરે બાઉક વિજયી નીવડયો. તેનું આ યશસ્વી પરાક્રમ ઇસવીસન ૮૩૭ના પ્રશસ્તિ લેખમાં નિરૂપાયું છે.કક્કનો બીજો પુત્ર કક્કુક પણ ઘણો પરાક્રમી હતો. એની ખ્યાતિ વ્રવણી, વલ્લ વગેરે પ્રદેશોમાં પ્રસરી, તેમાં ગુર્જરતા અને લાટ દેશનો પણ સમાવેશ થતો હતો. તેની આ યશોગાથા ઘટિયાલાના ઇસવીસન ૮૬૧ ના સ્તંભલેખ પર કોતરાઈ છે.

➡ રોહિન્યકૂપ ગામ નિર્જન થઇ ગયેલું. તેમાં કક્કે વસ્તી વસાવી કક્કુકે આ સ્તંભ ઉભો કરાવ્યો. તે એક આદર્શ નાગરિક હતો.. ઘટિયાલાના પ્રાકૃત લેખમાં કક્કુકના પ્રજાવાત્સલ્ય આદિ ગુણોની પ્રશસ્તિ કરવામાં આવી છે. તેમાં તેણે મરુ ગુર્જરતાં આદિ દેશોમાં જનાનુરાગ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ નોંધપાત્ર છે. તેણે રોહિન્યકૂપ ગામમાં એક સ્તંભ બનાવ્યો અને જિનાલય બનાવ્યું.

➡ એનાં પરાક્રમ મુખ્ય પ્રતિહાર વંશના સમ્રાટ ભોજદેવના સામંત તરીકે થયેલાં જણાય છે.

➡ કક્કુકના ઇસવીસન ૮૬૧ના અભિલેખો પછી આ વંશને લાગતાં કોઈ ઉલ્લેખ મળ્યાના હોઈ એ પછી થોડા વખતમાં આ વંશનો અંત આવ્યો હોય ને એની સત્તા મુખ્ય પ્રતિહાર રાજ્યમાં વિલીન થઇ હોય તેવું માલૂમ પડે છે.

આ પ્રતિહારવંશ ઉપરાંત બીજા એક પ્રતિહાર વંશ વિષે જાણવા મળે છે. મહાન ભોજની ગ્વાલિયર પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે રાજા ભોજ પણ પ્રતિહારવંશનો હતો. આ પ્રતિહાર વંશની ઉત્પત્તિ વિષે પણ રામના ભાઈ લક્ષ્મણ કે જે તેમના પ્રતિહાર અધિકાર ધરાવતો હતો તેનામાંથી ઉતરી આવ્યાનું જણાવ્યું છે.

➡ આ પ્રતિહારવંશમાં સર્વ પ્રથમ રાજા નાગભટ પહેલો જણાવવામાં આવ્યો છે. આ પરથી રાજા હરિશચંદ્રનો પ્રતિહાર વંશ અને નાગભટનો પ્રતિહાર વંશ એમ એ વંશની બે શાખા હોવાનું નક્કી થાય છે. તે બંનેની ઉત્પત્તો વિષે એક જ સરખી માહિતી મળે છે. તે ઉપરાંત બંને પ્રતિહાર વંશોમાં “નાગભટ’, “કક્કુક” અને ભોજ નામ સરખાં આવે છે અને આ બન્ને પ્રતિહારવંશોનો ઉત્પત્તિ પ્રદેશ પણ એક જ છે. આથી આ બન્ને પ્રતિહાર વંશોનો કયો સંબંધ હોઈ શકે તે જાણવું ખુબ જ જરૂરી છે. આ બન્ને પ્રતિહારવંશોમાંનો હરિશ્ચન્દ્રનો વંશ દક્ષિણ રાજસ્થાનમાં લગભગ ઇસવીસન ૬૦૦ની આસપાસ રાજ્ય કરતો હોવાનું અગાઉ જણાવવામાં આવ્યું છે. તેથી નાગભટ પહેલાનો પ્રતિહારવંશ ક્યાં અને ક્યારે રાજ્ય કરતો હતો તેમ જ તેને હરિશ્ચન્દ્રના પ્રતિહાર વંશ સાથે શો સંબંધ હતો તે જાણવું જરૂરી છે.

➡ હરિશ્ચન્દ્ર અને નાગભટ પહેલાના વંશને શો સંબંધ હશે તે જાણવા કેટલાક ઉલ્લેખો પર આધાર રાખવો પડે છે.

✔ રાજા નાગભટ પહેલો :-

➡ રાજા ભોજની ગ્વાલિયર પ્રશસ્તિમાં અવંતિના આ પ્રતિહાર વંશની લાંબી વંશાવલી આપવામાં આવી છે. તેમાં રામના પ્રતિહાર લક્ષ્મણના કૂલમાં સર્વ પ્રથમ નાગભટ નામે રાજા ઉત્પન્ન થયો હોવાનું જણાવ્યું છે. તેના પિતા કે પિતામહ વિષે કંઈ પણ જાણવા મળતું નથી. આ નાગભટના વંશજ રાજાધિરાજ પરમેશ્વર વત્સરાજના જ્ઞાત સમય પરથી નાગભટ પહેલાનો સમય લગભગ ઇસવીસન ૭૩૫થી ૭૫૬નો મૂકી શકાય.

➡ ગ્વાલિયર પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે નાગભટે મલેચ્છોને હરાવ્યા. આ મલેચ્છો તે સ્પષ્ટત: સિંધના આરબો તેમાય ખાસ કરીને જુનૈદ જ છે. આ જુનૈદને હરાવીને પાછો ધકેલવાનો શ્રેય નાગભટને જ જાય છે. આ એનું અકલ્પનીય પરાક્રમ હતું. એનાં અ યશસ્વી પરાક્રમને લઈને પ્રશસ્તિમાં તેને ત્રૈલોક્યની રક્ષા કરનાર પુરાતનમુનિની મૂર્તિ તરીકે ઓળખાવ્યો છે.

➡ મહાન મેવાડ સમ્રાટ બપ્પા રાવલે ગુર્જર સમ્રાટ નાગભટ્ટસાથે મળીને આરબોણે દેશની સીમાઓની બહાર ખદેડી મુક્યા હતાં આ વંશ મેદપાટ (મેવાડ) પર શાસન કરી રહ્યો હતો.ગુર્જર પ્રતિહારોએ આરબો સાથે ઘણો કર્યો અને અંતે એમને ભારતમાં ઘુસતાં રોક્યા હતાં . નાગભટે આરબ શાસકોને રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવાં સીમાવર્તી પ્રાંતો પર અધિકાર પ્રાપ્ત કરતાં રોક્યા હતાં.

➡ આ અરસામાં (લગભગ ઇસવીસન ૭૫૦)માં દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ સત્તાનો અભ્યુદય થયો. ત્યાના રાજા દંતિદુર્ગે ઉત્તરમાં છેક ઉજ્જયિની સુધી વિજયકુચ આદરી હતી. ગુર્જર (પ્રતિહાર) વગેરેને પોતાના પ્રતિહાર બનાવી પોતે ત્યાં ગુર્જર (પ્રતિહાર) રાજાના પ્રાસાદમાં રહ્યો ત્યાં તેણે હિરણ્યગર્ભાદિ મહાદાન દીધાં. આમ પ્રતાપી રાજા નાગભટની સત્તાનો હ્રાસ થયો. પરંતુ એણે થોડા વખતમાં જ પોઆતની સત્તાની પુન:સ્થાપના પણ કરી અને પોતે પાછો પહેલાની જેમ રાજ કરવા લાગ્યો હતો અને એ પોતે રાજપુતાનાનો પણ રાજા બની ગયો.

➡ ચાહમાન વંશના ભર્તુવડનાં હાંસોટના તામ્રપત્રો (ઇસવીસન ૭૫૬) પરથી નાગાવલોક રાજા વિષે જાણવા મળે છે. આ નાગાવલોક રાજા તે નાગભટ બીજો (આમ) હોવાનું કેટલાંકનું માનવું છે. પરંતુ આ લેખના સમયના આધારે નાગભટ બીજો અહીં બંધ બેસે તેમ ન હોવાથી તે નાગાવલોક તે નાગભટ પહેલો હોવાનું નક્કી થાય છે.

➡ ચાહમાનના આ તામ્રપત્રોમાં જણાવ્યા પ્રમાણે તે વંશના રાજાઓ આ નાગાવલોકના તાબા નીચે હતા આ પરથી તે ચાહમનવંશ પર આ નાગભટ પહેલો આધિપત્ય ધરાવતો હોવાનું માલૂમ પડે છે અને તેણે ગુજરાતના સમૃદ્ધ નગર ભરૂચ સુધી પોતાની સત્તાનો પ્રસરાવ કર્યો હતો.

➡ દક્ષિણ રાજસ્થાનમાં આ સમયે હરિશ્ચન્દ્રના વંશનો ભિલ્લાદિત્ય રાજ્ય કરતો લાગે છે.

➡ હાંસોટઅભિલેખ અનુસાર સમકાલીન અરબ શાસક જુનૈદના નિયંત્રણમાંથી ભડ્રોચ છીનવી લઈને નાગભટ્ટ પ્રથમે ચાહમાન ભતૃવડઢને એનો શાસક નિયુક્ત કર્યો.

✔ કક્કુક અને દેવરાજ :-

➡ નાગભટ પહેલા પછી તેમના ભત્રીજા કક્કુકનાં હાથમાં ગાદી આવી હોવાનું માલૂમ પડે છે. નાગભટનો પોતાનો વંશ આગળ વધ્યો-ચાલ્યો કે કેમ તે જાણવા મળતું નથી, તેના ભાઈનું નામ પણ પ્રશસ્તિમાં આપવામાં આવ્યું નથી. કક્કુકને પણ કોઈ પુત્ર નહી હોવાનું જાણવા મળે છે. તેના પછી તેનો નાનો ભાઈ દેવરાજ ગાદીએ બેઠો. એને પ્રતિહાર મહારાજા ભોજ પહેલાના ઇસવીસન ૮૩૬ના બારહ લેખમાં “દેવશક્તિ” કહેવામાં આવ્યો છે. આ બને ભાઈઓનો સમય લગભગ ઇસવીસન ૭૬૦થી ૭૮૦નો અંદાજવામાં આવ્યો છે.

✔ રાજા વત્સરાજ :-

➡ દેવરાજ પછી ત્રનો પુત્ર વત્સરાજ ગાદીએ આવ્યો. જાબાલિપુર (જાલૌર)માં ઇસવીસન ૭૭૮-૭૭૯}માં “કુવલયમાલા” રચાઈ ત્યારે ત્યાં રાજા વત્સરાજનું રાજ્ય ચાલતું હતું. એ વત્સરાજ અવંતિરાજ તરીકે રાજ્ય કરતો હતો એવો “હરિવંશપુરાણ”માં (ઇસવીસન ૭૬૩-૭૮૪}નો ઉલ્લેખ આવે છે.

➡ વત્સરાજ અત્યંત મહત્વાકાંક્ષી હતો. તેણે કનોજનાં રાજા ઈન્દ્રાયુધ પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને ગૌડરાજ અર્થાત બંગાળના પાલ રાજા ધર્મપાલને હરાવી તેનું છત્ર ઝુંટવી લીધું. પરંતુ ગૌડરાજે આગળ જતાં કનોજ પર ચઢાઈ કરી ત્યાં ઈન્દ્રાયુધની જગ્યાએ ચક્રાયુધને નીમ્યો. દરમ્યાન દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ્રાજે ઉત્તર ભારત પર ચઢાઈ કરી એ બે મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધામાં ભાગ પડાવ્યો.

➡ આમ તો ગુર્જર પ્રતિહાર વંશનો આ ચોથો રાજા હતો. એ એક અત્યંત શક્તિશાળી રાજા હતો અને એટલાં જ માટે એમને પ્રતિહાર સામ્રાજ્યનાં વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. એમણે બંગાળના પાલ શાસક ધર્મપાલણે પરાજિત કરી પરંતુ તેઓ રાષ્ટ્રકૂટ શાસક ધ્રુવ દ્વારા પરાજિત થયાં એમને કન્નૌજ પર અધિકાર પ્રાપ્ત કરવાનાં હેતુસર સમકાલીન પાલ (બંગાળ)અને રાષ્ટ્રકૂટો (દક્ષિણ ભારત )સાથે ૧૫૦ વરસ સુધી ચાલવાંવાળા ત્રિપક્ષીય સંઘર્ષનો શુભારંભ કરવાનો શ્રેય પ્રાપ્ત છે !

➡ આ રાજાનો શાસનકાળ કલા, સંસ્કૃતિ અને સાહિત્યના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એમનાં જ શાસનકાલ દરમિયાન ઉદ્યોતન સૂરિએ કુવલયમાલાની રચના પાટનગરી ભિન્નમાલમાં કરી હતી. તથા આચાર્ય જિનદત્ત સૂરિએ “હરિવંશપુરાણ”ની રચના કરી હતી. વત્સરાજે ઓસિયામાં એક ભગવાન મહાવીરના મંદિરનું નિર્માણ કરાવ્યું જે પશ્ચિમી રાજસ્થાનનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આભાનેરી (દૌસા) અને રાજગઢ (અલવર)ના પ્રાપ્ત મંદિરોના બધાં અવશેષો આ જ રાજાના સમયનાં છે. આ રાજાએ માંડી જાતિણે પરાસ્ત કરી હતીએ વાતની પુષ્ટિ ઓસિયાંઅભિલેખ અને દૌલતપુર અભિલેખમાંથી થાય છે. આ અભિલેખો અનુસાર આ રાજાએ મધ્ય રાજસ્થાન પર રાજ્ય કર્યું હતું. રાજા વત્સરાજ એ દેવરાજ અને ભૂમિકાદેવીનો પુત્ર હતો. વત્સ્રાજના મૃત્યુ પછી એમનો પુત્ર નાગભટ દ્વિતીય ગુર્જર પ્રતિહાર વંશનો રાજા બન્યો હતો.

✔ ત્રિપક્ષીય સંઘર્ષના પરિણામ :-

➡ કન્નૌજ પર (ઇસવીસન ૭૨૫- ઇસવીસન ૭૫૨) યશોવર્ધન નામના શાસકનું મૃત્યુ થઇ ગયાં પછી ત્રણ મહાશક્તિઓમાં સંઘર્ષનો પ્રારંભ શરુ થયો જેને ત્રિપક્ષીય સંઘર્ષ કહેવામાં આવે છે. આ ત્રણ મહાશક્તિઓ [૧] ઉત્તર ભારતમાં ગુર્જર પ્રતિહાર, [૨] પૂર્વમાં (બંગાળમાં) પાલ [૩] દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ. ત્રિપક્ષીય સંઘર્ષ સમયે કન્નૌજ પર શક્તિહીન આયુધવંશ (ઈન્દ્રાયુધ, ચક્રાયુધનાં શાસકોનું શાસન હતું. ત્રિપક્ષીય સંઘર્ષની શરૂઆત ઇસવીસનની આઠમી શતાબ્દીમાં થઇ. ત્રિપક્ષીય સંઘર્ષનો પ્રારંભ પ્રતિહારવંશે કર્યો અને અંત પણ પ્રતિહાર વંશે જ કર્યો ! Tripartite conflict (ત્રિપક્ષીય સંઘર્ષ)નું પ્રથમ ચરણ ગુર્જર પ્રતિહાર વત્સરાજ, બંગાળના પાલ શાસક ધર્મપાલ અને દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ શાસક ધ્રુવ વચ્ચે થયો. વત્સરાજે કન્નૌજ પર શાસિત ઈન્દ્રાયુધને હરાવ્યો અને એમને પાલ શાસક ધર્મપાલને મુંગેર (મુદગગિરિ)નાં યુધ્ધમાં પરાજિત કર્યો. કિન્તુ રાષ્ટ્રકૂટ શાસક ધ્રુવ દ્વારા પરાજિત થયો. વત્સરાજને રણહસ્તિન ( યુદ્ધનો હાથી)નામની ઉપાધિ પ્રાપ્ત થઇ હતી. વત્સરાજ શૈવ મતના ચુસ્ત અનુયાયી હતાં. વત્સરાજે ઓસિયાં (જોધપુર)માં એક મહાવીર સ્વામીનું મંદિર બનાવ્યું તથા એક સરોવર પણ બંધાવ્યું. રાજસ્થાનમાં પ્રતીહારોનું પ્રમુખ કેન્દ્ર ઓસિયાં (જોધપુર) જ હતું. વત્સરાજના શાસનકાળમાં બલિપ્રબંધ નામનો કાવ્યગ્રંથ પણ લખાયો હતો. જેમાં સતી પ્રથા, નિયોગ પ્રથા એવં સ્વયંવર પ્રથાની પણ જાણકારી પ્રાપ્ત થાય છે ખ્યાલ રહે કે આ માહિતી આપણને ઇસવીસનની આઠમી સદીમાં જ પ્રાપ્ત થઇ હતી જ્યારે મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં જ નહોતો આવ્યો !

✔ રાજા નાગભટ બીજો :-

➡ વત્સરાજ પછી તેનો પુત્ર નાગભટ બીજો રાજગાદીએ આવ્યો. તેનો સૂચિત સમય ઇસવીસન ૭૯૨થી ૮૩૪નો આંકવામાં આવે છે. આ રાજા ઘણો જ પરાક્રમી હતો. તેમને સિંધ, સિંધુ નદી, આંધ્ર, વિદર્ભ અને કલિંગના રાજાઓને વશ કર્યા. એમણે ગોપગિરિ (ગ્વાલિયર)ના દુર્ગને પોતાનું થાણું બનાવ્યું. હવે એમને કનોજ પર ચઢાઈ કરી અને ત્યાંના રાજા ચક્રાયુધને હરાવ્યો અને તેનું રાજ્ય જીતી લીધું. કન્નૌજ એ હર્શ્કાલીન ઉત્તર ભારતનું પાટનગર હતું. આથી હવે નાગભટે કાન્યકુબ્જ નરેશ બની ભારે અભ્યુદય સાધ્યો. એમનાં આ પરાક્રમમાં હરિશ્ચન્દ્રકુલના પ્રતિહાર રાજા કક્કે તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજા બાઉકધવલે મદદ કરી લાગે છે.

➡ નાગભટ બીજાં નાં આ પરાક્રમે ગૌડરાજ ધર્મપાલની કીર્તિને ઝાંખી પાડી. પરંતુ થોડા સમયમાં રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ ત્રીજાએ ઉત્તર ભારતમાં વિજયકુચ કરી નાગભટની મહત્વાકાંક્ષા શિથીલ કરી. પણ ગોવિંદરાજને દક્ષિણમાં પાછાં ફરવું પડયું ઇસવીસન ૮૦૮માં ! આ ગોવિંદરાજે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પોતાના નાના ભાઈ ઇન્દ્રને સોંપ્યો.

➡ ગોવિંદરાજ અને ધર્મપાલનું મૃત્યુ થતાં નાગભટે પોતાનો અભ્યુદય પુન: પ્રાપ્ત કર્યો. એમણે પોતાની રાજધાની કનોજમાં ખસેડી. કનોજરાજે હવે આનર્ત અને માલવ પર પોતાની સત્તા સ્થાપી. કિરાત, વત્સ અને મત્સ્ય દેશ પણ જીતી લીધાં.

➡ “પ્રભાવકચરિત”માં આ નાગભટને “નાગાવલોક” કહ્યો છે ણે એનું બીજું નામ “આમ” હોવાનું જણાવ્યું છે. મોધોરેના જૈન સૂરિ બપ્પભટ્ટી તરફ તેમને ઘણો આદર હતો. “પ્રબંધચિંતામણિ”માં તથા “રત્નમાલામાં “આમ”ણે બદલે “ભૂચરાજ – ભૂવડ”નો ગોટાળો થયો લાગે છે. “રત્નમાલા”માં જણાવેલ ભૂચડ એ આ નાગભટ હોવા સંભવે છે. આ વાતની ચર્ચા મેં આગળ કરી જ દીધી છે એની ચર્ચા અહીં કરવી અસ્થાને છે !

➡ આમાં સમગ્ર રીતે જોતાં નાગભટ બીજો તે કનોજનો રાજા હતો. તેમને ગુજરાત પર ચઢાઈ કરી પંચાસર જીત્યું અને જયશિખરીને માર્યો અને ગુજરાત દેશનો કર ઉઘરાવવા ત્યાં એક પોતાનો કારભારી નીમ્યો.આ બધાનો સાર એ નીકળે છે કે બાપભટ્ટીનો સમય વિક્રમ સંવત ૮૦૦ -૮૯૫ અને આમ (નાગભટ)નો મૃત્યુ સમય વિક્રમ સંવત ૮૯૦નો છે. આ નાગભટ ને દુંદુક નામે પુત્ર અને ભોજ નામે પુત્ર હોવાનું “પ્રબંધચિંતામણિ”માં જણાવવામાં આવ્યું છે.

➡ ગુર્જર પ્રતિહાર વંશના બાકીના શાસકો વિષે વાત હવે પછીનાં ભાગમાં કરવામાં આવશે !

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.