Sun-Temple-Baanner

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨


⚔ ચાવડાયુગ શૌર્યગાથા   ⚔
ஜ۩۞۩ஜ રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ஜ۩۞۩ஜ
-------- ભાગ - ૨ --------

➡ મૈત્રકકાલનાં પતન પછી ગુજરાતમાં કોઈ પણ જાતની અફડાતફડી નહોતી ફેલાઈ રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે. એનું એક કારણ એ પણ છે કે બે રાજવશો એવાં હતાં કે જેમણે ગુજરાતને ઘણું સુવ્યવસ્થિત બનાવ્યું હતું અને સાહિત્ય તથા કલાના વિકાસમાં સિંહફાળો પણ આપ્યો હતો આ બે રાજવંશો ગુજરાતનાં પોતીકા તો ન્હોતાં પણ તેમને ગુજરાત પર શાસન કરીને ગુજરાતને સમૃદ્ધ જરૂર બનાવ્યું હતું. આ બે રાજવંશો એટલે ગુર્જર પ્રતિહાર રાજવંશ અને રાષ્ટ્રકૂટ રાજવંશ ! જોવાની ખૂબી એ છે કે રાષ્ટ્ર્કૂટ વંશ દક્ષિણ ભારતનો રાજવંશ હતો એટલે તેમની સત્તા પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સુધી જ વિસ્તરેલી હતી તો ગુર્જર પ્રતિહાર વંશ એ ઉત્તર ભારતનો રાજવંશ હતો એટલે એની સત્તા પણ ઉત્તર ગુજરાત સુધી જ સીમિત હતી . આનુ સીધું ગણિત એ છે કે ઉત્તર ભારતથી ઉત્તર ગુજરાતમાં આવવાં માટે ઉત્તર ગુજરાતમાં થઈને જ અવાય એટલે એમને પોતાનાં ડેરાતંબુ ઉત્તર ગુજરાતમાં જ તાણ્યા હતાં જયારે દક્ષિણ ભારતમાંથી ગુજરાતમાં દાખલ થવું હોય તો દક્ષિણ ગુજરાતમાં થઈને જ અવાય એટલે એમની સત્તા દક્ષિણ ગુજરાત સુધી જ સીમિત રહી હતી. અલબત્ત તેમની રાજધાની ગુજરાતમાં તો નહોતી જ. ગુર્જર પ્રતિહારોની રાજધાની ભિન્નમાલ હતી તો રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ (નાસિક)માં હતી. મૈત્રક વંશની સમાપ્તિ તો ઇસવીસન ૭૭૫માં આવી હતી પણ તે પહેલેથી જ ગુજરાતમાં કેટલાંક રાજ્યો અસ્તિત્વમાં હતાં જ ! જયારે કેટલાંક મૈત્રકકાલ ની સમાપ્તિ પછી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં . એટલે એક અનુમાન એવું કરી જ શકાય તેમ છે કે અનુ મૈત્રકકાલ એ મૈત્રકકાલ પછીનો જ કાલ છે. જેમાં ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટ વંશો આવી જ જાય છે. આ બંને રાજવંશો પર તો આપણે વિગતે જાણવાંનાં જ છીએ એટલે એ બે રાજવંશોની વાત આપણે અત્યારે અહીં કરતાં નથી પણ ચાવડાવંશની સ્થાપના પહેલાં પહેલાં પણ કેટલાંક રજવાડાઓ અને રાજવંશો અસ્તિત્વમાં હતાં જેની ગણતરી પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં થાય છે તેમનાં નામ હું આગળ આપી ચુક્યો હોવા છતાં એનાં નામ હું અહી ફરીથી આપું છું---

✅ [૧] સૈધવ વંશ - ધુમલી
✅ [૨] ચાપ વંશ - વઢવાણ
✅ [૩] ચૌલુક્ય વંશ - નવસારી
✅ [૪] રાષ્ટ્રકૂટ વંશ - માન્યખેટ (જીલ્લો ગુલબર્ગ, કર્ણાટક)
✅ [૫] ચાવડાવંશ - પંચાસર ( જીલ્લો બનાસકાંઠા)
✅ [૬] ગુર્જર પ્રતિહાર વંશ - ભિન્નમાલ (રાજસ્થાન)
✅ [૭] ચાહમાન વંશ - અંકલેશ્વર
✅ [૮] મૈત્રક વંશ - વલ્લભી (જીલ્લો ભાવનગર)
✅ [૯] ગારુલક વંશ - ઢાંક (જીલ્લો રાજકોટ)
✅ [૧૦] ત્રૈકુટક વંશ - અપરાંત પ્રદેશ (તાપી નદીની દક્ષિણનો પ્રદેશ)
✅ [૧૧] કરચુરી વંશ - ભૃગુકચ્છ (ભરૂચ)
✅ [૧૨] ગુર્જર નૃપતિ વંશ - નાન્દીપુર (ભરૂચ જીલ્લો)
✅ [૧૩] સેન્દ્રક વંશ - તાપીનો તટપ્રદેશ

➡ આમાંના કેટલાંક રાજવંશો વિષે તો આપણે જોયું પણ કેટલાંક હજી બાકી છે તેમને વિષે પણ જાણી લઈએ આપણે, ચાવડાઓ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં અને પછી પણ ! તેમ છતાં અણહિલવાડનાં ચાવડાની વાત જ કૈક નોખી નિરાળી છે. પણ તોય આ રાજવંશો એ ગુજરાતના ઈતિહાસ માટે અગત્યનાં તો છે જ. આને આપણે સહેજે અનુ- મૈત્રકકાલ તરીકે ઓળખીએ તો એ જરાય ખોટું તો નથી જ નથી ,

➡ હવે જ્યાંથી અટકયા હતાં ત્યાંથી આગળ .......

✔ પંચાસરના ચાવડાઓ --------

➡ જૈન પ્રબંધ અનુસાર વનરાજ ચાવડાએ ઇસવીસન ૭૪૬માં અણહિલવાડ પાટણ વસાવ્યું. ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને તે તેઓ ૫૦ વરસની ઉંમરના હતાં. જૈન પ્રબંધો રાજા વનરાજના બાળપણને પંચાસર સાથે સાંકળે છે, પરંતુ તેમના પિતા વિષે ભાગ્યે જ કંઈ માહિતી આપે છે. રત્નમાલા નામે હિન્દી કાવ્યમાં વનરાજના પિતા જયશિખરી પંચાસરનાં રાજા હતાં અને તેઓ કાન્યકુબ્જ દેશના કલ્યાણકટકનાં રાજા ભુવડની સેનાની ચઢાઈ વખતે યુદ્ધમાં ખપી ગયાં હતાં તથા તેમની સગર્ભા વિધવા રાણી રૂપસુંદરીએ રાજા વનરાજને જન્મ આપ્યો એવું જણાવ્યું છે અને જયશિખરીનું મૃત્યુ તથા વનરાજનો જન્મ ઇસવીસન ૬૯૬માં દર્શાવ્યો છે. પરંતુ તુલનાત્મક ઇતિહાસના પ્રમાણો તપાસતાં માલૂમ પડે છે કે જયશિખરીનું મૃત્યુ કનોજના રાજા નાગભટ બીજાંનાં રાજ્યકાળ ઇસવીસન ૭૯૨ થી ઇસવીસન ૮૩૪ દરમ્યાન થયું હોવું જોઈએ. તે પહેલાં જયશિખરીએ કેટલાંક વર્ષ રાજ્ય કર્યું હશે એ પંચાસરનાં ચાવડાવંશના સ્થાપક ન હોય તો ત્યાં તેમની પહેલાં બીજા પણ કેટલાક રાજાઓ થયા હશે. આ પરથી એક તારણ એવું પણ નીકળે છે કે ૮મી સદીમાં પંચાસરમાં ચાવડાઓનો એક રાજવંશ થયો હોવો જોઈએ. આ એક શક્યતાને બિલકુલ નકારી શકાય તેમ નથી.

➡ નવસારીના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના તામ્રપત્ર (ઇસવીસન ૭૩૯)માં જણાવેલું ચાવોટક રાજ્ય તે પંચાસરનું આ ચાવડા રાજ્ય હોવું જોઈએ એવું આત્યારના ઘણાં બધાં સાહિત્યકારો અને ઈતિહાસકારો માને છે. નવસારીના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના (ઇસવીસન ૭૩૯)ના તામ્રપત્રમાં જણાવેલ ચાવોટક રાજ્ય તે ભિન્નમાલનું ચાપ રાજ્ય કે પંચાસરનું ચાવડા રાજ્ય તે વિચારવું પડે તેમ છે. આ તામ્રપત્રમાં સૈન્ધવ, કરછેલ્લ, સૌરાષ્ટ્ર, ચાવોટક, મૌર્ય ને ગુર્જર એ ક્રમ આપવામાં આવેલો છે. સિંધથી નવસારી તરફ ચઢી આવેલી આરબ ફોજ આ ક્રમબદ્ધ રીતે આવી હોય તો તે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર થઇ મેવાડ જ્યાં મૌર્ય રાજ્ય હતું તથા ભરગુચ્છ (જ્યાં ગુર્જર રાજ્ય હતું) તે માર્ગે આવી હોવી જોઈએ . આ મુજબ ચાવોટક રાજ્ય સૌરાષ્ટ્ર અને મેવાડની વચ્ચે આવેલું ગણાય.

➡ અરબ તવારીખમાં જુનૈદનાં હુમલાનું જે વર્ણન છે તેમાં કીર્જ, મરમદ, મંડલ, દલમજ, બરુસ, ઉજ્જૈન, માલીબ, બાહરીમદ, બેલેમાન,જૂઝ એવો ક્રમ આપ્યો છે. આ ક્રમને નવસારીના દાનશાસનમાં આપેલા ક્રમ સાથે સરખાવતાં માલુમ પડે છે કે જુનૈદની ફોજ સિંધમાંથી સૌરાષ્ટ્ર, આનર્ત અને લાટ એ રીતે દક્ષિણ તરફ ગઈ હશે. લાટમાં હાર પામેલી એ ફોજ ત્યાંથી માળવા તરફ અને માળવાથી મારવાડ તરફ ગઈ એવું તવારીખ પરથી માલુમ પડે છે. મારવાડ ત્યારે ગુર્જરદેશ તરીકે ઓળખાતો હતો. તેની સાથે ભિલ્લમાલનો અલગ ઉલ્લેખ કરેલો છે. તે ત્યાંના ચાપ રાજ્યને લગતો હોવો જોઈએ.

➡ કીરજ એ કચ્છમાં ક્યાંક આવેલુ છે. મરમદ એટલે મારવાડ એ માનવામાં તો આવતું નથી અને એ બરાબર મગજમાં બંધબેસતું પણ નથી. ખરી રીતે તો એ કચ્છ અને માંડલની વચ્ચે આવ્યું હોવું જોઈએ. મંડલ એ કચ્છના અખાતની દક્ષિણે આવેલ ઓખામંડલ હશે એવું ઇલીયડે સૂચવ્યું છે. પરંતુ મૌલાના અબુઝફર નદવી જણાવે છે તેમ તે વિરમગામની પાસેનું માંડલ હોવું જોઈએ. માંડલ એ સોલંકીકાલમાં વઢીપથક (વઢિયાર)નું એક મહત્વનું નગર હતું જેને તે સમયે "મંડલી" કહેતા. આ સ્થળ સૌરાષ્ટ્રની સીમા પાસે આવેલ છે. દલમજ માટે ઇલિયટે કોઈ કોઈ સ્થળ નિર્ણય સૂચવ્યો નથી. પરંતુ નદવીએ તેણે ધીણોજ તરીકે ઓળખાવ્યું છે. આ ગામ મહેસાણા જિલ્લાનાં ચાણસ્મા તાલુકામાં આવેલું છે. આ સ્થળ આનર્તમાં આવેલું ગણાય. પંચાસર માંડલ અને ધીણોજની લગભગ વચ્ચે આવેલું હોઈ તે પંચાસરના ચાવડા રાજ્યનો ઉલ્લેખ અભિપ્રેત રહેલો ગણાય. બરુસ એ સ્પષ્ટત: ભરૂચ છે જે ઉત્તર લાટનું મુખ્ય નગર હતું. અરબ તવારીખમાં નવસારી જણાવ્યું નથી તે આરબ ફોજને ફતેહ ન મળી હોવાને લીધે હશે તેમ માનવું જ રહ્યું. ઉજ્જૈન તો જાણીતું છે જ, માલીબ માળવા છે.બાહરીમદ ઓળખાવ્યું નથી પરંતુ તે માળવા અને મારવાડ વચ્ચે જ ક્યાંક હોવું જોઈએ. બેલૈમાન તે ભિલ્લમાલ (ભીનમાલ) છે. જુર્ઝ અર્થાત જૂઝ તે ગુર્જરદેશ છે જે તે સમયે આનર્ત - સુરાષ્ટ્રની ઉત્તરે આવેલો હતો.

➡ અરબ તવારીખની વિગત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે -- અરબ ફોજ પહેલાં કચ્છ, સૌરાષ્ટ્ર, આનર્ત, અને લાટ ગઈ હતી. આ અનુસાર ભિલ્લમાલ પરની ચઢાઈ લાટમાંથી નીકળી ગયાં બાદ થઇ ગણાય. આથી સિંધથી નવસારી સુધીની ચઢાઈનો ઉલ્લેખ કરતાં નવસારીના તામ્રપત્રમાં બિલ્લમાલનાં રાજ્યનો સમવેશ થઇ શકે નહીં. આ કારણે એ તામ્રપત્રમાં જણાવેલું ચાવોટક રાજ્ય તે માંડલ- ધીણોજની વછે આવેલ પંચાસર પ્રદેશનું ચાવડા રાજ્ય હોવું જોઈએ.

➡ આ ચાવોટક રાજ્ય તે સૌરાષ્ટ્રમાંનું ચાપ રાજ્ય હોવાનું સુચવાયું છે. અનુ - મૈત્રકકાલમાં વઢવાણમાં ચાપવંશનું રાજ્ય હતું એવું એ વંશના રાજા ધરણીવરાહનાં દાનપત્ર પરથી માલૂમ પદે છે. પરંતુ તેમાં જણાવેલ પહેલો રાજા વિક્રમાર્ક ઇસવીસન ૮૦૦નાં અરસામાં થયો જણાય છે જ્યારે નવસારીનું દાનપત્ર ઇસવીસન ૭૩૯નું છે. વઢવાણના ચાપ વંશના વિક્ર્માર્ક પહેલાં બીજા કેટલાંક રાજાઓ થયા હોય તો તેની માહિતી ઉપલબ્ધ નથી. વળી, નવસારીના દાન્પ્ત્રમાં સૌરાષ્ટ્રનો અલગ ઉલ્લેખ થયેલ છે. આ બધું જોતાં નવસારીનાં દાનપત્રમાં જણાવેલ ચાવોટક રાજ્ય તે વઢવાણનું ચાપ રાજ્ય હોય એ ભાગ્યે જ સંભવે છે.

✔ મેંડંતકનું પ્રતિહાર રાજ્ય --------

➡ મૈત્રકકાલ દરમ્યાન દક્ષિણ રાજસ્થાનનો પ્રદેશ "ગુર્જરદેશ" તરીકે ઓળખાતો તે ગુર્જરજાતિનો હોવાનું માલુમ પડે છે. આ ગુર્જર- પ્રતિહાર વંશનો પ્રથમ રાજા તે હરિચંદ્ર હતો. તેની સત્તા દક્ષિણ રાજસ્થાનમાં હતી. તેનાં રાજ્યકાલ વિષે ચોક્કસ વર્ષ જાણવા મળતાં નથી. પરંતુ તેના વંશના બાઉકનો એક અને કક્કનાં પાંચ લેખો અનુક્રમે વિક્રમ સંવત ૮૯૪ અને વિક્રમ સંવત ૯૧૮ જોધપુર અને ઘટિંયાલાથી મળી આવે છે. કક્કના પાંચમાંથી બે મિતિ વગરના છે. તે બધાં લેખો પરથી દરેક રાજાનાં સરેરાશ ૨૦ વર્ષ બાદ કરતાં રાજા હરિચંદ્રનો સમય લગભગ ઇસવીસન ૬૦૦ના સુમારનો હોવાનું અંદાજાય છે.

➡ અભિલેખો પ્રમાણે આ વંશ પ્રતિહાર કહેવતો. આ વંશનો સ્થાપક રાજા હરિચંદ્ર હતો. તે બ્રાહ્મણ હતો. તેણે રોહિલ્લદ્વિપ પણ કહેતાં હતાં. તેની એક પત્ની બ્રાહ્મણ હતી અને બીજી ભદ્રા નામે ક્ષત્રિય પત્ની હતી. બાઉકના જોધપુર લેખમાં ભદ્રાને "રાણી"કહેવામાં આવી છે. તેથી અનુમાન થાય છે કે હરિચંદ્ર પાસે જાગીર હશે. પ્રતીહાર વંશના ઉત્તરકાલીન લેખોમાં એ વંશની ઉત્પત્તિ રામચંદ્રનાં ભાઈ લક્ષ્મણ સાથે સાંકળવામાં આવી છે તે લક્ષ્મણ રામના પ્રતીહારનો અધિકાર બજાવતો એ પરથી એમનાં વંશનુંનામ "પ્રતીહાર" પડયું હોવાનું સમજવામાં આવ્યું છે.

➡ પૌરાણિક રજૂઆત પરથી વાસ્તવિક સંભાવના એ થાય છે કે રાજા હરિચંદ્ર (ઇસવીસન ૬૦૦ - ઇસવીસન ૬૨૦) રોહિલ્લદ્વિદ્ધ પ્રથમ કોઈ રાજાનો પ્રતીહાર હશે ને પછી રાજા થયો હશે. તેણે રાણી ભદ્રાથી ચાર પુત્રો થયાં ---- ભોગભટ, કક્ક, રજ્જિલ અને અદ્ધ (લગભગ ઇસવીસન ૬૨૦- ઇસવીસન ૬૪૦) તેઓએ પોતાનાં બાહુબળથી માંડવ્યપુર (મંડોર જીલ્લો} જીતીને ત્યાં ઉંચો કિલ્લો બંધાવ્યો. તેમાંના રજ્જિલનો પુત્ર નરભટ ( લગભગ ઇસવીસન૬૪૦- ઇસવીસન ૬૬૦), નરભટનો પુત્ર નાગભટ (ઇસવીસન ૬૬૦ - ૬૮૦) તેણે મેડંતકપુર (મેડતા)માં તેની રાજધાની સ્થિત કરી. આ નાગભટને બે પુત્રો તાત અને ભોજ હતાં. તાતે તેનું રાજ્ય પોતાના નાના ભાઈ ભોજને સોંપી દીધું (લગભગ ઇસવીસન ૬૮૦-૭૦૦) અને પોતે માંડવ્યના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. તાતનો પુત્ર યશોવર્ધન ઘણો પરાક્રમી હતો. (ઇસવીસન ૭૦૦- ૭૨૦ ), તેનો પુત્ર ચન્દુક ( ઇસવીસન ૭૨૦- ૭૪૦), તેનો પુત્ર શિલુક (ઇસવીસન ૭૪૦- ૭૬૦), શિલુકનો પુત્ર ઝોટ (ઇસવીસન ૭૬૦-૭૮૦), ઝોટનો પુત્ર ભિલ્લાદિત્ય એમ વંશ આગળ ચાલ્યો. આ ગુર્જર પ્રતીહાર રાજવંશ વિષે અલગથી લેખ લખવાનો જ છું પણ અ થોડી ટૂંકમાં માહિતી આપી દેવી સારી એટલે એનો ઉલ્લેખ અહીં કર્યો છે.

✔ ઉત્તર લાટ --------

✔ ગુર્જર રાજ્ય --------

➡ આ દરમ્યાન ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે. સમાંત દદ્ધ તથા તેના પુત્ર જયભટ - વીતરાગના કોઈ લેખ મળ્યા નથી. પરંતુ જયભટના પુત્ર દદ્ધ - પ્રશાંતરાગનાં કેટલાંક દાનપત્ર મળ્યાં છે. એની મિતિ ઇસવીસન ૬૨૯થી ઇસવીસન ૬૪૨ સુધીની છે. દદ્ધ પ્રશાન્તરાગ પછી એમનો પુત્ર જયભટ બીજો ગાદીએ આવ્યો. એમણે લગભગ ઇસવી ૬૪૫થી ૬૬૫ સુધી રાજ્ય કર્યું. ઇસવીસન ૬૪૮મા વલભીના રાજા ધરસેન ચક્રવર્તીએ ભરુકચ્છમાં વિજયછાવણી નાંખી એ પ્રદેશ પર મૈત્રક વંશની સત્તા જમાવી. તેનો પુત્ર દદ્ધ ત્રીજો "બાહુસહાય" તરીકે ઓળખાતો. દદ્ધ - દક્ષ ત્રીજાના સમયથી આ ગુર્જર વંશના રાજાઓ પોતાને કર્ણના વંશજ ગણાવવા લાગ્યા. દદ્ધ ત્રીજે લગભગ ઇસવીસન ૬૬૫થી ઇસવીસન ૬૯૦ સુધી રાજ્ય કર્યું. એમના સમયથી ગુર્જરોની રાજધાની નાન્દીપુરને બદલે ભરુકચ્છમાં બદલાઈ હતી.

➡ દદ્ધ બાહુસહાયના પુત્ર જયભટ ત્રીજાનાં બે દાનશાસનો મળ્યાં છે. તેમાનું એક ઇસવીસન ૭૦૬માં કાયાવતાર (કારવણ)માંથી અને બીજું ઇસવીસન ૭૧૦મ ભરુકચ્છમાંથી ફરમાવાયેલું છે. જયભટે લગભગ ઇસવીસન ૬૯૦થી ઇસવીસન ૭૨૫ સુધી રાજ્ય કર્યું. તેના પછી તેનો પુત્ર અહિરોલ ગાદીએ આવ્યો.એને પાંચેક વર્ષ રાજ કર્યું લાગે છે. અહિરોલનો પુત્ર જયભટ ચોથો એ આ વંશનો છેલ્લો રાજા છે. તેણે દીધેલાં ભરુકચ્છ વિષયમાંની ભૂમિનાં બે દાનશાસન મળ્યાં છે. જેની મિતિ ઇસવીસન ૭૩૬ની છે. તેણે તાજ્જિકો (આરબો)નો પરાભવ કર્યો એ એનું પરાક્રમ ખાસ નોંધપાત્ર છે.

➡ ઇસવીસન ૭૩૬થી ઇસવીસન ૭૫૦ સુધીમાં રાષ્ટ્રકૂટ વંશના પરાક્રની રાજા દંતિદુર્ગે ચાલુક્ય સત્તાનો પરાભવ કરી રેવા અને મહી પર્યંત કૂચ કરી અને લાટ તથા માલવ દેશ જીતી લીધા. નેમહીથી કીમ કે તાપી સુધી પ્રસરેલી ગુર્જર સત્તાનો અસ્ત થયો. પરંતુ દંતિદુર્ગનાં ઉત્તરાધિકાર માટે ઝગડો થતાં ત્યાની સત્તા લાટમાં ઝાઝો વખત ટકી નહીં. કર્ણાટકની રાજસત્તા દંતિદુર્ગ નાં કાકા કૃષ્ણરાજે હસ્તગત કરી. દક્ષિણ લાટમાં દંતિદુર્ગના પિતરાઈ ગોવિંદરાજનાં પુત્ર કક્કરાજ બીજાએ પોતાની સ્વતંત્ર સત્તા પ્રવર્તાવી તો વળી ઉત્તર લાટમાં પડોશના ચાહમાન રાજ્યે પોતાની સત્તા પ્રસારી.

➡ હજી બીજાં કેટલાંક રાજવંશો બાકી છે જે ભાગ ત્રીજામાં આવશે .
ભાગ - ૨ સમાપ્ત.
ભાગ - ૩ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

------- જનમેજય અધ્વર્યુ

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે.

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.