Sun-Temple-Baanner

રાજા વનરાજ ચાવડા | ભાગ -૨


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા વનરાજ ચાવડા | ભાગ -૨


⚔ ચાવડાયુગ શૌર્યગાથા   ⚔
ஜ۩۞۩ஜ રાજા વનરાજ ચાવડા ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૪૬ - ઇસવીસન ૮૦૬ )
-------- ભાગ -૨ --------

➡ વનરાજ ચાવડા વિષે જેટલી માહિતી સાહિત્યિક ગ્રંથોમાં થાય છે એટલી માહિતી રાજા વનરાજના પિતા જયશિખરી વિષે પ્રાપ્ત થતી નથી. એક વાત તો છે કે જો જયશિખરીનું મૃત્યુ ઇસવીસન ૬૯૬માં થયું હોય અને રાજા વનરાજ ચાવડા એ ઇસવીસન ૭૪૬માં રાજગાદીએ બેઠાં હોય તો આ ૫૦ વર્ષ ગુજરાતમાં રાજ કોણે કર્યું ? સાક્ષ્ય પ્રમાણોને આધારે એક વાત તો નજરે ચડે છે એ એ છે કે ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓએ ગુજરાત પર રાજ્ય કર્યું હતું. જો કે રાજા વનરાજ પછી પણ ગુર્જર પ્રતિહાર રાજવંશની સત્તા ગુજરાતમાંથી સદંતર સમાપ્ત તો નહોતી જ થઇ. એનાં પ્રમાણો પણ મળી આવે છે અને ગુજરાતમાં અન્યત્ર પણ ચાવડા વંશની સત્તા પ્રવર્તમાન હતી જ એનાં પણ કેટલાંક પુરાવાઓ મળી આવે છે. પણ આ ચાવડા વંશ જે પંચાસર પછી અણહિલવાડ પાટણની સ્થાપના કરી એનાં પર પોતાની સત્તા પ્રસ્થાપિત કરી હતી તે એટલો બધો પ્રભાવશાળી વંશ હતો કે તે સમયના બીજાં બધાં વંશો કરતાં અત્યંત શક્તિશાળી હતો જેની આગળ બીજા વંશો ઝાંખા પડી જતાં હતાં. શરૂઆત જ એટલી સારી કરી હતી કે બીજાં રાજાઓ એની આગળ ઝંખવાઈ જ જાય. સમયગાળા વિષે તો અસમંજસ તો છે જ પણ એનાથી કંઈ ચાવડા વંશને કે વનરાજને કોઈ ફેર નથી પડતો ! આ સમયગાળા દરમિયાન ભરમાંભારતમાં ઘણાં પ્રતાપી રાજાઓ થયાં હતાં જેની વાત આપણે પછી કરીશું. અહી એટલાં માટે નથી કરતો કે એક તો ઇસવીસન ૬૯૬થી ૭૪૬ દરમિયાન ગુજરાતમાં શું શું ઘટના ઘટી હતી એનાથી કોઈ જ કરતાં કોઈ માહિતગાર નથી અને બીજું એ કે રાજા વનરાજના સમયગાળા દરમિયાન પણ કેટલીક મિતિઓની પણ મૂંઝવણ છે. જો આ મુંઝવણ દૂર થાય તે પછી જ કોઈ બીજાની સાલવારી એમાં આપી શકાય તેમ છે એટલે.

➡ આ માટે જયશિખરી અને રાજા વનરાજ વિષે ક્યાં ક્યાં શું શું લખાયું તે વિષે ગહન આભ્યાસ કર્યો પણ રાજા જયશિખરી વિષે તો એક પ્રશ્નાર્થ ચિહ્ન જ છે. જે કાઈ માહિતી મળે છે એ તો રાજા વનરાજ વિષે જ મળે છે. આમ તો ઘણી બધી અનુશ્રુતિ જ છે પણ ક્યારેક ક્યારેક અનુશ્રુતિઓમાંથી પણ ઈતિહાસ ઉજાગર થતો જ હોય છે એટલે એને પણ પ્રાધાન્ય આપવું જ પડે છે. જેમાં કંઈ ખોટું તો નથી જ.પણ હકીકતમાં શું બન્યું હશે તે ખરેખર એક વિચારવાલાયક બાબત છે. પણ જે માહિતી ઉપલબ્ધ છે એને જ કેન્દ્રમાં રાખીને બધું વિચારાય. બહુ પ્રયત્ન કર્યો કે જયશિખરી -ભુવડનાં યુદ્ધ વિષે કોઈ માહિતી ઉપલબ્ધ થાય પણ તેમ થયું નહીં. ભુવડ વિષે તો મેં આગલા લેખમાં જણાવી જ દીધું છે એટલે હવે રાજા વનરાજ વિષે વાત આગળ ધપાવીએ જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી જ સ્તો !

✔ રાજા વનરાજ અને તેમનાં વંશજોનું ચરિત ----------

➡ અનુશ્રુતિ અનુસાર રાજા વનરાજનું રાજ્ય વિક્રમ સંવત ૮૦૨ (ઇસવીસન ૭૪૬)થી વિક્રમ સંવત ૮૬૨ (ઇસવીસન ૮૦૬) સુધી ચાલ્યું હોવાનું મનાય છે. પરંતુ અગાઉ સંભવિત સૂચવેલાં સમયાંકન અનુસાર લગભગ ઇસવીસન ૮૪૦થી ઇસવીસન ૮૫૦ સુધી ચાલ્યું ગણાય.

➡ આ દરમિયાન પ્રબંધો અનુસાર જામ્બ તેનાં મહામાત્ય પદે રહ્યો હશે. ભાટ ચારણોની અનુશ્રુતિ મુજબ રાજા વનરાજના મહામાત્યનું નામ ચાંપો હતું. પ્રાયઃ આ બે નામ એક જ વ્યક્તિના હોવાનું મનાય છે, આ ચાંપાએ જ ચાંપાનેર વસાવ્યું હોવાનું મનાય છે. આ માન્યતામાં કોઈ ઐતિહાસિક તથ્ય રહેલું હોય તો ચાંપાએ અણહિલવાડથી એટલે દૂર એ શહેર કેમ વસાવ્યું હશે એ જાણવાં મળતું નથી. આમેય ચાંપાનેર વસાવ્યા વિષે જે ત્રણ દંતકથાઓ પ્રચલિત છે એમાં કોઈ પણ જાતનું તથ્ય દેખાતું તો નથી જ. એટલે જ બધાં એમ કહેવાય છે અને એમ મનાય છે એવું કહીને છટકી ગયાં છે- જાય છે.

➡ ચાંપાને લગતી અનુશ્રુતિ પ્રાચીન પ્રબંધો વગેરે ગ્રંથોમાં નોંધાઈ નથી. તેથી એ કદાચ "ચાંપાનેર" વસાવનાર કોઈ ચાંપાના નામસામ્યપરથી આગળ જતાં ઉપજી હોય તો નવાઈ નહીં.

➡ રાજા વનરાજ તેમ જ તેમનાં વંશજોના સમયના કોઈ અભિલેખ મળ્યા નથી. પરંતુ એમનાં રાજ્યકાલનાં બીજા કેટલાક વૃત્તાંતો કેટલાંક જૈન ગ્રંથો પરથી જાણવા મળે છે. એમાં સર્વપ્રથમ નેમિનાથચરિઉ (ઇસવીસન ૧૧૬૦)માં વનરાજે પાટણ શહેરની સમૃદ્ધિ કેવી રીતે વધારી તે વિષે પ્રારંભિક ઉલ્લેખ આપ્યો છે. શ્રીમાલથી પાટણ પાસેના ગંભૂતા (ગાંભૂ)માં આવી વસેલા પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના ધનાઢ્ય વેપારી ઠક્કર નિન્નયને વનરાજે પાટણમાં લાવી વસાવ્યા અને નિન્નયે પાટણમાં ઋષભદેવનું મંદિર બંધાવ્યું.

➡ નિન્નયને લહર નામે પુત્ર હતો. તે વનરાજનો સેનાપતિ હતો. તેણે વનરાજની સેના માટે વિંધ્યાટવીમાંથી ઘણાં હાથી પકડયા હતાં. એ લહર ઠક્કુરે સંદથલ (સાંથળી) ગામમાં વિંધ્યવાસિની દેવીનો પ્રાસાદ બંધાવ્યો હતોઅને વનરાજે તેનાં ઉપર પ્રસન્ન થઇ સંદથલ ગામ ઇનામમાં આપ્યું હતું.

➡ ત્યારબાદ પ્રભાવક ચરિત (ઇસવીસન ૧૨૯૮)માંથી મળેલ વિગત પ્રમાણે રાજા વનરાજે પંચાસરમાં રહેલાં દેવચંદ્રસૂરિ જેમણે પોતાને બાળપણમાં ઉછેરેલો તેમને અણહિલપુર વસાવીને નવું રાજ્ય અર્પણ કર્યું. (પરંતુ સૂરિ રાજ્ય સ્વીકારે નહીં તેથી તેમની પ્રેરણાથી) વનરાજે તે નગરમાં વનરાજ- વિહાર નામે ચૈત્ય બંધાવી ત્યાં જિન (પંચાસરા પાર્શ્વનાથ)ની પ્રતિષ્ઠા કરીને કૃતજ્ઞત્વની ભાવનાથી ગુરુઓનું સન્માન કર્યું.

✔ રાજા વનરાજના ગુનો વિષે નીચે પ્રમાણેની પ્રશસ્તિ મળે છે ----

➡ તે ચાપોત્કટવંશરૂપી વનનો અનન્ય સિંહ હતો. તેનો પ્રબળ પ્રતાપ હતો. તેમનું ચરિત્ર અસીમ હતું. તે પરીતપ્ત શત્રુઓનનો પરાભવ કરનાર હતો. તે ખડગ વડે વિરોધીઓના શિર છેદી લોહીની નદીઓ રેલાવનાર હતો. તેની શ્યામ અસિ મ્યાનમાંથી તલવાર બહાર નીકળતી ત્યારે શત્રુઓ ગભરાતા. તલવારથી શત્રુઓના મુંડ કાપી એ સમરાંગણમાં શોભતો. તે કૃતાંત (મૃત્યુદેવ) જેવો જણાતો. રિપુઓ પુરુષ તજી ભીરુભાવ પામી એની સેવા કરતાં. તેની વિશાલ કીર્તિઓ સાંભળવાને શેષનાગ નિમેષ - ઉન્મેષ કરતો હતો. એ ધનુષ્ય ચઢાવતો અને એનું મુખ જયશ્રી ધારણ કરતું. વનમાંથી વનરાજ નામે ચાપોતકટ વીર ઉત્પન્ન થયો. તેના તેજ વડે બાળપણમાં પણ સૂર્ય જિતાતાં તેની ઝોળી ઉપર વૃક્ષની છાયા નમતી નહોતી. સૂર્યચન્દ્ર કદીપશ્ચિમમાં ઉગે તો સંધિથી અહીં રાજ્ય થાય એમ કહી પુત્રીને દેશ અપાવતા કનોજનાં રાજા આ એ દિશમાં વધતા તેજવાલા શુરવીર રાજાએ પ્રતિજ્ઞા પૂર્ણ કરી.

➡ ધર્મારણ્યમાહાત્મ્યમાં જણાવ્યા પ્રમાણે તે દુષ્ટોને દંડ દેનારો, સાધુઓને પાળનારો તથા ગાય બ્રાહ્મણોનું હિત કરનારો હતો. ચાવડાવંશના ભૂષણરૂપ હતો. રત્નમાલામાં તેની પ્રશસ્તિ આ પ્રમાણે છે ---
વનરાજ લોકોમાં વિખ્યાત થયો. તેણે પ્રથમ તો ચોરનાં કર્મ કીધા પણ પછી પસ્તાઈને તે છોડી દીધાં. તેણે કામદેવને જીત્યો હતો, ને તે ઈશ્વર ઉપર પ્રીતિ રાખવાવાળો હતો.તે માયાળુ અંત:કરણનો ને ભગવાન રામના જેવો ખેલાડી હતો.

➡ પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે તેણે પીલુડીના ઝાડના મૂળ આગળ ધવલગૃહ બંધાવ્યું હતું. પંચાસર ગામથી શ્રી શીલગુણસૂરિને બોલાવી ધવલગૃહ (રાજ મહેલ)માં બેસાડી સાતે અંગવાળું રાજ્ય તેમને અર્પણ કર્યું. પણ નિ:સ્પૃહ હોવાથી તેમણે તે લેવાની ના પાડી. વનરાજે તેમનીઆગના પ્રમાણે અણહિલવાડમાં નવું મંદિર કરાવી પંચાસરથી શ્રી પાર્શ્વનાથ ની પ્રતિમા (મૂર્તિ} મંગાવી તેમાં પધરાવી. હાલમાં પણ આ મંદિર પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કહેવાય છે. વનરાજે તેમાં આરાધક તરીકે પોતાની મૂર્તિ બેસાડી તેમ જ પોતાનાં રાજમહેલ પાસે કંઠેશ્વરીનું મંદિર બંધાવ્યું. હાલના પાટણમાં એ સ્થાને નવું મોટું મંદિર કરાવવામાં આવ્યું છે. તેમાં પંચાસર પાર્શ્વનાથની પ્રતિમા તથા રાજા વનરાજની મૂર્તિ છે. વનરાજના ગુરુ શીલગુણસૂરીની પણ મૂર્તિ છે. સિદ્ધપુરમાં પણ વનરાજની મૂર્તિ છે.

➡ પ્રબંધ ચિંતામવણિમાં જણાવ્યા પ્રમાણે રાજા વનરાજે ૫૮ વર્ષ ૨ માસ અને ૨૧ દિવસ રાજ્ય કર્યું અને તેમનું આખું આયુષ્ય ૧૦૯ વર્ષ ૨ માસ ૨૧ દિવસનું હતું. પરંતુ આગાઉ જણાવ્યા મુજબ આ ભાગ્યે જ સંભવે તેમ છે.

➡ આ પરથી વનરાજની રાજા તરીકેની કારકિર્દી ખાસ કરીને તેમનાં રાજ્યવિસ્તાર તથા રાજ્યતંત્ર વિષે કંઈ માહિતી મળતી નથી. પરંતુ તેના મહામાત્ય જામ્બ તથા સેનાપતિ લહર વિષે તેમ જ ઠક્કુર નિન્નય જે કદાચ અણહિલવાળના નગરશ્રેષ્ઠ નિમાયા હશે તેમને વિષે કંઈ જાણવા મળે છે.

➡ એવી જ રીતે વનરાજે ધવલગૃહ બંધાવી અણહિલવાડ વસાવ્યાનું નેતેમાં પંચાસર પાર્શ્વનાથનું ચૈત્ય (જે વનરાજ વિહાર તરીકે પણ ઓળખાતું) બંધાવ્યાનું તથા કંઠેશ્વરી માતાનું મંદિર બંધાવ્યાનું જાણવા મળે છે. વળી, ઠક્કુર નિન્નયે અણહિલવાડમાં ઋષભદેવનું અને સંદથલમાં વિંધ્યવાસિની દેવીનું મંદિર બંધાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

➡ રાજા વનરાજની પત્નીનું નામ ક્યાંય આવ્યું જ નથી. એમનાં પછી એમનો પુત્ર યોગરાજ ગાદીએ આવ્યો એ પરથી એમને યોગરાજ નામે એક પુત્ર હોવાની માહિતી મળે છે.

➡ અગાઉ જણાવ્યા મુજબ વનરાજના વંશજો વિષે અનુશ્રુતિ - બે જુદી જુદી પરંપરાઓ મળે છે. પરંતુ બંનેમાં વનરાજના અનુગામી તરીકે યોગરાજનું જ નામ આવે છે. આમ રાજા વનરાજ પછી એમનો પુત્ર યોગરાજ ગાદી સંભાળે છે અને ચાવડાવંશનું શાસન આગળ ધપાવે છે.

✔ ઉપસંહાર --------

➡ રાજા વનરાજ ચાવડા વિષે બહુ વધારે માહિતી તો પ્રાપ્ત થતી નથી પણ જે કંઈ થાય છે એમાંથી રાજા વનરાજનો સંઘર્ષ અને તેમની અપૂર્વ શક્તિનીનો પરિચય આપણને જરૂર થાય છે. તેમણે પાટણની સ્થાપના કરી પછી કોઈ જ યુદ્ધ કર્યું નહોતું. ચાંપાનેર વિષે તો કિવદંતીઓ જ વધારે છે એટલે એ વિષે તો કોઈ જ સાચી હકીકત આપણને પ્રાપ્ત નથી જ થતી. કેટલાંક ભાટચારણો જામ્બને જ ચાંપો વાણિયો ગણે છે જે સરાસર ખોટું જ છે. તેમનાં શરૂઆતનાં ૫૦ વર્ષ સતત સંઘર્ષમાં ગાળ્યાં છે તે જોતાં તેઓ ૫૦ વરસે રાજગાદીએ બેસે તે સ્વાભાવિક જ ગણાય પણ પછી કેટલાં વર્ષ રાજ કર્યું તે બાબતમાં તો મતમતાંતરો જ પ્રવર્તે છે પણ ૬૦ વરસ રાજ કર્યું એ તો બંધ બેસતું જ નથી ઈતિહાસકારોએ આ બાબતમાં જે તારણ કાઢી આપ્યું છે ત્યાર પછી ૧૦ વરસ એ જ યથાયોગ્ય છે. પણ આ દસ વરસમાં તેમણે રાજપૂત યુગના આદ્યસ્થાપક અને પાટણનાં સ્થાપક અને ગુજરાતના યુગપ્રવર્તક તરીકે નામના અને ચાહના જરૂર મેળવી જ છે . સુદ્રઢ શાસનનો પાયો તેમનાથી નંખાયો એમ સહેજે કહી શકાય તેમ છે. પણ તેમનાં લગ્ન કોની સાથે અને ક્યારે થયાં તે તો અધ્યાહાર જ છે પણ તેમને યોગરાજ નામે એક પુત્ર હતો એ વાત તો એકદમ સાચી જ છે. તેમનો જો શાસનકાળ ૧૦ વરસનો ગણવામાં આવે તો રાજા વનરાજનાં લગ્ન તેઓ રાજા બન્યાં એ પહેલાં જ થયાં હોવાં જોઈએ કારણકે તેમનો પુત્ર નહીંતર ૧૦ વરસે તો રાજગાદીએ તો આવે જ નહીં ને ! ઇતિહાસમાં રાજા વનરાજ ચાવડાનું નામ ગુરુને માન આપનાર , મિત્રોની કદર કરનાર અને એક વચનપાલક રાજા તરીકે સદાય અમર થઇ ગયું છે. જૈનધર્મને તેમણે મહત્વ જરૂર આપ્યું છે પણ સાથે સાથે દરેક ધર્મને એમણે મહત્વ આપેલું જ છે. એમનાં શાસનકાળ દરમિયાન કોઈ યુદ્ધની જરૂર નહોતી પડી એ ઘણી સારી બાબત ગણાય . એક વાત તો છે કે ઓછી માહિતી હોવાં છતાં પણ તેની અનુશ્રુતિઓ અને દંતકથાઓ વધારે છે તેમ છતાં ચાવડા યુગનાં આ શાસકનું નામ ઇતિહાસમાં મોખરાનું છે એ વાત તો સ્વીકારવી જ રહી.

➡ હવે અહિયાં જ રાજા યોગરાજને પણ લઇ જ લઈએ !

✔ રાજા યોગરાજ --------
(સુધારેલી સાલવારી ઇસવીસન ૮૫૦ - ઇસવીસન ૮૮૫)

➡ વનરાજ પછી તેનો પુત્ર યોગરાજ ગાદીએ આવ્યો. ગ્રંથો પ્રમાણે તો તેઓ ઇસવીસન ૮૦૬માં રાજગાદીએ આવેલાં ગણાય. તેમને લગતી પ્રશસ્તિઓ માં તેનાં ગુણ નીચે પ્રમાણે ગાવામાં આવ્યાં છે. ----

➡ સુકૃતસંકીર્તનમાં તેણે વિષે જણાવ્યું છે કે જેમ સૂર્ય કમળોની ભૂમિ ખીલવે છે તેમ યોગરાજે રાજા વનરાજનાં રાજ્યની ભૂમિ પર રાજ્ય કર્યું. તે શત્રુ માટે અગ્નિ જેવો હતો. ખડગનાં પરાક્રમ વડે એ જગતમાં પ્રતાપી થયો હતો. તેણે બાહુ વડે રાજાઓને જીત્યાને તલવાર તથા પ્રતાપ વડે કીર્તિ પામ્યો. યોગરાજ પ્રજાનું પાલન કરવાને તત્પર હતો. રત્નમાલામાં જણાવ્યા પ્રમાણે યોગરાજનો ખજાનો એ દેશનો મોટો ભંડાર હતો. તેની કાંતિ ઇન્દ્રના જેવી હતી અને તે ધનુર્વિદ્યાનાં કારણ જાણતો હતો. તેની ખેલી યુક્તિઓ છે, તે પંડિતોએ પૃથ્વીમાં જોયેલી છે. તે માયાળુ અંત:કરણનો અને ભગવાન રામના જેવો ખેલાડી હતો. તેનો દીકરો ખેમરાજ (ક્ષેમરાજ) થયો.

➡ પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે તેને ૩ દીકરા હતાં. એક વખત ક્ષેમરાજ નામના કુંવરે રાજાને વિજ્ઞપ્તિ કરી કે -- "બીજાં દેશના વાહનો પવનના તોફાનથી વિખરાઈ ગયાં છે અને બીજાં બંદરેથી શ્રી સોમેશ્વર પતન (સોમનાથ પાટણ)માં આવી ચઢ્યાં છે. તેમાં દસ હજાર તેજસ્વી ઘોડાઓ, એકસો પચાસ હાથી અને બીજી વસ્તુઓ કરોડોની સંખ્યામાં છે. એટલું બધું પોતાના દેશમાંથી આપણા દેશમાં થઇને જશે. જો સ્વામીનો આદેશ હોય તો તે લઇ આવીએ." એવી વિજ્ઞપ્તિ કરતાં રાજાએ તેની ના પાડી. એ પછી "રાજા ઘરડાં થયાં તેથી વિકલ થયાં છે." તેમ ગણીને પોતાનાં મુલકના સીમાડા પર લશ્કર તૈયાર કરીને છુપાયેલા ચોરની રીતે એ બધું પડાવી લઇ પોતાનાં પિતા પાસે હાજર કર્યું. જયારે રાજા મનમાં ગુસ્સે થયાં હોવાં છતાં શાંત રહી તેઓને કંઈ પ્રત્યાદેશ ન આપ્યો ત્યારે એ બધું રાજાને અધીન કરીને ક્ષેમરાજ કુંવરે આ કામ સારું કર્યું કે નરસું તેમ પૂછ્યું ત્યારે રાજાએ જવાબ આપ્યો કે -- " જો સારું કામ કર્યું તેમ જ કહું તો બીજાની વસ્તુઓ લુંટવાનું પાપ લાગે; જો નઠારું કહું તો તમારા મનમાં ખેદ થાય, માટે મૌનમાં જ શ્રેય છે તેમ સિદ્ધ થાય છે. પહેલાં બીજાનું ધન લુંટવાની ના પાડી હતી તેનું કારણ સાંભળો. જ્યારે બીજાં રાજ્યોના રાજાઓ બધાં રાજાઓનાં રાજ્યોની પ્રશંસા કરે છે ત્યારે ત્યારે ગુર્જરદેશમાં ચોરોનું રાજ્ય તેમ મશ્કરી કરે છે. પણ એલચીઓ આ વાત પત્ર દ્વારા જણાવે છે ત્યારે આપણા પૂર્વજો વિષે ગ્લાની થઈને દુખ થાય છે. આ પૂર્વજોનું કલંક બધાંય લોકોના હૃદયમાંથી ભુલાઈ જાય તો બધાય રાજાઓની હારમાં આપણે પણ રાજપદવી પામીએ. પરંતુ પૂર્વજોનું કલંક થોડાં ધનનાં લોભમાં ઘસી ઘસીને તમે તાજું કર્યું." ત્યાર પછી રાજાએ આયુધશાળામાંથી પોતાનું ધનુષ્ય મંગાવી આજ્ઞા કરી કે તમારામાંથી જે બળવાન હોય તે ચઢાવે. વારાફરતી બધાં પાસે ગયાં પણ કોઇથી તે ચઢાવી શકાયું નહીં ત્યારે રાજાએ રમતાંવેંત તેની પણછ ચઢાવીને કહ્યું ---
"રાજાઓના હુકમનો ભંગ થાય, સેવકોની રોજી બંધ થાય અને સ્ત્રીઓને જુદી સેજ અપાય એ શસ્ત્ર વગરનો વધ કહેવાય છે."
આ પ્રમાણે નીતિશાસ્ત્રનો ઉપદેશ હોવાથી અમારો આ રીતે શસ્ત્ર વગરનો વધ કરનાર પુત્રોનેણે શી શિક્ષા કરવી યોગ્ય છે ?" આ કારણથી રાજાએ પ્રાયોપવેશન (અન્નજળનો ત્યાગ) કરીને ૧૨૦ વર્ષની ઉમરે ચિતામાં પ્રવેશ કર્યો. આટલી લાંબી આયુ કોઈ ભોગવે જ નહીં નહિ તો ગીનીસ બુકમાં નામ તે વખતે જ આવત. પહેલાં રાજા વનરાજની આયુમાં ગોટાળો અને હવે રાજા યોગરાજની આયુમાં ગોટાળો !

➡ આ રાજાએ શ્રી ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું હતું.

➡ ચાવડાવંશની વંશાવલીઓમાં રાજા યોગરાજે ૧૭ વર્ષ, ૯ વર્ષ કે ૩૫ વર્ષ રાજ્ય કર્યું જણાવ્યું છે. તેમાં અગાઉ સૂચવ્યા મુજબ ૩૫ વર્ષ રાજ્યકાળ સહુથી વધારે સંભવિત છે. સૂચિત સુધારેલા સમયાંકન અનુસાર રાજા વનરાજ (લગભગ ઇસવીસન ૮૪૦ - ઇસવીસન ૮૫૦)નાં ઉત્તરાધિકારી તરીકે યોગરાજે લગભગ ઇસવીસન ૮૫૦થી ઇસવીસન ૮૮૫ સુધી રાજ્ય કર્યું ગણાય. એ સમયે કનોજના પ્રતિહારવંશમાં મિહિરભોજ (ઇસવીસન૮૩૬ -ઇસવીસન ૮૮૫ ) રાજ્ય કરતાં હતાં.

➡ યોગરાજના પરાક્રમો વિષે તેમ જ તેમનાં મહામાત્યાદિ અધિકારીઓ વિષે કંઈ માહિતી મળતી નથી. સંભવિત છે કે લહર એમનાં સમયમાં પણ સેનાપતિપદે રહ્યો હોય.

➡ યોગરાજની પત્નીનું નામ પણ જાણવા મળતું નથી. તેને ત્રણ પુત્ર હતાં ણે તેમાં જયેષ્ઠનું નામ ક્ષેમરાજ હતું. તેની સાથે બીજાં બે પુત્રોનાં નામ આપવામાં આવ્યાં નથી. આમ તો આમાં કશી જ માહિતી આપવામાં જ નથી આવી જે આપવામાં આવી છે એ તો ખાલી વાર્તા અને વર્ણનો જ છે માત્ર ! તેમ છતાં રાજા યોગરાજે ૩૫ વર્ષનાં લાંબા સમય સુધી શાસન કર્યું અને ચાવડાવંશની સત્તા ટકાવી રાખી હતી. જ્યેષ્ઠ પુત્ર હોવાંને કારણે ક્ષેમરાજ જ રાજા થાય એ તદ્દન સ્વાભાવિક જ છે. રાજા યોગરાજ પછી ક્ષેમરાજ રાજા બને છે અણહિલવાડ પાટણનો !

➡ મારો હવે પછીનો લેખ ક્ષેમરાજ અને તે પછીનાં રાજાઓ પર

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

- જનમેજય અધ્વર્યુ

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે.

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.