રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૪

Raja Kumarpal Solanki - Solanki Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org

સોલંકીયુગ યશોગાથા ⚔

ஜ રાજા કુમારપાળ સોલંકી ஜ

(ઇસવીસન ૧૧૪૩ ઇસવીસન ૧૧૭૩)

—– ભાગ – ૪ —–


➡ રાજા કુમારપાળે ૩૦ વર્ષ સુધી પાટણની ધુરા સંભાળી હતી અને આ ૩૦ વરસમાં એમણે ગુજરાતમાં એક પ્રકારની રાજકીય સ્થિરતા બક્ષી હતી અને પ્રજા પણ ભયમુક્ત જીવન જીવતી હતી અને એટલે જ પ્રજા ધાર્મિક કાર્યો અને ધાર્મિક ઉત્સવોમાં વધુ રસ લેતી થઇ હતી. એનું એક કારણ એ પણ છે કે રાજા કુમારપાળે પોતાનાં રાજકીય દુશ્મનોને સદંતર માટે શાંત કરી દીધાં હતાં જેમકે શાકંભરી, ચાહમાનો વગેરે …. માળવા તો મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયથી જ લગભગ સદંતર શાંત બની ગયું હતું. આનું પરિણામ એ આવ્યું કે પાટણ પર થતાં નિરંતર હુમલાઓ સદાને માટે બંધ થઇ ગયાં. પ્રજા ખુબ જ ખુશ હતી અને ભાઈચારાથી શાંતિમય જીવન જીવતી હતી આ રાજા કુમારપાળ સોલંકીની એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. જો કે આની શરૂઆત તો મહારાજ સિદ્ધરાજ જયસિંહે જ કરી હતી. એકરીતે તો રાજા કુમારપાળે મહારાજ સિદ્ધરાજ જયસિંહની કીર્તિને આગળ ધપાવવાનું જ કાર્ય કર્યું હતું. જો કે રાજા કુમારપાળે બાકીનાં અમુક રાજ્ય જીતીને સોલંકીયુગના સામ્રાજ્યનો વિસ્તાર જરૂર કર્યો હતો જેમાં કોણાર્કનો સમાવેશ જરૂર થાય છે. આ કોણાર્ક જીતવા માટે એમણે મહારાષ્ટના અમુક પ્રદેશોને પણ જીત્યાં હતાં.

➡ એવું કહેવાય છે કારણકે સમગ્ર મહારષ્ટ્રમાં રાજા કુમારપાળની આણ વર્તાતી હતી. મહારાષ્ટ્રમાં પણ તે સમયે ઘણાં નાનાં-મોટાં રાજ્યો હતાં. જેમાં કોંકણ અને વિદર્ભનો સમાવેશ થાય છે. આ વિદર્ભમાં જ જાલના નામનું એક નાનકડું રાજ્ય હતું. આ જાલના તો અતિનાનાક્ડું રાજ્ય હતું પણ તે પણ તે સમયે ઔરંગાબાદ જે તો અત્યારનું નામ છે પણ તે સમયે તે વિદર્ભનો જ એક ભાગ હતું. આ વિદર્ભ સામ્રાજ્ય પર ઇસવીસન ચોથી- પાંચમી સદીમાં વાકાટક રાજવંશની બોલબાલા હતી. આ વાકાટક રાજવંશે ઈસવીસન ૨૫૦ થી ઈસવીસન ૫૦૦ સુધી માત્ર મહારાષ્ટ્રમાં જ નહી પણ થોડાજ દક્ષિણમાં અને થોડાંક ઉતરમાં પણ રાજ્ય કર્યું હતું. આ વાકાટક રાજવંશે આ સમય ગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર પર પણ રાજ્ય કર્યું હતું. જોકે ઇસવીસન ૪૭૫ની આસપાસ સૌરાષ્ટ્ર તેમનાં આધિપત્યમાંથી છુટું પડી ગયું હતું કારણકે તે સમયે ગુજરાતમાં મૈત્રકવંશની આણ હતી, આની વાત તો મૈત્રકકાળ વખતે કરશું. પણ મહત્વની વાત તો એ છે કે તે સમયે માળવા પણ આ વાકાટક રાજવંશના તાબામાં જ હતું.

➡ આ વાત અહી એટલા માટે કરું છું કે વાકાટક સમ્રાજ્યમાંથી છૂટાં પડેલાં આ રાજ્યોએ જ ૭૦૦ વરસ પછી સોલંકીયુગના અણહિલવાડ ઉપર આક્રમણ કર્યું હતું.એટલે જ સોલંકીયુગના રાજાઓ આ રાજ્યોને હરાવ્યાં હતાં. માળવા તો સિદ્ધરાજ જયસિંહે જીતી જ લીધું હતું આબુના પરમારો પણ ખત્મ થઇ ગયાં હતાં બાકી રહ્યું હતું આ મહરાષ્ટ્ર ! જો કે વાકાટક વંશને ખત્મ થયે પણ ૬૫૦- ૬૭૫ વરસ થઇ ગયાં હતાં. આ વાકાટક વંશ એ બ્રાહ્મણ વંશ હતો ભારતના શૃંગ વંશની જેમ જ ! આ સમયગાળા દરમિયાન આ બધાં પ્રદેશોમાં અને ગુજરાતમાં ઘણા રાજવંશો આવ્યાં અને ગયાં પણ બીજાં રાજ્યોના ચંચુપાત અને એમની મહત્વાકાંક્ષાઓએ જ એમને આક્રમણ કરવાં પ્રેર્યા હતાં અને વાત યુદ્ધની નોબત સુધી આવી ગઈ હતી.

➡ સોલંકીઓ આ પશ્ચાદભૂ થી વાકેફ હતાં એટલે એમણે આ રાજયોને સખણા કરવાં અને એમને જીતવા તરફ જ ધ્યાન આપ્યું હતું.તેમાં તેઓ સફળ પણ થયાં અને આ બધાને પદાર્થપાઠ ભણાવ્યો પહેલાં મહારજ સિદ્ધરાજ જયસિંહે અને પછીથી રાજા કુમારપાળે! રાજા કુમારપાળની નજર આ મહરાષ્ટ્ર પર હતી એમાં વળી કોણાર્ક વચમાં આવ્યું એટલે એણે જીતવું અત્યંત આવશ્યક હતું એક વાત કહી દઉં કે આ વાકાટક સામ્રાજ્યના અંત પછી જ દક્ષિણભારતમાં બાદમીમાં ચાલુક્યોના શાસનની શરૂઆત થઇ હતી જે તે સમયનો ત્યાંનો સુવર્ણયુગ હતો. પણ તેઓ ચાલુક્યો હતાં ગુજરાતના ચૌલુક્યો નહીં! તે સમયે વિદર્ભ એની આજુબાજુનો પ્રદેશ જેને વાકાટક રાજવંશની એક શાખા કહેવાય છે તે વત્સગુલમા જે આજે “વાશીમ” પ્રદેશ તરીકે જાણીતો છે. આ વાકાટકવંશની શાખાનું એક મહાન કાર્ય શિલ્પ્સ્થાપ્ત્યમાં છે તે છે – અજંતા ગુફાઓનું નિર્માણ અને તેનાં ભીંત ચિત્રો ! આ ભિંતચિત્રોમાં “પટોળા”પહેરેલી સ્ત્રીનું પણ ભીંતચિત્ર છે! આના પરથી એમ કહી શકાય કે તે સમયમાં પણ પટોળા ખુબ જ પ્રખ્યાત હતાં કદાચ એ એનીય પહેલાથી બનતાં હોય .

➡ હવેરાજા કુમારપાળ આ વાતમાં આવે છે આ પટોળાની વાતમાં અને અને તેમનાં જાલના પરનાં આક્રમણમાં. જો કે ઈતિહાસ એમનાં જાલના પરનાં આક્રમણને મહત્વ આપતો નથી કે પટોળાના કારીગરો ત્યાંથી કેવીરીતે પાટણ લવાયા એની. પણ એમ કહેવાય છે કે રાજા કુમારપાળે જાલનામાંથી ૭૦૦ કારીગરો પાટણ આણ્યા હતાં. આજે સોશિયલ મીડિયામાં આ પટોળાની ખૂબી અને એની હસ્તકલા વિષે તો ખુબ જ લખાયું છે તેમાં પણ આ દંતકથાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે

➡ પટોળા વિષે કાલે મેં જે લખ્યું એમાં આ દંતકથાનો માત્ર ૨-૩લીટીમાં જ ઉલ્લેખ કર્યો હતો તે આખી મુકતા પહેલાં તમને આ કાળથી માહિતગાર કરાવવા જ થોડી પૂર્વભૂમિકા બંધી છે જે ૧૦૦ ટકા ઐતિહાસિક છે અને તમારે સૌએ જાણવી પણ.
એ દંતકથા હવે હું અહીં આખી મુકું છું —

➡ રાજા કુમારપાળ દરરોજ પ્રાત:કાળે પુજાવિધિમાં બેસતી વેળા રેશમી પટોળાંનું ધોતીવસ્ત્ર અને ઉપવસ્ત્ર પસંદ કરતા. તેઓ દરરોજ નવા વસ્ત્રનો જ આગ્રહ રાખતા.એ વખતે (૧૨મી સદીમાં) હાલના મહારાષ્ટ્રના દક્ષિણે ઔરંગાબાદ પાસે આવેલા જાલના પ્રાન્તના મુંગીપટ્ટગામા વિસ્તારમાં વસતા પટોળાંનાં કુશળ કસબીઓ જ પટોળાં બનાવતા.

➡ પાટણના આ શક્તિશાળી ધ્યાનમાં આવ્યું કે જાલનાનો રાજા પોતાના રાજમાં બનતા પટોળાંનો એક વાર ઉપયોગ કર્યા પછી જ તે પટોળાંને જાલનાની બહાર વેચવા માટે મોકલવાની રજા આપે છે. હવે એક વાર વાપરેલું યા પહેરેલું પટોળું પુજા વિધિમાં કેવી રીતે લઈ શકાય?

➡ આથી પાટણના રાજવી કુમારપાળ સોલંકીએ જાલના ઉપર ચઢાઈ કરી અને યુદ્ધમાં સમગ્ર પ્રદેશ જીતી લીધો. રાજાને બંદી બનાવાયો અને જાલનામાં વસતા તમામ ૭૦૦ સાળવી – વણકર પરિવારોને માનપૂર્વક પાટણ લાવીને વસાવ્યા. જાલના એટલે દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર.

➡ આ એક સોશિયલ મીડિયામાં ફરતી થયેલી વાર્તા જ છે જેને ઈતિહાસ સાથે કોઈ પણ પ્રકારની લેવાદેવા નથી. ઇતિહાસમાં એટલે કે તે સમયના સાહિત્યમાં જાલના પ્રાંત અને પટોળાનો ઉલ્લેખ જરૂર થયો છે. ૭૦૦ કારીગરોનો ઉલ્લેખ પણ થયો છે પણ તે કેવી રીતે પાટણમાં લવાયા તે તો અધ્યાહાર જ છે. તેને જ કારણે આ કથા ઉદભવી છે અને તેમાં પણ જૈનધર્મીઓનો જ સિંહફાળો છે. આ કથા અને અત્યારના સાહિત્યમાં ઠેર ઠેર ઠેકાણે રાજા કુમારપાળને ચુસ્ત જૈન ધર્મનું પાલન કરતાં દર્શાવ્યા છે જે સરાસર ખોટું છે. જૈનધર્મ રાજા કુમારપાળે મહદઅંશે સ્વીકાર્યો હતો પણ અંગીકાર નહોતો કર્યો એનાં પુરાવાઓ હું આગળ જતાં આપીશ. પણ એ પહેલાં જો વાત દંતકથાની થતી હોય તો તેમનાં સાહસ અને શૌર્ય વિષે પણ 3 દંતકથાઓ વહેતી થઇ છે તે પણ જાણી લેવી જોઈએ. હું પોતે દંતકથાઓને પ્રાધાન્ય બિલકુલ આપતો જ નથી કારણકે એમાં ઈતિહાસ બાજુએ રહી જાય છે. પણ આ રાજા કુમારપાળ સોલંકીના પાત્રને ઉઠાવ આપવાં માટે અત્યંત જરૂરી છે એટલાં માટે અહીં મુકું છું.

✔ દંતકથા -૧

➡ જીવહિંસા ઉપર એટલો કડક પ્રતિબંધ હતો કે ગુજરાતમાં માથાની જૂ મારવાની પણ છૂટ નહોતી. માથામાંથી નીકળતી જૂ ઉઘરાવવા માટે રાજ્યના સેવકો ઘરે ઘરે ફરતાં અને તેને પાંજરાપોળમાં મૂકતા હતા.એક વખત એક લખપતિ શેઠને કાયદા સામે ગુસ્સો આવ્યો અને તેમણે જૂ મારી. તે વખતે કુમારપાળ મહારાજાના ગુપ્તચરો ત્યાં હાજર હતા. તેમણે વાતની બાતમી રાજાને આપી. રાજાએ જૂ મારનાર શેઠને ભારે દંડ કર્યો અને તે રકમમાંથી જૂની સ્મૃતિમાં પાટણમાં ‘યૂકા વિહાર’ નામનું એક મંદિર બંધાવ્યું હતું.

✔ દંતકથા – ૨

➡ કુમારપાળ અહિંસક બની ગયા એટલે તેમના કેટલાક સામંતો તેમની મશ્કરી કરવા લાગ્યા કે રાજા તો નિર્માલ્ય બની ગયા છે. કુમારપાળે આવી ટીકા કરતા એક સામંતને બોલાવીને કહ્યું કે આપણે બન્ને ભાલાને પગના પંજામાં ખૂંચાવીને કસોટી કરીએ કે કોણ બહાદુર છે અને કોણ કાયર છે? કુમારપાળે પોતાનો પગ સામંતના પગ ઉપર રાખીને હાથનો ભાલો બંને પગના પંજામાં ખૂંચાવી દીધો. સામંત ચીસ પાડી ઉઠયો, પણ કુમારપાળને કાંઇ થયું નહીં. કુમારપાળ રાજા કહેતાં કે — “બહાદુરી કોઇને મારવામાં નથી પણ કોઇનો જીવ બચાવવામાં છે.”

✔ દંતકથા – 3

➡ એક વખત રાજા કુમારપાળ પૌષધનું વ્રત ઉપાશ્રયમાં રહીને કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથ ઉપર મંકોડો ચોંટી ગયો. અન્ય શ્રાવકો મંકોડાને ઉખેડવાની કોશિષ કરતા હતા પણ તેમ કરવામાં મંકોડાને ઇજા થાય તેમ હતું. કુમારપાળે તેમને તેમ કરતા અટકાવ્યા અને છરી મંગાવી. છરી વડે તેમણે જે ભાગમાં મંકોડો વળગી ગયો હતો તેની ચામડી કાપી નાંખી અને મંકોડાને સહીસલામત દૂર કર્યો. આમ કરતી વખતે તેમના ચહેરા ઉપર બિલકુલ વેદના નહોતી.

➡ આ બધું જૈનકથાઓમાં આવ્યું છે જેનો ઉલ્લેખ ઇતિહાસમાં ક્યાંય પણ થયેલો જોવાં મળતો નથી. રાજા કુમારપાળ અને હેમચન્દ્રાચાર્ય વચ્ચે ગુરુ-શિષ્યનો અવિનાભાવી સંબંધ હતો. તો જો રાજા કુમારપાળની વાત કરતાં હોઈએ તો આચાર્ય હેમચંદ્રને કેમ કરી ઉવેખાય ? એમનાં વિષે તો ઘણું ઘણું જ લખી શકાય તેમ છે અને મહારજ સિદ્ધરાજ જયસિંહ પરનાં લેખોમાં પણ મેં તેમને વિષે વાત કરી જ છે. પણ અહીં ખુબજ ટૂંકાણમાં એમનાં વિષે થોડીક માહિતી આપી જ દઉં !

✔ આચાર્ય હેમચંદ્ર (હેમચંદ્રાચાર્ય ) –

➡ હેમચંદ્રાચાર્યનું મૂળનામ “ચાંગદેવ ” હતું. તેમનો જન્મ ઇસવીસન ૧૦૮૮માં ધંધુકામાં થયો હતો. તેમનાં પિતાનું નામ “ચાચિંગદેવ” હતું અને માતાનું નામ “પાહિણી” હતું. તેમનાં ગુરુનું નામ દેવચંદ્રસૂરિ હતું. ચાંગદેવ જ્યારે ગુરુને ત્યાં ખંભાતમાં ૬ વરસની વયે દીક્ષા લીધી ત્યરે તેમનું નામ સોમચંદ રાખ્યું. જ્યારે દેવચંદ્રસૂરિએ તેમને સૂરિ પડે સ્થાપ્યાં ત્યારે તેમનું નામ “હેમચંદ્ર” રાખ્યું હતું. સાહિત્યક્ષેત્રે ગુજરાતમાં જો કોઈપણ વ્યક્તિનું નામ અને કાર્ય સૌથી વધુ મહત્વનું હોય તો તે હેમચંદ્રાચાર્યનું છે. ગુજરાતના સંસ્કાર- ગંગોત્રી સમા યુગપુરુષ હેમચંદ્રાચાર્ય સર્વે વિષયોમાં પારંગત હોવાથી “કાલિકાલસર્વજ્ઞ” તરીકે પ્રસિદ્ધિ પામ્યાં.

(૧) સિદ્ધહેમ શબ્દાનુશાસન –

➡ હેમચંદ્રાચાર્યે મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ અને અતિપ્રખ્યાત “સિદ્ધહેમ શબ્દાનુશાસન”નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ આઠ ભાગમાં લખાયેલો છે. આ ગ્રંથમાં પહેલાં સાત અધ્યાયો (પ્રકરણો)માં સંસ્કૃત વ્યાકરણનું અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરેલું છે.

(૨) દ્રયાશ્રય –

➡ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ રચ્યાં પછી તે વ્યાકરણનો ભાષામાં કેવી રીતે પ્રયોગ થાય તે સમજાવવા માટે હેમચંદ્રાચાર્યે “દ્રયાશ્રય”નામનું મહાકાવ્ય રચ્યું. હેમચંદ્રાચાર્યનો આ ગ્રંથ કવિ ભટ્ટીના મહાકાવ્ય “ભટ્ટીકાવ્ય”જેવો છે. આ મહાકાવ્ય એક અલગ જ પ્રકારનું મહાકાવ્ય છે. કારણકે આમાં કથાવાસ્તુનાં તાણાવાણાની સાથે શબ્દશાસ્ત્રઅને કાવ્યશાસ્ત્રનાં ઉદાહરણોને વણી લઈને બેવડો હેતુ સિદ્ધ કર્યો છે. એટલે કે એમાં એમાં એકબાજુએ રાજા કુમારપાળ સુધીના સોલંકી રાજાઓનું જીવનચરિત્ર વણી લીધું છે તો બીજીબાજુ વ્યાકરણના નિયમો ઉદાહરણ સાથે સમજાવ્યાં છે.

➡ આ ઉપરાંત તેમને અન્ય બીજાં દળદાર ગ્રંથોની રચના પણ કરેલી છે.

☑ (૧) અભિધાન ચિંતામણી (સંસ્કૃત ભાષાનો શબ્દકોશ)
☑ (૨) અનેકાર્થ સંગ્રહ (સંસ્કૃત ભાષાનો શબ્દકોશ)
☑ (૩) દેશીનામમાલા (પ્રાકૃત ભાષાનો શબ્દકોશ)
☑ (૪) કાવ્યાનુશાસન
☑ (૫) છંદાનુશાસન
☑ (૬) પ્રમાણમીમાંસા
☑ (૭) યોગશાસ્ત્ર
☑ (૮) ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત
☑ (૯) વીતરાગ સ્તોત્ર

➡ આ સિવાય પણ એમણે અનેક ગ્રંથો અને બેસુમાર કાવ્યોની રચના કરેલી જ છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિએ નવવિલાસ, કૌમુદી મિત્રાનંદ જેવાં ૧૧ નાટકો પણ લખ્યાં છે. હેમચંદ્રાચાર્યનું નામ જૈન સાહિત્યમાં પણ ઘણું ઊંચું છે. તેમણે આ ધર્મ માટે પણ ઘણું સાહિત્ય રચ્યું છે અને એના વિષે ઘણાં ઉપદેશો પણ આપ્યાં છે. હેમચંદ્રાચર્યનું અવસાન કુમારપાળ રાજાના અવસાન થયાં પહેલાં ૬ મહિના પહેલાં જ થયું હતું ઈસ્વીસન ૧૧૭૩માં. તેઓએ ઘણી લાંબી જિંદગી ગાળી હતી અને તે પણ એ જમાનામાં ૮૫ વરસ ! આ ૮૫ વરસ તેમણે સોલંકીયુગના સુવર્ણકાળને સુદ્રઢ અને સુવ્યવસ્થિત બનાવવા પાછળ જ કાઢ્યાં હતાં તેમ જરૂરથી કહી શકાય અને પ્રજાને ભયમુક્ત જીવન જીવતાં શીખવાડયું હતું !

➡ હવે રાજા કુમારપાળના લોકકલ્યાણનાં કાર્યોની વાત.
એમાં સૌ પ્રથમ તો શિલ્પ સ્થાપત્યો જ આવે ને !

✔ રાજા કુમારપાળનાં પ્રજાકીય કાર્યો –

➡ કોઈ પણ રાજાનો રાજ્યકાળ એમણે કરેલાં પ્રજાકીય કાર્યો વગર પૂરો થાય જ નહીં આમેય સોલકીયુગ એ એમનાં સુખ્યાત શિલ્પસ્થાપત્યોને કારણે જ એણે સુવર્ણયુગ કહેવાય છે ને ! તો પછી રાજા કુમારપાળ સોલંકી પણ એમાં બાકાત શા માટે રહી જાય ?

➡ રાજા કુમારપાળે સોમનાથ મંદિરના મહંત તરીકે કન્નોજનાં “ભાવ બૃહસ્પતિ”ને નીમ્યા હતાં, જેમને સિદ્ધરાજ જયસિંહ માળવાથી ગુજરાતમાં લાવ્યા હતાં.
આ ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી રાજા કુમારપાળે ભગવાન ભોલેનાથના સોમનાથના મંદિરનો જીર્નોદ્ધ્દાર કરાવ્યો હતો.
કુમારપાળે આનંદપુર (હાલનું વડનગર)ને ફરતો કોટ બંધાવ્યો હતો. તે સમયે નાગર બ્રાહ્મણોનું આ મુખ્ય મથક ગણાતું હતું.
તેમણે અહીંયા શિવાલય પણ બંધાવ્યું હતું.
કુમારપાળે પ્રભાસ પાટણમાં જૈન તીર્થંકર “પાર્શ્વનાથ”નું મંદિર(દેરાસર) બંધાવ્યું હતું.
કુમારપાળે અણહિલપુર પાટણમાં “ત્રિભુવનવિહાર “, “કુમારપાળવિહાર” અને બીજાં ૩૨ વિહારો કે જૈન મંદિરો બંધાવ્યા હતાં.
કુમારપાળે ઝાલોરના કાંચનગિરિ દુર્ગ ઉપર “કુમારવિહાર”નામે જિનાલય પણ બંધાવ્યું હતું.
કુમારપાળે ગરવા ગિરનાર પર ચઢવાના પગથીયાં બંધાવ્યા અને એક મોટો સંઘ કાઢીને ગિરનારની યાત્રા પણ કરી હતી એવું કહેવાય છે.
કુમારપાળે જૈન તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાનની મૂર્તિ કોતરાવી તારંગામાં મુકાવી હતી અને તારંગા મંદિરને એક નવો ઓપ પણ આપ્યો હતો.
કુમારપાલે અણહિલપુર પાટણમાં “કુમારલૈશ્વર”નું મંદિર બંધાવ્યું હતું.
કુમારપાળે શેત્રુંજય અને ગિરનાર પર અનેક વિહારો બંધાવ્યા હતાં.

➡ હવે જે કોઈને ખબર નથી તે કહું છું ડાકોર પાસે આવેલું ગળતેશ્વર મહાદેવ મંદિર પણ રાજા કુમારપાળે બંધાવ્યું હતું
સિદ્ધરાજ જયસિંહે તો આ બંધાવ્યું નહોતું અને કુમારપાળે આ સિવાય સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર પણ કર્યો હતો અને પોતે ચુસ્ત શૈવધર્મી હતો
અંત સમય સુધી પણ એમણે આ શૈવધર્મનો ત્યાગ નહોતો કર્યો . સોલંકીયુગની એક ખાસિયત એ પણ રહી છે કે તેમને શરૂઆતથી બેનમુન શિવ મંદિરો બાંધ્યા હતાં
સિદ્ધરાજ જયસિંહે આમાં ચાર ચાંદ લગાડયા યતો સિદ્ધરાજ જય્સીન પછી બીજું નામ જેમનું લેવાય છે તે રાજા કુમારપાળ પણ આમાં પાછળ શું કામ રહી જાય !
એટલે એમણે જ આ ગળતેશ્વર બંધાવ્યું છે એવાં સાક્ષ્ય પુરાવાઓ પણ મળી જ આવ્યાં છે.
આ આખું મંદિર નવું જ બંધાવ્યું હતું કોઈ જીર્ણોધ્ધાર નહોતો કર્યો.
આ મંદિરના શિખર અને રૂદ્રમહાલયનાં શિખરને સરખાવી જુઓ તો ઘણું સામ્ય દેખાશે !
આ મંદિરની સ્થાપત્ય શૈલીમાં પણ સોલંકી યુગની “મારુ ગુર્જર” શૈલીની છાંટ છે જો કે અ મંદિર એ માળવાની પ્રખ્યાત ભૂમિજા શૈલીમાં બંધાવાયેલું છે
આ ગળતેશ્વર મદિર વિષે મેં પહેલાં લાંબો લેખ લખેલો જ છે એ વાંચી જજો શેરઇન ઇન્ડિયા.ઈનમાં !
પણ આ મંદિર રાજા કુમારપાળે બંધાવ્યું હતું એનો એક પુરાવો આપું.
સોમનાથ મંદિરના પુજારી માળવાના હતાં સિદ્ધરાજ જયસિંહના સમયથી જ તેઓ રાજા કુમારપાળના સમયમાં પણ ચાલુ જ હતાં.
આ માળવાના મહંતશ્રીના કહેવાથી જ રાજા કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.
ત્યાર પછી જ આ ગળતેશ્વર મંદિર બાંધવામાં આવ્યું છે.
ત્યારે સોમનાથના મહંતશ્રી જેઓ મળવાની શૈલીના જાણકાર હોવાથી તેમનાં જ કહેવાથી આ ગળતેશ્વર મંદિરનાં સ્થાપ્ત્યમાં “ભૂમિજા ” શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે !
જો કે એ સમયના પ્રબંધો અને અન્ય સાહિત્યમાં આનો ઉલ્લેખ કેમ નથી એ આશ્ચર્ય પમાડે તેવી વાત જરૂર છે
ઇતિહાસમાં આવાં આશ્ચર્યો તો વારંવાર થવાનાં જ !
તેમ છતાં આજે અ મંદિર રાજા કુમારપાળની અનન્ય શિવભક્તિની સાખ પુરતું ઉભું છે જ !
બીજું એ કે ઇસવીસનની ૧૨મી સદીમાં કુમારપાળ રાજા પછી કોઈએ બહુ સ્થાપત્યો બાંધ્યા જ નથી
અજયપાળ માત્ર ચાર જ વર્ષ રાજ કરે છે.
બાળ મૂળરાજ વતી રાણી નાયકીદેવી રાજકારભાર ચલાવે છે એમાં વળી મોહંમદ ઘોરીનું આક્રમણ થાય છે તેમાં ઘોરી હારે છે
પછી રાજા ભીમદેવ સોલંકી દ્વિતીય રાજગાદીએ આવે છે જેમના સમયમાં આક્રમણો અને વિદ્રોહોએ માજા મૂકી હતી.
જો કે રાજા ભીમદેવ સોલંકીએ ઇસવીસન ૧૧૭૯થી ઇસવીસન ૧૨૪૨ સુધી રાજ જરૂર કર્યું હતું પણ તેમણે ઇસવીસનની ૧૨મી સદીમાં માત્ર ૨૧ વરસ રાજ્ય કર્યું હતું પણ આ ૨૧ વરસમાં એ ઠરીઠામ નહોતાં થઇ શક્યા .
એટલે હરીફરીને વાત રાજા કુમારપાળ પર જ આવીને અટકે છે.
સિદ્ધરાજ જયસિંહે આ નથી જ બંધાવ્યું અને રાજા કુમારપાળે જ આ બંધાવ્યું છે એની સાબિતી તો પુરાતત્વ ખાતું અને ૨૦મી સદીના ઈતિહાસકારો પણ આપે જ છે જે બધે નોંધાયેલું છે જ !
તેમ છતાં આવું કેમ બન્યું એ તમે કલ્પી જ શકો છો? એ વાતનો ફોડ હું અહીં નથી જ પાડતો !
પણ તારતમ્ય એટલું જ કે આ અતિપ્રખ્યાત ગળતેશ્વર મંદિર એ રાજા કુમારપાળે જ બંધાવ્યું હતું !
ઇતિ સિદ્ધમ!

➡ કુમારપાળે હેમચંદ્રાચાર્યને પોતાનાં ગુરુ બનાવ્યા હતાં.
કુમારપાળનાં દરબારમાં રામચંદ્ર, ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, દેવચંદ્ર, વર્ધમાનગણિ, ઉદયચંદ્ર, યશચંદ્ર, બાલચંદ્ર, સિદ્ધપાલ (શ્રીપાલનો પુત્ર) વાગ્ભટ (સોમનો પુત્ર), પ્રહલાદન (આબુના રાજા ધારાવર્ષનો નાનો ભાઈ) વગેરે વિરાજતા હતાં.

➡ સિદ્ધરાજ જયસિંહનાસમયમાંના કવિ શ્રીપાલે કુમારપાળના સમયમાં વડનગર કોટની પ્રશસ્તિ રચી હતી.
મેરુતુંગે કુમારપાળને એક ડાહ્યા રાજા તરીકે ગણાવી “વિચાર ચતુર્મુખ”નું બિરુદ પણ આપે છે.
ઉપર જણાવ્યું તેમ કુમારપાળની પટરાણીનું નામ ભૂપાલદેવી (ભોપાલદેવી) હતું. આનાં સિવાય જલ્હણા, પદ્માવતી વગેરે અન્ય રાણીઓ પણ હતી છતાં પણ તેમને કોઈ પુત્ર ન હતો.
“વાગ્ભટાલંકાર” નામની પ્રખ્યાત કૃતિના રચયિતા વાગ્ભટ હતાં.
આ વાગ્ભટએ સોમના પુત્ર હતાં, ન કે ઉદયનના !
ઉદયન મંત્રીનાં પુત્ર વાગ્ભટ આ સોમના પુત્ર વાગ્ભટનો મિત્ર હતો.
કુમારપાળે “ઉમાપતિવરલબ્દ પ્રસાદ”ની ઉપાધિ ધારણ કરી હતી.
ગુજરાતમાં કુમારપાલના સમયમાં સાહિત્ય, કળા-સ્થાપત્ય તેમ જ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રે ગૌરવયુગ પ્રસર્યો.

➡ એમ કહેવાય છે કે – કુમારપાળને પોતાનાં હેમચંદ્રાચાર્યના અવસાન (ઇસવીસન ૧૧૭૩)થી બહુ આઘાત લાગ્યો હતો. ત્યાર પછી ૬ મહિનામાં તેમની ગાદી મેળવવાની લાલચે તેમનાં ભત્રીજા અજયપાલે તેમને ઝેર આપ્યું હતું અને તેઓ મૃત્યુ પામ્યાં હતાં. જો કે આ ઝેર આપ્યાનો ઉલ્લેખ ઇતિહાસમાં ક્યાંય પણ થયેલો નથી અરે ભાઈ ૮૦ વરસ તો એ જમાનામાં બહુ જ ગણાય એમાં રાજા આટલાં બધાં યુદ્ધો અને અન્ય રાજકીયપ્રવૃત્તિઓ અને પ્રજાકીય વ્યસ્ત હોય એમને માટે તો આ ઉમર ઘણી જ ગણાય. બીજું કે હેમચંદ્રાચાર્યનું અવસાન થઇ જતાં કુમારપાળની અતિમ ક્ષણોનું વર્ણન કરી પણ કોણ શકે એટલે અફવાઓએ જ જોર પકડયું હતું એમ માનીને ચાલવું જ હિતાવહ ગણાય ! એટલું તો નિશ્ચિત છે કે રાજા કુમારપાળના મૃત્યુ અંગે મતમતાંતર જરૂર પ્રવર્તે છે તે સમયના અને અત્યારના સાહિત્યકારોમાં અને ઈતિહાસકારોમાં પણ !

✔ ઉપ સંહાર –

➡ સિદ્ધરાજ જયસિંહ ની કીર્તિને આગળ વધારી અને એમની કીર્તિમાં થોડો વધારો પણ કર્યો. ગુજરાતમાં આજે જો મહારજ સિદ્ધરાજ જયસિંહ પછી જો કોઈનું નામ લેવાતું હોય તો તે રાજા કુમારપાળ સોલંકીનું જ છે. કોણાર્ક વિજય એ આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. સોલંકીયુગમાં ઘણા જૈન મંદિરો બંધાયા હતાં પણ તે આજે હયાત નથી રાજા કુમારપાળના સમયમાં જ જૈન મંદિરોનો વિકાસ વધારે થયો છે. ગીરનાર, શેત્રુંજય અને તારંગા આનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે. અત્યાર સુધી તે જાણીતા નહોતાં થયાં તે રાજા કુમારપાળના જૈનધર્મના સ્વીકાર પછી જ થયાં.જૈનધર્મ પણ ફૂલ્યોફાલ્યો રાજા કુમારપાળનાં સમયથી જ.

➡ જોકે જૈનધર્મનું અસ્તિત્વ તો પહેલેથી જ હતું પણ એનો વિપુલ પ્રમાણમાં પ્રસાર અને પ્રચાર થયો રાજા કુમારપાળના સમયમાં. વાત જો જૈનધર્મના સાહિત્યની કરવી હોય તો ઇતિહાસના ઠોસ પુરાવાઓ આપણને જૈન સાહિત્યમાંથી જ મળી આવે છે

➡ ગુજરાતીઓએ ગૌરવ લેવાં જેવી બાબત એ છે કે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સાહિત્ય પણ આપણને જૈનો પાસેથી જ મળ્યું છે.એટલે કે સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય એ જૈન સાહિત્ય જ છે જે તે સમયે સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું મિશ્રણ હતું અને એટલાં જ માટે આપણને હેમચંદ્રાચાર્યને કારણે ગુજરાતી કહી શકાય એવાં અપભ્રંશ શબ્દો પણ મળ્યા. વ્યાકરણની શરૂઆત પણ હેમચંદ્રાચાર્યે જ કરી હતી .

➡ શુદ્ધ ગુજરાતી સાહિત્ય તો આપણને નરસિંહ -મીરાંના સમયથી જ મળ્યું છે જેને સાહિત્યમાં નરસિંહ -મીરાં યુગ કહીએ છીએ તે ! પણ એની શરૂઆત સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહથી થઇ હતી જે રાજા કુમારપાળનાં સમયમાં વિકસ્યું વધારે !

➡ જૈન ધર્મનાં સિદ્ધાંતો અપનાવવાને કારણે પ્રજાની કુટેવો દૂર થઇ હતી અને તેઓ શાંતિથી હળીમળીને સુલેહભર્યું વાતાવરણ પ્રસ્થાપિત કરી શક્યા હતાં જે ધંધાના વિકાસ માટે ખુબ જ જરૂરી હતું. રાજકીય ઉથલપાથલો પણ શમી ગઈ હતી જે રાજા કુમારપાળની અભૂતપૂર્વ સિદ્ધિ જ ગણાય.

➡ આમ રાજા કુમારપાળનું પ્રદાન એ દરેક ક્ષેત્રમાં અવિસ્મરણીય જ હતું એવું અવશ્યપણે કહી શકાય. ૩૦ વરસનું સારું શાસન એ યાદગાર જ ગણાય. આટલાં વર્ષોના શાસન પછી એમનું ૧૧૭૩માં અવસાન થયું પણ સોલંકીયુગનો અંત નહોતો થયો ! એ જ તો રાજાકુમારપાલની આવડત અને સિદ્ધિ ગણાય !

➡ રાજા કુમારપાળ સોલંકીનો અંતિમ ભાગ સમાપ્ત !
હવે પછીનો લેખ રાજા અજયપાલ, બાળ મુળરાજ અને રાજા ભીમદેવ સોલંકી દ્વિતીય ઉપર! !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય ગિરનાર !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.