Sun-Temple-Baanner

મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૪


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૪


સોલંકીયુગ યશોગાથા ⚔

મહારાજ સિદ્ધરાજ જયસિંહ

(ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩)

——– ભાગ -૪ ——–


कर्णाटे,गुर्जरे लाटे सौराष्ट्रे कच्छ सैन्धवे
उच्चाया चैव चमेयां मारवे मालवे तथा
कौकंणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः
सपादलक्षये मेवाडे दीपा मीराख्ययोरपि ”

– ( कुमारपाल प्रबंध पृष्ठ: १११ )

✅ઈતિહાસ માત્ર યુધ્ધોનો મોહતાજ હોતો નથી એ હંમેશા જે તે યુગમાં એમની પ્રજા કેટલી સુખી છે એટલે કે લોકકલ્યાણનાં કર્યો કેટલાં થયાં છે એનો જ મોહતાજ હોય છે.
યુદ્ધમાં આટલાં સૈનિકો હતાં, આટલું અશ્વદળ હતું,આટલું હસ્તિદળ હતું, તેઓ યુદ્ધમાંમાં ક્યા ક્યા શસ્ત્રોનો ઉપયોગ કરતાં હતાં તેમનાં મંત્રીઓએ આ યુદ્ધમાં શું શું ભાગ ભજવ્યો હતો અને તેમને કેટલી રાણીઓ હતી ? આ બધું એ કાવ્ય અને ગદ્ય સાહિત્યમાં જ સારું લાગે છે ……. ઈતિહાસ તો આની નોંધ સરખી પણ નથી લેતો !

ઈતિહાસ તો આવી વાતને સ્પર્શ્યા આગળ જ આગળ ધપતો હોય છે અને એટલેજ ઈતિહાસ ચિરંજીવ છે નહીં કે ઈતિહાસ કથાઓ!

વળી આ રાણીઓમાં કઈ વધારે મહત્વની હતી તેમને યુદ્ધમાં ભાગ લીધો હતો કે નહીં! જો ભાગ ના લીધો ના હોય તો એમની સુંદરતાના વખાણ કરીને એમણે સતી થવા મજબુર બનાવવા માટે આક્રમણ કે યુદ્ધો નહિ પણ એમને આપવામાં આવતું કથિત મહત્વ જ જવાબદાર હોય છે.

કોઈ નિશ્ચિત પણ એ કહી શકે છે ખરું આ રાણીઓ ફલાણા રાજાની જ કામલોલુપતાને જ કારણે મૃત્યુ મૃત્યુ પામી હતી -સતી થઇ હતી ?

પદ્માવતીની વાત ૧૦૦ ટકા સાચી છે કે એમણે જૌહર કર્યું હતું.
એમાં હાડકાનાં DNA ટેસ્ટને લીધે એ સાબિત થઇ ચુક્યું છે કે રાણી પદ્માવતી સહીત હજારો સ્ત્રીઓએ જૌહર કર્યું હતું. એટલે એ વાત તો સાચી છે જ અને એનો સમયગાળો પણ સાચો જ છે
પણ એની વાત અન્ય અન્ય જગ્યાઓએ સાંકળવાની વાત કેટલે અંશે વ્યાજબી ગણાય ?
ઈતિહાસમાં એનાં પુરાવાઓ તો નથી જ મળતાં ઉલટાનું ઈતિહાસ એમ કહીને છટકી જાય છે કે એવું કહેવાય છે કે એવું મનાય છે તેમ કહીને !

આ વાત સતી રાણકદેવીમાં અવશ્ય લાગુ પાડજો !

✅ ગુજરાતની એક ખાસિયત એ પણ રહેલી છે કે કોઈનેકોઈ વાત ગુજરાત સાથે સાંકળી લેવાની !
આનું પરિણામ એ આવે છે કે ઈતિહાસ બાજુ પર રહી જાય છે અને જન્મ લેતી હોય છે આવી દંતકથાઓ જેને નામ અપાય છે ઈતિહાસ્ક્થાઓનું અને લોકકથાઓનું !
આને જ સાચો ઈતિહાસ માની લેવાનો એક ટ્રેન્ડ અત્યારના સોશિયલ મીડિયામાં ખુબ ફૂલ્યો-ફાલ્યો છે જે ઈતિહાસ માટે નુકશાનકર્તા છે !

ઈતિહાસ કોઈની જાગીર ક્યારેય રહ્યો નથી અને રહેશે પણ નહીં !
ઈતિહાસ એ ઈતિહાસ છે એટલા જ માટે એ અમર છે !

✅ અગત્યની વાત એ છે કે જે રાજા કે રાજવંશ વધારે લોકપ્રિય હોય એમનાં વિષે જ આવી દંતકથાઓ વધુ અસ્તિત્વમાં આવે છે.એ રાજાની કીર્તિને ક્યારેક ચાર ચાંદ લગાવે છે તો ક્યારેક એમની કીર્તિને લાંછન પણ લગાડે છે, પણ છે તો એ દંતકથાઓ જ એટલે એણે જ સાચો ઈતિહાસ ના જ માની લેવાય. જે તે રાજાના કે રાણીના પાત્રને ઉઠાવ મળતો હોય એવી કથાઓ એ સંદર્ભમાં જરૂર મૂકી શકાય પણ જો અગાઉ આવી ગયેલી હોય કે વધારે જગ્યાએ મુકાયેલી હોય તો માત્રેનો ટૂંકસાર આપી આગળ વધવું વધારે સારું ગણાય !
સાર એટલો જ કે – ઈતિહાસ વિષયક લેખોમાં આ દંતકથાઓ-લોકકથાઓને પ્રાધાન્ય અપાય જ નહીં !

રાજા-રાણીની વાત તો ઠીક છે પણ લોકો શિલ્પ-સ્થાપત્યો કે કુદરતી અજાયબીઓ સાથે પણ આવી દંતકથાઓ જોડી દેતાં જરાય અચકાતાં નથી. આવી કથાઓનું પ્રમાણ મહારાજ સિદ્ધરાજ જયસિંહ સાથે જ વધુ જોડાયેલી હોવાથી મેં અહીં લખ્યું છે.

✅ પણ વાત જો મહારાજ સિદ્ધરાજજયસિંહની થતી હોય તો એમને વિષે જ વધુ જાણવું જોઈએ. આવી કથાઓનો ઉલ્લેખ કરી આપણે એમની ચર્ચા કરીશું !

✅ હવે આપણે જ્યાં અટક્યા હતાં ત્યાંથી આગળ વધીએ …..
આ અગાઉના ભાગમાં મેં જે સિદ્ધરાજ જયસિંહના મંત્રીઓ વિષે વાત કરેલી એની થોડીક સમજુતી આપી જ દઉં જે સૌ કોઈએ જાણવી જ જોઈએ !

મહારાજ સિદ્ધરાજ જયસિંહના પદાધિકારીઓ ———

✅ રાજા કર્ણદેવ સોલંકીના સમયનો મહામાત્ય સંપત્કટ (શાંતુ-સાંતૂ) એ મંત્રી મહારાજ સિદ્ધરાજનાં સમયમાં સત્તા પર હતાં અરે કેમ ના હોય રાજમાતા મીનળદેવીએ એમનામાં અખૂટ જો વિશ્વાસ મુક્યો હતો અને એ એ વિશ્વાસમાં ખરા ઉતરેલા જે માળવાના અણહિલવાડ પરનાં આક્રમણ અને રા’ ખેંગારના અણહિલવાડ પરનાં આક્રમણ વખતે એમણે જે કુનેહભરી રીતે અને પોતાની આગવી બુદ્ધિમત્તાથી પાછાં કાઢ્યા હતાં તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે. આવા વિશ્વાસુ અનેબુદ્ધિશાળી મંત્રીને મહારાજ સિદ્ધરાજ જયસિંહ પોતાનાં ખાસ મંત્રી બનાવે એમાં કોઈ જ નવાઈ નથી.

આમાં એક વાત સ્પષ્ટપણે જણાઈ આવે છે કે –

મહારાજ સિદ્ધરાજ જયસિંહને કદર કરતાં આવડતી હતી એટલે જ તેઓ મહાન બની શક્યા અને ગુજરાતની સીમાઓ વધારી શક્યા.

એ પછી મુંજાલ મહેતા સિદ્ધરાજ જયસિંહના સમયમાં એક અગત્યના મહામાત્ય સાબિત થયાં હતાં . રાજા કર્ણદેવ સોલંકી અને રાણી મીનળદેવી વચ્ચે સુમેળ સાધી આપનાર પણ આ જ મહામંત્રી હતાં.

એટલે એવું કહી શકાય કે એમની સલાહ પ્રમાણે રાણી મીનળદેવી વર્ત્યા તો જ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો.

ત્યાર પછી પણ રાજા કર્ણદેવ સોલંકીના અવસાન પછી પણ એમણે રાજમાતા મીનળદેવીને રાજ ચલાવવામાં અને સિદ્ધરાજ જયસિંહને તાલીમ આપવમાં એમનો સિંહ ફાળો હતો.
મુંજાલ મહેતાના કારણે જ સિદ્ધરાજ જયસિંહે ઘણી જીતો મેળવી હતી.

આનું એક દ્રષ્ટાંત પ્રબંધ ચિંતામણીમાં એમનાં વિષે કેલિક વિગતો નોંધાયેલી છે.
“જયારે સિદ્ધરાજ જયસિંહ ધારાનો કિલ્લો લેવામાં નાસીપાસ થયાં હતાં ત્યારે આ મહામાત્ય મુંજાલે કુનેહપૂર્વક જાસૂસો મારફતે જો દક્ષિણનો દરવાજો તૂટે તો ગઢ પડે એવી માહિતી મેળવીને સિદ્ધરાજ જયસિંહને વિજય પ્રાપ્ત કરવાં માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.” એ આપણી કમનસીબી છે કે –
આપણે જે મુંજાલ મહેતાને ઓળખીએ છીએ કનૈયાલાલ મુનશીની નવલત્રયીમાં આવતાં મહામુત્સદ્દી મુંજાલ મહેતાને જ ઓળખીએ છીએ.

ઐતિહાસિક સંદર્ભમાં એમનાં કારણે તેમાં થયેલાં એમનાં ઉલ્લેખને ઉવેખતાં આપણને વાર નથી લાગતી.
જો કે નવલકથા એ ઈતિહાસ નથી અને ઈતિહાસ એ નવલકથા નથી એ વાત અહી પણ એટલી જ લાગુ પડે છે.
પણ આ નવલત્રયીનું મહત્વ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના ઇતિહાસમાં મુઠી ઉંચેરુ છે જે આપણે કેમ નથી સ્વીકારી શકતા ?

આ સંદર્ભમાં બીજી નવલકથાઓ પણ લખાઈ છે જેમકે ગૌરીશંકર જોષી(ધૂમકેતુ)દ્વારા અને જયભિખ્ખુ દ્વારા પણ જો મુંજાલ મહેતાની વાત કરવી હોય તો એનું ઉત્તમ પાત્રાલેખન અને એમની કાર્યશૈલી એ વિશેની જાણકારી આપણને કનૈયાલાલ મુનશી પાસેથી જ પ્રાપ્ત થાય છે.

નવલકથામાં ઘણી છૂટછાટ લેવાય છે જો કે એવું તો બધી નવલકથામાં થાય છે એટલે એને જ સાચો ઈતિહાસ ન જ માની લેવાય પણ ઈતિહાસને સ્પર્શતી નવલકથા – નવલકથાઓ જરૂર મનાય.

કોઈ પણ પ્રકારની તુલનાને આમાં અવકાશ નથી કારણકે બધીજ નવલકથાઓ ઉત્તમ છે જો પ્રાંતવાદ-પ્રદેશવાદના ચશ્માં ઉતારીને જોઈશું તો !
આ બધી જ નવલકથાઓમાં એક વાત તો ઉડીને આંખે વળગે એવી એ છે કે –
એમાં સોલંકીયુગના સુવર્ણકાળને જ હાઈલાઈટ કર્યો છે

જે એક ઉત્તમ કાર્ય ગણાય બાકી તુલનાત્મક કાર્ય એ સાહિત્યિક પરિસંવાદોમાં જ શોભે ઇતિહાસમાં નહીં !
એ વાત અહીં જ સ્થગિત કરીએ અને એક તારણ કાઢીએ કે –
મુંજાલ મહેતા એ મહામુત્સદ્દી અને એક વિચક્ષણ-વિલક્ષણ આભા ધરાવતાં મંત્રી હતાં.
જેની નોંધ ઇતિહાસમાં લેવાઈ છે હું અત્યાર સુધી એમ જ માનતો હતો કે એમનું પાત્રાલેખન એ માત્ર નવલકથામાં જ ઉત્તમ રીતે થયું છે પણ એવું નથી ઇતિહાસમાં પણ એમને એવાં જ બતાવ્યા છે જેવાં છે તેવાં જ ! એનો મને આનંદ છે !

✅ વિક્રમ સંવત ૧૧૭૯-૮૦(ઇસવીસન ૧૧૨૩-૨૪) દરમિયાન અશ્વક અથવા અસુક એ સિદ્ધરાજ જયસિંહના વિશ્વાસુ સરદારોમાં મહત્વનું સ્થાન ધરાવતા હતાં.
જેને આશુક પણ કહેવામાં આવે છે એ મંત્રીની પ્રેરણાથી સિદ્ધરાજે જૈન મંદિર બંધાવ્યું હતું.
વિક્રમ સંવત ૧૧૯૩ (ઇસવીસન ૧૧૩૭)ના લેખમાં મહામાત્ય અંબપ્રસાદનો ઉલ્લેખ મળે છે.

સિદ્ધરાજના વિક્રમ સંવત ૧૧૯૬ ( ઇસવીસન ૧૧૩૯-૪૦)નાં દાહોદમાંથી મળેલા લેખમાંથી સેનાપતિ કેશવનું નામ મળે છે.

દધિપ્રદમાં નીમાયેલા આ અધિકારીએ પોતાની માતાના શ્રેયાર્થે ગોગ્મ નારાયણનું મંદિર બંધાવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્વર આનંદ, પૃથ્વીપાળ, વાગ્ભટ્ટ, ઉદયન વગેરે મંત્રીઓનો ઉલ્લેખ પુરાતન પ્રબંધસંગ્રહમાંથી મળે છે.

આ ઉદયન મંત્રીના હાથમાં ખંભાતનો વહીવટ હતો આગળ જતાં રાજા કુમર્પોઅલ્ન સમયમાં એણે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પુરોહિત પદે સોમ શર્માનો વંશજ કુમાર હતો અને ઉદયભટ્ટનો પુત્ર શોભ એ સિદ્ધરાજનો ઘણો વિશ્વાસુ હતો.

રાજ્ય વિસ્તાર –

✅ સિદ્ધરાજ જયસિંહે જયારે અર્ણોરાજને હરાવ્યો ત્યારે આ ચૌહાણ વંશનું અજમેર જેનું મૂળ નામ અજયમેરુ હતું તેને પોતાનાં સામ્રાજ્યમાં ભેળવ્યું. જે સોલંકીયુગની પશ્ચિમ દિશાની અંતિમ સીમા હતી.
માળવાના રાજાને હરાવ્યો એટલે એમની સરહદ છેક ઉત્તરપૂર્વ સુધી વિસ્તરી.ચંદ્રપુર જે ગોવા અને કર્ણાટકની વચ્ચે આવેલું એક રાજય હતું તેને પોતાનામાં ભેળવીને એમણે દક્ષિણ દિશા સુધી પોતાનાં રાજ્યનો વિસ્તાર કર્યો. સિંધ જીતીને ઉત્તર સુધી પોતાની સીમા વધારી હતી.
આટલું મોટું રાજ્ય એ સોલંકીયુગમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલું હતું.

આ વિશે પણ તે સમયમાં રચાયેલા સાહિત્યમાં એનો ઉલ્લેખ પણ થયો છે.
મહારાજ સિદ્ધરાજ જયસિંહના લેખો સૌરાષ્ટ્રમાં ધાંગધ્રા પાસે ગાળા ગામેથી, ગિરનારના મંદિરમાંથી, કચ્છના ભદ્રેશ્વરમાંથી, પંચમહાલમાં દાહોદમાંથી અને ઉજ્જૈન(માળવા), ઉદયપુર,ભિન્નમાલ,તલવાડા, બાલી (જોધપુર રાજ્ય),સાંભર (જયપુર રાજ્ય)વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયાં છે.

પોતાનો રાજ્ય વિસ્તાર પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ,પૂર્વમાં માં ઉજ્જૈન ને ધારા, દક્ષિણમાં નવસારીથી આગળ લગબગ કલ્યાણ અને ચંદ્રપુર સુધી અને ઉત્તરમાં અજમેરથી આગળના કેટલાંક પ્રદેશો સુધી વિસ્તર્યો હતો.

આ બધું જ તે સમયમાં રચાયેલા સાહિત્ય જેમાં ગ્રંથસ્થ થયેલું છે જેનું અતિહાસિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે.
આમ, સિદ્ધરાજ જયસિંહે સોલંકી યુગના ગુજરાતને હાલના ગુજરાત રાજ્ય કરતાં પણ વિસ્તૃત બનાવ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહના પરાક્રમોએ અણહિલવાડ પાટણના નાનકડા રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં પલટાવી દીધું.

મહારાજ સિદ્ધરાજ જયસિંહને મળેલા બિરુદો –

✅ સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં મળી આવેલાં લેખોમાં એમનાં વિષે જુદા- જુદા વિશેષનો વપરાયેલા જોવાં મળે છે.

સિદ્ધરાજ જયસિંહના પ્રશસ્તિ લેખોમાં એમનાં નામ સાથે “પરમ ભટ્ટારક” અને “મહારાજાધિરાજ પરમેશ્વર” એવા સામાન્ય વિશેષણો પ્રયોજાયેલા છે.

વિક્રમ સંવત ૧૧૯૩ (ઇસવીન ૧૧૩૭)ના ગળાના લેખમાં સિદ્ધરાજ જયસિંહના નામ આગળ સમસ્તબલી વિરાજિત સિદ્ધચક્રવર્તી અવંતિનાથ વગેરે વિશેષણો લગાડેલાં છે.

બીજાં વિક્રમ સંવત ૧૧૯૫ (ઇસવીસન ૧૧૩૯)ના ઉજ્જયનીના લેખમાંથી જયસિંહના નામ આગળ ત્રિભુવનગંડ, સિદ્ધચક્રવર્તી,અવંતિનાથ,બર્બરક જિષ્ણુ વગેરે બિરુદો લગાડેલાં છે.

✅ આ બિરુદોમાંથી કેટલાંક નોંધપાત્ર છે.ઘણાખરાં બિરુદો એમનાં પરાક્રમોની યાદ અપાવે છે.
વળી આ બિરુદો રાજા કર્ણદેવ સોલંકીના “ત્રૈલોકયમલ્લ”ને મળતું આવે છે. સંભવ છે કે આ બિરુદો સિદ્ધરાજ જયસિંહે વિજયપ્રસ્થાન સમયે ધારણ કર્યાં હશે !

આ જે “ત્રિભુવન ગંડ”નું બિરુદ એમણે પ્રાપ્ત થયું છે એ એમને રા’ખેંગાર સામેની જીતમાં અને મળવાનાં નરવર્મા અને યશોવર્માને પરાજિત કર્યો ત્યારે પ્રાપ્ત થયું હતું.

આ સંદર્ભે “ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ”નામની એક અતિપ્ર્ખ્યાત નવલકથા છે જે ધૂમકેતુએ લખેલી છે એ ખાસ વાંચી જજો.એ કેમ પ્રાપ્ત થયું એનો યથાર્થ ચિતાર એમાં રજુ કરાયેલો છે. જયભિખ્ખુની પણ નવલકથા આ સંદર્ભમાં વાંચવા જેવી ખરી !!

✅ “સિદ્ધચક્રવર્તી”નું બિરુદ એમણે જે અજોડ સિધ્ધિઓ મેળવી તેની યાદમાં ધારણ કરેલું જણાય છે.સંભવ છે કે સોરઠની જીત મેળવ્યા પછી એમણે આ બિરુદ ધારણ કર્યું હશે ! આ વિજય પતાકા લહેરાવ્યા પછી જ તથા માળવાના વિજય પછી જ તેઓ જે પહેલાં માત્ર જયસિંહ કહેવાતાં હતાં તેની આગળ એક યથાયોગ્ય વિશેષણ “સિદ્ધરાજ” લાગ્યું

બસ ત્યારથી તેઓ ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાયા !
“અવંતિનાથ”નું ત્રીજું બિરુદ એમણે માલવ વિજય મેળવ્યો એની યાદમાં ધારણ કરેલું જણાય છે અને આ બિરુદ એમનાં ગૌરવનું પ્રતિક છે.

ચોથું બિરુદ એ વિષે તો આપણે આગળ જોઈ જ ગયાં છીએ તે છે — “બર્બરક જિષ્ણુ” !
તે એમણે આ બર્બરક નામનાં ભીલ સરદારને હરાવ્યા પછી એની યાદમાં ધારણ કરેલું માનવામાં આવે છે.
આ બિરુદ તેમણે એ પછી માળવા વિજય કર્યા પછી ધારણ કર્યું હશે એમ માનવામાં આવે છે.

કારણ કે જયસિંહ જ્યારે માળવા જતાં હતાં ત્યારે રસ્તમાં આભીલોના સદારને હરાવ્યો હતો અને એમાં બર્બરકે તેમની સહાય કરી હતી એટલે એ ત્યાર પછી જ ધારણ કર્યું હશે એવું જણાય છે.

આમ, આ સર્વે બિરુદો સિદ્ધરાજ જયસિંહની મહાન રાજવી તરીકેની પ્રતિભાનો ખ્યાલ આપે છે.

✅ હવે મનમાં એક પ્રશ્ન જરૂર ઉદભવે કે શું મહારાજ સિદ્ધરાજ જયસિંહે માત્ર યુદ્ધો જ જીત્યાં હતાં એમણે લોકો માટે શું કર્યું ? લોકોની ધર્મભાવનાને કેટલું માન -મહત્વ આપ્યું ? એમણે ક્યા ક્યા શિલ્પ-સ્થાપત્યો બંધાવ્યા એ વિષે પણ વિગતે છણાવટ કરી જ લઈએ !

સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા –

✅ આ એક પ્રસંગક્થા માત્ર છે એને જ ઈતિહાસ માનીને ના ચાલતાં કોઈ પણ !
પણ આ કથામાં મહારાજ સિદ્ધરાજ કેટલાં હોંશિયાર અને દયાળુ હતાં અને પોતાની પ્રજાનો કેટલો ખયાલ રાખતાં હતાં તેનો એક ઉત્તમ નમુનો છે!
તેઓ કોઈ ધર્મનો ભેદભાવ ન્હોતાં રાખતાં એ જાણવા માટે આ કથા ખુબ જ મહત્વની છે.

✅ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન ખંભાતના પારસીઓ તથા બ્રાહ્મણોએ મુસ્લિમોની મસ્જીદ સળગાવી દીધી હતી. જેમાં ૮૦ જેટલાં મુસલમાનો માર્યા ગયાં.
જો કે એક વાતને વધારી- વધારીને કહેવામાં અને એમાં મોણ નાંખવાની કળા તો ગુજરાતીઓને જન્મજાત જ મળેલી છે.

વાત એટલી હતી તેમાં એ લોકોએ જૈન સંપ્રદાયને પણ જોડી દીધો .
જૈનો પણ આ મસ્જીદ તોડવામાં સામેલ હતાં એમ કહી દીધું .
જયારે જૈનો તો અહિંસક હોય છે તેઓ આવું કરે જ નહીં તેઓ હંમેશા શાંતપ્રિય જ રહ્યાં છે
તેમને આ કથામાં જોડી દેવાનો શું મતલબ ?

કથા કઈ છે મૂળ એતો આમાં ખબર જ નથી પડતી જરાય ?
પણ આગલી કથા કૈંક આવી છે –

અલી નામના એક મુસ્લિમે અહીલપુર પાટણના રાજદરબારમાં ન્યાય માટે ધા નાંખી. સિદ્ધરાજ જયસિંહે આ ઝઘડો ધાર્મિક હોવાથી અને એનાથી ધાર્મિક લાગણી ના દુભાય અને લોકો વધુ ના ઉશ્કેરાય તે હેતુસર અને આવી વાતમાં કોઈનો પણ વિશ્વાસ બિલકુલ ના કરાય એટલે જયસિંહે પોતે છજ્ઞવેશમાં ખંભાત જઈ તપાસ કરી અને મુસ્લિમો સાથે ખરેખર અન્યાય થયો છે તે વાત સાચી જણાતાં તેમણે જે કસુરવારો હતાં તેમને દંડ કર્યો અને ન્યાયપ્રિયતાનો સચોટ પુરાવો આપ્યો.

સાથે જ મુસ્લિમોને મસ્જીદ બાંધવા માટે એક લાખ રૂપિયા પણ આપ્યાં હતા.
આ મત્ર એક કાલ્પનિક વાર્તા જ છે જેને સચ્ચાઈ કે ઈતિહાસ સાથે કોઇપણ જાતની લેવાદેવા નથી.

✅ સિદ્ધરાજ જયસિંહ પોતાનાં કુળની પરંપરાને અનુલક્ષીને અનન્ય શિવભક્ત હતો.
પોતે શૈવ ધર્મનો પરમ અનુયાયી હોવાં છતાં પણ તેઓ જૈનધર્મને પણ સારું એવું માન અને પ્રાધાન્ય આપતાં હતાં.

સિદ્ધરાજ જયસિંહે આ બાબતને અનુલક્ષીને એમ કહેલું કે –
“રાજાએ બધાં ધર્મનાં અનુયાયીઓનું સમાન સમાન રીતે પાલન પોષણ કરવું જોઈએ.”

✅ મહારાજ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં જૈનધર્મનાં પરંપરાગત શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના સમર્થકો વચ્ચે વાદવિવાદ થયો હતો.જેમાં શ્વેતામ્બર સંપ્રદાયનું પ્રતિનિધિત્વ દેવસૂરિએ અને દિગંબર સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કુમુદચંદ્રએ કર્યું હતું.આ વાદવિવાદમાં શ્વેતાંબર સંપ્રદાયનો વિજય થયો હતો.

✅ શું મહારાજ સિદ્ધરાજ જયસિંહ માત્ર એમનાં સામ્રાજ્ય વિસ્તાર એટલે કે યુદ્ધ અભિયાનમાં વિજયપતાકા લહેરાવી એને લીધે જ જાણીતાં થયાં છે ?
તો જવાબ છે – “ના”

માત્ર વિજયોને લીધે કોઈપણ રાજાની ગણતરી મહાન શાસકમાં થાય જ નહીં !
એમનાં પ્રજાકીય કર્યો, તે જમાનામાં સાહિત્ય અને કળાનો વિકાસ કેવો થયો હતો અને એમણે ક્યા કયા મશહૂર શિલ્પ સ્થાપત્યો બંધાવ્યા હતાં તેને લીધે જ તેઓની ગણતરી મહાન રાજાઓમાં થતી હોય છે.
મહારાજ સિદ્ધરાજ જયસિંહની બાબતમાં પણ આમ જ બન્યું છે તો વિષે પણ જાણી લઈએ પહેલાં!

સિદ્ધરાજ જયસિંહના સમયમાં સાહિત્ય અને કળાનો વિકાસ ——-

✅ સિદ્ધરાજ જયસિંહના સમયને ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે, તે સમય દરમિયાન ગુજરાત તેની રાજકીય સ્થિરતા, સમૃદ્ધિ તેમજ કળા અને સંસ્કૃતિના શિખરે બિરાજમાન હતું. મહારાજ સિદ્ધરાજ જયસિંહ સાહિત્ય અને કલાને ખુબ જ માન અને પ્રોત્સાહન આપતાં હતાં.

✅ સિદ્ધરાજ જયસિંહનું અદ્વિતીય કાર્ય અને અભૂતપૂર્વ સિદ્ધિ એ માળવા વિજય હતો. જ્યારે સિદ્ધરાજ જયસિંહે આ વિજય પ્રાપ્ત કર્યો ત્યારે ધારાનગરીમાંથી રાજા ભોજનો સાહિત્યિક ખજાનો પણ પોતાની સાથે અણહિલવાડ પાટણ લેતાં આવ્યાં હતાં.

આ જ તો તેમની અભૂતપૂર્વ સિદ્ધિ હતી અને એટલાં જ માટે તેમનાં નામની આગળ “સિદ્ધરાજ ” વિશેષણ લાગ્યું જે બિલકુલ યથાયોગ્ય જ છે.

આ ગ્રંથો તેઓ પાટણ લાવ્યાં ત્યારે તેમનાં મનમાં બે સવાલો સતાવ્યા કરતાં હતાં કે આ ગ્રંથોનો અભ્યાસ કરીને કોઈ આપણી ભાષામાં નવો ગ્રંથ રચી શકે ખરું કે નહીં!
કેમ ના આપણે આપણી ભાષા વિકસાવી શકીએ ?

આની પાછળ પણ એક દંતકથા પ્રચલિત થઇ છે. તે એ છે કે –
માળવાના રાજાએ આ યુદ્ધ જીત્યાં પછી સિદ્ધરાજ જયસિંહને એમ કહ્યું કે –
” તમે અમને યુધ્દમાં તો જીતી લીધા છે પણ તમે જે સાધનસામગ્રી અહીંથી પાટણ લઇ જાઓ છો એ તો અમારી ભાષા છે. તમે અમને જીત્યાં છે પણ ભાષા ક્યાં તમારી છે ?”

આવો ટોણો સાંભળીને સિદ્ધરાજ જયસિંહને મનમાં બહુ જ લાગી આવ્યું.
તેઓ ત્યાં તો કશું ના બોલ્યા અને બધું લઈને પાટણ આવતાં રહ્યાં.
પાટણ આવીને એમણે તપાસ આદરી કે પાટણમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે આપણી ભાષાનો ઉદભવ કરી શકે ?

એમણે પાટણમાંથી જ એક આવાં વ્યક્તિ મળી ગયાં. —– નામ એમનું હેમચંદ્રાચાર્ય !
એમની આભા, મુખ ઉપરનું તેજ અને એમનું જ્ઞાન જોઇને સિદ્ધરાજ જયસિંહ પ્રભાવિત થયાં.
એ જ્ઞાનસભર મુલાકાતને લીધે સિદ્ધરાજ જયસિંહે એમણે ગુરુપદે સ્થાપી દીધાં.
ત્યારથી હેમચંદ્રાચાર્ય એ સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં રાજગુરુપદે બિરાજમાન રહ્યાં !

✅ સિદ્ધરાજ જયસિંહ ભલે પોતે જાતે સાહિત્યકાર ન હતાં પરંતુ એમણે મહાન પંડિતોને પોતાનાં દરબારમાં આશ્રય આપીને ગુજરાતને ગૌરવવણતું બનાવ્યું.
હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના સમયના એક નરરત્ન હતાં. એમનીવિદ્યાકીય પ્રવૃત્તિમાં ગુજરાતને કીર્તિ અપાવી. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને ભોજ વ્યાકરણગ્રંથને જોઇને એક અલગ પોતાની ભાષામાં વ્યાકરણગ્રંથ રચવા કહ્યું. એમની સહુલિયત માટે કાશ્મીર વગેરે સ્થળોએથી અનેક ગ્રંથો મંગાવી આપ્યાં.
પરિણામે અથાગ મહેનતકર્યાં પછી હેમચંદ્રાચર્યે એક વ્યાકરણ ગ્રંથ રચ્યો જેનું નામ એમણે રાખ્યું —“સિદ્ધહેમ શબ્દાનુશાસન” !

સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ
હેમ એટલે હેમચન્દ્રાચાર્ય
શબ્દાનુશાસન એટલે શબ્દનું અનુશાસન
આ ગ્રંથને પ્રાકૃત – ગુજરાતી ભાષાનો સૌપ્રથમ અને પાયાનો વ્યાકરણ ગ્રંથ માનવામાં આવે છે.
આજે પણ એ એટલો જ મુલ્યવાન છે જેટલો એ જમાનામાં હતો.

✅ હવે… ગ્રંથ તો તૈયાર થઇ ગયો પણ એણે પોતાની પ્રજા વાંચી -સમજી શકે એ માટે એની નકલો પણ તૈયાર કરવી પડે ને !
તે જમાનામ કંઈ પ્રિન્ટીંગ પ્રેસ તો હતાં નહીં અને ઝેરોક્ષ મશીન પણ ન્હોતાં કે નહોતું એ જમાનામાં એડોબી એક્રોબેટ !
તે જમાનામાં તો હસ્તપ્રતો જ તૈયાર થતી હતી .
એક જ ગ્રંથ જે રચયિતાએ પોતે જાતે જ લખ્યો હોય.
બીજી નકલો તો હોય જ નહીં ને!
એટલે મહારાજ સિદ્ધરાજ જયસિંહે પોતાનાં રાજ્યમાંથી અને બહારના રાજ્યમાંથી જુદા જુદા ૩૦૦ લહિયાઓ બોલાવ્યા તેમને પૈસા આપી તેમની પાસે આ મૂળપ્રતની નકલ કરાવડાવી અને અન્ય ભાષામાં સેંકડો નકલો કરાવડાવી .
ત્યાર પછી એમ કહેવાય છે કે –
મહારાજ સિદ્ધરાજ જયસિંહે આ મહાગ્રંથના ગ્રંથભંડારને “શ્રીકર” નામના હાથી પર અંબાડી મૂકી એમાં આગ્રંથને મૂકી હાથીને શણગારી એની નગરયાત્રા કાઢી.
આખા પાટણ નગરમાં વાજતે ગાજતે આ વરઘોડો ફર્યો .
આ શોભાયાત્રાની ખાસ વિશેષતા એ હતી કે –
ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય અને મહારજ સિદ્ધરાજ જયસિંહે બંનેએ પગપાળા ચાલીને એ આખી શોભાયાત્રામાં છેક સુધી ફર્યા હતાં !

✅ હેમચંદ્રાચાર્યે બીજાં અનેક ગ્રંથોની રચના કરી હતી, જેમ કે —-

▶ [૧] દ્રયાશ્રય
▶ [૨] ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર
▶ [૩] દેશીનામમાલા
▶ [૪] છંદાનુશાસન
▶ [૫] અભિધાન ચિંતામણી
▶ [૬] કાવ્યાનુશાસન
▶ [૭] નિઘંટુકોશ
▶ [૮] અલંકાર ચુડામણી
▶ [૯] પ્રમાણ મીમાંસા
▶ [૧૦] દેશીનામમાળા
▶ [૧૧] સંસ્કૃત ભાષાકોશ
▶ [૧૨] વીતરાગ સ્તોત્ર
▶ [૧૩] યોગશાસ્ત્ર
અને અનેક કાવ્યસંગ્રહોની પણ રચના તેમણે કરી છે
આ ઉપરથી એમ જરૂરથી કહી શકાય કે હેમચંદ્રાચાર્ય એક ઉત્તમ સાહિત્યકાર હતાં તે જમાનાના

✅ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં અન્ય પ્રખ્યાત કવિ “શ્રીપાલ” હતાં. સિદ્ધરાજ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને પોતાનાં બંધુ (ભાઈ) માનતાં હતાંઅને તેમને કવીન્દ્ર કહીને સંબોધિત કરતાં હતાં. શ્રીપાલે “વૈરોચન પરાજય નામનો ગ્રંથ પણ લખ્યો છે. આ સિવાય તેમને સહસ્રલિંગ સરોવર જેવાં અનેક સ્થળોની પ્રશસ્તિઓની પણ રચના કરી હતી.

✅ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બીજાં કેટલાંકે પણ સારાં ગ્રંથોની રચના કરી છે
એમાં –
(૧) વાગ્ભટ્ટ – વાગ્ભટાલંકાર
(૨) વર્ધમાનસૂરિ – ગણરત્નમહોદધિ
(૩) આચાર્ય જયમંગલ – કવિશિક્ષા
આ ઉપરાંત સાગરચન્દ્ર,વિજયચંદ્રસૂરી, શ્રીચન્દ્રસૂરિ, નેમિચંદ્રસૂરિ, હરિચંદ્રસૂરિ વગરે અનેક વિદ્વાનોએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી પ્રેરણા લઇ સુંદર અને ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે.

✅ વિક્રમ સંવત ૧૧૬૦ (ઇસવીસન ૧૧૦૪)માં ખંભાતમાં આદિનાથ ચરિત્ર લખાયું.
વિક્રમ સંવત ૧૧૬૪ (ઇસવીસન ૧૧૦૮)માં ચિત્ર સૂદ છઠે સોમવારે પાટણમાં સિદ્ધરાજ જયસિંહના કલ્યાણવિજય રાજ્યમાં જીવસમાનવૃત્તિ લખાઈ.
વિક્રમ સંવત ૧૧૯૩માં હેમચંદ્રાચાર્યના શિષ્યે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સુવ્રતચરિત્ર નામનો ગ્રંથ રચ્યો.

✅સિદ્ધરાજ જયસિંહ પોતે શૈવધર્મી હતાં છતાં પણ જૈનધર્મના સાહિત્યને અને તેના સાહિત્યકારોને સન્માન આપતાં હતાં. આ ઉપરાંત એમણે સત્રશાળાઓ (સદાવ્રતો), પાઠશાળાઓ, છાત્રો માટે આવાસો અને મઠો પણ બનાવડાવ્યા હતાં

✅ આમ, મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યની જોડીને કારણે ગુજરાતને પોતાની ભાષા મળી એનું પોતાનું સાહિત્ય મળ્યું જો કે સાહિત્યમાં આ પ્રાચીન સાહિત્યને જૈન સાહિત્ય કહેવામાં આવે છે ! પણ ગુજરાતને જે જોઈતું હતું તે આખરે મળી જ ગયું !

✅ આગળ જતાં આ ભાષા અને એમાં રચાતું સાહિત્ય નામ કાઢવાનું છે અને જેનો ઉપયોગ આપણે લખવામાં -વાંચવામાં કરવાનાં જ છીએ એ માટે તો આપણે સિદ્ધરાજ જયસિંહ અને હેમ્ચાન્દ્રાચાર્યનો પાડ માનવો જ રહ્યો !

✅ હવે અતિમહત્વની વાત સિદ્ધરાજ જયસિંહના સ્થાપત્યોની તો એનો અલગ સમાવેશ ભાગ -૫માં કરીશું !
ભાગ – ૪ સમાપ્ત !
ભાગ – ૫ હવે પછીના લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.