સતી રાણકદેવી – ગર્વીલ નારી

Ranak Devi - Solanki Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org

✅ ઈતિહાસ ઓછો અને લોકવાયકા વધુ એટલે સતી રાણકદેવી
જગ્યાઓ છે અને વાર્તાઓ છે અને થોકબંધ કવિતાઓ પણ છે
પરંતુ એમાં સચ્ચાઈ કેટલી એ તો રામ જાણે !!!
પણ ક્યારેક કયારેક ઈતિહાસને કોરાણે મુકીને આવી વાર્તાઓ, નવલકથાઓ ,લોકકથાઓ, દુહાઓ અને કવિતાઓ વાંચવામાં આવે તો
જાણે આપણે એજ કાળમાં જીવતાં હોઈએ એવું લાગ્યા વગર રહેતું નથી
ઈતિહાસ પર સારી હથોટી હોવાથી
હું જે કઈ કહીશ તે સત્ય જ કહીશ
જગ્યાઓ છે – ઐતિહાસિક અને ધાર્મિક પણ છે
પણ તે જગ્યાએ આવું જ બન્યું હશે તેવું ચોક્કસપણે તો ના જ કહી શકાય
સ્થળો અને પાત્રો તો બધાં સાચા છે પણ તેમાં આવું જ બન્યું હશે એવું મન માનવા તૈયાર નથી
આ જગ્યાઓ અદ્ભુત પણ છે અને એ નયનરમ્ય અને દર્શનીય પણ ખરી !!!

✅ જયારે પદ્માવતીનો વિવાદ આપણા ભણશાલી ભાઈને લીધે વધ્યો હતો ત્યારે આ નામ પણ ચગ્યું હતું
એ નામ છે સતી રાણકદેવીનું !!!
એન મહાસતી કહેવાની હું ભૂલ નહિ કરું પણ ગુજરાતની એ પ્રથમ સતી હતી
ગુજરાતમાં વર્ષોથી રાજપૂતો -ક્ષત્રિયોનું રાજ્ય હતું
આમ તો આખું ગુજરાત લગભગ ક્ષત્રિયોના તાબામાં હતું બધે એમનું જ રાજ ચાલતું
મુસ્લિમ આક્રમણો થયાં હતાં જે પરમ સત્ય છે
ક્ષત્રિયો લડયા હતા પણ એક થઈને નહીં એ પણ એટલું જ સાચું છે
ગુજરાતની આબરૂ સૌ પ્રથમ તો મહમૂદ ગઝની લુંટી ગયો
પછી મહમંદ ઘોરી અને અલ્લાઉદ્દીન ખીલજી
અલાઉદ્દીન ખીલજી એ ગુજરાતને તહસનહસ કરીને લૂંટવામાં અને મંદિરો તોડીને સોનાના દાગીનાઓ અને મૂર્તિઓ પોતાની સાથે દિલ્હી લઇ ગયો હતો
ભલે મેં એ વિષે લખ્યું હોય પણ હું એ માનવા માટે બિલકુલ તૈયાર નથી
હાથીના પગે સોમનાથનું શિવલિંગ બાંધીને લઇ જવું અને વિજયનગર પોળો ફોરેસ્ટના શરણેશ્વર મહાદેવના શિવલીંગને હાથીને પગે બાંધીને ઢસડતા લઇ જવું
તથા સીરોહીના શરણેશ્વર મહાદેવ મંદિર સાથે પણ અલ્લાઉદ્દીન ખીલજી સાથેના યુદ્ધમાં જોડી દેવામાં આવ્યું
એ જ વાત પદ્માવતી માટે પણ એટલી જ સાચી ઠરે છે
પદ્માવતી વિષે હું ઘણું બધું લખી ચુક્યો છું એટલે એ વાત હું અહી ટાળું છું !!!
આપણે વાત કરવાની છે ગુજરાતની
ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની
ગુજરાતની વીરાંગનાઓની
ગુજરાતના નારી ગૌરવ અને એમની ટેક અને એમના અભિમાનની
ગુજરાતનો સુવર્ણકાળ એટલે સોલંકી યુગ
એ સુવર્ણ કાળનો મહાપ્રતાપી રાજા એટલે રાજા સિદ્ધરાજ જયસિંહ !!!
આ નામને કલંક લગાડવા કેટલીક કિવદંતિઓ પણ જોડી દેવામાં આવી
આમેય ઈતિહાસને મારી મચડીને જ રજુ કરાય છે બધે જ અને એ પણ ૩૦૦ -૪૦૦ વર્ષ પછી જ !!!
આવું છેક ઈસ્વીસન પૂર્વે સિકંદરથી જ ચાલ્યું આવે છે અને જ્યાં ઇતિહાસની વાત આવે છે ત્યાં પણ આવું જ થાય છે
ઈતિહાસ અને સલાવારીની વાત આપણે આગળ ચાલુ રાખશું
પણ અત્યારે જે વાત કરવાની છે એ છે સતી રાણકદેવીની
એમની જ વાત કરીએ એ પહેલાં અ લખવા પાછળનો આશય હું કહી દઉં
આ લખવાની ચાનક આપનાર છે પરમ મિત્ર શૈશવ વોરાની કોમેન્ટ જે મેં મારા પિતાજીની કવિતા “આ ભોગાવો” મૂકી ત્યારે એમાં આવી હતી
આ કાવ્યમાં ત્રણ મિત્રોની મને ઉત્સાહિત કરવા માટેની કમેન્ટ આવી હતી
એક વડીલ પરમ મિત્ર પરેશ નાયકની જે પપ્પાના કાવ્યો પુસ્તકકારે પ્રગટ કરવાની હતી
જેનો અમલ અવશ્યપણે થશે જ
બીજી કોમેન્ટ આ લેખ લખવા સંદર્ભે હતી જે હું અહી મુકું છું

✅ Shaishav H Vora ખૂબ સરસ..
ભાઈ એક વિનંતી ..
આ રચના નું બેકગ્રાઉન્ડ એવી સતી રાણક ની વાત પણ જો આપ લખી ને મૂકી શકો તો નવી પેઢી ને ઈતિહાસ ની જાણ થાય ..🙏🙏🙏
આભાર.. બીજી આપના પિતાશ્રી ની કૃતિ ઓ પણ સમય સમય પર શેર કરશો 🙏

✅ બહુ પહેલાં હું રાણકદેવી પર લખી જ ચુક્યો છું
પણ એ અહીંથી તહીંથી ભેગી કરેલી માહિતી માત્ર હતી
એમાં મારી કલમની અને ઇતિહાસની જાણકારીની છાંટ નહોતી
મિત્રોએ પણ કેટલાંક વેબ પોર્ટલોમાં આ વિશે બહુ સરસ લખ્યું જ છે
પણ મારે મારી આગવી શૈલીમાં લખવું તો હતું જ
માહિતી જ એમની એમ મુકવાથી લોકો કદાચ સાચી વાત અને વિશેષ તો એ ટીપ્પણીઓથી બાકાત થઇ જાય છે
એટલે મારાં મિત્રના સૂચનને હું અનુસરું છું
એક બાર ફિર સે – રાણકદેવી હો જાય !!!
આશય શુભ છે મારો લોકો સુધી ખરેખર સત્ય હકીકત પહોચાડવાનો
જે કાર્ય ખુદ ભાઈ શૈશવ વોરા પોતાના બ્લોગમાં બાખૂબી કરે જ છે
એટલે મને થયું કે કલમને કાટ લાગી જાય એ પહેલાં ફરી પાછો ઈતિહાસ લેખો પર હાથ અજમાવી જ લઉં
આ તો બહુ જાણીતો વિષય છે એટલે એમાં જ મારી કસોટી છે
કારણકે ઘણા બધાંએ ઘણું બધું લખ્યું છે !!!
જોઉં છું હું એ કસોટીમાંથી કેટલો પાર ઉતરું છું તે !!!
ચેલેન્જીસ સ્વીકારવાની મારી આદત બહુ જૂની પુરાણી છે
એટલે આ ઉપાડવાની મને ચાનક આપનાર ભાઈ શૈશવ વોરાનો આભાર માની હું આ લેખના શ્રી ગણેશ કરું છું !!!

✅ ત્રીજી કોમેન્ટ પરમ મિત્ર સુરેશ કલોત્રાની આવી
એ પણ અહીં મુકું છું

✅ Suresh Kalotra વંદન બાપુંજી ને🙏🙏
સુંદર અમીધારા સમાન શબ્દો..!!
કવિરાજ આ કાવ્ય ને ફરી ડીઝીટલ શબ્દો માં મુકજો..!!
શબ્દો થોડાં ઝંખવાય છે..!!
જુનો પત્ર છે એથી..!!
..સર નાં બીજાં પણ કાવ્યો મુકજો..!!
સાથે બાપુંજી નો ફોટો પણ મુકવો
(સન્માન સાથે ફક્ત સુચન)

આ સુચનાનો પણ મારે અમલ કરવો જ હતો
મને એમ હતું કે આ કાવ્ય મારે કોમ્પ્યુટરમાં જાતે લખવું જ પડશે
પણ પછી અચાનક મને ખ્યાલ આવ્યો કે આ કાવ્ય તો મેં વઢવાણના લેખમાં મુક્યું જ છે
એ લેખ તો ના જડયો પણ મને ચોક્કસ ખાતરી હતી કે એ મેં નેટ પરથી જ લીધું છે
આખરે નેટના સ્વૈરવિહારે મને એ માવજીભાઈ ડોટ કોમમાંથી મળી જ ગયું
વિચાર એક એવો આવ્યો કે કેમ ના એક કાંકરે બે પક્ષી મારું
આ કાવ્ય પણ મુકું અને રાણકદેવી પર લેખ પણ લખું
રાણકદેવી પર લખવાનો મને બહુ પહેલેથીજ વિચાર હતો

પિતાજીનું આ કાવ્ય મુક્યું એને ખુબ ધ્યાનથી વાંચ્યું
કાવ્યપઠન પણ કર્યું
ત્યારે મને એમ થયું કે
પપ્પાના આ કાવ્યમાં એક પ્રકારની ચીસ છે …….. વેદના છે
અરેરે એક સમયની સૌરાષ્ટ્રની જાહોજલાલી સમા સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર અતિ મહત્વના સ્થાનક વઢવાણના આ તે કેવાં હાલ !!!
જે છે તે આ જ છે પણ ઇતિહાસમાં કૈંક ખૂટે છે
જે કદાચ સાચું ન પણ હોય
પણ જે છે એની દુર્દશા જોઇને કોઈનું પણ દિલ દ્રવી જાય એ સ્વાભાવિક જ છે
વિગતે શબ્દે શબ્દનું રસદર્શન – વિવેચન કરી જ શકું એમ છું
પણ એ જ વાત તો મારે મારાં આ લેખમાં કરવાની છે
એ કાર્ય બીજાને સોંપી હું આ લેખ પર આવું
આમેય બીજાં કરે એ જ ઉચિત ગણાય
કારણકે આમાં તો મારો પિતૃપ્રેમ અને ગ્રુરૂ પ્રત્યેનો આદર છતો થઇ જાય
એ વાત એટલેથી રહી ……
આવી જઈએ મૂળ વાત પર !!!
અલબત એ કાવ્ય હું અહી અવશ્ય મુકું છું

આ ભોગાવો !?!

લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થઈ પ્હાણ…
સૂસવતી…ભમે સતીની આણ…
[રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા,
પથ્થર પથ્થર પર વરતાતી કોક આસૂરી છાયા!]

કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઊભો ગઢ,
ભેંકાર મહીં માતાના મઢ
વિધવાની વણઝાર સમાં સૌ મકાન…
…વચ્ચે ભમતી ભૂખી ગલીઓ…
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં
-ચૂંદડિયાળાં ચીર!]

પથ્થર-ચીતર્યાં ઘોડા ઘૂમે,
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…

આ ભોગાવો!
કોરી રેતી…… કોરા પ્હાણ……
કાંઠે–
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

-વિનોદ અધ્વર્યુ

હવે આખી વાત સતી રાણકદેવીની
એક વાત તો છે કે આ એક કપોળકલ્પિત વાર્તા એટલે કે લોકશ્રુતિ જ છે
આમેય સૌરાષ્ટ્ર એટલે જ લોકશ્રુતિ
જ્યાં આટલાં બધાં શિલ્પ સ્થાપત્ય વાળા મંદિરો હોય ,
કલાકોતરણી વાળા મહેલો હોય
ઘુમ્મટ અને છત્રીઓ હોય
ગઢ હોય …… સુરંગ હોય
પાળીયાઓ હોય ….. થાંભલાઓ હોય ત્યાં જ આટલી બધી વાર્તાઓ એ કઈ અજુગતું નથી લાગતું કોઈને !!!
ગંદકી પારાવાર અરે એટલે સુધી કે રાણકદેવીના મંદિર પાસે લાગેલું હેરીટેજ સાઈટનું બોર્ડ પણ કોક ઉઠાવી ગયું છે
બાળકોને રમવાની જગ્યા માત્ર બની ગયું છે આ વઢવાણ ગામ
પણ જે પણ લોકોએ વાર્તા બનાવી એમાં આ રાણકદેવીનું મંદિર જ મહત્વનું છે
એક લોકવહેતી વાત એવી પણ છે કે –
વઢવાણનું આ રાણકદેવીનું મંદિર
રાણી રાણકદેવીએ એક જ રાતમાં બનાવેલું
એમાં વળી જૌહરની જગ્યા જ્યાં સેંકડો સ્ત્રીઓએ સન ૧૧૩૦-૪૦માંમાં જૌહર કર્યું હતું
આ જગ્યા બિલકુલ અવાવરી જ છે
આજ ગામમાં એક અવાવરી વાવ છે માધાવાવ
બીજી એક વાવ રણક નામની પણ છે
એ કોણે બંધાવી એ તો કોઈને ખબર નથી !!!
લોકોએ એના પર પણ ચરી ખાવામાં કંઈ બાકી નથી જ રાખ્યું
સરકાર પણ આ બાબતે હજી ઊંઘે જ છે એ ક્યારે જાગ્રત થશે તે કોને ખબર !!!
વઢવાણની ગંદકી ,સરકારની અલિપ્તતા, ૨૦૦ વર્ષ જુના એવા વડના ઝાડના બુરા હાલ
જર્જરિત હાલતમાં લોકોને મરમ્મત બોલાવતું વઢવાણ જોઇને કોઈનું પણ દિલ દ્રવી જાય એ સ્વાભાવિક જ છે
આશરે ૧૦૦૦ વરસ જુના – પૌરાણિક અને ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતા વઢવાણ પર લોકોને સુગ ચડે એ સ્વાભાવિક જ છે
એ વેદના જ આ કાવ્યમાં અને અન્ય સાહિત્યમાં છતી થાય છે
કાવ્યમાં આવતો શબ્દ “સતીની આણ” આ શબ્દ જ રાણકદેવીના નામને જીવતો કરવાં માટે પુરતો છે
આજ શબ્દે મને આ લેખ લખવા પ્રેર્યો છે
એને વિવેચન ગણો તો વિવેચન, રસદર્શન ગણો તો રસદર્શન અને લેખ ગણો તો લેખ
જે ગણો તે ગણો પણ શું ગણો એ તો તમારે જ નક્કી કરવાનું છે
ખ્યાલ રહે આ કાવ્ય ૮૦ના દાયકામાં રચાયું છે
આમ તો વઢવાણનો એક એ સાહિત્યિક પ્રવાસ જ હતો
કદાચ હું જો ના ભૂલતો હોઉં તો એ કનૈયાલાલ મુનશી પરનો જ સેમીનાર હતો
મુનશીજીની નવલત્રયી “પાટણની પ્રભુતા”, “ગુજરાતનો નાથ” અને “રાજાધિરાજ “માં સતી રાણકદેવીનું એમને અદ્ભુત પાત્રાલેખન અને વર્ણન કર્યું છે
એ સેમીનારની તાજી અસર આ કાવ્યમાં જણાય છે એવું મને તો લાગે છે
કારણકે શ્રી વિનોદ અધ્વર્યુ મુનશીજી પર ઓથેન્ટિક માણસ હતાં

✅ હું પણ મુનશીજીનો જબરજસ્ત આશિક
કોલેજમાં ભણ્યો પણ હતો
મુનશીજીને કારણે જ હું કોલેજ ફર્સ્ટ આવી શક્યો હતો
એક વાતનો ઘટસ્ફોટ કરું છું કે
એ વખતે મુનશીની શતાબ્દી હતી
એટલે એમને ભણવાનો મોકો મળ્યો
વાંચતો તો આજદિન પર્યંત જ રહ્યો છું
સતત વાંચનને કારણે એમના પર મનેય હથોટી આવી ગઈ હતી
જે વાત કરવાની છે એ એ છે કે
હું જયારે તૈયારી કરતો હતો વાર્ષિક પરીક્ષાની ત્યારે મને ભણાવનાર મારા પિતાજી એમ કહેતાં કે –
“જય તું રિસ્ક લે છે કદાચ પરીક્ષામાં મુનશીજી ના પુછાય”
મેં કહ્યું -“મને રિસ્ક તો રિસ્ક લેવા દો મને ખાતરી છે કે મુનશીજી આવશે ,આવશે અને આવશે જ
સાથે બીજી પણ તૈયારી તો કરી છે જ ને
તમે મને અને અન્ય બધાં વિદ્યાર્થીઓને મુનશીજી કલાસમાં ભણાવ્યા છે
તમે તો એમના પર અનેક પુસ્તકો લખ્યા છે
એટલે એમને વિષે મને તૈયારી કરવા દો
પુછાય તો ઠીક નહીં તો બીજી તૈયારી તો છે જ !!!”
ત્યાર પછી પપ્પા જે માટે આખા બાલાસિનોર અને ગુજરાતી સાહિત્યમાં એ મરક મરક હાસ્ય માટે એ કર્યું
પણ વાત એટલેથી ના અટકી
મામીનો વલોપાત સતત સતત ચાલુ જ હતો
” આ જય ગાંડો થઇ ગયો છે મુનશીજી ઉતમ સાહિત્યકાર છે પણ પરીક્ષા સાથે એને શું લાગે વળગે ?
બીજી તૈયારી કર નહીં તો ઓલમાંથી ચૂલમાં પડીશ
શું આખો દિવસ મુનશીજી- મુનશીજી લઇ મંડયો છે!!!
પણ હું ના ગાંઠયો તે ના જ ગાંઠયો
મેં મુનશીજી પર જબરજસ્ત તૈયારી કરી
પણ એક વાત તો છે કે વાંચવું એક બાબત છે ,સમજવું-આત્મસાત કરવું એ બીજી બાબત છે અને એને પરીક્ષારૂપી ઢાંચામાં ઢાળવું એ ત્રીજી બાબત છે
આનો અનુભવ મને એ જ વખતે થઇ ગયો
પણ મેં એ અનુલક્ષીને જ તૈયારી કરી
મુનશીજી પુછાયા અને હું કોલેજ ફર્સ્ટ આવ્યો
પરિણામ આવ્યા પછી મને અને મમ્મીને પપ્પાએ કહ્યું કે –
” પેપર સેટર પણ હું જ હતો “
મારાથી એમ તો ના કહેવાય ને કે તું એ જ તૈયારી કર “
મારી ફરજ છે તને ટોકવાની નહીં કે તને હિન્ટ આપવાની
અને એમ હું કરી પણ ના શકું !!!”
મેં કહ્યું –
” વાહ પિતાજી વાહ !!!
વાહ ગુરુજી વાહ !!! “
ત્યાર પછી પણ હું જ્યારે ભાષા સાહિત્ય ભવનમાં એમ એ કરતો હતો
ત્યારે બીજા વર્ષમાં મેં અને બહેન પારુલ ભટ્ટે કાક-મંજરીનો નાટયઅંશ ભજવ્યો હતો
જે જોઇને મુરબ્બી શ્રી ” મનુભાઈ પંચોળી (દર્શક) ખુબ જ અભિભૂત થઇ ગયા હતાં
ત્યાર પછી અમારે ઘરે માત્ર મુનશીજી વંચાતા અને અમે રસપ્રદ ચર્ચાઓ કરતાં
એ લખતાં હું નહોતો લખતો
મેં જયારે ભારતની સંસ્કૃતિ વિષયક અને ભારતના – ગુજરાતના ઈતિહાસ લેખો લખવાનું શરુ કર્યું
ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે આપને જે વાંચ્યું છે પચાવ્યું છે એ લોકો સુધી અવશ્ય પહોંચાડવું જોઈએ
એમાં રાણકદેવી નામ મોખરે હતું અને બીજું રાજા સિદ્ધરાજ જયસિંહનું !!!
એ સપનું છેક અત્યારે પૂરું થયું
પણ …… આ દરમિયાન મેં નેટ પર અને છાપામાં તથા પુસ્તકો અને મેગેઝીનમાં ઘણું વાંચ્યું
એમાં રાણકદેવી અને સિદ્ધરાજ જયસિંહ વિષે ઘણું આવ્યું હતું પણ તોડી મરોડીને
આપણા સોશિયલ મીડિયામાં પણ ઘણું વધારે લખાયું હતું આ વિષે
પણ એમાં જે સચ્ચાઈ ખૂટતી હતી અને એનું નિરૂપણ ખૂટતું હતું તે કરવાનો આ મારો પ્રયાસ માત્ર છે
ગમે તો સ્વીકારો !!!
ગુજરાતના ઈતિહાસ પર શ્રેણી શરુ તો કરવી જ છે પણ એમાં ઘણા વિગતદોષ છે અને જે પ્રાપ્ય માહિતી છે એ અપૂરતી જ છે
પણ તેમ કરવામાં વાંધો નહિ જ આવે પણ વાર જરૂર લાગશે !!!
અત્યારે તો ફરમાઈશ પર સતી રાણકદેવી !!!

✅ રાણકદેવીનું નામ કદાચ ઇતિહાસમાં ના પણ હોય એવું પણ બને
હશે એમ માનીને જ ચાલવું હિતાવહ ગણાય
લોકકથાઓ કે વાર્તાઓમાં ઇતિહાસની સત્યતાનો કોઈ જ દાવો કરી નથી શકાતો
કારણકે જે સમય અતીત બની અવસાન પામ્યો છે એને ઘણી બધી નજરે જોવામાં આવે છે કે આવ્યો હશે
જ્યારે એને ઘણી બધી નજરે જોવામાં આવ્યો હશે ત્યારે અલગ-અલગ વિચારધારાઓણી શકલમાં આ લોકવાર્તા કે લોકશ્રુતિઓ બહાર આવે છે
જો કે આવી કથાઓ બહાર આવતા ઘણા વર્ષો પણ લગે છે
લોકકથાઓ માન્યતાઓ પર આધારિત હોય છે જયારે ઈતિહાસ અનુમાન અને અવલોકન પર
વાર્તાઓને જનસમાજમાં માન્યતા મળે છે પણ ઇતિહાસમાં દરેક જણ બીજો પહેલું જ જોતાં હોય છે
જેને કારણે ઈતિહાસ બહુ જલ્દીથી ભુલાઈ જાય છે અને જન્મ લેતી હોય છે આવી કપોળકલ્પિત વાર્તાઓ
વાર્તાઓ મમળાવી શકાય પણ પણ ઇતિહાસની જેમ એનું આચમન થઇ શકતું નથી

✅ રાણકદેવીની વાર્તા પણ લગભગ લોક માન્યતાઓ પર આધારિત જ છે
પણ એક વાત તો છે બોસ કે આ વાર્તા એ ગુજરાતની શાન છે
જેને ના જાણીએ તો આપણે ગુજરાતને જાણતા જ નથી એવું જ ફલિત થાય
આ વાર્તા અનેક વાર વાંચવી ગમે તેવી જ છે
જેમાં ઘણા પાત્રો અને ઘણા સ્થળો સંકળાયેલા છે
જે આજની યુવા પેઢીએ જાણવા – જોવાં જ જોઈએ
એકાદવાર નહીં રે ભાઈ દસેકવાર !!!

✅ રાણકદેવીની વાત શરુ કરીએ એ પહેલાં થોડી નજર ઈતિહાસ પર નાંખી લઈએ
રાણકદેવીનો જન્મ આશરે સન ૧૦૯૦માં થયો હતો એવું ખાલી દિવ્ય ભાસ્કર જ માને છે
રા ખેંગારની કોઈ ચોક્ક્સ સાલવારી તો પ્રાપ્ત નથી જ થતી
પણ જે કંઈ પ્રાપ્ય માહિતી છે એ પ્રમાણે એ ૧૧મી સદીની શરૂઆતના સમયમાં થયા હતાં
સોલંકીકાળના મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહની ચોક્ક્સ સાલવારી અવશ્ય પ્રાપ્ત થાય છે
ઇસવીસન ૧૦૯૨થી ઇસવીસન ૧૧૪૨
આમાં ખાલી રાણકદેવીની સાલ આશારે આપીને દિવ્ય ભાસ્કર છટકી જવા માંગતું હોય એવું લાગે છે
આ શું દર્શાવે છે ?
એ જ ને કે પાત્રો થયા છે પણ ઘટનાઓ ખોટી છે
મારે એ જ તો સાબિત કરવું છે સાથોસાથ રાણકદેવી વાત પણ કરવી જ છે !!!

✔ રાણકદેવી ગાથા / કથા/ વ્યથા ——–

✅ એક માન્યતા એવી છે કે જૂનાગઢમાં હદમત નામનો કુંભાર હતો
એની એક દીકરી હતી જેનું નામ રાણકદેવી હતું
જેમ જેમ રાણક મોટી થતી ગઈ એની સુંદરતા એટલે કે ખુબસુરતી ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી
ખુબસુરતીએ વેગ પકડયો જાણે !!!

✅ બીજી એક લોકશ્રુતિ અનુસાર કચ્છના રાજાને ઘરે એક બેટીનો જન્મથયો
જે સુંદરતાના અવતાર સમાન હતી
બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી
રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી
રાજાનું નામ છે દેવલ ઠાકોર
જેવો રાણકદેવીનો જન્મ થયો તો રાજાને ત્યાં એક પંડિત પહોંચ્યા તો એ દીકરીનો હાથ જોઈને કહ્યું કે
” આ છોકરી જેના પણ ઘરે જશે એનો સર્વનાશ થઇ જશે
રાજાએ પંડિતની વાત પર ભરોસો કરીને રાણકદેવીને જંગલમાં છોડી આવ્યાં
ત્યાં ફરતાં ફરતાં આ એક કુમળી સુંદર કન્યા હદમત કુંભારને મળી ગઈ અને ત્યારબાદ હદમતે એને પોતાની દીકરીની જેમ રાખીને એનું પાલન -પોષણ શરુ કરી દીધું!!!

✅ વાર્તામાં વળાંક હવે જ આવે છે
રાણકદેવી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેનની સુંદરતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થવા લાગી
એ તો સારું છે કે એ સમયમાં હજી મહમદ ઘોરી કે અલ્લાઉદ્દીન ખીલજી થયાં નહોતાં નહીંતર તેઓએ આ બનેને મારીને રાણકદેવીને સતી થવાં મજબૂર ક્યારનીય કરી દીધાં હોત
એવી પણ વાર્તા પ્રચલિત થઇ હોત
જો એમ બન્યું હોત તો સાલવારી અવશ્ય પ્રાપ્ત થઇ હોત ને !!!
એની સુંદરતાની વાત ચાલુક્ય રાજવંશનાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ અને જુનાગઢના રાજા રા’ખેંગાર પાસે પણ પહોંચી ગઈ
આ બંને રાજવીઓ આમ તો એક બીજાના દુશ્મન હતાં
એમની દુશ્મનાવટનું કારણ હું અહી જણાવતો નથી
કારણકે એ વાત રા, નવઘણ અને રા ખેંગારમાં આવી જ ગઈ છે
એકબીજાથી અજાણ એમ આ બન્ને રાજવીઓ રાણકદેવી સાથે લગ્ન કરવાં માંગતા હતાં
જોકે આની પહેલ રા’ખેંગારે કરી
એટલે એમ કે – રા ખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધાં
આમ તો રાજા સિદ્ધરાજ જયસિંહ પણ રાણકદેવીને પરણવા જવાની તૈયારી જ કરતાં હતાં
પણ ત્યાં એમને ખબર પડી કે રા ખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધાં છે એટલે એમના ગુસ્સાનો પાર જ ના રહ્યો
એ ગુસ્સામાંને ગુસ્સામાં એને મનોમન રા ખેંગારને પોતાનો દુશ્મન ઘોષિત કરી દીધો !!!
આનાથી એમની દુશ્મની શરુ થઇ ગઈ !!!
જયારે કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે —–
રાજા સિદ્ધરાજ જયસિંહે તો જુનાગઢ જવાની કુચ ક્યારનીય આરંભી દીધી હતી
જ્યારે કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે રાજા સિદ્ધરાજ જયસિંહ જયારે પાટણથી દૂર થયાં હતાં ત્યારે રા ખેંગારે પાટણ પર હુમલો કરી દીધો હતો !!!

✅ રા’ ખેંગાર તો જૂનાગઢનો રાજા
જુનાગઢ હોય એટલે ગરવો ગઢ ગીરનાર હોય
ગિરનાર એ પર્વતમાળા છે હલે નાનકડી તો નાનકડી
એ માત્ર એક જ પર્વત નથી
આપણે ગિરનાર જઈએ છે એ તો દર્શન કરવાં
પણ એની ડાબી બાજુએ જૂનાગઢનો પ્રખ્યાત કિલ્લો ઉપરકોટ આવેલો છે
ચાલુક્યો પાટણની શાન વધારતા હતાં તો ચુડાસમા વંશના રાજાઓ જૂનાગઢની
ચુડાસમા વંશના ખેંગાર પહેલાં રા નવઘણ રાજા થઇ ગયો હતો એ પણ અહીં જ રાજ કરતો હતો
એ સમયના ઘણાં સ્મારકો અહી છે જેના નામોલ્લેખ કરવાનું અહીં ટાળું છું
કારણકે એ બધાં આવી જ ગયાં છે !!!
આ રા’ખેંગાર એ ઉપરકોટમાં રહેતો હતો અને એમની પત્ની એટલે કે રાણી રાણકદેવી એ ગિરનારના બીજે છેડે ગિરનાર કિલ્લામાં રહેતી હતી
જૂનાગઢથી ગિરનાર કિલ્લામાં જવાં માટે એક સુરંગ બનાવી હતી
એક લોકવાયકા એવી પણ છે કે રા’ખેંગાર જુનાગઢ શહેર મધ્યે રહેતો હતો અને ત્યાંથી એ રાણી રાણકદેવીને મળવા ઉપરકોટ જતો હતો વાયા સુરંગ
આનો કોઈ જ પુરાવો હજી સુધી મળ્યો નથી
ઉપરકોટ તો પુરાતત્વ ખાતાંના નેજા હેઠળ જ છે
તો એમને એ સુરંગ મળવી જોઈએ ને !!!
જે છે એ ભોંયરાઓ છે કે નાની સુરંગો છે જે છુપાવા માટે અથવા નાસી જવાં માટે બનાવી હોય
પણ જૂનાગઢથી તો કોઈ સુરંગ ઉપરકોટ સુધી નથી જ જતી
પુરાવાને મારો ગોળી ….. વાર્તા સાંભળો ધ્યાનથી કે વાંચો !!!
આ સુરંગ દ્વારા રા ખેંગાર એ રાણકદેવીને મળવા જતો હતો
રાણકદેવી સુધી જવાની ઈજાજત પોતાના સિવાય માત્ર બે જ લોકોને હતી
એ હતાં રાણી રાણકદેવીના ભત્રીજા વિશલ અને દેવલ
રાજા રા’ખેંગાર અને રાણી રાણકદેવી એ બંનેને દેવલ અને વિશલ પર બહુ જ ભરોસો હતો
એક દિવસ રાજા રા ખેંગાર ગિરનાર કિલ્લમાં જઈ રહ્યાં હતાં તો રસ્તામાં એમણે એમણે દેશલને નશામાં ધૂત થઈને પડેલો જોયો
રા’ખેંગાર બહુ જ નારાજ થયાં અને ગુસ્સે પણ ભરાયા
તેમણે તરત જ વિશલ અને દેવલને દેશનિકાલ કર્યા !!!
એ સમયે દેશનિકાલનો અર્થ એવો હતો કે એમના રાજ્યમાંથી એમને જતાં રહેવાનું
પછી એને જ્યાં જવું હોય ત્યાં જાય મતલબ કે બીજાં જે પણ કોઈ રાજયના રાજા પાસે એ આશરો માંગવા જઈ જ શકે છે !
ખયાલ રહે એ સમયે ભારતવર્ષ શબ્દ પ્રચલિત નહોતો એટલે ભારત છોડીને જતાં રહેવાનું તો કહી જ ના શકાય
આમેય ગુજરાતના લોકો એ સમયે ગુજરાત છોડીને ક્યાય જતાં રહેતાં નહોતાં !!

✅ આટલે સુધીની ઘટના એ બિલકુલ પદ્માવતીને મળતી જ છે ને !!!
જો કે પદ્માવતી એ રાણકદેવી પછીથી થયેલી છે
પણ ઘટનામાં – કથામાં ઘણું ઘણું સામ્ય છે
ગુજરાતમાં જ રા’ખેંગારનો દુશ્મન અને ગુજરાતનો મહાપ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ જો રહેતો હોય તો તો પછી દિલ્હી સુધી લાંબે થવાની શી જરૂર ?
આમેય રાજા સિદ્ધરાજ જયસિંહને રા’ખેંગાર સાથે બાપે માર્યા વેર હતાં
દેવલ અને વિશલ પ્રતિશોધની અગનજવાલામાં જલતા હતાં
તો અણહિલવાડ પાટણ (અત્યારનું પાટણ )માં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ રા’ ખેંગાર પર વેરની વસુલાત કરવાની ફિરાકમાં જ હતાં
દેવલ અને વિશલ જઈ પહોંચ્યા પાટણ
મદદ માટે ધા નાંખી રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે
આ બંને એ રા’ખેંગાર અને રાણકદેવીના બધાં જ કચ્ચા ચિઠ્ઠા રાજા સિદ્ધરાજ જયસિંહ આગળ ખોલી દીધાં
હવે રાજા સિદ્ધરાજ જયસિંહના મનમાં રાખેંગાર પર વેર લેવાની ઈચ્છા બળવત્તર બની
એને હરાવી શકાય છે અને સાથોસાથ રાણકદેવીને મેળવી શકાય છે એ આશયથી એમણે સૈન્યને જુનાગઢ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો !!!

✅ વાત તો જાણે એટલી જ છે કે- રાજા સિદ્ધરાજ જયસિંહે કુચ આરંભી જૂનાગઢથી પાટણ વાયા વઢવાણ
હવેજ ચિત્રમાં આવે છે આ વઢવાણ અને હજી પણ આવવાનું જ છે આ વઢવાણ
વઢવાણ વિષે આલપઝલપ વાતો આપણે પછી કોઈકવાર કરશું
પણ જો મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જવું હોય તો આ ઝાલાવાડ એટલે કે વઢવાણ જ એનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું
વઢવાણ પછી જ સૌરાષ્ટ – સોરઠ શરુ થાય
સેન એ જમાનામાં એટલો લાંબો રસ્તો કાપવો હોય તો એને રસ્તામાં ક્યાંક તો વિસામો લેવો જ પડે ને !!!
રાજા સિદ્ધરાજ જયસિંહ આ અગાઉ પણ વઢવાણમાં વિસામો લઇ ચુકેલા એટલે એટલે એમને આ સ્થાન સાથે મોહસંબંધ હતો
આ વખતે પણ રાજા સિદ્ધરાજ જયસિંહની સેનાએ પડાવ નાખ્યો વઢવાણમાં
મહાપ્રતાપી રાજા હતો અને ગુજરાતમાં એમનો સુવર્ણયુગ ચાલતો હતો એટલે એમની સેના પણ વિશાળ હોય એ સ્વવાભિક જ છે
હવે કલ્પના અને લોકવાયકાએ વેગ પકડયો
ખોટી સરખામણી અને પંચમહાલનાં રાજાને “બાબરા ભૂત”ને નામે વશ કરનારો “બર્બરક જિષ્ણુ” મહાપ્રતાપી રાજાને ઉણો ઉતરવામાં કોઈએ પાછી પાની નથી જ કરી
એનું પિષ્ટપેષણ કરીએ પહેલાં લોકોએ હું હું લખ્યું છે કે કીધું છે એ તો જોઈ લઈએ – જાણી લઈએ !!!

✅ ઉપરકોટ પર ચડી કરી રાજા સિદ્ધરાજ જયસિંહે
લોકોએ એમ લખ્યું કે ગુજરાત અને સોરઠની સેના આમને સામને થઇ
આ માત્ર ધીંગાણું જ હતું કોઈ મોટું યુદ્ધ તો હતું જ નહીં
છતાં એને વર્ષો સુધી ચાલનારા યુધ્ધમાં ખપાવવામાં – વર્ણવવામાં આવે છે
શા માટે આવું ભાઈ હેં ભાઈ હેં !!!
ઇતિહાસમાં સૌથી લાંબો ઘેરો એ અલાઉદ્દીને રણથંભોરને જીતવા માટે નાખેલો એનું નામ આવે છે
આ વાત કપોળકલ્પિત નથી કારણકે ઈતિહાસ માતાએ પ્રમાણભૂત ગણાતા એવાં સાહિત્યપ્રકાર રાસો સાહિત્યમાં એનો ઉલ્લેખ છે
પડકારાનારાઓ તો એને પણ પડકારશે
ખેર જવા દો એ વાત !!!
જો આ લોકશ્રુતિ હોય તો એમાં સરખામણી શા માટે ?
સરખામણી મારવાડ કે મેવાડ સાથે શા માટે જે સાલવારી છે એ તો મહાન રાજવી પૃથ્વીરાજ ચૌહાણ પહેલાની છે
કારણકે પૃથ્વીરાજ ચૌહાણનો સમય છે અલબત રાજગાદીનો ઇસવીસન ૧૧૭૮ થી ઇસવીસન ૧૧૯૨
જો પૃથ્વીરાજ વિષે પણ માંડ માંડ માહિતી ઉપલબ્ધ થતી હોય તો
રાખેંગાર અને રાણકદેવી અને સિદ્ધરાજ જયસિંહ વિષે લોકો ઠોસપૂર્વક એમ કઈ રીતે કહી શકે કે આમ જ બન્યું હશે !!!
એટલો લાંબો ઘેરો અને એટલું લાંબુ યુદ્ધ થયું જ નથી
એમ માનીને આપણે રાણકદેવીની વાત આગળ વધારીએ
તો શું થયું હશે?

✅ લખનારા ભલે લખે કે સિદ્ધરાજની સેના ઉપરકોટનો કાંગરો પણ ના ખેરવી ના શકી જુનાગઢ કેટલાંય ચોમાસાઓ વીત્યા છતાં ઝૂકતું નથી ઉપરકોટનો સૂર્ય અસ્ત થતો નથી
એટલે કે રા ખેંગાર હારતો નથી
હવે એજ જૂની ચવાયેલી વાતનો સહારો બધાં લે છે એમ એ છે વિશ્વાસઘાતનો
કોણ કરે તો એ તો પહેલેથીજ સિદ્ધરાજ જયસિંહની સાથે જ હતાં અત્યારે વિશ્વાસઘાતનો કોઈ પ્રશ્ન જ નથી
એતો પહેલેથી જ થઇ ચુક્યો હતો વિશલ અને દેવલને દેશનિકાલ કર્યા ત્યારે જ
તેઓ સિદ્ધરાજ જયસિંહને જઈ મળ્યા ત્યારે જ

✅ જે થયું હતું તે આ છે
લડાઈ – ધીંગાણુ થયું
ઉપરકોટમાં રા’ ખેંગારને મારી નાંખવામાં આવ્યો
સ્વાભાવિક છે કે રાજા મરાય એટલે ગઢનું પતન થાય
જે થયું આખરે તો એવું કરતાં કેટલો સમય લાગ્યો એ જુદી વાત છે !!!
પણ રા ખેંગાર માર્યા પછી જ દેવલ -વિશ્લની દગાબાજી અને વિશ્વાસઘાતનો પુરાવો મળે છે
જે સુરંગ દ્વારા રા ખેંગાર ગિરનાર કિલ્લામાં રાણકદેવીને મળવા જતો હતો એ તો હજી ત્યાં જ છે
અલબત એ એનાં બે પુત્રો સાથે ત્યાં રહેતાં હતાં
દેવલ અને વિશલેજ અ માર્ગ રાજા સિદ્ધરાજ જયસિંહને બતાવ્યો
કિલ્લાના દરવાજા બંધ હતાં
પણ દેવલ અને વિશલનો પરિચિત અવાજ સાંભળી રાણી રાણકદેવી ખુશખુશાલ થઇ જય છે હરખપદુડી થઈને દરવાજા ખોલે છે
તો સામે સિદ્ધરાજ જયસિંહને ઉભેલો જુએ છે
તેના બે બાળકો પણ ત્યાજ દોડતાં આવે છે
સિદ્ધરાજ જયસિંહ એને મારી નાખે છે
કોઈ કહે છે કે એક બાળકને મારી નાંખ્યો તો કોઈ એમ પણ કહે છે કે બંને બાળકોને મારી નાંખ્યા
બાળકોના મૃત્યુ પછી રાણકદેવી સાનભાન ગુમાવી બેસે છે
એજ સમયે એમને ખબર પડે છે એમના ખાવિંદ રા’ખેંગાર માર્યા ગયા છે
તો સિદ્ધરાજ જયસિંહ તો રૂપરૂપના અંબાર સમી આ યુવા સ્ત્રીને જોતો જ રહી જાય છે
એને પામવાની ઈચ્છા બળવત્તર બનતી જાય છે
આખરે એને ખભે નાખીને ગિરરનાર પરથી પાટણ લઇ જાય છે
ક્યારેક ખભે નાખીને તો ક્યારેક એને ખેંચીને કે ક્યારેક એને ઢસડીને ગીરનાર પરથી સૌ પ્રથમ તો જુનાગઢ લઇ જવામાં આવતી હોય છે
આ જ વખતે રાણકદેવી ગરવા ગઢ ગિરનારને સંબોધીને આજીજી ભર્યા સ્વરમાં કહે છે —

✅ ઊંચો ગઢ ગિરનાર,
વાદળથી વાતું કરે
મરતા રા’ખેંગાર
રંડાયો રાણકદેવીને,
ગોઝારા ગિરનાર
વળામણ વેરીને થયો,
મરતાં રા’ખેંગાર
ખરેડી ખાંગો નવ થિયો?

✅ સોરઠી ભાષાનો આ ઉત્તમ નમુનો છે
ભાષાની જલદતા આમાં જ પરખાય છે
હવે એક ચમત્કારિક ઘટના બને છે
આવું સાંભળીને ગિરનાર સળવળવા માંડયો – ડોલવા માંડયો
કહો કે ખળભળવા માંડયો
મોટી મસ શીલાઓ નીચે ધસમસવા માંડી
હવે રાણકદેવીને થયું …….આ તો વગર કારણે મહાવિનાશ નોંતરાશે
આવો મહાવિનાશ નોતરવાની એમની જરાય તૈયારી નહોતી
એટલે એમણે ગિરનારને ફરી સંબોધીને કહ્યું કે —–

✅ મા પડ મારા આધાર
ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર,
જીવતાં જાતર આવશે!

✅ તો યકબયક ગિરનારનું હાલવું એકદમ બંધ થઇ ગયું
શીલાઓ પડવી બંધ થઇ ગઈ
પણ એક શીલા આજે પણ ૯૦૦ વર્ષ પહેલેથી અધ્ધર લટકેલી છે
એ શીલા ઘણી મોટી છે પર્વતારોહણમાં પર્વતારોહકો ત્યાં અ એ શીલા નીચે આશરો લે છે
એ શીલા આ ખળભળાટ થયા પછી રાણકદેવીના સતથી જ અધ્ધર લટકી રહી છે એમ કહેવાય છે
ત્યાં સતીના થાપા પણ છે જે આજે “રાણકના થાપા” તરીકે ઓળખાય છે

✅ ઉપરકોટ સાથેસાહિત્યકારો અને સાહિત્યને ઘેરો સંબંધ છે
૧૯૬૯માંગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં યોજાયું ત્યારે સાહિત્યકારોને ઉપરકોટ લઇ જવાયા હતાં
લગભગ એ સાહિત્ય પરિષદ અધિવેશનમાં બધાજ ડેલીગેટો- સાહિત્યકારો હાજર હતાં
ઉપરકોટનાં પગથિયાં પર ઊભા રહીને આપણા શતાયુ વિદ્ઘાન કે.કા.શાસ્ત્રીએ ઉમાશંકર જોષીને કહ્યું-
“જુઓ, જુઓ, ઉમાશંકર! આ ઉપરકોટનાં પગથિયેથી લાલઘૂમ અગનજવાળા જેવી રાણક નીચે ઉતરી હતી
એ વખતના સાહિત્ય પરિષદનાપ્રમુખ શ્રી ક.મા. મુનશી જ આ સાહિત્યકારોને ઉપરકોટની ખૂબીઓ બતાવતાં હતાં
કનૈયાલાલ મુનશીએ આ પગથિયાં અને રાણકના ૨૫-૨૫ પગલાંનું વર્ણન તેમની નવલકથામાં કર્યું છે
જે વાત કોઈને ખબર નથી એ હવે હું કહું છું
આ સાહિત્ય પરિષદના મંત્રી મારાં પરમ પૂજ્ય પિતાશ્રી જ હતાં
તેઓએ મુનશીજીને પૂછ્યું
” તમે જે રીતે વર્ણન કરો છો એ જોતાં એવું લાગે છે કે તમે આ ઉપરકોટ અનેકોવાર આવી ગયા છો
અને તમે ઉપરકોટને આત્મસાત કર્યો હોય એમ લાગે છે !!!”
ત્યારે મુનશીજી એ કહ્યું —–
” હું પહેલી જ વખત જુનાગઢ આવું છું ……. કિલ્લાઓ આવા જ હોય એટલે હું વર્ણન કરી શક્યો છું !!!”
અકલમંદ કો સિર્ફ ઇશારા હી કાફી હૈ !!!
પપ્પાના “આ ભોગાવો ” કાવ્યમાં
[હજીય ઝંખે કંકુપગલાં
-ચૂંદડિયાળાં ચીર!]
આ જે પંક્તિ છે એ મુનશીજીની જ દેન છે ૨૫-૨૫ પગલાંની
ચૂંદડિયાળાં ચીર એ લટકતી શીલા અને રાણક થાપાને તાદ્રશ કરવાં માટે પુરતી છે
જો કે એનો સીધો સંબંધ વઢવાણ સાથે છે !!!

✅ હવે પાછી મૂળવાત આગળ ધપાવીએ
રાજા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઇ જવા લાગ્યાં
પાછા ફરતાં કોઈ શોર્ટકટ તો હતો નહીં એ જમાનામાં
એટલે જે રસ્તે પાચા આવ્યાં હોય એજ રસ્તે પાછા ફરાય
ઘોડા ભલે બદલાય પણ રસ્તો નહીં !!
જેવો વઢવાણમાં પડાવ નાંખ્યો એટલે રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને રાણી બનવા બનવા માટે ઓફર મૂકી
રાણકદેવીએ આનો સાફ ઇનકાર કરી દીધો
રાણકદેવીના મનમાં હતું કે રાજા સિદ્ધરાજ જયસિંહ મારી સાથે બળજબરી કરશે ‘
એટલે એમને સતી થવાનું – જૌહર કરવાનું મુનાસીબ સમજ્યું
જો કે જૌહર શબ્દ લગભગ ૧૦૦ – ૧૫૦ વરસ પછી અસ્તિત્વમાં આવ્યો છે
ચિતા પર ચડતાં – બલિદાન આપતાં એમને રાજા સિદ્ધરાજ જયસિંહને કહ્યું કે –
“મને પામવાની લાલસા છે ને?
તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇ જા
કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે !!!”

✅ અગન ચિતા પર તેઓ ચડયા ત્યારે તેમણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું –
”જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે
તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે
આપણે બન્ને એક સરખા છીએં “

✅ આમ એમણે એક પ્રકારનો શ્રાપ આપ્યો આ ભોગાવો નદીને
કહેવાય છે કે ત્યારથી આ ભોગાવો નદી સુકાઈ ગઈ હતી
એમાં પાણી આવતું જ નહોતું !!
જ્યારે હકીકત કઈ ઓર જ છે નદીમાં પાણી હોય છે પણ ગંદુ
જો વરસાદ આવે ત્યારે એ છેક રાણકદેવીના મંદિર સુધી આ સમગ્ર સંકુલમાં જ્યાં રાણકદેવી અને અન્ય મંદિરો છે ત્યાં સુધી પાણી આવી જાય છે- ભરાઈ જાય છે

✅ રાણી રાણકદેવીએ શ્રાપ આપ્યો એ દરમિયાન રાણીના કેટલાંક વિશ્વાસુ સિપાહીઓ વઢવાણ પહોંચી ગયાં
કોઈ કહે છે કે તેઓ પીછો કરતાં કરતાં ત્યાં આવી પહોંચ્યા હતાં
તો કોઈ એમ પણ કહે છેકે અહી રાણકદેવીના મંદિર પાસે એક સુરંગ છે જે ભોગાવો નદીની નીચેથી છેક જુનાગઢ- ગિરનાર નીકળે છે ત્યાંથી તેઓ આવ્યાં હતાં
આટલી લાંબી સુરંગ હોઈ જ ના શકે કારણકે વઢવાણથી તો જુનાગઢ ખાસું દૂર છે
પણ આ સૈનિકો અહીં આવ્યાં ત્યારે તેઓ અને સિદ્ધરાજ જયસિંહના સૈનિકો વચ્ચે ફરી પાછું ધીંગાણુ થયું હતું
અને રાણકદેવીના એ બધાં સૈનિકો અહીં કપાઈ મર્યા હતાં
જે પાળિયા જેને વઢવાણના વયોવૃદ્ધ લોકો અને પેઢી દર પેઢીથી એને લોકદેવતાઓ કહે છે એ આ શહીદ થયેલા સૈનિકો જ છે !!!
આવો ભયંકર વિનાશ જોઇને જ રાણી રાણકદેવીએ પોતાની સમગ્ર દાસીઓ સાથે સતી થવાનું – જૌહર કરવાનું નક્કી કર્યું હતું
અને એને ત્વરિત અમલમાં પણ મુક્યું !!!!

✅ એક લોકશ્રુતિ એવી પણ છે કે ધરતી ફાટી અને રાણી રાણકદેવી એમાં સમાઈ ગઈ
એવું પણ કહેવાય છે કે જ્યાં રાણકદેવી ધરતીમાં સમાઈ હતી ત્યાં એક સાડીનો એક છેડો ઉપર નજરમાં આવ્યાં કરતો હતો
લેકિન – કિન્તુ – પરંતુ એ કોઈએ જોયું નથી !!

✅ વઢવાણ ગઢની ચારે તરફની દીવાલોની નીચે એટલે કે એની જે મોટી દીવાલ હોય છે એની નીચે અનેક લોક્દેવાતાઓની મૂર્તિઓ છે તે આ લડાકુ સૈનિકોની જ છે
આ સિવાય અસંખ્ય મૂર્તિઓ અને પાળિયા રાણકદેવીના મંદિરની આજુબાજુ પણ છે
આ રાણી રાણકદેવીની વાર્તા પર લોકોને અતુટ વિશ્વાસ છે અને લોકો એમને પુરતી શ્રધ્ધાથી અને આસ્થાથી પૂજે પણ છે
કહેવાય છે કે આ મંદિર રાણી રાણકદેવીએ ખુદ એક જ રાતમાં બંધાવ્યું હતું
આ હતી ગુજરાતની ગર્વીલ નારી રાણકદેવીણી અમર કથા
રાણકદેવી એટલે ગુજરાતની ટેક
રાણકદેવી એટલે ગુજરાતનું આત્મસન્માન
રાણકદેવી એટલે ગુજરાતનું સ્વાભિમાન
રાણકદેવી એટલે ગુજરાતનું નારી ગૌરવ
ટૂંકમાં
રાણકદેવી એટલે ગુજરાતની શ્રદ્ધા અને અપાર આસ્થા એટલું જરૂર કહી શકાય

✔ વિશેષ ટીપ્પણી ——-

✅ રાજા સિદ્ધરાજ જયસિંહ મહિલાઓનો શોખીન હતો
જે સરાસર એક જુઠ જ છે
એ વાત પરથી જ આવી કથાઓ ઉપજાવવામાં આવી છે
જસમા ઓડણ પણ આનું જ એક દ્રષ્ટાંત છે
જે વાત ભોગાવો માટે કહી હતી રાણી રાણકદેવીએ એવી જ વાત સહસ્રલિંગ તળાવ વખતે વીર મેઘ માયાની છે
આમ તો આવી અનેક કિવદંતિઓ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ ઐતિહાસિક સ્મારકો , મંદિરો અને વાવો વિષે પણ પ્રચલિત છે જ
રાજા સિદ્ધરાજ જયસિંહે અનેક ધર્મ માટે અનેકો આ મંદિરો બંધાવ્યા હતાં અને અનેકો ઐતિહાસિક સ્મારકો બનાવડાવ્યા હતાં
અમદાવાદમાં એક-બે વાવ રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી
ઉત્તર ગુજરાત એમાં ય ખાસ કરીને પાટણ- વિજયનગર પોળો ફોરેસ્ટમાં સોલંકીયુગીન મંદિરો ભલે ખંડેર અવસ્થામાં પણ એમની જાહોજલાલી અને ઈતિહાસ્ની શાખ પૂરતાં આજે પણ ઊભાં છે
સિદ્ધપુરનો રુદ્રમાળ એ રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું ઉત્તમ સ્મારક છે !!!
સાવલ એ છે કે જે માણસ ગુજરાતનો મહાન રાજા ગણાય છે
અરે ગણાય છે નહીં છે જ નિર્વિવાદ પણે એને ખરાબ ચિતરવા પાછળ લોકોનો શું આશય હોઈ શકે એ જ મને તો ખબર નથી પડતી !!!
કારણ હું તો સમજ્યો છું તમે પણ સમજી જાઓ તો સારું છે
હું વિગતે ફોડ પાડવા નથી માંગતો !!!
ગુજરાતે યુદ્ધનો સ્વાદ ચાખ્યો જ નથી જયારે જોઈ છે ત્યારે એણે તાબાહી જ જોઈ છે
કારણકે ગુજરાતના રજાઓ કાં તો અયોગ્ય હતાં અથવા નાનાં રજવાડાઓમાં વહેંચાયેલા હતાં
આ અમારું સૌરાષ્ટ્ર
આ અમારું ઝાલાવાડ
અ અમારું કચ્છ
આ અમારું વડોદરું
આ અમારું સુરત
આ અમારું ચરોતર
આ અમારું અમદાવાદ
આ અમારું રાજકોટ
આ અમારું ભાવનગર
કોઈ એમ કેમ નથી કહેતું
આ અમારું પ્યારું ગુજરાત !!!
આનો જ ફાયદો આવી લોક્શ્રુતિઓનો અને આપણે એક નથી થઇ શકયા એનો બીજાં રાજાઓ ઉઠાવતાં રહ્યાં છે અને ત્યારે જાતિવાદને નામે ઉઠાવતાં રહેશે
આપણે એક નથી એ આપણે સ્વીકારી શકવાને અસમર્થ જ છીએ !!!!
જેટલાં જલ્દીથી સ્વીકારીએ તો સારું છે નહીતો સ્વૈચ્છિક ગુલામી નિશ્ચિત જ છે !!!

✅ રાણકદેવીની વાતમાં એટલું તો સ્પષ્ટ છે કે આ કથા ખુબ જપ્રચલિત છે
લોકકથાઓ અને રાસમાળામાં એનો પહેલો ઉલ્લેખ થયી હતો
ક્યારથી શરુ થયો તે તો આમાં ના જ કહી શકાય ને !!!
ગુજરાતી સાહિત્યમાં એનો સૌ પ્રથમવાર ઉલ્લેખ સન ૧૮૮૩માં એક ગુજરાતી નવલકથા પ્રગટ થઇ હતી “રાણકદેવી ” જે અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવે લખી હતી
ત્યારબાદ સન૧૯૭૭માં અમર ચિત્રકથાએ “થે ગ્રેટ ક્વીન ઓફ સૌરાષ્ટ્ર” બહાર પાડી હતી જે રાણકદેવી પર જ હતી
આ એક કોમિક બુક હતી !!!
પછી એ સધરા જેસંગ નામના ભવાઈ વેશ એટલે કે લોક નાટયમાં આવી
જો કે ગુજરાતી નાટક ગઢ જુન ગિરનાર એ ૧૯૬૭માં પ્રકાશિત થયું હતું અને ભજવાયું પણ હતું આ નામની બે મૂંગી ફિલ્મો આવી હતી
સન ૧૯૪૬માં નિરુપા રોયને લઈને આ નામની એક ફીચર ફિલ્મ પણ આવી હતી
ત્યારથી તે ચેક આજ સુધી રાણકદેવી અને રા’ ખેંગાર પર અનેક ફિલ્મો અને નાટકો આવી જ ચુક્યા છે
જે સતી રાણકદેવીનું લોકપ્રભુત્વ સૂચવે છે !!

✅ કથા છે એને એ જ રીતે જોવાય
એને ઈતિહાસના પરિવેશમાં ન જ જોવાય
આ કથાએ એક વાત તો સાબિત કરી જ દીધી કે “સતી” સ્ત્રી જ થઇ શકે છે બસ ખાલી પુરુષો જ ખાલી ખોટો “સતા” થવાનો ઢોંગ કરે છે

✅ જયારે પણ વઢવાણ જાઓ તો રાણકદેવીનું મંદિર અવશ્ય જોશો અને જુનાગઢ જાઓ તો ઉપરકોટ અને આ અધ્ધર આધાર વગરની શીલા અને રાણક થાપા અવશ્ય જોશો

***** ઇતિહાસ અને સંસ્કૃતિમાં આત્મશ્લાઘા ના ચાલે
જો કોઈને વેબ પોર્ટલમાં મુકવો હોય તો મને મેસેજ કે ફોન કરશો તો હું એડિટ કરી આપીશ
કારણકે આ લેખ બ્લોગ સ્ટાઈલમાં લખાયો છે એટલે જ એ અંગત છે *****

✅ મને પ્રેરણા આપનાર સૌ મિત્રોનો આભાર દિલ સે !!!!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.