Sun-Temple-Baanner

ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની


ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની

આજનો વિષય આહાર માટેની પહેલી બે પોસ્ટ કરતાં પણ વધુ મહત્વનો છે. પણ એને વ્યવસ્થિત સમજવા માટે આગલી બે પોસ્ટનું વિષયવસ્તુ ક્લિઅર હોવું જરૂરી હતું એટલે પહેલાં એ બધી વાત કરી હતી. આહારની વાત કરતા હોઈએ ત્યારે “વિરુદ્ધ આહાર”ને એના મૂળથી સમજવું જોઈએ, કારણ કે આજના સમયમાં લોકોની ઇમ્યુનિટીને ઘટાડનારું સૌથી મોટું, સીધું અને દેખીતું પરિબળ મને વિરુદ્ધ આહાર લાગે છે. આપણે જનસામાન્યમાં “વિરુદ્ધ આહાર” શબ્દને કોઇ બે કે વધારે વસ્તુને સાથે ખાવામાં થતા વિરુદ્ધ આહારના જ અર્થમાં લેવામાં આવે છે અને એમાં પણ દૂધ સાથેના વિરુદ્ધ સિવાય બહુ ઓછી ખબર હોય છે બધાને. પણ એ તો એનો એક પ્રકાર માત્ર છે. આયુર્વેદ કુલ 18 પ્રકારના વિરુદ્ધ બતાવે છે એ જોઈશું આગળ. વિરુદ્ધ કોને કહેવાય એ વિશે ચરકસંહિતા શું કહે છે?

देहधातुप्रत्यनीकभूतानि द्रव्याणि देहधातुभि: विरोधं आपद्यन्ते; परस्पर गुणविरुद्धानि कानिचित्, कानिचित् संयोगात्, संस्कारात् अपराणि, देशकालमात्रा आदिभि: च अपराणि, तथा स्वभावात् अपराणि।
(चरकसंहिता सूत्रस्थान आत्रेयभद्रकाप्यीयं अध्याय: 102-103)

શરીરની ધાતુઓથી વિપરીત ગુણો (પ્રોપર્ટીઝ) વાળા દ્રવ્યો એ ધાતુઓમાં વિષમતા/વિરોધ ઉત્પન્ન કરે છે. કોઈક ગુણના વિરોધથી, કોઈક સંયોગથી, કોઈક સંસ્કાર (ગઈ પોસ્ટમાં જેની ચર્ચા કરી) થી, કોઈક દેશથી, કોઈક કાલથી, કોઈક માત્રાથી તો કોઈક સ્વભાવથી વિપરીત હોય છે.

એવા કુલ અઢાર પ્રકારના વિરુદ્ધ બતાવ્યા છે, જે શરીરના બળ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી)ને ઘટાડે છે અને લાંબા કે ટૂંકા ગાળે વિવિધ રોગો ઉત્પન્ન કરે છે. થોડી ચર્ચા એની કરી લઈએ પછી વિરુદ્ધ આહાર કઇ રીતે નુકસાન કરે એ પણ સમજશું.

(1) દેશ વિરુદ્ધ

દેશ એટલે વિસ્તાર. રણભૂમિમાં અને સૂકી આબોહવામાં રહેતા લોકો તેજ અને શુષ્ક (સૂકા) પ્રકારનો આહાર વધારે લે કે બહુ નદીનાળાં, હરિયાળી વાળા પ્રદેશમાં રહેતા લોકો ઠંડો અને તેલ-ઘી વાળો આહાર વધારે લે તો એ દેશ વિરુદ્ધ છે.

(2) કાલ વિરુદ્ધ

કાલ એટલે સમય. ઠંડી ઋતુમાં ઠંડો અને સૂકો આહાર કે ગરમ ઋતુમાં તીખો અને અંદરથી ગરમ પડે એવો આહાર વધુ લેવામાં આવે એ કાલ વિરુદ્ધ છે.

(3) અગ્નિ વિરુદ્ધ

અગ્નિ એટલે આપણો મેટાબોલિઝમ પાવર. જે સારું છે કે નહીં એ આપણી ભૂખ અને પાચન શક્તિ ઉપરથી ખબર પડે. જ્યારે પાચન ખરાબ રહેતું હોય ત્યારે વધારે અને પેટને ભારે પડે એવો આહાર લેવો કે પાચન બહુ સારું હોય ત્યારે ઓછો અને હળવો આહાર લેવો એ અગ્નિ વિરુદ્ધ છે.

(4) માત્રા વિરુદ્ધ

માત્રા એટલે ક્વોન્ટિટી. મધ અને ઘી સમાન માત્રામાં લેવામાં આવે તો એ માત્રા વિરુદ્ધ બને છે.

(5) સાત્મ્ય વિરુદ્ધ

સાત્મ્ય એટલે વ્યક્તિની પોતાની તાસીર. પોતાને જે અનુકૂળ ન આવતું હોય એ વધારે પડતું ખાવામાં આવે એ સાત્મ્ય વિરુદ્ધ છે.

(6) દોષ વિરુદ્ધ

વાત, પિત્ત અને કફની શરીરમાં સ્થિતિ અનુસાર આહાર લેવાવો જોઈએ. એ તમારા વૈદ્ય જ કહી શકે. એ અનુસારનો આહાર ન લેવામાં આવે અને એમાં નુકસાન થાય એવો આહાર લેવામાં આવે એ દોષ વિરુદ્ધ બને.

(7) સંસ્કાર વિરુદ્ધ

ગઈ પોસ્ટમાં આપણે સંસ્કાર વિશે વિગતવાર જોયું હતું.. એમાં ભોજન બનાવવાની પ્રક્રિયાઓની અમુક એવી બાબતો હોય જે અયોગ્ય રીતે થવાથી ટોક્સિક ઇફેક્ટ આહારમાં ઉત્પન્ન થઈ શકે, તો એ “સંસ્કાર વિરુદ્ધ” કહેવાય. જેમ કે મધને ગરમ કરીને ઉપયોગમાં લઈએ તો એ નુકસાનકારક બને.

(8) વીર્ય વિરુદ્ધ

કોઈ આહાર દ્રવ્ય અંદરથી ઠંડી પ્રકૃતિનું છે કે ગરમ પ્રકૃતિનું એ એનું અનુક્રમે શીત અને ઉષ્ણ વીર્ય કહેવાય. ઠંડી પ્રકૃતિના ખાદ્ય પદાર્થ સાથે ગરમ પ્રકૃતિનો ખાદ્ય પદાર્થ ખાવો એ વીર્ય વિરુદ્ધ છે.

(9) કોષ્ઠ વિરુદ્ધ

કોષ્ઠ એ આયુર્વેદનો અલગ સિદ્ધાંત છે જેને સામાન્ય ભાષામાં સમજાવું તો, વ્યક્તિના પાચનતંત્રની શક્તિ (જે અગ્નિ એટલે કે મેટાબોલિઝમ પાવર કરતાં અલગ વસ્તુ છે.) કોઈને પાચન માટે અઘરા ખાદ્ય પદાર્થો સરળતાથી પચી જતા હોય કે કોઈને પાચન માટે સરળ પદાર્થો પણ સરળતાથી ન પચતા હોય. એ ક્ષમતાથી વિપરીત કઈં લેવામાં આવે તો એ કોષ્ઠ વિરૂદ્ધ છે. જેમ કે સરળતાથી ન પચતું હોય એ મેંદાની બનેલી વસ્તુ ખાય કે બહુ સરળતાથી બધું પચી જતું હોય એ ખાલી ભાત કે મગ ઓછા પ્રમાણમાં ખાય તો એ કોષ્ઠ વિરુદ્ધ છે.

(10) અવસ્થા વિરુદ્ધ

થાકેલો વ્યક્તિ હળવો અને સૂકો આહાર લે કે આળસુ/ મેદસ્વી વ્યક્તિ ભારે અને સ્નિગ્ધ (વધારે ઘી-તેલ વાળો) આહાર લે એ અવસ્થા વિરુદ્ધ છે.

(11) ક્રમ વિરુદ્ધ

પહેલાં ખાધેલું પચી જાય એ પહેલાં કે જરા પણ ભૂખ લાગ્યા વગર આહાર લેવામાં આવે કે બહુ જ કકડીને ભૂખ લાગે એ પછી આહાર લેવામાં આવે એ ક્રમ વિરુદ્ધ છે.

(12) પરિહાર વિરુદ્ધ

માંસાહાર પછી અંદરથી ગરમ પડે એવી વસ્તુ ખાવી એ પરિહાર વિરુદ્ધ છે.

(13) ઉપચાર વિરુદ્ધ

ઘી-તેલ જેવા સ્નિગ્ધ દ્રવ્યો ઉપર ઠંડું પાણી પીવું એ ઉપચાર વિરુદ્ધ છે. આપણામાંથી ઘણાને અનુભવ હશે જ કે બહુ ઘીથી લથપથ મીઠાઈ કે તળેલી વસ્તુ ઉપર ઠંડુ પાણી પીધા પછી શરદી-કફ-ગળું ખરાબ થવું આમાંથી કઈંક થયું જ હશે.

(14) પાક વિરુદ્ધ

પાક એટલે ગરમ કરીને પકવવું. કાચું રહી ગયું કે બળી ગયેલું અન્ન એ પાક વિરુદ્ધ છે.

(15) સંયોગ વિરુદ્ધ

દૂધ સાથે ખટાશ ધરાવતી વસ્તુ, નમક વાળી વસ્તુ અને ડુંગળી-લસણ એ સંયોગ વિરુદ્ધ છે.

(16) હૃદય વિરુદ્ધ

જે આહાર મનને અનુકૂળ ન હોય અને જેના માટે અરુચિ હોય એ હૃદય વિરુદ્ધ છે. માનસિક ભાવોની શરીર પર અસર આમાં ચરકે દર્શાવી છે. જે ટેકનિકલી વિરુદ્ધ ન હોય પણ જેના માટે અરુચિ હોય મનમાં એ પણ શરીરને નુકસાન કરી શકે, કદાચ નુકસાન ન કરે તો પણ એનો શ્રેષ્ઠ ફાયદો તો ન જ મળે. અને ફાયદો ન મળવો એ પણ એક નુકસાન છે. ચરકનું વિઝન કેટલું ડીપ છે એ આ “હૃદય વિરુદ્ધ”માં દેખાઈ આવે છે.

(17) સંપદ વિરૂદ્ધ

સંપદ એટલે આહાર દ્રવ્યના શ્રેષ્ઠ ગુણધર્મો. કોઈ દ્રવ્ય એના શ્રેષ્ઠ ગુણધર્મો પ્રાપ્ત કરે કે એના ગુણધર્મોનો લાંબા સમયે નાશ થઈ જાય તો એ સંપદ વિરુદ્ધ છે. જેમ કે કાચું રહી ગયું ફળ કે સડી ગયેલું ફળ.

(18) વિધિ વિરૂદ્ધ

આગળ આહારની પહેલી પોસ્ટમાં આ સમજાવ્યું છે. આઠ આહારવિધિ વિશેષાયતન અને એમાં પણ સ્પેસિફિક ઉપયોગ સંસ્થા નામના પોઇન્ટમાં આહારવિધિ માટેના જે નિયમો છે એ રીતે જો આહાર ન લેવામાં આવે તો એ વિધિ વિરુદ્ધ છે. જેમ કે બેસીને જ જમવું જોઈએ. આજે ખૂબ સામાન્ય થઈ ગયેલી એવી બૂફે સિસ્ટમમાં ઉભા રહીને જમીએ એ પણ વિધિ વિરુદ્ધ છે. બૂફેમાં જમ્યાના બીજા દિવસે પાચનની ક્વોલિટીમાં થતો ફેરફાર બધાએ અનુભવ્યો જ હશે.

હવે ઘણા લોકોમાં એવો ભ્રમ હોય છે કે વિરુદ્ધ આહાર જેવું કઈં હોતું નથી. ઘણા મોટી ઉંમરના લોકો પણ કહેતા જોવા મળે કે અમે આખું જીવન દૂધ સાથે આ ખાધું કે તે ખાધું અમને તો કઈં ન થયું. પણ એવું નથી. હજી સુધી ન થયું તો આગળ કઈં ન થાય એ પણ જરૂરી નથી અને નાની મોટી તકલીફો જે ધ્યાનમાં ન આવતી હોય પણ शरीरबल એટલે કે ઇમ્યુનિટી પર ખરાબ અસર પાડીને જતી હોય એ ધ્યાનમાં ન આવે એમ. આ આટલા પ્રકાર ઉદાહરણ સહિત આપ્યા છે એ ઊંડાણ ગજવામાંથી તો નહીં જ કાઢ્યું હોય ઋષિઓએ. ન માત્ર ચરકસંહિતા, પણ આયુર્વેદનો એક પણ પ્રમાણભૂત ગ્રંથ એવો નથી જેમાં વિરુદ્ધ આહારનું વર્ણન ન હોય.

થોડું ટેકનિકલી સમજીએ તો આગળની પોસ્ટમાં કહ્યું હતું કે જે સાત ધાતુઓ આપણા શરીરના મૂળભૂત ઘટકો છે એ આહારમાંથી જ બને છે. એવું કહી શકાય કે આપણે જે ખાઈએ છીએ એ જ આપણા શરીરના વિવિધ અંગો-અવયવોમાં (એટલે કે ધાતુઓમાં) રૂપાંતરિત થાય છે. અને વિરુદ્ધ આહારની આચાર્ય ચરકની વ્યાખ્યા જ એમ કહે છે જે ધાતુઓના પોતાના પ્રાકૃતિક ગુણોથી વિપરીત છે અને એ વિરોધીતાના કારણે શરીરમાં નબળી ધાતુઓને બનાવે છે એ વિરુદ્ધ આહાર. ધાતુઓ નબળી બનશે એટલે સ્વાભાવિક છે કે ઇમ્યુનિટી અને શરીરની સ્ટ્રેન્થ ઘટશે.

વિરુદ્ધ આહાર લીધા પછી તરત કોઈ રોગ ઉત્પન્ન નથી કરતો કે મારી પણ નથી નાંખતો કોઈને, પણ એટલા જ કારણથી વિરુદ્ધ આહારનો કોન્સેપ્ટ પોતે ખોટો સાબિત નથી થઈ જતો. એની ખરાબ અસરો નબળી બનેલી ધાતુઓના સ્વરૂપે શરીરમાં જ રહે છે અને એ જ્યારે યોગ્ય પરિબળો મળે ત્યારે નાના કે મોટા રોગ સ્વરૂપે કે મૃત્યુ સ્વરૂપે બહાર આવે છે. એક સાદા ઉદાહરણથી સમજાવું તો, ગ્લોબલ વોર્મિંગ એ પ્રદૂષણની ખરાબ અસરનું એક પરિણામ છે. એ પ્રદૂષણમાં ફેક્ટરીઓના અને વાહનોના ધુમાડા, એ.સી.નો વપરાશ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ વગેરે જેવા અનેક પરિબળો સંયુક્ત રીતે ભાગ ભજવે છે. કોઈ વાહનચાલક એમ કહે, કે “મારા એક વાહનના કારણે પૃથ્વીમાં ગરમી વધતી નથી કારણ કે મારા વાહન ચલાવ્યા પહેલાંનું અને પછીનું તાપમાન સરખું જ છે.” એના જેટલી જ નાસમજ અને છીછરી દલીલ એ છે કે વિરુદ્ધ આહાર ખાવામાં લેવા છતાં એ પછી તરત આપણા શરીરમાં કઈં લક્ષણો નથી દેખાતા એટલે એ આપણને નુકસાનકારક નથી. વિરુદ્ધ આહાર લાંબા ગાળે (અને અમુક ખાસ કિસ્સાઓમાં તરત પણ) ખરાબ અસર જન્મવનારો છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગમાં ઇતિહાસના પહેલાથી લઈને આજ સુધીના દરેક ફેક્ટરી-વાહન-એસી-રાસાયણિક ખાતર વગેરેનો પોતાનો ફાળો છે જ એવી જ રીતે વિરુદ્ધ આહારનું સમજવું. કોઈ એક પથ્થર હથોડાના દસમા ઘાથી તૂટે તો એ તૂટ્યો ભલે દસમા ઘાએ, પણ એને તોડવામાં આગળના નવ ઘા પણ એટલા જ જવાબદાર છે. એ નવ ઘાએ જ એને એટલો નબળો બનાવ્યો અંદરથી, કે દસમો ઘા એને તોડી શકે. એવું જ વિરુદ્ધ આહાર અને એની શરીર પરની ખરાબ અસરનું સમજવું.

જો પેટ માટે બધું જ સરખું હોત તો ફૂડ પોઇઝનિંગ જેવું કઈં થતું જ ન હોત, હરડેથી ઝાડા ન થતા હોત અને કુટજથી મટતા ન હોત. જો પેટ માટે બધું સરખું હોત તો વધારે તીખું ખાવાથી પેટમાં બળતરા ન થતી હોત અને ખીર ખાવાથી પેટમાં ઠંડક ન અનુભવાતી હોત, કઈંક ખાવાથી કબજિયાત ન થતી હોત અને કઈંક ખાવાથી ઝાડા ન થઈ જતા હોત. સામાન્ય શબ્દોમાં કહીએ તો વિરુદ્ધ આહાર એ સ્લો મોશનનું લાંબા ગાળે નડતું ફૂડ પોઇઝનિંગ છે, જે ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી અને આયુષ્યને ઓછું કરે છે.

જે અધ્યાયમાં આચાર્ય ચરકે વિરુદ્ધ આહારનું વર્ણન કર્યું છે એમાં વિરુદ્ધ આહારના કારણે થતા રોગોનું જે લિસ્ટ આપ્યું છે એ જુઓ:

षाण्ढ्य आन्ध्य विसर्प दकोदराणां विस्फोटक उन्माद भगन्दराणाम्।
मूर्च्छा मद आध्मान गलग्रहाणां पाण्डुआमयस्य आमविषस्य चैव।।
किलास कुष्ठ ग्रहणीगदानां शोथ अम्लपित्त ज्वर पीनसानाम्।
सन्तानदोषस्य तथैव मृत्यु: विरुद्धं अन्नं प्रवदन्ति हेतुम्।।
(चरकसंहिता सूत्रस्थान आत्रेयभद्रकाप्यीयं अध्याय: 102-103)

• નપુંસકતા/વંધ્યત્વ
• આંધળાપણું
• ચામડીના વિવિધ રોગો
• જળોદર
• ઉન્માદ (સિઝોફ્રેનિયા વગેરે માનસિક રોગો)
• ભગંદર
• બેભાન થવું
• મદ (નશા જેવા લક્ષણો)
• વાયુ (ગેસ)
• ગલગ્રહ (ગળું પકડાઈ/જકડાઈ જવું)
• પાંડુ (એનિમિયા)
• આમ વિષ (એક પ્રકારનું ફૂડ પોઇઝનિંગ)
• સફેદ કોઢ
• ગ્રહણી (સ્પ્રુ નામનો પાચનનો રોગ)
• શોથ (શરીરમાં સોજા)
• અમ્લપિત્ત (એસિડિટી)
• જ્વર અને પીનસ (તાવ અને શરદી.. રિપીટ – તાવ અને શરદી.. એટલે કે મોટા ભાગના ઇન્ફેક્શનનું પહેલું લક્ષણ)
• સંતાન દોષ (સંતતિનું નબળું થવું/આનુવંશિક રોગો)
• મૃત્યુ નજીક આવવું

આટલા રોગો અને લક્ષણોનું એક બહુ મોટું કારણ “વિરુદ્ધ આહાર” છે.

બધા જ જાણે છે કે અત્યારે ઉપર જણાવ્યા એ વિવિધ પ્રકારના વિરુદ્ધ આહાર ખાવાનું પ્રમાણ આજ સુધીની એની ચરમસીમાએ છે. અને ચરકસંહિતાના ઉપરોક્ત રોગો પણ આજે પહેલાં ક્યારેય નહોતા એટલા પ્રમાણમાં વધ્યા છે. જે ચરકને શત પ્રતિશત સાચા સાબિત કરે છે અને વિરુદ્ધ આહાર અને રોગોના દેખીતા કનેક્શનને દર્શાવે છે. મારી પોતાની પ્રેક્ટિસમાં પણ દર્દીઓની હિસ્ટ્રી લઉં એમાં જે-તે રોગના કારણમાં આયુર્વેદે કહેલો વિરુદ્ધ આહાર વધારે પ્રમાણમાં લેવાતો હોય એ મળે જ છે. એમાંથી જે દર્દી એ વિરુદ્ધ આહાર લેવાનું બંધ કરે એને બહુ સારું પરિણામ પણ મળે છે એ મારો અંગત અનુભવ પણ છે.

હવે છેલ્લે આ વિરુદ્ધ આહારથી કેમ બચવું અને એનાથી શરીરમાં થયેલું નુકસાન કેમ દૂર કરવું એ કહ્યું છે:

विरुद्धाशनजान् रोगान् प्रतिहन्ति विरेचनम्।
वमनं शमनं चैव पूर्वं वा हितसेवनम्।।
(चरकसंहिता सूत्रस्थान आत्रेयभद्रकाप्यीयं अध्याय: 105)

વિરુદ્ધ આહારથી થયેલા રોગોને-તકલીફોને વિરેચન અને વમન દૂર કરે છે. (વિરેચન અને વમન એ આયુર્વેદના બહુ પ્રચલિત અને પ્રખ્યાત અંગ પંચકર્મમાંના બે કર્મો છે, એની વધુ માહિતી માટે તમારા વૈદ્યને મળો.) એ સિવાય યોગ્ય દવાઓથી એની અસરો ઘટાડવી. અને સૌથી શ્રેષ્ઠ એ કે પહેલેથી વિરુદ્ધ આહાર કરવો જ નહીં.


PS:

• આપણે પાકશાસ્ત્રમાં બહુ વિકાસ કર્યો, વિધ વિધ પ્રકારનાં વ્યંજનો અને ક્યુઝાઇન્સ ડેવલોપ કર્યાં અને એ બધું સુંદર અને સ્વાદિષ્ટ પણ છે જ એમાં કોઈ શંકા નથી. પણ એ પાકશાસ્ત્રને આપણે આપણા આરોગ્યશાસ્ત્ર સાથે જોડવાનું ચૂકી ગયાં અને આપણે શું ખાઈએ અને કેવી રીતે ખાઈએ છીએ એ આપણા શરીર પર શું અસર કરે છે એનું આયુર્વેદે દર્શાવેલું ઝીણવટભર્યું વિશ્લેષણ છે એને આપણે અવગણી દીધું. ક્યાંક એનું કારણ અજ્ઞાન છે, ક્યાંક ઉપેક્ષા તો ક્યાંક પૂર્વગ્રહ. અંગત રીતે મને પણ દરેક પ્રકારના વ્યંજનો અને ખાવાની વેરાયટીઝનો શોખ પણ છે જ. પણ આયુર્વેદ ભણવાના કારણે એટલી અવેરનેસ જરૂર આવી છે કે આરોગ્ય પર જે વસ્તુ ખાઈએ છીએ એની અસરનો વિચાર પહેલો કરવો અને એના મુજબ નિર્ણય લેવો ખાવાની બાબતમાં. એ ચેન્જ કર્યા પછી શરીરમાં જે ફેરફાર અનુભવાયો છે અને જે સ્વસ્થતાની અનુભૂતિ દરરોજ થાય છે એ બહુ જ વિશિષ્ટ છે. એટલે આ હું ભણ્યો છું, વાંચ્યું છે એટલે નથી લખ્યું, આ મારો અનુભવ છે અને જીવી રહ્યો છું આયુર્વેદને એટલે લખ્યું છે.

• ગમ્યું હોય અને બને એટલા વધારે લોકો આ સમજીને ધીરે ધીરે આયુર્વેદ સંમત આહારને લેવાનું શરૂ કરતાં થાય અને ખાવા પીવાની નુકસાનકારક આદતો છોડવાનો પ્રયત્ન કરતાં થાય એ જરૂરી લાગ્યું હોય તો શેર જરૂર કરજો.

“આહાર”ના વિષયને અહીં પૂરો કરીએ છીએ. એક નવો વિષય આવતા ભાગમાં

~ વૈદ્ય પાર્થ ઠક્કર

( ક્રમશઃ )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.