Sun-Temple-Baanner

ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે


ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે

રોગપ્રતિકારક શક્તિ કહો કે આજકાલ જે શબ્દની સખત ડિમાન્ડ થઈ ગઈ છે એ “ઇમ્યુનિટી” શું છે? આ શબ્દ બહુ ચવાઈ ગયો છે. કોરોનાકાળમાં અને ત્યારે શરીર કઈ રીતે રોગો સામે અડીખમ ઊભું રહેવા સક્ષમ બને છે અને કઈ રીતે નબળું પડે છે. એ થોડું ઊંડાણમાં સમજવું અને સમજાવવું આજે ખાસ અનિવાર્ય લાગે છે. તો ચાલો આજથી થોડી થોડી વાત કરીએ એના વિશે, આયુર્વેદની દ્રષ્ટિએ… સંપૂર્ણ આયુર્વેદ સંમત કોન્સેપ્ટ્સને સાથે રાખીને, આ વિષય એક આખી લેખમાળા થાય એટલો મોટો છે અને બનશે એટલું મારી રીતે લખવા અને સમજાવવા પ્રયત્ન કરીશ અહીં. આજની પોસ્ટ માત્ર એની પૂર્વભૂમિકા રૂપે છે.

તો એ વાત શરૂ કે કરતાં સૌથી પહેલાં એ સમજવું પડશે કે ઇમ્યુનિટી એટલે શું? મેડિકલ ડેપ્થમાં ન પડીએ તો સીધા શબ્દોમાં સરળ અર્થ (3 ઇડિયટ્સમાં રેન્ચોએ કહેલી “મશીન”ની વ્યાખ્યા જેવો અર્થ, आसान भाषा में) એ છે કે કોઈ પણ રોગથી શરીર સરળતાથી ગ્રસ્ત ન થઇ જાય એવી એની પોતાની અંદરની શક્તિ એટલે ઇમ્યુનિટી. આયુર્વેદમાં “शरीरबल” નો જે કોન્સેપ્ટ છે, એ આ ઇમ્યુનિટીની વાત કરે છે. લસિકા ગ્રંથિ, ટી સેલ્સ, બી સેલ્સ, WBC એટલે કે શ્વેતકણો વગેરે ઘટકો ધરાવતી ઇમ્યુન સિસ્ટમ વાળી ઇમ્યુનિટી એટલે આયુર્વેદનું शरीरबल નહીં કે બોડીબિલ્ડીંગ કે જિમ જવાથી મળતી તાકાત માત્ર शरीरबल નથી. એ એનો એક ભાગ હોઈ શકે, પણ આયુર્વેદે કહેલું शरीरबल એક બહુ વિશાળ ક્ષેત્ર છે.

આ शरीरबल ત્રણ પ્રકારનું હોય- સહજ, કાલજ અને યુક્તિકૃત.

સહજ : આમાં સહજ એટલે જન્મ સાથે વ્યક્તિને જે બલ મળે છે એ- બાય ડિફોલ્ટ મળતું બલ. એ બલ પૂરેપૂરું ગર્ભાવસ્થા પર આધાર રાખે છે, એની વાત આગળ કરશું. બીજું છે

કાલજ : કાલજ એટલે કે સમય આધારિત. અલગ અલગ ઋતુઓમાં, દિવસના જુદા જુદા ભાગોમાં અને વ્યક્તિની ઉંમર આધારિત અવસ્થાઓમાં જે અલગ અલગ બલ હોય એ કાલજ બલ.

યુક્તિકૃત : યુક્તિકૃત એટલે વ્યક્તિ પોતે આહાર-વિહારનું ધ્યાન રાખીને, વિવિધ ઔષધો કે પંચકર્મ જેવી પ્રક્રિયાઓના આધારે જે બલ પોતે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરે છે એ યુક્તિકૃત બલ છે.

હવે એ शरीरबल શ્રેષ્ઠ કેમ રહી શકે એ સમજવું હોય, તો આપણા શરીરમાં સારા કે ખરાબ ફેરફારો કરતા પરિબળો ક્યા ક્યા છે, એ બધું જ જાણવું પડે. કારણ કે અંતે તો એ દરેક વસ્તુ शरीरबल પર અસર કરે છે. હવે અહીં એન્ટ્રી થાય છે, આયુર્વેદના જ બીજા બહુ ચવાઈ ગયેલા (પણ સામાન્ય પ્રજામાં બહુ ઓછાને સમજાયેલા) શબ્દો “આહાર-વિહાર”ની. એ શબ્દો આપણે બધા બહુ સરળતાથી બધી જગ્યાએ બોલીએ અને સાંભળીએ છીએ. પણ એનું વજન આપણા शरीरबल ના પ્રબળ કે નબળા હોવા પર કેટલું છે એ ભાગ્યે જ વિચારીએ છીએ. આ આહાર વિહારમાં એક આખું ફિલ્ડ “લાઇફ સ્ટાઇલ” આવી જાય છે. અરે! આયુર્વેદ તો એક વ્યક્તિના સ્વાસ્થ્ય અને એના शरीरबल માં એની ગર્ભાવસ્થાના પ્લાનિંગથી લઇને જન્મ સુધીના માતા-પિતાના આહાર-વિહાર, માતાની આસપાસના વાતાવરણ અને જન્મ પછી બાળક સ્તનપાન કરે ત્યાં સુધીના માતાના આહાર વિહારની સૂક્ષ્માતિસૂક્ષ્મ ડિટેઇલ્ડ ઈમ્પેક્ટ સુધી પહોંચેલું છે, જે વ્યક્તિના સહજ બલનું કારણ છે. આને અમારા ગુરુ વૈદ્ય તપન સરના શબ્દોમાં કહું, તો ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, રહેવું-કરવું અને હરવું-ફરવું- આ ચાર શબ્દયુગ્મોમાં જીવનશૈલીની કહો કે લાઈફસ્ટાઈલની- એટલે કે અલ્ટીમેટલી આહાર-વિહારની આખી રમત છે.

આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપણા શરીર પર પ્રભાવ પાડે છે. એ પણ આખા દિવસ દરમ્યાન અને વિવિધ ઋતુઓમાં કેવું હોવું જોઈએ એની પણ બહુ વિસ્તાર પૂર્વકની સમજણ છે (દિનચર્યા અને ઋતુચર્યા). હવે એ સારા-ખરાબ પ્રભાવનો સરવાળો-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર થઈને છેલ્લે જેટલો અને જેવો પ્રભાવ બચે છે એ આપણા शरीरबल ને બનાવે છે. એટલે જો આપણે એમ માનતા હોઈએ કે આપણે જે ખાવું પીવું હોય એ ખાઈએ-પીએ, જે કરવું હોય એ કરીએ, શરીરના બળ સાથે, આપણા શરીરની જે બાયોલોજીકલ સિસ્ટમ આપણને કુદરતે આપી છે (અને એને શ્રેષ્ઠ રીતે ચલાવવાની આપણી ફરજ છે), એની સાથે જે ચેડાં કરવાં હોય એ કરીએ અને છેલ્લે સ્વસ્થ રહીએ અને સ્વસ્થ ન રહીએ તો દવાઓ (કોઈ પણ પથીની) ખાઈને સાજા થઈ જઈએ તો એક પ્રજા તરીકે એનાથી મોટી મૂર્ખામી કોઈ નથી.

આહાર-વિહારની અને અન્ય બીજી વાતો તો પછી આગળ આ લેખમાળામાં કરશું ધીરે ધીરે. પણ તમે ક્યારેય એ વિચાર્યું છે, કે અત્યારે આપણી જે લાઇફસ્ટાઇલ છે, એમાં કેટલી જાતના કેમિકલ્સ કેટલા બધા સોર્સથી આપણા શરીરમાં જઇ રહ્યા છે? એ કેમિકલ્સ આપણી ઇમ્યુનિટી વધારતા તો નથી, અને મોટાભાગે તો ઘટાડે જ છે એ પણ આપણે જાણીએ છીએ. છતાં સભાનપણે આપણે ક્યારેય શરીરમાં જતા કેમિકલ્સની માત્રા ઘટાડવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે? આપણે કોઈ પણ ફળ કે શાકભાજી ખાઈએ એ રાસાયણિક ખાતરો નાખેલી જમીનમાં ઉગેલાં હોય છે અને ઉપરથી પેસ્ટીસાઈડ્સ નખાયેલા હોય છે. એની અસર પાણીથી ધોઇ નાખવાથી જતી નથી રહેતી. પછી એ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, અગેઇન એમાં કેમિકલના વાયુઓ ભળશે. તમે જે દવાઓ ખાઓ છો (ક્યારેક અનિવાર્યપણે તો ક્યારેક સાવ બિનજરૂરી) એ પણ કેમિકલ્સ જ છે. પેક્ડ ફૂડ આઇટમ્સ કે બોટલ પેક્ડ લિક્વિડ્સમાં (પછી ભલે એનું “એનર્જી ડ્રિન્ક” જેવું રૂપાળું નામ કેમ ન હોય!), સોફ્ટ ડ્રિંક્સમાં તો ઠીક મોટી મોટી ડેરીઓના કોથળીના દૂધમાં પણ પ્રિઝર્વેટિવ્સ તો કાયદેસર રીતે હોય જ છે. અને તમે જે દૂધ પીઓ છો એ દૂધ પણ કેમિકલથી બનેલું નથી એની શું ખાતરી છે?

જે કોસ્મેટિક્સ આપણે વાપરતા હોઈએ છીએ એ પણ કેમિકલ્સ વગર બનવા શક્ય નથી. ભલે એ હર્બલ કે નેચરલ નામે વેચાતા હોય તો પણ કેમિકલ તો એમાં રહેવાના જ. આપણે શ્વાસમાં લઈએ છીએ એ હવા કેટલી શુદ્ધ છે? અને જો એમાં ટોક્સિક વાયુઓ છે અને વધી રહ્યા છે એ ખબર છે, તો હવાને શુદ્ધ રાખવાના કે કરવાના કેટલા પ્રયાસ આપણે કર્યા? મિનિમમ માત્ર એક વૃક્ષ આખા જીવનકાળમાં ટોટલ વસ્તીના કેટલા ટકા લોકોએ વાવ્યું હશે? તમને જાણીને નવાઈ લાગશે, ઘણા બધા ગેજેટ્સ જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ, એ પણ આપણા શરીરને ઝેરી તત્ત્વોનું એક્સપોઝર આપે છે. આમાંના મોટા ભાગના કેમિકલ્સ કે ટોક્સિન્સ શરીરની વિવિધ સિસ્ટમ્સને નબળી પાડે છે. હજી તો મેં મોબાઈલના રેડિએશનનું તો નામ જ નથી લીધું, કારણ કે એ મુદ્દો બહુ ચવાયેલો છે. પણ ચવાયેલો મુદ્દો હોવાથી રેડિએશનની હાનિકારકતા ઓછી નથી થઈ જતી.. આ બધું મળીને શું આપણું शरीरबल વધારતું હશે કે ઘટાડતું હશે? અને આપણા શરીરને આ કેમિકલ્સ અને રેડીએશનમાં જ ચારેબાજુ, અંદરથી અને બહારથી ઘેરાયેલું રાખીને આપણે કુદરતે આપણને આપેલી સર્વોત્તમ ગિફ્ટ એવા આપના શરીરનુ અપમાન નથી કરી રહ્યા? હજી આ બધું કરીને કુદરતનું અપમાન અને એને નુકસાન પહોંચાડવાની વાત જ નથી કરી કારણ કે અહીં અપ્રસ્તુત છે.

તમને શું લાગે છે? આ માણસજાત શરીરના મામલે આગળ નબળી પડવાની છે, કે પ્રબળ થઈ શકવાની છે? મારો જવાબ છે: જો આયુર્વેદ લાઇફસ્ટાઇલ અપનાવશે તો ચોક્કસ હજી પ્રબળ બનશે. આ લાઈફસ્ટાઈલ ફરજીયાત નથી કદાચ, પણ હિતાવહ જરૂર છે. અને એ ચોઇસ માણસના જ હાથમાં છે.


PS:

• सर्वमन्यत् परित्यज्य शरीरमनुपालयेत्। (चरकसंहिता निदानस्थान अध्याय ६/७) | ભાષાંતર : બીજું બધું જ છોડીને, શરીરનું ધ્યાન રાખવું.

~ વૈદ્ય પાર્થ ઠક્કર

( ક્રમશઃ )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

3 responses to “ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે”

  1. નિખિલ વધવા Avatar
    નિખિલ વધવા

    આયુર્વેદ પ્રમાણે જો જીવન જીવવું હોય તો શું કરી શકાય જેથી નોર્મલ લાઈફ પણ ડિસ્ટર્બ ન થાય

  2. latakanuga Avatar

    ખૂબ સરસ અને સરળ ભાષામાં શરીરબળની વાત કરી.

  3. latakanuga Avatar

    ખૂબ સરસ..સરળ ભાષામાં શરીરબળ વિશે સમજાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.