સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…

Jordar Hata Sardar - Bhagirath jogia - Sarjak.org

1. સરદાર પટેલની સાચી જન્મતારીખ 31 ઓક્ટોબર નથી. આ વાત ખુદ સરદારે જ સ્વીકારેલી. મેટ્રિકની પરીક્ષા વખતે એમને જન્મતારીખ ફોર્મમાં લખવાની આવી. હવે, સરદાર સાહેબને તો પોતાની સાચી જન્મતારીખ યાદ જ નહોતી. એટલે એમણે ફોર્મમાં અઠ્ઠેગઠ્ઠે લખી દીધી. 31 ઓક્ટોબર, 1875. અને, આજે આટલા વર્ષે પણ સરદાર જ્યંતી 31 ઓક્ટોબરે જ ઉજવાય છે.

2. 1946માં કોંગ્રેસ પ્રેસિડન્ટની ચૂંટણી વખતે 15માંથી 12 કોંગ્રેસ પ્રાદેશિક કમિટીની પહેલી પસંદગી સરદાર હતા. ગાંધીજીનો સપોર્ટ નહેરુ પ્રત્યે હોવા છતાં એક પણ કોંગ્રેસ કમિટી નહેરુનું નામ સજેસ્ટ કરવા તૈયાર નહોતી. અંતે, સરદાર પોતે જ અજાણ્યા કારણોસર મોટું મન રાખીને નહેરુને આગળ ધરવા ખુશી ખુશી રાજી થયા.

3. ભારતના ભાગલા વખતે ભયાનક હિંસાઓ થશે એવું કોઈ નેતાએ સ્વપ્ને પણ ધાર્યું નહોતું. અચાનક હિંસાઓ ફેલાતી ગઈ ત્યારે ભારત માટે સૌથી મોટો પ્રશ્ન રેફ્યુજીઓના આશ્રય માટેનો ઉભો થયો. ત્યારે સરદારે એકલા હાથે રેફ્યુજીઓ માટે રિલીફ કેમ્પ સંભાળવાની આગેવાની લઈ લીધી. ખોરાક, દવાઓ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓનું યોગ્ય પુરવઠો યોગ્ય સમયે આયોજિત કરવામાં સરદારનો બહુ મોટો ફાળો હતો. એટલું જ નહીં, એમણે મુસ્લિમ રેફ્યુજીઓ માટે પણ એ જ દિલેરીથી સેવા કરેલી.

4. સરદાર પાછળથી સંસ્કૃત ભાષા શીખવા પ્રત્યે સજાગ થયા. યરવડા જેલમાં ગાંધીજીએ એમને સંસ્કૃત શિક્ષણનો પાયો નાંખી આપ્યો. બાકી વિધાર્થીકાળમાં સરદાર સંસ્કૃત માટે બહુ ઉદાસીન હતા. એમને નિશાળમાં ગુજરાતી પસંદ કરવા બાબતે એક ગુજરાતીના શિક્ષકે મહેણું મારેલું કે દરેક હિન્દૂ વિદ્યાર્થીએ સંસ્કૃત ભણવું જ જોઈએ. ત્યારે સરદારે ચરોતરી કડવી ભાષામાં શિક્ષકને સંભળાવી દીધેલું કે દરેક વિદ્યાર્થી જો સંસ્કૃત જ પસંદ કરશે તો તમારા જેવા ગુજરાતીના શિક્ષકોએ ઘરે બેસવાનો વારો આવશે.

5. પોતે બુદ્ધિજીવી બેરિસ્ટર હોવા છતાં પોતાની જાત માટે બહુ ફાંકો રાખતા નહોતા. 1930માં ગુજરાત વિધાપીઠના ગ્રેજ્યુએટ્સના ગેટ ટુ ગેધરમાં એમને પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે સરદારે રમુજમાં કહ્યું કે આ લોકોને મુજ અશિક્ષિત સિવાય કોઈ મળ્યું નહિ હોય? હું તો ઘઉંમાં ભળી ગયેલા ફોતરાં જેવો છું.

6. સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે. પછી કટાક્ષ કરતા કહ્યું કે હું તો એવા કાશીના સંસ્કૃત સ્કોલરોને ઓળખું છું જેઓ પાછળથી ડાયિંગ મિલમાં નોકરીઓ કરીને જીવન રોળવે છે. ત્યાં તો એમને સંસ્કૃતમાં બિલ બનાવવાની તક પણ મળતી નથી.

7. ટેક્સ ચૂકવી ના શકતા ગરીબ ખેડૂતોના ઢોર અને અન્ય મિલકતો સરકારી અધિકારીઓ જપ્ત કરી લેતા. આ અન્યાય બહુ ગાજયો ત્યારે સરદારે ત્યારે જાહેરમાં અધિકારીઓને ચચરાવી નાંખતી કૉમેન્ટ કરેલી કે આમાંના મોટાભાગના અધિકારીઓ બ્રાહ્મણ છે. બિચારાઓ સવારે ચાર વાગે ઉઠી તો જાય છે પણ, ભગવાનનું નામ લેવાને બદલે ભેંસ-ભેંસ કરતા ઉઠે છે. અત્યારે તો એમનો ઉત્સાહ ભલે ચરમસીમાએ છે. પણ જ્યારે ભેંસોથી થાકશે ત્યારે નવો નિયમ બહાર પાડશે કે ભેંસોને ભાંભરવાની સખત મનાઈ છે.

8. 1917માં સરદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડેલા અને માત્ર એક વોટથી દરિયાપુરની સીટ પરથી જીતી ગયેલા. પણ અમુક વિરોધીઓએ એમના પર 1.68 લાખની હેરફેરના કૌભાંડનો કેસ કર્યો. એ કેસ પછી મુંબઈ હાઇકોર્ટ સુધી પહોંચ્યો. ત્યારે મહમદ અલી ઝીણાએ એ કેસમાં સરદારની મદદ કરીને નિર્દોષ છોડાવેલા.

9. ગાંધીજી માટે સરદારને એટલી લાગણી હતી કે બાપુની હત્યા પછી આરએસએસના અમુક લોકો ઉત્સવ મનાવતા હતા ત્યારે સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને લાગ્યું કે આરએસએસના લોકો ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે. અને પોતાના લોખંડી સ્વભાવને અનુરૂપ એમણે 1948માં જ આરએસએસ પર પ્રતિબંધ મૂકીને ઈચ્છા વ્યક્ત કરી કે સંઘે હવે કોંગ્રેસમાં ભળી જવું જોઈએ.

10. કલકત્તાના એક પ્રવચનમાં સરદારે કટ્ટરવાદી મુસ્લિમોને ચાબખા મારેલા કે અમુક મુસ્લિમોએ પાકિસ્તાનના સર્જનમાં બહુ મદદ કરી છે. અને હવે એ લોકો ભારતમાં રહીને આપણને સવાલ કરે છે કે અમારી દેશભકિત પર સવાલો શું કામ ઉઠે છે? હું કહું છું કે આ સવાલ તમારી જાતને પૂછો. એનો જવાબ તમારી પાસે જ છે. કારણ કે રાતોરાત તમારો દેશ બદલાય ગયો છે.

~ ભગીરથ જોગિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.