આવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ

Congratulations to Teachers - Mayur Khavdu - Sarjak.org

સ્પેલિંગની સ્પર્ધામાં હું અને મારો મિત્ર ગણપતિ છેલ્લા ક્રમે આવ્યા. નિર્ણાયકો રોષે ભરાયા અને તાલુકામાં આવી ખખડધજ સ્કૂલ પણ છે ! તે વિચારે કેટલાક સાહેબો અંદરો અંદર હસવા લાગ્યા અને કેટલાક રોષે ભરાયા. તાલુકા વિકાસ અધિકારી પણ ત્યાં ઉપસ્થિત હતા. અમારા આચાર્ય પેટમઘા સાહેબને ફોન કરી, શેક્સપિયરના નાટક કરતાં પણ અતિ દુખાન્ત એવી આ ઘટના સંભળાવવાનું એમણે નક્કી કર્યું.

તેમણે પેટમઘા સાહેબને ફરિયાદ કરતાં કહ્યું, ‘પંદરમી ઓગષ્ટના કાર્યક્રમમાં તો હોશિયાર વિદ્યાર્થી મોકલો. તમારા બે વિદ્યાર્થીઓએ આખી સભામાં એક પણ સ્પેલિંગનો ખરો ઉત્તર ન આપી મારું કલેક્ટર સામે નાક કપાવી નાખ્યું. શાળામાંથી બીજા કોઈ હોશિયાર વિદ્યાર્થી ન મળ્યા ?’

અમારા આચાર્યશ્રી પેટમઘા સાહેબે ઉદાસ થઈ કહ્યું, ‘આખી સ્કૂલમાં સૌથી હોશિયાર આ બે જ હતા.’

થોડાં દિવસો પછી અમને માલુમ થયું કે અમારા તાલુકા વિકાસ અધિકારીએ ફરજીયાત ધોરણે બદલી કરાવી નાખી છે. જો કે બદલીની તો અમારી શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીને પણ ખૂબ ઉત્કંઠા હતી. પણ જેમ દેશમાં કેટલાક નેતાઓનાં સપનાં ટિકિટ મેળવવા માટે અધૂરા રહી જાય, કેટલાકના મન હોવા છતાં પરણ્યા વિનાના રહી જાય, તેમ અમારા સાહેબો બદલી ઈચ્છુક હોવા છતાં બદલીનો રસ ગળે ન ઉતારી શક્યા.

અમારા તોફાનોથી કંટાળી પેટમઘા સાહેબે ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નજીવો ફેરફાર કરી નિશાળમાં લખાવેલ, ‘છેલ્લો કટોરો ઝેરનો પી જજો સાહેબ…’ આ વાક્ય તેઓ દરેક નવા શિક્ષકને તેની હાજરી ટાણે ઊંચા અવાજે ફરજીયાત વંચાવતા.

એક દિવસ અમારા આચાર્યશ્રી પેટમઘા સાહેબે અમારા ક્લાસને ઠપકો આપતા કહ્યું, ‘એક મહિના પછી કબડ્ડીનો મેચ છે. નવા તાલુકા વિકાસ અધિકારી સામે મારું મોઢું દેખાડવા જેવું રાખજો અને જીતીને જ આવજો. કબડ્ડીમાં પારિતોષિક મેળવીને ન આવ્યા, તો શાળામાં ઘુસવા નહીં દઊં.’

સાહેબની ખુલ્લી ધમકીથી ડરી ગયેલા અમો જે દિવસે કબડ્ડીનો મેચ રમવા માટે ગયા તેના બે કલાકમાં જ કપ લઈ તાલુકેથી પાછા ફર્યા. અમને કપ લઈ આવતા નિહાળી, અમારી સ્થિતિ શેરબજાર ન સમજાય તેવા માણસ જેવી કરી દેનારા ગણિતના સાહેબ તો રિતસરના બેભાન થઈ ગયા. બે વખત તો આચાર્યશ્રીએ આંખો ચોળી અને સાફ કરી. જે થાય છે તે સારા માટે થાય છે, આમ આચાર્યશ્રીએ અમને સંબોધ્યા. અમે ઉજાણીમાં વ્યસ્ત બન્યા.

એવામાં ક્લાસમાં જેનું મોઢું બંધ નથી રહેતું તેવા ગૌતમને એકાંતમાં લઈ જઈ સાહેબે આ મહાન કાર્યનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો. ગૌતમે પેટમઘા સાહેબ આગળ બકી નાખ્યું, ‘સાહેબ કોઈને કહેતા નહીં. આપણા બે વચ્ચેની વાત. મેચ શરૂ થતા પહેલાં જ અમે ભેગા થઈ વિરોધી ટીમના ગુડા ભાંગી નાખ્યા. રમવા જેવા જ ન રાખ્યા. મેદાનમાં પગ મુક્યા વિના જ આપણી ટીમ જીતી ગઈ. તાલુકા વિકાસ અધિકારીએ તો વખાણ કરતાં કહ્યું કે ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ રમ્યા વિના જીતી છે.’ આ સાંભળ્યા પછી પેટમઘા સાહેબનું બીપી વધી ગયેલું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા.

વચ્ચે આ જ ગૌતમ પેટમઘા સાહેબને આપણે શિક્ષક દિવસ કેમ નથી ઉજવતા, તેની ફરિયાદ કરવા ગયેલો. જેના જવાબમાં પેટમઘા સાહેબે રડતા રડતા ઉતર આપેલો, ‘બેટા આખું વર્ષ તો તમને ઉજવવા દઈએ છીએ.’

અમારા ગુજરાતીના અધ્યાપક ખખ્ખર સાહેબ અમને ખૂબ અપમાનીત કરતા. કોઈવાર અમને જોડણી ન આવડે એટલે વર્ગમાં ગુસ્સે થઈ શ્રાપ આપતા, ‘જા તું કવિ બનજે.’ એમના શ્રાપમાં એટલી અસીમ શક્તિ હતી કે બાળપણના મારા ગોઠિયાઓને હું ભવિષ્યમાં મળ્યો ત્યારે તેઓ ફેસબુક કવિ બની ચૂક્યા હતા. કવિ જેવા દેખાવા તેમણે લાંબા વાળ રાખ્યા હતા. દાઢી છેલ્લે ક્યારે કપાવી તેની તેમને ખબર નહોતી.

નેતાઓએ પોતાના ભાષણમાં આ વાતને ઉમળકાભેર ઉમેરવી જોઈએ કે લાંબા વાળ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રૂંધાઈ છે. હજામનો વ્યવસાય અટકી જાય છે અને દેશ મહાસત્તા નથી બની શકતો. ખખ્ખર સાહેબે આ શ્રાપ મારા મિત્રોને આપ્યો હતો કે ગામના લોકોને તે ખબર નહોતી પડતી. એ રસ્તે મળતા બધાને કવિતાઓ સંભળાવ્યા કરતાં હતા. કાશ સાહેબે તેમની કૃતિનું મૂલ્યાંકન કરવા માટે અમારા ક્લાસમાંથી કોઈ એકને, ‘જા તું વિવેચક બનજે.’ એવો શ્રાપ આપી દીધો હોત તો સારું હતું.

એક વખત શાળામાં યુવા શિક્ષક પરમાર સાહેબની વરણી થયેલી. તેઓ નવાસવા હતા એટલે અમને ઓળખતા નહીં. તેમના લગ્ન પણ ટૂંક સમયમાં જ થવાના હતા. લગ્નની કામગીરી મફતમાં થઈ જાય આ માટે તેમણે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓને કામ પર રાખ્યા. તેઓ હોશે હોશે કામ કરતા હતા. કેવું કામ ? ખાંડ ખૂટી જતા ફટાફટ ખાંડ લાવેલા, જો કે દુકાનદારની ભુલના કારણે ખાંડની જગ્યાએ મીઠું નીકળ્યું. જે ઘણી ખરી વાનગીમાં રસોયાએ નાખી પુણ્યનું ભાથુ બાંધ્યું. દાળ બનાવવા માટે તુવેરની દાળ લેવા મોકલેલા, તો ગોખવામાં ને ગોખવામાં મગની દાળ લઈ આવ્યા, અમારા તો આખા ગામના પુરૂષોને ધાણાભાજી અને મેથીમાં ખબર જ નથી પડતી. ધાણાભાજી લેવા મોકલેલા તો મેથી લાવ્યા, રસોયાએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં આની જરૂર જ હતી. હવે બીજા ફેરામાં ધાણાભાજી લાવજો.’ તો પાછી મેથી લાવ્યા. ચટણી માગો તો હિંગ આપે અને હિંગ માગે તો હળદર આપે. ઊંઘે માથ રસોયો પણ નાખ્યા જ રાખે. કોનો કયો કલર એ પણ ખબર ન પડે. શાળાના વિદ્યાર્થીઓનાં કારણે ગામ આખાનો જમણવાર બગડ્યો. પછી તો કોઈએ સાહેબના કાનમાં વાત મુકી, ‘પેલો રસોયો છે ને, એ પણ ગામની શાળામાં જ ભણેલો.’ અમારા નવા સાહેબ હબકી ગયા.

બીજા દિવસે સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સાથે જ પરમાર સાહેબ જાન લઈ નીકળ્યાં. ગામના પાદરે જાન પહોંચી. ત્યાં અમારા ક્લાસના રઘુવીરે જેની અનાયાસે અટક પણ ચૌધરી જ હતી. તેણે સાહેબના ઘોડા પાસે લવીંગીયો ફટાકડો ફોડ્યો. ઘોડો ભડકીને ભાગ્યો. એવો ભાગ્યો કે બાર કિલોમીટર દૂર આવેલા અમારા જ ગામ સણેથરામાં આવીને ઊભો રહ્યો. ખખડી ગયેલી મોટર લઈ સાહેબને પાછા લેવા જવા પડ્યા. આ બાજુ પંડિત માંડવામાં બોલ્યા રાખે, ‘વર પધરાવો સાવધાન.’

પાંચ વર્ષ પૂરા થયા પછી સાહેબે બદલીનો ઓર્ડર નાખેલ, પણ એ પાંચ વર્ષને માથે બીજા પંદર વર્ષ ચાલ્યા ગયા. આજે પણ બદલી નથી થઈ.

એક શારીરિક શિક્ષણના શિક્ષક ખુમાણ સાહેબ. એમનું પહેલાંથી એક જ રટણ કે હું કહું એટલું જ વિદ્યાર્થીઓએ કરવાનું. અમે તેમનાથી ખૂબ ડરતા હતા, કારણ કે એ કહે એ ન કરીએ તો દંડો મારે. મંગળવારે તેમનો પ્રથમ તાસ હોવાથી અમને શાળાની બહાર કાઢ્યા અને કહ્યું, ‘ગામનો એક રાઉન્ડ મારો, જાઓ અને અડધેથી કોઈ પાછા ન આવતા, વહેલો આવશે તેની મને ખબર પડી જ જશે. એને હું દંડે દંડે મારીશ.’ તેમની આજ્ઞાનું પાલન કરતાં વિદ્યાર્થીઓ દોડ્યા અને પછી શાળા પૂરી થવાની હતી ત્યારે પાંચ વાગ્યે પાછા આવ્યા.

ગુસ્સામાં સાહેબે હાથમાં દંડો લેતા કહ્યું, ‘એલા અત્યાર સુધી ક્યાં ગયા હતા ?’

અમારા ક્લાસમાં નામની પ્રતિભા ધરાવતો પ્રતિભાશાળી દવે આગળ આવ્યો અને સેનાનું નેતૃત્વ કરતાં બોલ્યો, ‘તમે જ તો કહ્યું હતું, વહેલો આવશે એને મારીશ. એટલે અમે ગામનો એક રાઉન્ડ માર્યો. જેનું જેનું વચ્ચે ઘર આવતું તે ઘરે ચાલ્યો જતો. આપ જોઈ શકો છો પાંચ વાગ્યા પહેલા કોઈ નથી આવ્યું. એટલે કે વહેલું કોઈ નથી આવ્યું.’ પછી તો ખુમાણ સાહેબે પણ બદલીની અરજી નાખી. આજની તારીખે એમનો પણ વારો નથી આવ્યો.

વચ્ચે મને જાણકારી મળેલી કે અમારા આચાર્યશ્રી પેટમઘા સાહેબે લાગવગ દોડાવતા ગાંધીનગર અરજી કરી છે. અરજીમાં લખેલ હતું, ‘શાળાની અંદર એક ખાસ્સી મોટી જગ્યા આવેલી છે. મહેરબાની કરી ત્યાં પોલીસ થાણું સ્થાપી દો.’

(હાસ્ય-વ્યંગ)

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.