આર.કે.નારાયણ – સ્વતંત્રતા બાદ અને આજેય જેનું અંગ્રેજી સાહિત્ય સૌથી વધારે વંચાય છે

Rasipuram Krishnaswami Iyer Narayanaswami - R.k.Narayan - Mayur Khavdu - Sarjak.org

સ્વતંત્રતા બાદ અને આજેય જેનું અંગ્રેજી સાહિત્ય સૌથી વધારે વંચાય છે તે આર.કે.નારાયણ બી.એની પ્રવેશ પરીક્ષામાં ફેલ થઈ ગયા હતા. જ્યારે પરીક્ષા આપવા માટે ગયા ત્યારે જે વિષય પર તેમને સૌથી વધારે વિશ્વાસ હતો, કે હું ઝંડા ખોડી દઈશ તેમાં જ તેમનો ધબળકો વળી ગયો. આ વિષય હતો અંગ્રેજી. નારાયણ અંગ્રેજીમાં ફેલ થાય તેવું કોઈને ન હતું લાગતું. તેમની બાજુમાં બેસેલો છોકરો પણ તેમાંથી જ કોપી કરીને લખતો હતો. જોકે એ પાસ થયો કે નહીં, કે બાદમાં તેણે કઈ લાઈન લીધી તેની માહિતી પ્રાપ્ત નથી. જ્યારે પાડોશીઓને ખબર પડી કે નારાયણની અંગ્રેજીમાં જ દાંડી ડુલ થઈ ચૂકી છે, તો તેમને પણ વાત માનવામાં નહોતી આવતી. ‘કોઈ બીજો નારાયણ હશે.’ આમ કહી મન પરોવતા, પણ બાદમાં નારાયણના પિતાજીએ જ એ વાતનું શ્રીફળ વધેર્યું કે બીજો કોઈ નહીં પણ મારો લાડલો જ નાપાસ થયો છે.

નારાયણના પિતા કોઈ નિષ્ફળ જાય તો તેને સહાનુભૂતિ આપતા હતા. પ્રેરણાનો પૂરવઠો પૂર્ણ પાડતા. જીવન જીવવાના પાઠ ભણાવવા લાગતા. પણ તેઓ પોતે કેટલી વખત નિષ્ફળ નિવડેલા તેની વાત અવગણતા. આ વખતે તો નારાયણના પિતાજીએ પણ નારાયણને કહી દીધું, ‘પણ તું અને અંગ્રેજીમાં ફેલ થા ’

વાત નારાયણના બાપુજી જ નહીં આપણે પણ ન માનીએ. એક તો બેંગ્લોર જેવું સાઉથનું સ્ટેટ જેની સાક્ષરતાના ભારતમાં ડંકા વાગે. ઉપરથી કર્ણાટકનાં લોકો કન્નડ ભાષા બાદ અંગ્રેજીને મહત્વ આપે છે. જો નારાયણ માટે આખુ મૈસૂર એમ કહેતું હોય કે નારાયણ તો અંગ્રેજીમાં ફેલ જાય જ નહીં, તો વાતમાં કંઈક તો માલ જેવું હશે જ.

હવે આપણે ક્યાં લાંબુ ખેંચવું. નારાયણ મોટા લેખક બન્યા ત્યારે તેમણે પોતે જ દશેરાના દિવસે ઘોડુ કેમ ન દોડ્યું તે અંગે ફોડ પાડ્યો, ‘અમારે ત્યાં ભણવામાં એક્સપ્લોરેશન એન્ડ ડિસ્કવરીઝ જેવું યાત્રા વર્ણનનું મહાકંટાળાજનક પુસ્તક આવતું હતું. જે મને ગમતું જ નહીં. મેં નક્કી કર્યું કે ઓલિવર ટ્વિસ્ટ અને પોલિટિકલ સિલેક્શન આ બંન્ને વિભાગોની જ તૈયારી કરીશ. જ્યારે પેપર આવ્યું તો બધું પેલી એક્સપ્લોરેશન નામની ચોપડીમાંથી જ પૂછાયું.’

નારાયણના નામની બાદબાકી કરી નાખવામાં આવે તો ઘણાની કારકિર્દી શરુ પણ ન થાય. માલગુડી ડેઝ જેવી સિરીયલ અને દેવ આનંદની ગાઈડ ફિલ્મ બને જ નહીં. આ નારાયણના પુસ્તક સ્વામી એન્ડ ફ્રેન્ડ્સનો અનુવાદ કરવાની મેં ગુસ્તાખી કરેલી. માલગુડીના ટાબરિયાંને વાંચીને થયું કે આમાંથી તો ઘણું કાપી નાખવામાં આવ્યું છે. જેથી આખે આખી ચોપડી અનુવાદિત થવી જ જોઈએ. પ્રથમ પ્રકરણના અનુવાદ બાદ મને અપરાધબોધ થયો. આ ચોપડી તો નામ અને તેના મુખપૃષ્ઠથી કોઈ પણ બાળક વાંચશે એટલે પ્રથમ પ્રકરણથી જ તેના કુમળા માનસ પર ધર્મ નામની વસ્તુ ચડી જાશે. છતાં અંગ્રેજીમાં એ પુસ્તક ખૂબ વેચાય છે અને વંચાયુ પણ છે. ધર્મની વાત સાથે જ.

આ લેખકને વાંચવાનો ખૂબ શોખ હતો. તે અંગ્રેજી જ વાંચ્યા કરતો. લાઈબ્રેરીમાં અનુમતિ ન હોવા છતાં એક સાથે ચાર પુસ્તકો લાવી તેનો તુલનાત્મક અભ્યાસ કરતો. જે પુસ્તક ગમી જાય તેને રદ્દી પુસ્તકભંડારને ત્યાંથી શોધતો. આવી રીતે તેણે ઘણા પુસ્તકો ભેગા કર્યા હતા.

કોલેજકાળમાં જ તેને ફેમિનીઝમ સાહિત્યની લત્ત પડી ગઈ હતી. નારાયણ એવા જ પુસ્તકો શોધીને વાંચતા જેનો અંત દુખાન્ત હોય. એવા જ પુસ્તકો શોધતા જેમાં પુરૂષ દ્રારા મહિલાને દગો કરવામાં આવ્યો હોય. અને મહિલાને આ વાતની નવલકથાના મધ્યમાં ખબર પડે.

ખાસ્સુ વાંચન કર્યા પછી તેને દુખાન્ત લેખક બનવાનું મન થયું. આ માટે તે જ્યાં પણ જતો દુખની શોધ કરતો હતો. પણ દુખ મૈસૂરની કોઈ જગ્યાએ રસ્તામાં ભટકતું નહોતું મળતું. તે કાગળ લઈ બેસતો પણ એમ અનુભૂતિ વિના કેમેય લખાય. આ માટે તેણે એક કવિની પણ મુલાકાત લીધી હતી, જોકે તેને સાંભળ્યા પછી કન્નડ ભાષાની કવિતાઓ પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયેલો. એવામાં એક મોટી દુર્ઘટના ઘટી. તેના બાપુજીના એક મિત્ર ગુજરી ગયા. બાપુજીએ જ્યારે નારાયણને આ વાતની માહિતી આપી અને તેણે પિતાના નિરાશ ચહેરાને જોયો તો તે હસવા લાગ્યો. કોઈના ગુજરી જવા પર હસવાનું સૌભાગ્ય લેખકોને જ પ્રાપ્ત થયેલું છે. તેના ચહેરા પરની સ્માઈલનો અર્થ બાપુજી ઓળખી ન શક્યા. આ વિષયને કેન્દ્રસ્થાને રાખી નારાયણે એડોનાયસનો ઉધાર વિલાપ લઈ મિત્રતા (ફ્રેન્ડશીપ) નામની એક કૃતિની રચના કરી.

નારાયણ ખૂબ શાણો હતો. મુગ્ધાઅવસ્થામાં જ્યારે લખતો ત્યારે બા-બાપુજી અને મોટાભાઈથી પોતાની કૃતિ છુપાવીને રાખતો હતો. તે પોતાની કૃતિ ખિસ્સાંમાં રાખતો. તેને ખબર હતી કે નહીં… તેની મને ખબર નથી, કે મન્ટો પણ આમ જ કરતો. મિત્રોને કૂકૂનહલ્લી નામના તળાવે બેસવા માટે બોલાવતો. જ્યારે તેઓ આવતા ત્યારે નારાયણ તેમને પોતાની કથાનું ઊંચા અવાજે પરાણે શ્રવણ કરાવતો. મિત્રો આવી કંટાળાજનક રચના પર વિવેચનાત્મક રંધો ન ફેરવી દે એટલે તેમને લાંચ સ્વરૂપે કોફી પીવડાવતો. કોફી પીધા પછી મિત્રો તેને ‘માસ્ટરપીસ’ કહેતા. નારાયણની કૃતિને મિત્રો દ્રારા થમ્સ અપ મળવું તે સમસ્યાને નોતરું આપવા જેવું હતું. ‘માસ્ટરપીસ’ના સપનાઓમાં રાચી તે ઘરે જઈ બીજી બે કૃતિ ઢસડી નાખતો અને બીજા દિવસે મિત્રોને ફરી કૂકૂનહલ્લી નામના તળાવે બોલાવી પોતાની રચના ઊંચા અવાજે સંભળાવતો. ચોકીદારને નારાયણના તળાવ પર આવવાથી કોઈ વાંધો નહોતો, કારણ કે તેના ઊંચા અવાજથી કૂતરાઓ અને કાગડાઓ ડરીને ભાગી જતા હતા.

ભણવાનું પૂરુ થયું. બાપુજી નિવૃત થયા. 1989ના સમયના જમ્બો ટીવી સાઈઝનું એક ટાઈપરાઈટર રાખવાની નારાયણે ઘરમાં જ જગ્યા શોધી લીધી. નારાયણના ઘર પાસે ભીડ પણ આ કારણે જ રહેતી કે પેલું છે શું નારાયણ નવરાશના સમયમાં રખડ્યા કરતાં અને લખવા માટે વિચારતા રહેતા, પણ કંઈ મેળ નહોતો પડતો. સપ્ટેમ્બર મહિનાનો એ દિવસ હતો. તેમણે કાગળનો થપ્પો ખરીદ્યો. લખવા બેઠા ત્યાં ફટાક દેખાના પાંચ સીન મગજમાં આવ્યા. ટ્રેન, નળીયાવાળું મકાન, પ્લેટફોર્મ, સ્વામીનાથન અને માલગુડી. આ વિષય પર નારાયણ રોજ એક પાનું લખતા.

નારાયણનું લખેલું છાપાવાળાઓને બિલકુલ નહોતું ગમતું. પણ તેમના સિનીયર મામાજી એક સાહિત્યિક પત્રિકા ચલાવતા. તેમણે નારાયણના થોથા વાંચી પૂછ્યું, ‘તે શેક્સપિયર અને કંબન રામાયણ વાંચી છે ’

નારાયણ આધુનિક વાર્તાકાર બનવા માગતા હતા અને પેલા મામાજી પરંપરાગત તમિલ સાહિત્યની વાતો કરી રહ્યાં હતા. તેમણે નારાયણને સોનેરી સલાહ આપી અને 1938માં ગુજરી ગયા. સલાહ હતી, ‘લખો ખરાં પણ વાંચતા રહો.’ જ્યારે તેમનો જીવ તાળવે ચોંટેલો હતો અને યમરાજ ઓશિકા પાસે જ ગદા લઈ ઉભા હતા ત્યારે પણ તેઓ નારાયણને જ યાદ કરતા હતા. યમરાજ પણ નારાયણની જ પ્રતીક્ષા કરી રહ્યાં હતા. ત્યાં નારાયણ સિનીયર મામાજી પાસે આવી ગયા. મામાજીએ તેને નજીક બોલાવી કાનમાં કહ્યું, ‘કંબન રામાયણ વાંચી છોકરા ’

10,500 પદની કંબન રામાયણ સરખી રીતે વાંચતા નારાયણને ત્રણ વર્ષ લાગેલા. નારાયણે તેના વિશે લેખ લખ્યો અને સિનીયર મામાજીને જ અર્પણ કર્યો. એ સાથે વાર્તા પણ મોકલી કે કલ્યાણ થતું હોય તો આપણી ક્યાં ના છે એ વાર્તાના તેને દસ રૂપિયા મળ્યા. એક બાળવાર્તા પણ છપાઈ જેના તેને 30 રૂપિયા મળ્યા.

રસ ન હોવા છતાં તેમને પત્રકારત્વમાં કામ કરવું પડેલું. વેવિશાળ પછી બાપુજી લકવાગ્રસ્ત થઈ ગયા હતા. આખો દિવસ મૈસૂરની ગલીઓમાં દોડધામ અને ઘરે આવી સમાચાર લખતા. એક દિવસ ટેલિગ્રામ મળ્યો. ‘નવલકથા સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ ને છાપવા માટે ગ્રેહામ ગ્રીને સહાયતા કરી છે.’ એ પછી કોઇ દિવસ નારાયણ પત્રકારત્વમાં પાછા ન ફર્યા.

અંતે આંખમાંથી પાણી આવી જાય તેવી વાત કરી લઈએ. નારાયણના પાડોશીનું નામ પૂર્ણા હતું. નારાયણ જ્યારે સ્વામી એન્ડ ફ્રેન્ડસ લખતા હતા ત્યારે પ્રથમ પ્રકરણ પૂર્ણ થયા પછી પૂર્ણા દિવાલ કૂદીને તેને સાંભળવા આવતો હતો. પૂર્ણા ધરતીનો પ્રથમ વ્યક્તિ જેણે સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ વાંચી અને સાંભળી હતી. અને વાહ વાહ કરતો હતો. કોઈ પ્રકાશક સ્વામી એન્ડ ફ્રેન્ડ્સનો ભાવ નહોતો પૂછી રહ્યો. નારાયણને હવે પૂર્ણાના વખાણ ખોટા લાગી રહ્યાં હતા, કોઈવાર તેને આ બધુ ફાડીને ફેંકી દેવાનું મન થતું હતું. 1931માં પૂર્ણા ઓક્સફોર્ડમાં ગયો. એકલો નહીં નારાયણની સ્વામી એન્ડ ફ્રેન્ડ્સનું મટીરીયલ લઈને. જ્યાં તેણે રોજ પ્રકાશકોના ધક્કા ખાધા. તે નારાયણને ટેલિગ્રામ દ્રારા માહિતી આપતો કે બધા ના પાડે છે, કેટલાક તો કૃતિને ખરાબ રીતે વખોળી કાઢે છે. કંટાળીને નારાયણે પૂર્ણાને પત્ર લખ્યો, ‘એક કામ કર, એ પ્રત પથ્થર સાથે બાંધી થેમ્સ નદીમાં ડુબાડી દે.’

પૂર્ણાએ તેવું ન કર્યું અને તેના પર વિશ્વાસ રાખવાનું કહ્યું. એવામાં પૂર્ણાની મુલાકાત ગ્રેહામ ગ્રીન સાથે થઈ. તેણે છેડા લગાવ્યા. વાત બની. ગ્રીનના કારણે પુસ્તક છપાયું, જેની 20 પાઉન્ડ જેટલી રકમ નારાયણને મળી. વિવેચકોએ તેને ખૂબ વખાણ્યું પણ વેચાણ ન થયું. જો એ વખતે પૂર્ણાએ નારાયણની રોષિત આજ્ઞાનું પાલન કરતાં સ્વામી એન્ડ ફ્રેન્ડસને થેમ્સ નદીમાં પથ્થર સાથે બાંધી ડૂબાડી દીધી હોત તો

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.