ઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે

Omerta - Devils stay in us - Mayur Khavdu - Sarjak.org

ઓનલાઈન પ્લેટફોર્મ પર શકુન્તલા દેવી, લૂટકેસ, રાત એકેલી હૈ, યારા જેવી ફિલ્મોનાં મિક્સ રિવ્યૂ વાંચી વાંચી અને નવાની રાહમાં થાકી ગયા હો, તો હવે ઓમેર્તા જોઈ લો. જેમ દરેક ફિલ્મ તેના એક ચોક્કસ વિભાગના કારણે તો જોવાને લાયક બને જ છે. તેમ ઓમેર્તા તેના અભિનયના કારણે ગમશે. 2018માં રિલીઝ થઈ હતી, પણ અવેન્જર્સ ઈન્ફિનીટી વોરે મચાવેલા ગેલના (તોફાન) કારણે આ ફિલ્મના પાટીયા પડી ગયા. 25 જુલાઈથી ZEE પર સ્ટ્રીમિંગ થઇ રહી છે અને હવે ફિલ્મોની મોટાભાગની વેબસાઈટો પર તે ઉપલબ્ધ પણ છે. જેની ચર્ચા કોઇ નથી કરતું.

વિચારો જરા એક 22 વર્ષનો છોકરો નોકરીએ લાગે છે. તેની ઈચ્છા છે કે તે ડેસ્ક જોબ કરે. ડેસ્ક જોબમાં નામ કમાઈ તે ફલાણી શાખાનો હેડ બને. છોકરો કંપનીનાં મજૂરોને પોતાની લીડરશીપથી સારી રીતે સાચવી શકે છે. જેથી કંપનીનો માલિક તેના ખોટા વખાણ કરી ડેસ્કમાંથી તેની બદલી મજૂરોના કેર ટેકર તરીકે કરી દે છે. તેનો સાહેબ તેની ખોટી પ્રશંસાનાં ગુણગાન ગાઈ તેને અંધારામાં રાખે છે. છોકરાને શરુઆતમાં આનંદ આવે છે પણ સમસ્યાઓ કેટલી બધી છે તેની તેને કામ કર્યા પછી ખબર પડે છે. ઓમેર્તા જોતી વખતે આ પ્રકારની અનુભૂતિ થાય. તમે તમારા ધંધાને પણ આ કાલ્પનિક કે ફિલ્મી આતંકની કથા સાથે આરામથી ઢાળી શકો. જે ઘણા વ્યવસાયમાં થાય તે આતંકના ધંધામાં પરોવાયેલા ઓમેર્તાનાં નાયક અહેમદ ઉમર સઈદ શેખ સાથે થાય છે. પણ તે એક એવો ટાલીયો છે જે રોજ વાળ ઉગવાની આશાએ ઉંઘે છે અને સવારે ઉઠે છે તો એનું એ.

અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે આતંકીઓએ ભારતના પ્રવાસી પ્લેનને હાઇજેક કરી ત્રણ આતંકીઓને જેલમાંથી છોડવાની શરત મુકેલી. મુસ્તાક અહેમદ ઝરગર, મસૂદ અઝહર અને અહેમદ ઉમર સઈદ શેખ. ત્યારે કોણે ભાવી ભાખેલું કે આ ત્રણમાંથી ઉમર ભવિષ્યમાં વધારે ભડાકા કરવાનો.

પડદા પર દેખાતો ઉમર હોશિયાર છે. તે સવારમાં ઉઠી કસરત કરે છે. દારૂની જગ્યાએ દૂધ પીવે છે. રોજ પાંચ વખત નમાઝ પઢે છે. મગજને કસવા માટે શતરંજ રમે છે. આ તો ‘સિગરેટ પીવાથી કેન્સર થાય છે’ આવી ટેગલાઈન મારવી ન પડે તેવા પ્રકારની ફિલ્મ લાગે. પણ ઉમર તો આતંકવાદી છે.

હિટલરે વિશે તેના વિરોધીઓ કહેતા, ‘હિટલરથી સાવધ રહેવું, કારણ કે તે દારુ, બીયર, સિગરેટ જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી કોઇ વસ્તુને હાથ નથી લગાવતો. બે લોકો વચ્ચે બેસી આવું નથી પીતો એટલે તે આપણા માટે બીજા દુશ્મનો કરતાં વધારે ખતરનાક છે.’

રાજકુમારે પોતાના શરીરમાંથી ઉમરને આ રીતે જ જન્મ આપ્યો છે. હંસલ મહેતાએ રાજકુમાર રાવની મહેનતને જોઈ ડરતા-ડરતા કહેલું, ‘ઉમરનાં પાત્રમાં કુમાર એ રીતે ઘુસી ગયો હતો કે 2015માં પેરીસ પર થયેલા આતંકી હુમલાને તે ખુશી ખુશી વધાવતો હતો. બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તે ખોટું કરી રહ્યો છે.’

ફિલ્મમાં હેવાનિયત કોને કહેવાય તેના દર્શન થશે. એક પત્રકારનું ગળું કાપતા કેટલી વાર લાગે છે તે પણ અનુભવાશે. એક કલાક સાડત્રીસ મિનિટ સુધી ભૂલી જાઓ કે પડદા પર કોઇ રાજકુમાર રાવ નામનો અભિનેતા છે. એ જે રીતે લોકો સાથે દોસ્તી કેળવી, ‘બ્રોટઅપ ઇન લંડન’ એમ કહી ભૂરિયાઓને પટાવી રહ્યો છે અને પછી તેમની સાથે જે કરી રહ્યો છે, તે જોતા કુમારને ગોળીએ દેવાનું મન થશે. થોડી ક્ષણોમાં જ ફટાક કરતું તમારું મગજ એ દિશામાં દોડશે કે અરે આ તો ફિલ્મ છે. ફિલ્મની વચ્ચે વચ્ચે આ પ્રકારની માનસિક વિધ્ન દોડ આવતી રહેશે. દર્શક તરીકે તમારે એ વિધ્નોનો કૂદવારૂપી સંઘર્ષ કરવાનો છે.

ઓમેર્તા એ મૂળ ઈટાલી ભાષાનો શબ્દ છે. ગૂગલ કરશો તો ખબર પડી જ જશે. જેનું ઉદ્દભવ સ્થાન ઓમિટા નામનો શબ્દ છે. ઈટાલીમાં તે માફીયાઓ માટે વાપરવામાં આવે છે. કોઈ આતંકી ગમે તે પ્રકારનાં ઈન્ટેરોગેશનમાં પણ મૌન ધારણ કરી માહિતી ન આપે, તો તેને તેના આતંકી આકા તરફથી આ પ્રકારનું બહુમાન આપવામાં આવે છે. બીજા શબ્દોમાં જે-તે પોલીસ કે આર્મીને કોઈ પણ પ્રકારનો પુરાવો ન આપે તેવો વ્યક્તિ. શિર્ષકને યથાર્થ સાબિત કરતો આ શબ્દનો ડાયરેક્ટર હંસલ મહેતાએ એક જ જગ્યાએ શિલાન્યાસ કર્યો છે. જ્યાં પણ જોનારે પોતાના મગજનું ઘર્ષણપાન કરવાનું છે.

સંવાદમાં કંઇ ખાસ નથી. ફિલ્મમાં વારંવાર આવતા બે-પાંચ શબ્દોનો છેદ ઉડાવી દો તો ફિલ્મ છે તેના કરતાં પણ સાત-આઠ મિનિટ ટૂંકી થઈ જાય. પણ એક જગ્યાએ ઉમર ખૂબ સરસ કહે છે, ‘તું જાણે છે ડેની, આતંકીઓ માને છે કે તમે લોકો રાક્ષસ છો. ધર્મનો ખાત્મો બોલાવવા માટે ધમકી આપો છો. તેઓ એમ માને છે કે તેઓ પોતાની જાતને બચાવી રહ્યાં છે. અને તમે માનો છો કે તમે માનવજાતને બચાવી રહ્યાં છો. પણ ખરું એ છે કે કોઈ કોઈને પણ બચાવી નથી રહ્યું. નિર્દોષ લોકો મરી જાય છે. કોઇ જીવતું નથી રહેતું, પણ… હા, સંઘર્ષ જીવતો રહે છે. ચહેરા પર સ્મિત કેમ આવી ગયું ’

ડેની કહે છે, ‘નહીં… નહીં… કેટલું સત્ય છે.’

‘એ જ તો વાત છે. જટિલ સમસ્યાઓનું સરળ નિરાકરણ હોય છે.’

ફિલ્મને વાસ્તવિકતાની નજીક લાવવા માટે બોસનિયાનાં કેટલાંક દ્રશ્યો બતાવ્યાં છે. જે કાચાપોચા હ્રદયનાને વિચલિત કરશે. ખૂદ ઓરિજનલ ઉમર શેખ પણ દેખાશે.

આ ફિલ્મ ગમવાનું કારણ એ પણ છે કે તેમાં જેટલું પણ બતાવ્યું છે તે પુસ્તકમાંથી સંશોધન કરીને હંસલ મહેતાએ પડદે મઢ્યું છે. સહ લેખક મુકુલ દવેએ 2005માં જ્યારે ફિલ્મની સ્ટોરી કહેલી ત્યારે ઈન્ટરનેટ સ્લો ચાલતું હતું. એ કારણે જ ઈન્ટરનેટની અફવાઓ ફિલ્મમાં નહીં જોવા મળે.

સ્ટીફન કિંગે પોતાના પ્રવચનમાં કહેલું, ‘ઘણા લોકો મને પૂછે છે કે પ્રેત, મોન્સ્ટર, ભૂત, આવા વહેશી-દરિંદાઓનું આ દુનિયામાં અસ્તિત્વ છે શું તમે તેને જોયા છે મારે બસ એટલું જ કહેવાનું છે કે આ બધા માણસની અંદર જ છે. આપણે તો બસ જોવાનું છે કે એ આપણા પર જીત મેળવી ને ક્યારે જીવંત થાય ’

દિગ્દર્શક હંસલ મહેતાએ પણ હિંસાને જ કેન્દ્ર સ્થાને રાખી ફિલ્મ બનાવી છે. લંડનમાં ભણતો. અર્થશાશ્ત્ર વિષયમાં જે સ્નાતક થવાને આરે છે. જેને કોઇ પણ પ્રકારનું વ્યસન નથી. તેના પિતાને જોતા, ‘આનો છોકરો આવું કરે જ નહીં’ તેવો પ્રાથમિક અભિપ્રાય બંધાય જાય. એ જ આતંકી બને છે.

પાકિસ્તાનનો બચવા કરવા માટે પરવેઝ મુશરફે પોતાના પુસ્તક ઈન ધ લાઇન ઓફ ફાયરમાં કહેવું પડેલું કે, ‘તેને મૂળ તો બ્રિટનની MI6 દ્રારા મોકલવામાં આવ્યો હતો. બાદમાં તે ડબલ એજન્ટ બની ગયો.’ તેનો સહાધ્યાયી બીજો કોઇ નહીં પણ ઈંગ્લેન્ડની ટીમનો પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન હતો. જે ફિલ્મમાં નથી દર્શાવ્યું. પણ તે ચેસનો ખેલાડી હતો. માર્શલ આર્ટ્સમાં માહિર હતો. 1992ની વર્લ્ડ આર્મ રેસલિંગમાં જીનેવા ખાતે તે ભાગ લઇ ચૂક્યો હતો. ઉમરનાં જીવનનાં આવા નાના-નાના પડાવોને દર્શાવવા માટે હંસલ મહેતાને કોઇ લાંબા-ટૂંકા ગીતોનો સથવારો નથી લેવો પડ્યો કે ફિલ્મને પણ ખેંચવાની જરુર નથી પડી.

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.