ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા

હમણાં હમણાં મલ્હાર રાગ છેડાયો. જેની ખૂબ ચર્ચા થઈ. આવા સમયે મને વારંવાર ગુજરાતી સાહિત્યકારોના ડખા યાદ આવતા હતા. સાહિત્યિક રચનાઓને લઈને થયેલા કેટલાક વિવાદોને પણ ખ્યાલ નહીં હોય કે તેમનો જન્મ એવા લોકોની કલમેથી થયો છે જેમને ગુજરાતની જનતા અભ્યાસમાં વાગોળતી રહેશે. ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણને યાદ કરીએ તો સૌ પ્રથમ ચંદ્રકાંત બક્ષીની કુત્તીવાળો કેસ જ આંખ સામો આવે. પણ આ સિવાય કેટલાક એવા યુદ્ધો પણ થયા જેમણે સાહિત્ય જગતમાં ખેલદિલીનાં ઉદાહરણ પુરાં પાડ્યા, તો ઘણાંએ મનોરંજન.

ધીરુભાઈ ઠાકરે લખેલું ‘કેટલાક સાહિત્યિક વિવાદો’ નામનું પુસ્તક જોઈએ તેટલું લોકોમાં ખ્યાતિ પામ્યું નથી. ધીરુભાઈ નામ જ એવું છે કે સૌ પ્રથમ મુકેશ અને અનિલના પિતા યાદ આવી જાય, આપણા ઠાકર ભાઈ યાદ ન આવે. વીકિપીડિયા ન હતું ત્યારે ધીરુભાઈ હતા એ આવનારી પેઢીને આપણે કેવી રીતે સમજાવીશું ? કદાચ નવી પેઢીના ભાગ્યમાં લાઈબ્રેરી લખાયેલી પણ ન હોય. ધીરુભાઈ ઠાકરના પુસ્તકમાં આવા અસંખ્ય સાહિત્યિક વિવાદો વાંચ્યા. જેમાં સૌ પહેલો વિષય છે કવિતાનો.

કવિતા પહેલાથી જ સાહિત્યમાં ખૂબ ચર્ચાયેલો પ્રકાર રહ્યો છે. એમાં પણ નર્મદ અને દલપતરામ હોય તો શું કહેવું ? જ્યારે વિવાદના તાર છેડાયા ત્યારે દલપતરામ પ્રોઢ વયના થઈ ચૂક્યા હતા. નર્મદ હજુ યુવા કવિ હતો. તેની કવિતા વર્ડઝવર્થના કાવ્યાઅનુસાર રચાતી હતી. બીજી બાજુ દલપતરામ વ્રજ ભાષાના સાહિત્યના પરિશીલનથી લખતા હતા. એક દિવસ દલપતરામને આંખમાં દુખાવો ઉપડતા તેઓ દવાખાને ગયા. દિવસ હતો 27 મે 1859 અને આ ઘટના કોઈ વાસુદેવ બાબાજીની દુકાને બની. ઈશ્વરે જગ્યા પણ કેવી પસંદ કરી ! નહીં ને નર્મદ અને દલપતરામ વચ્ચે દ્વંદ્વયુદ્ધ થાય તો દવાખાનું પણ ત્યાં બાજુમાં જ હતું.

વાસુદેવજીએ જ બંન્નેનો પરિચય કરાવ્યો. બોલવાની શરૂઆત દલપતરામે કરી, ‘હું ભાવનગર ગયો હતો ત્યાં મને તમારા આવી ગયાની ખબર મળી હતી. ને ત્યાં મેં ‘વિજયક્ષમા’ ઉપર ભાષણ કર્યું હતું. ને રાજા એટલા તો મારા ઉપર ખુશ થયા હતા કે તેઓએ મને ભારે સિરપાવ આપવા માંડ્યો. પણ મેં કહ્યું કે પુસ્તકશાળા તથા સંગ્રહસ્થાન કરવા સારું રૂ. 10,000 એ ચોપડીના ઈનામની પેટે કહાડો. એ વાત રાજાએ કબૂલ રાખી છે.’

નર્મદે ત્યાં તો કંઈ કહ્યું નહીં, પણ બાદમાં પોતાની આત્મકથામાં દલપતરામને ડિંગા હાકનારો કહેતા લખ્યું, ‘પછવાડેથી માલમ પડ્યું કે સરસ્વતીનું મંદિર બંદિર નીકળ્યું નથી ને એને રૂપિયા અડીસે ત્રણસેનો સરપાવ મળ્યો હતો. મારા ભાવનગર જઈ આવવા વિશે એક બે જણાને એણે કહેલું કે, ગયા-હતાની-ભાવનગર-વરષાસન કરાવવાને; એમ વળી વરષાસન થતાં હશે ? મારે કોઈ ફારબસ સાહેબ નથી કે રાજાના મરણ નિમિત્તે ખરચવાને કહાડેલા દ્રવ્યમાંથી વરષાસન કરાવી આપે.’

શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ હતું ત્યારે નર્મદ બિચારાને તો ખબર પણ ન હતી અને તેમના અને દલપતરામ વચ્ચે કવિતાનો મુકાબલો ગોઠવાય ગયો. નર્મદે પ્રતીજ્ઞા લીધેલી કે પોતે દલપતરામની સામે કવિતા નહીં બોલે. એવું એટલે કે પોતાની કવિતા નબળી પડે તો તેમને મન કંઈ ન હતું, પણ અનુભવી દલપતરામની કવિતા નબળી પડે અને તેમને નીચા જોવાનું થાય તો આ તેઓ સહન ન કરી શકે. નર્મદને એ વખતે કવિતા કર્યે 4 વર્ષ થયા હતા અને દલપતરામ 20 વર્ષથી કવિતા કરતા હતા. આખરે રાત્રે મુકાબલો ગોઠવાયો. સૌ પ્રથમ દલપતરામ ઉભા થયા. તેમણે હિન્દી કવિતા, હોપ સાહેબ અને દોલતરાય એ નામે બાહ્યાંતરલાપિકાની કવિતા, પોતાના ભાણેજની જાદવાસ્થળી ગાઈ સંભળાવી.

ત્યાં હાજર વિનાયકરાવ હઠ લઈને બેઠેલા કે મુંબઈના કવિને સાંભળ્યા વિના આપણે ગાદી છોડવી નથી. નર્મદે એક તો પાક ખાધો હતો જેથી ગાવામાં તકલીફ પડે, ઉપરથી પ્રતિજ્ઞા તૂટવાના ભયથી પરસેવો વળી રહ્યો હતો. હાથમાં ચોપડી પણ ન હતી. તેમણે વિનાયકરાવને ઉદ્દેશીને કહ્યું, ‘દલપતરામભાઈ તો સાગર છે ને ઘણાં વરસ થયાં કવિતા કરે છે ને હું તો ખાબોચિયા જેવો ને નવો જ શિખાઉ છઉં- દલપતરામને કવિતા કરતાં વીસ વર્ષ થયાંછ ને મને ચોથું ચાલેછ – દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી પણ વિનાયકરાવનો આગ્રહ છે માટે ગાઉં છું.’

એ રાતે જો તેમને કોઈએ ગાવાની ના પાડી દીધી હોત તો સારું હતું. નર્મદ ગરજ્યા નહીં ઘનઘોર વરસ્યા. કવિતા પર કરેલી તેમની ચાર વર્ષની મહેનત એવી ખીલી કે દલપતરામ ઝાંખા પડવા લાગ્યા. બાજુમાં બેઠેલા વિનાયકરાવ મારા-તમારા જેવા હતા. નર્મદ કવિતા કરે તો તે વાહ વાહ બોલે. નર્મદને આ બિલ્કુલ પસંદ નહીં, જેથી પગનાં અંગૂઠાથી તેમના મોઢે તાળું મારવાની નર્મદે ખૂબ મહેનત કરી, પણ વિનાયકરાવ કવિતામાં તરી ગયા હતા. એ રાતે નર્મદની જીભ કરતાં વિનાયકરાવની જીભે દલપતરામને ખૂબ ઘાયલ કર્યા.

બાદમાં નર્મદે દલપતરામને રિઝવવાનો ખૂબ પ્રયત્ન કરેલો પણ તે માન્યા નહીં. પછીથી સમશેર બહાદુરના અંકમાં દલપતરામે સાક્ષાત્કાર આપતા કહેલું, ‘લલ્લુભાઈ, એ હોશિયાર છે, નિબંધ ઘણા સારા લખે છે ને મારી ઉમ્મરનો થશે ત્યારે કવિતા ઘણી સારી કરશે.’ સાફ હતું કે પોતાની હયાતીમાં તો દલપતરામ નર્મદને મોટા કવિ માનતા જ નહોતા.

આ પ્રંસગથી થયું એવું કે નર્મદ અને દલપતરામ છાપે ચડ્યા. તેમને સાંભળવા માટે મુંબઈના લોકો જીદે ચડ્યા. પારસી ભાઈઓ તો ખાસ. નર્મદ અને દલપતરામને રાતના ઉજાગરા થતા હતા. આંખની સમસ્યા હોવાથી લાંબી કવિતાઓ લખી ચૂકેલા દલપતરામને બાદમાં પોતાની એ જ કવિતાઓ ગોખવી પડી. અનાયાસે થયેલો વિવાદ અને વિવાદમાંથી થયેલી કવિતસભાએ જ મુંબઈ સુધી બંન્નેને લોકપ્રિયતા અપાવી દીધી. જે થાય એ સારા માટે થાય.

સાહિત્યકારો જ સામસામા માથા પછાડે તેવું નથી. શામળ અને પ્રેમાનંદને પણ ખ્યાલ ન હતો કે આપણી રચના વિશે ભવિષ્યમાં ધબધબાટી બોલવાની છે. ગુજરાતી શાળાપત્ર નામના સામાયિકે શામળની કવિતાને ઉંચી કક્ષાની મૂલવતા, બુદ્ધિપ્રકાશ સામાયિકે પ્રેમાનંદની કવિતાનું ત્રાજવું ઉંચુ કર્યું. બેમાંથી કોઈ નીચું નમવા તૈયાર ન હતું. પરિણામે લાંબા સમય સુધી પ્રેમાનંદ અને શામળનું યુદ્ધ કાગળ પર જીવતું રહ્યું. આંખે પાટા બાંધી ગમે તે માની લેનારી અડધી જનતાને તો બાદમાં ખબર પડી હોવી જોઈએ કે શામળ અને પ્રેમાનંદ હવે આ દુનિયામાં નથી.

આપણા સાક્ષર યુગના સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્રિવેદી ગુજરાતી સોશિયલ યુનિયનના સભ્ય બન્યા. એમના સભ્ય બનતા જ પ્રથમ ચર્ચા એ છેડાઈ કે પુન:લગ્ન કરવા કે નહીં. આ ચર્ચાનો સમયગાળો એક કલાકનો હતો. સાક્ષર યુગમાં ભણેલા વધી ગયા હોવાથી બાદમાં એ ચર્ચા એક કલાકની જગ્યાએ એક મહિના સુધી ચાલી. એ સમયે ઘણા લોકો કહેતા કે સાહિત્યકાર નવરૂ પ્રાણી છે. સોશિયલ યુનિયને એક મહિનો ચર્ચા ચલાવી તેનું ઉદાહરણ પણ પૂર્ણ પાડ્યું.

આ આખા પુસ્તકને મણિલાલ દ્વિવેદી સાથે સંકળાયેલા વિવાદો નામ આપ્યું હોત તો પણ ચાલેત. તેમાં મણિલાલના એટલા બધા વિવાદિત પ્રસંગો આવે છે કે અન્ય એક પુસ્તક થઈ જાય.

સાક્ષરયુગમાં જ નહરસિંહરાવ દિવેટીયા અને સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ વચ્ચે કવિતાના આસ્વાદને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ નર્મદ અને દલપતરામના વિવાદની માફક પ્રચલિત ન બન્યો. બંન્નેએ એકબીજાની ટીકાઓ કરતા ખૂબ લખાણો લખ્યા. વિવાદ પૂર્ણ થતા સાહિત્ય રસિકોને પણ હાશકારો થયો. એટલામાં ફરી બંન્ને સાક્ષરો જોડણીને લઈ બાખડ્યા. જોડણીની મારામારી ત્યારે પણ હોવી જોઈએ, કારણ કે આ વિવાદ બાદમાં ખાસ્સો ચગેલો. નરસિંહ અને ગોવર્ધનરામે આ જોડણી સાચી અને આ જોડણી સાચી એમ એટલા બધા શબ્દો લખેલા કે બાદમાં લોકો મૂંઝવણમાં મુકાયેલા કે આમાંથી કઈ જોડણી સાચી ગણવી.

પહેલાંની કવિતાઓ, ખાસ કરીને ખંડકાવ્યો સમજવા આકરા પડતા. કોઈ નવી કવિતા લખતું કે તુરંત મેગેઝિનો તેના અવલોકનો છાપી નાખતી. કવિઓની વિવેચકો ત્રુટી ન કાઢે આ માટે આકરી કવિતાઓ લખવાનો ટ્રેન્ડ બની ગયો હોવો જોઈએ !! પણ વિવેચકોએ અવલોકનનો પાલવ ન છોડ્યો. ડોનલશૈલી માટે ખ્યાતનામ એવા આપણા કવિ નન્હાલાલની કવિતાના વખાણ રમણભાઈ નીલકંઠ ખૂબ કરતા હતા. એક દિવસ તેમણે નરસિંહરાવ દિવેટીયાનું નન્હાલાલની કવિતા પરનું વિવેચન છાપ્યું. જેમાં નન્હાલાલની કવિતામાં છંદત્યાગ વિશે લખવામાં આવ્યું હતું. અહીં સુધી વાંધો ન હતો, પણ બાદમાં રમણભાઈએ નીચે એક લીટી લખી, ‘રા નરસિંહરાવના મતે અમે સર્વથા અનુકૂળ છીએ.’

એક વખત તો નરસિંહરાવ દિવેટીયા અને આનંદશંકર ધ્રૂવ વચ્ચે યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા હાથીને લઈ ખોટું બોલ્યું એ સાચું કે ખોટું જ આ વિષય પર જંગ છેડાયેલી. વિષયનું નામ હતું યુધિષ્ઠિરનું અસત્યકથન.

મુનશીને લઈ સૌથી મોટો વિવાદ સર્જાયેલો. જે મોટાભાગના રસિકોને ખ્યાલ જ હશે. નારાયણ વિસનજી ઠક્કુરે મુનશીની કૃતિઓની ધોલાઈ કરી નાખી હતી. પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ અને વેરની વસૂલાત એલેક્ઝાન્ડર ડૂમાની કૃતિ થ્રી મસ્કેટિયર્સ, ટ્વેન્ટી યર્સ આફ્ટર અને કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો પરથી પ્રેરિત હોવાનું તેમણે વિધાન કરેલું.

વિજયરાજ વૈદ્ય એ તો ત્યાં સુધી કહી દીધેલું, ‘વેરની વસૂલાત અને પાટણની પ્રભૂતા જે મકાનમાં બેસીને લખાઈ તે મકાનમાં એ નવલોના કર્તાની પાડોશમાં નિવાસ કરનારા ઓછામાં ઓછા બે પ્રતિષ્ઠિત સાહિત્યસેવકોને મુંબઈમાં આ લખનારે કાનોકાન આમ નિ:સંકોચ કહેતા સાંભળ્યા છે : અમે નજરે જોયેલું કે મુનશી ડૂમાની ચોપડીને આંખ સામે રાખીને જ પોતાની વાર્તાઓ લખતા હતા.’

તેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.