એવોર્ડ : એક વિચારધારા

ઍવૉર્ડ મેળવવા માટે જ્યારે લોકો ફાઇલ મૂકવામાં અડધા થઈ જાય અને એ લોકોનું બ્લડ પ્રેશર વધી જાય, ત્યારે એ દૃશ્ય જોઈને મને સવાલ થાય કે ઍવૉર્ડ લેવાનો હોય કે મળે? કે પછી આપવામાં આવે?

સાહિત્ય જગતથી લઈને ફિલ્મ જગત હોય કે પછી આપણા શિક્ષકોને આપવામાં આવતો શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ હોય. દરેક જગ્યાએ આ ઍવૉર્ડ સ્પર્ધા જેવા બનીને રહી ગયા છે. એટલે એમાં બધું જ છે, ઓળખાણ, જાતિવાદ અને રાજનીતિક ભાષણમાં બોલવા માટે પણ આ ઍવૉર્ડ અને ઍવૉર્ડધારીઓ કામ લાગે એ દૂરંદેશી વિચાર પણ હોય. એટલે જ કેટલાક લોકો આવા ઍવૉર્ડ ન સ્વીકારીને પ્રસિદ્ધ થઈ જાય છે. ક્યારેક તો ઍવૉર્ડ વાપસી કરનાર પણ ઍવૉર્ડ મળ્યો હોય ત્યારે પ્રસિદ્ધ ન થયા હોય એવા પ્રસિદ્ધ થાય. એવી આ ઍવૉર્ડની રામાયણ છે. ઍવૉર્ડ મેળવતા પહેલાં મહાભારત ખેલવું પડે ! અને એમાં એક નહિ હજારેક ગૉડફાધર પૂંજવા પડે.

હમણાં જ મારા એક મિત્રએ જણાવ્યું કે હાલમાં કોઈએ બાળવાર્તા ઉપર 500થી વધારે વાર્તાઓનું કામ કર્યું છે. હવે એના ઉપર પુસ્તક કરી રહ્યા છે. આ કામ કરતા પહેલા જ એ કામ કરનારે પોતાના એ કામને દિલ્લીનો અને ગુજરાતનો કયો ઍવૉર્ડ મળવો જોઈએ એ નકકી કરી લીધું છે. એ હકીકત કહેનાર મને એવી તો ઘણી હકીકત જણાવી છે. એક એવું પુસ્તક કે જે નવલકથા ઉપર પ્રસિદ્ધિ પામ્યું છે. આજે એ પુસ્તકના સંપાદક એ વ્યક્તિ સામે આવે ત્યારે આંખ પણ મિલાવી શકતા નથી.

જે કામ માટે એમને ઍવૉર્ડ મળ્યો એ પુસ્તકની હકીકતનો મહાનાયક તો એ વિદ્યાર્થી છે. આવા ઍવૉર્ડધારી મહાગુરુ કેટલા હશે? કે જે એમના વિદ્યાર્થીઓને વેઠિયા બનાવીને જીવી રહ્યા છે.

આવું સડેલું જીવન અને એના ઉપર ઍવૉર્ડનું મેકઅપ કોઈ અસલી મહાનાયકના હાથે ચડી જાય તો એનું ધોવાણ નક્કી સમજવું. પણ આપણે ત્યાં એવા મહાનાયકને ઍવૉર્ડ મળતો નથી, એટલે કોઈ ઓળખે ક્યાંથી?

સવાલ ઍવૉર્ડનો છે કેમ કે આપણી પરીક્ષાઓમાં સવાલો થાય છે. જવાબ આપવા લાખો ગોખણિયા વિદ્યાર્થીઓ માર્ક મેળવવાની ગરજે વાંચે છે. ચાપલૂસ મંડળ એ ઍવૉર્ડ ધારી માટે કાર્યક્રમ કરીને પાટલી પ્રથાને પ્રસરવા વાતાવરણ આપે. આમ આ ઍવૉર્ડનો ઢોંગીધંધો ચાલુ છે.

મને એક ઍવૉર્ડધારી બાબતે જાણવા મળ્યું કે તેઓ કોઈ કાર્યક્રમમાં જવા માટે 25000/- થી લઈને લાખ રૂપિયાની માંગ કરે છે. એમનું નામ નહિ લઉં કેમ કે ગુજરાતી સાહિત્યના જેટલા પણ પૂજારી છે એ બધા એમના આશીર્વાદને જ ઍવૉર્ડ સમજી રહ્યા છે. મને સવાલ થાય કે આવા ઍવૉર્ડ લઈને કથા કરવી એના કરતાં, જાહેરમાં કથાકાર જ બની જઈએ તો? વ્યાસપીઠનું માન તો ઍવૉર્ડ આપવાનું હોય ને ! કેમ કે મોટાભાગના આવા ઍવૉર્ડધારી મહાનાટકબાજો કોઈ પાર્ટીપક્ષના ટીલાંટપકાં કે પટ્ટો પહેરીને જ ફરી રહ્યા છે. દેખાવ જોઈને જ ભ્રમ થાય કે પગે પડવાનું મન થાય ! જોકે એમાં આ સાહિત્યકાર બુદ્ધિવાળા છે. એમને આવું કથાકારનું પદ પોસાય એમ જ નથી. કેમ કે એ પદ રૂપાળીઓ ઉપર કાંકરી ચાળો કરવામાં અડચણરૂપ થાય. બીજું કે કથાકારો આજકાલ કવિઓની જેમ દરેક ઘરમાંથી આવી રહ્યા છે. હવે કથાકાર બનાવમાં અને સ્થાપિત થવામાં સ્પર્ધા ગળાકાપ થઈ છે. એટલે જ્યાં વર્ષોથી હજામત કરી છે ત્યાં જ ટકી રહેવું સારું લાગે ! કદાચ એવું મનોવિજ્ઞાન હોય શકે ! બાકી, કથાકારને તો વગર માગ્યું મળે ! કથાકાર બનવા ત્યાગ કરવો પડે એ આપણા કોમળ લાગણીવાળાને પોસાય નહિ.

હવે તમે જ વિચારો કે મારા એક મિત્રએ આવા ઍવૉર્ડધારીઓ અને ઍવૉર્ડથી કંટાળીને કોઈ ઉપાય શું એમ પૂછ્યું ત્યારે મને એક જોરદાર વિચાર આવ્યો કે એમના ઍવૉર્ડ આપવાના કાર્યક્રમમાં જવું અને એમની જે કોઈ પોલ હોય એ બાબતે પતાકડાં ઉછાળવા જોઈએ.

બોલો ! આ તો એક મજાક હતી કેમ કે એવું કરવું એ આપણા સંસ્કારમાં નથી ! પણ હા, એવા ઍવૉર્ડધારીઓ બાબતે લોકો ભક્તિ છોડીને કશુંક લખે તો એ પતાકડાં ઉછાળવા કરતાં વધારે અસરકાર બની જાય. પણ અત્યારે આપણા લોકો, એમાં પણ ખાસ બૌદ્ધિકો માનસિક કુપોષિત હોય એવું વર્તન કરી રહ્યા છે.

હમણાં એક મહાન સાહિત્યકારે આખા ગામનું માખણ ભેગું કર્યું અને બીજા એક મહાન રખડું સાહિત્યકારને એ ચોપડી આપ્યું. આટલું માખણ પણ ઓછું પડ્યું ! તે મારે પૂછવું પડ્યું કે, સાહેબ ! માખણ ઓછું પડ્યું હોય તો મોકલી આપું?

પણ તમે સમજો ! આ માખણ લગાવવાની આવી જરૂર કેમ પડી હશે? આપણે ત્યાં જેટલા પણ ઍવૉર્ડધારી છે એમની આજની સ્થિતિ જોઈ લેજો. એમની સ્થિતિ જોઈને તમારી જીભનો સ્વાદ ન બગડે તો મને કહેજો !

~ જયેશ વરિયા ( ફેસબુક વોલ પરથી સાભાર | લખાયા તારીખ : 04 જુલાઈ 2020 )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.