મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

ગુલઝાર એટલે એક એવા કવિ કે જેમની કવિતાની એક અલગ જ ઓળખ છે. સંબંધોની નાની નાની વાતો ને લઈને એક બહુ ઊંડાઈ વાળું ગીત લખે અને એ પણ ડાયલોગ જેવું. આગળ જતાં તો બોલીવુડમાં એવા ઘણા ગીત આવ્યા છે. (યાદ કરો “હમ તુમ ” ફિલ્મના ગીત “લડકી કયો ના જાને કયો “જેમાં વચ્ચે અમુક ડાયલોગ તો સૈફ અલી ખાન અને રાની મુખરજીના અવાજમાં ડબ કરાયા છે ) પણ આની શરૂઆત તો ગુલઝારે કરી. જો તમને ગીત સંગીત વિશે વાંચવું ગમતું હશે તો તમારા માઈન્ડમાં તરત લાઈટ થઈ જશે અને યાદ આવશે ફિલ્મી પડદા પર અનુરાધા પટેલના માટે આશાજી એ ગાયેલું પ્લેયબેક “મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ “. આ ગીત લઈને જ્યારે ગુલઝાર આર.ડી.બર્મન જોડે આવ્યા ત્યારે કોઈ ફિલ્મ ના ડાયલોગ જેવા આ ગીતને જોઈને ઘડીક તો વિચારમાં પડી ગયા. પણ પછી આ ગીતને જ્યારે આશાજીએ થોડુ ગાયું તો તરત જ આર.ડી.બર્મનના મગજમાં લાઈટ ઝબકી અને આ ગીતનું સર્જન થયું.

હવે આ ગીત હિન્દી ફિલ્મોની જૂની ફોર્મ્યુલા “પતિ પત્ની ઔર વોહ ” પર આધારિત છે. આ ફિલ્મમાં જ્યારે અનુરાધા પટેલ અને નસરુદ્દીન શાહ ના લિવ-ઇન-રિલેશન થી નસરુદ્દીન શાહ અને તેની પત્ની રેખા વચ્ચે ઝગડા વધી જાય છે ત્યારે નસરુદ્દીન અનુરાધા પટેલ જોડેના સંબંધો તોડી નાખે છે ત્યારે વ્યથિત અનુરાધા એક લાંબો ટેલિગ્રામ લખે છે ત્યારે આ ગીત આવે છે.

मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है
सावन के कुछ भीगे भीगे दिन रखे हैं
और मेरे एक खत में लिपटी रात पड़ी है
वो रात भुला दो, मेरा वो सामान लौटा दो
मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है

કોઈ પણ સ્ત્રી માટે એક વખતના સંબંધો તેના માટે જીવનભરની એક યાદીમાં રહી જાય છે . અહીં નાયિકા તેની સાથેના જે સંબંધો અને યાદો છે એ બધું વારાફરતી પાછું માંગે છે. નાયક સાથેના એ વરસાદમાં કેટલાક સાથે ગાળેલા દિવસો અને તે દિવસો દરમિયાન બંને વચ્ચે સહજ રીતે બંધાયેલા શારીરિક સંબંધોની વાત છે. આ સંબંધોની યાદો એવી છે કે જેના લીધે નાયિકાના જીવનમાં એવી એક યાદી રહી ગઈ છે કે જેણે તેના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. અહીં નાયિકા લાગણીઓ અને યાદોને “સામાન ” કહે છે. તે કહે છે કે વરસાદના દિવસો કે જેમાં તેઓને એ રાત સાથે વિતાવી હતી તે રાત તે ભૂલી જાવ માંગે છે. અને તેનો ઉલ્લેખ તે ટેલિગ્રામમાં કરે છે. ગુલઝારના શબ્દો ખરેખર એક પ્રકારનો નશો છે જેમ માણો તેમ વધે. સાથે ગાળેલો એ સમય કદાચ એક શ્રેષ્ઠ અનુભૂતિ રહી જાય છે. પણ જ્યારે જુદા થવાનું આવે ત્યારે તે સમયની યાદો ખૂંચે છે. એ વખતે એવું થાય છે કાશ આવું ના થયું હોત તો. લગ્નેત્તર સંબંધો મોટેભાગે લગ્નજીવનમાં આવેલી શુષ્કતાને લીધે આવે છે, અનેં લગ્નેત્તર સંબંધોથી થોડા સમય માટે નાવીન્ય આવે છે. પણ જે ત્રીજું પાત્ર હોય છે તેની લાગણીઓ તો હોય જ છે ને ? લગ્નેત્તર સંબંધોમાં શારીરિક આકર્ષણ મોટેભાગે મુખ્ય કારણ હોય છે પણ એના સિવાય લાગણી પણ હોય છે અને ગીતમાં ત્રીજા પાત્ર અનુરાધા પટેલની હાલત કફોડી બની છે.

पतझड़ है कुछ … है ना ?
पतझड़ में कुछ पत्तों के गिरने की आहट
कानों में एक बार पहन के लौट आई थी
पतझड़ की वो शाख अभी तक कांप रही है
वो शाख गिरा दो, मेरा वो सामान लौटा दो

પતઝડ એટલે કે પાનખર ઋતુમાં જે ઝાડ પરથી પાન ખરે તે. અહી નાયિકાને જે ઝાડ પરથી પાન ખરે છે તેના અવાજનું એક ઘરેણું જાણે કે તેના કાનો માં પહેર્યું હોય અને પછી ઉતારી નાખ્યું હોય તેવું લાગે છે. તેને તે જે અવાજ છે તે નાયક પાછો આવશે તેવો અહેસાસ આપે છે. તેને લાગે છે કે આ જે અત્યારે સમય છે તે એક વખત જતો રહેશે એટલે ફરી નાયક ફરી પાછો આવી જસે .નયિકા ફરીથી આ સંબંધોના દર્દમાંથી પસાર થવા નથી માંગતી. ઝાડ પરથી છેલ્લું જે પાન છે તે ખરી ગયા પછી જાણે કે ઝાડની તે ડાળ હજી સુધી તે અહેસાસથી જાણે કે કંપી રહી હોય તેવું લાગે છે. તે ડાળની સરખામણી પોતાના અને નાયકના સંબંધ જોડે કરે છે અને ઈચ્છે છે કે આ ડાળ પણ પડી જાય એટલે કે સંબંધ પૂરો થઈ જાય. જ્યારે કોઈ વ્યક્તિ સબંધ પૂરો થઈ જાય તેવું ઈચ્છે ત્યારે સમજી શકાય કે તે સંબંધે તે વ્યક્તિને કેટલું દર્દ આપ્યું હશે. ગીતની આ પંક્તિમાં તો ગુલઝાર વધુને વધુ ખીલતા જાય છે. તૂટતા સંબંધોની સરખામણી ખરતા પાન જોડે, કબીલેદાદ કહેવું પડે ગુલઝારને આ કલ્પના માટે.

एक अकेली छतरी में जब आधे आधे भीग रहे थे
आधे सूखे आधे गीले, सुखा तो मैं ले आयी थी
गीला मन शायद बिस्तर के पास पड़ा हो !
वो भिजवा दो, मेरा वो सामान लौटा दो

વરસાદમાં એક સાથે પલળતા બે પ્રેમી , વ્યાકુળ મન અને પછી બંનેનું આ વરસાદમાં એક થવું એ હવે બૉલીવુડ ગીતની એક જાણીતી ફોર્મ્યુલા બની ગઇ છે. વરસાદમાં એક જ છત્રીમાં બે પ્રેમી અડધા પલળે અને અડધા કોરા રહે એ કલ્પના , એ અહેસાસ પણ કેવો ઉત્તેજિત કરી મૂકે છે. એવું થાય કે એ છત્રી બંધ કરીને મન ભરી સાથે તે વરસાદમાં પલળીએ. એ વરસાદ ખાલી તન જ નહીં મનને પણ ભીંજવી નાખે છે. નાયિકાના ન કોરા મનને નાયકના પ્રેમે ભીંનું કરી નાખ્યું છે. અહીં કવિ તે રાતે વરસાદમાં પલળીને એક થયાની વાત સહજ રીતે ઇશારામાં ભીનું મન તો કદાચ પથારી પાસે પડ્યું છે એવું કહીને દર્શાવી છે. અહીં વરસાદમાં પલળીને પણ કોરા રહી ગયાનો અહેસાસ છે. અહીં એ ભીંજાયેલી રાતની યાદો કરડવા દોડે છે એટલે જ તો નાયિકા આ બધી લાગણીઓને પાછી માંગે છે .

एक सौ सोला चांद कि रातें एक तुम्हारे कांधे का तिल
गीली मेंहदी कि खुशबू, झुठ-मूठ के शिकवे कुछ
झूठ-मूठ के वादे सब याद करा दूँ
सब भिजवा दो, मेरा वो सामान लौटा दो

એક સો સોળ દિવસની ચાંદની રાતો આ એક અલગ જ કલ્પના છે. એટલે કે અહીં નાયિકાએ નાયક સાથે વિતાવેલી રાતોને વગોળે છે. પ્રેમમાં કેટલો સમય સાથે રહ્યા તેની ગણતરી ના હોય પણ કેવી રીતે રહ્યા તે જરૂરી હોય છે. પ્રેમ એ તો માપવાની નહીં પણ અનુભવની વસ્તુ છે. ચંદ્રના અંજવાળે નાયકના ખભા પરનું તિલ દેખાય તેવા અંધારી રાતોની અહીં વાત છે. હાથ પરની ભીની મહેંદીની ખુશ્બુ ,ખોટા ખોટા ઝગડા અને ખોટા વચનો આ બધી યાદો એ નાયિકને દર્દ આપે છે. નાના મોટા ઝગડા, મજાક મસ્તી , ” તારા માટે હું આ લાવીશ તે લાવીશ ” આવા ખોટા વચનો તો સંબંધોનો એક ભાગ હોય છે જે સંબંધને ગાઢ બનાવે છે અને તે જરૂરી છે. આ બધી એવી વસ્તુઓ હોય છે કે જેને ભૂલવી સહેલી નથી પણ એ જરૂરી હોય છે. આ બધી વસ્તુ નાયિકા નાયકને યાદ કરાવે છે. અને બધા જ અહેસાસો યાદ કરાવે છે.

एक इजाज़त दे दो बस, जब इसको दफ़नाऊँगी
मैं भी वहीं सो जाऊंगी
मैं भी वहीं सो जाऊंगी

નાયિકા માટે નાયક સાથેના પ્રેમની લાગણી એ હદે જોડાઈ ગઈ છે કે તેને શ્વાસની જેમ તેનાથી અલગ કરવી મુશ્કેલ છે . એટલે જ આ બધા અહેસાસોને જ્યારે તે દફનાઈ દે ત્યારે તેની સાથે પોતે પણ મરી જાય તેની રજા માંગે છે. આ અહેસાસ જ તેની ખરી મૂડી છે અને આ અહેસાસ વગર તે નહીં જીવી શકે. આ વસ્તુ પ્રેમની પરાકાષ્ઠા બતાવે છે.

ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય . આ ગીત આશાજીના સુંદર અવાજમાં , આર.ડી.બર્મનના સંગીત કેવું ભળી ગયું છે. આ ગીત ગુલઝારની શબ્દોની કલ્પનાને એક અલગ ઉંચાઈએ લઇ જાય છે.

નોંધ- આ લેખમાં અમુક જાણકારી રેફરન્સ તરીકે જાણીતા લેખક સલીલ ચૌધરીના બ્લોગમાંથી લીધી છે.

આ ગીતના વીડિયોની લિંક https://youtu.be/OlvXDGJAMT0 પર તમે આ ગીત જોઈ શકો છો.

~ પ્રિતેશ હિરપરા “મિત્ર”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.