Sun-Temple-Baanner

ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..


આપણે અહીંયા ભારત અને વિદેશોમાં ડિપ્રેશનનાં દર્દીઓના તેમજ આત્મહત્યાનાં આંકડાઓની પરોજણમાં ઊંડા ઉતરવું નથી. એ તો દરેક માણસ ગૂગલમાંથી એક સેકન્ડમાં પકડી શકે છે. પણ એ આંકડાઓ જોતાં આપણે ખુદ ડિપ્રેશનમાં આવી જઈએ કે ‘ઓહો ઓહો દુનિયામાં આટલા બધાં દુઃખ-દર્દ છે કે આપણને ગૂગલમાં ઝીરો ગણતાં ગણતાં આંખે અંધારા આવી જાય! અને વધારે તકલીફ આપતી હકીકત એ છે કે આ આંકડાઓ નિષ્ણાંત મનોચિકિત્સકો પાસે કેસ ફાઇલ બનાવીને જતા દર્દીઓ અને અમુક સાયકોલોજી ડિપાર્ટમેન્ટની રિસર્ચ ટીમ પૂરતા જ સીમિત છે તો પછી હકીકત શું છે??? આ જાણવાની લગભગ તમામને ઉત્સુકતા હશે! (યુવા કવિમિત્ર પાર્થ પ્રજાપતિની અકાળે વિદાય બાદ તો મારા સહિત ઘણાં બીજા દોસ્તોને દુઃખ સાથે નવાઈ લાગતી હશે કે આખરી આવી દુઃખદ આત્મહત્યાઓ પાછળનું સાચું કારણ શું!)

આમ આદમીને બોર વધારે કરે અને સમજાય ઓછી એવા સાયન્ટિફિક ટોપિક હોર્મોનલ ઇમબેલેન્સ અર્થાત એન્ડોક્રાઇનોલોજીમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી પણ નકામી. આપણે તો ‘સબ કા સાથ સબકા વિકાસ’ સૂત્ર મુજબ જ્ઞાન સાથે ગમ્મત કરવાની છે.

તો સાંભળો.. ડિપ્રેશન હકીકતમાં કોઈ રોગ જ નથી. એ મનની એક ટેમ્પરરી સ્થિતિ છે. જે વ્યક્તિગત માનસિકતા પ્રમાણે ટૂંકા કે લાંબાગાળા સુધી માણસને પજવતી રહે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મીડિયા અને ખાસ તો વિદેશી મીડિયા અને રિસર્ચરોએ એને ગંભીર રોગનું સ્વરૂપ આપી દીધું છે. અને આપણી ભારતીયોની તકલીફ એ છે કે આપણે છાશવારે વિદેશી તહેવારો અને સંસ્કૃતિનો વિરોધ કરતાં રહીએ છીએ,પણ ‘ડિપ્રેશન’શબ્દને આપણે ફેશન તરીકે રાજીખુશીથી અપનાવી લીધો છે.

‘ડિપ્રેશન’ શબ્દ ભારતીયો માટે ક્યારેય હતો જ નહીં, અને હજી ભવિષ્યમાં પણ હોવો ન જોઈએ. આ એક બાબત પૂરતો હું ગ્લોબલાઈઝેશનનો વિરોધ કરતાં પૂરેપૂરો કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદી બનવામાં બિલકુલ છોછ નથી અનુભવતો. આપણા બાપદાદાઓ અને પરદાદાઓએ ઘણાં અભાવોમાં અને કારમાં સંઘર્ષમાં જિંદગી જીવી લીધી. કોઈએ ડિપ્રેશન કે હતાશા શબ્દ વાપર્યો હોવાનું યાદ નથી. હજી હાલની તારીખે તમે કોઈ પચાસ-સાઠ કે સિત્તેર વરસના વૃદ્ધોને મળશો તો એ એ એમનાં હજાર દુઃખોની આપવીતી સંભળાવશે પણ ‘ડિપ્રેશન-હતાશા’ શબ્દનો ઉપયોગ નહીં કરે એ હું સ્ટેમ્પ પેપર પર લખીને આપી શકું. ભાગ્યે જ કોઈ મિડલ એઇજ કે વૃદ્ધ માણસ આત્મહત્યાનું પગલું ભરશે. કદાચ ત્યારે ‘ડિપ્રેશન’ શબ્દ માર્કેટમાં હડહડ નહોતો થતો એટલે અત્યારની માફક ‘જોયા-જાણ્યા’નું ઝેર નહોતું ચડ્યું!

ભારતથી તો ડિપ્રેશન જોજનો દૂર રહેવું જોઈએ. આપણે તો તહેવારોના ઉત્સાહી જીવડાઓ. આખા વિશ્વના તહેવારોનું ફ્યુઝન કરીને આપણે જલસા કરવાવાળી પ્રજા. વિદેશીઓ પહેલા થર્ટી ફર્સ્ટનું પ્લાનિંગ આપણે કરીએ. વિદેશમાં હજી યુવાનો ને યાદ ન હોય ત્યારથી આપણે વેલેન્ટાઇન ડે માટે ગિફ્ટસ શોધવા નીકળી પડીએ. નવરાત્રી જેવો નવ દિવસનો ઉત્સવ તો આખા વિશ્વમાં ક્યાંય નથી. તહેવારોની વાત જવા દો. આપણે તો ગંભીર રોગ માટે કોઈ મિત્ર કે સ્વજન હોસ્પિટલમાં એડમિટ હોય તો નારિયેળ અને સફરજન લઈને અડધો કલાક હોસ્પિટલમાં પણ એવી અલકમલકની પંચાતો કરીએ કે દર્દી પણ બે ઘડી મોજમાં આવી જાય. ‘ગેટ વેલ સૂન’ વાળા કાર્ડ મોકલીને ફોર્મલિટી કરતા વિદેશીઓને ડિપ્રેશન મુબારક!

તો પછી સવાલ એ આવે કે જૂની પેઢી કરતાં કમપેરિઝનમાં સુખી અને સગવડોમાં જીવતી, બોલ્ડ અને બ્યુટીફૂલ ગ્લોબલ લાઇફ જીવતી (કદાચ વર્તમાનમાં થોડાક અભાવ હોય તો ય નજીકના જ ભવિષ્યમાં સુખી સમૃદ્ધ થવાના ચાન્સીસ એમની પાસે પુરેપુરા છે જ.) યંગજનરેશન જ શું કામ ડિપ્રેશન, ડિપ્રેશન,ડિપ્રેશનની માળા જપ્યા કરે છે!

તો આ રહ્યા થોડાક મનોવૈજ્ઞાનિક તથ્યો… પહેલું કારણ તો નવી પેઢી જેટલી બોલ્ડ અને સ્ટ્રોંગ દેખાય છે હકીકતમાં એટલી હરગીઝ નથી. (આ વિધાન હું ડંકાની ચોટ પર છ વરસ સુધી હજારો યુવાનો સાથે આણંદ-વિદ્યાનગરમાં પરિચયમાં આવ્યા પછી કહું છું.) મોડર્ન લાઇફ જીવવાથી અને પોતાની શરતો પર જીવવાની સો કોલ્ડ આધિનિકતાનો દેખાડો કરવો એક વાત છે અને વાસ્તવિક,વિચિત્ર અને સ્વાર્થી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવીને ખુદની ઓળખ ઉભી કરવી જુદી વાત છે.એટલે જ સાઠ વર્ષે મજૂરી કરતાં પિતાશ્રી જેટલા માનસિક રીતે મજબૂત હોય છે એટલી મજબૂતાઈ ડબલ ગ્રેજ્યુએટ થયેલા પચીસ વરસના દીકરા કે દિકરીમાં નથી હોતી.(એક આડવાત, યુવાપેઢી એટલી જ મજબૂત અને બોલ્ડ હોત તો તો પોતાના પ્રેમનું બલિદાન આપીને પરિવારે પસંદ કરેલા પાત્રો જિંદગીભર નિભાવવાને બદલે બળવો ના કરતાં હોત!)

બીજું કારણ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેતા શેખચલ્લી જેવી અપેક્ષાઓ. સોળ વર્ષે બાઇક ના હોય તો ડિપ્રેશન, અઢાર વર્ષે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના હોય તો ડિપ્રેશન,ચોવીસ વર્ષે મેરેજ માટે પાત્ર ના મળે તો ડિપ્રેશન, પેરેન્ટ્સ ઠપકો આપે તો ડિપ્રેશન, બ્રેકઅપ થાય તો ડિપ્રેશન.યોગ્ય નોકરી ના મળે તો ડિપ્રેશન, પ્રમોશન ના મળે તો ડિપ્રેશન. નવ પરિણીત પતિ-પત્નીમાં અણબનાવ થાય તો ડિપ્રેશન. અમુક વીસ વરસના લબરમુછીયાઓ અને અઢાર વર્ષની ચાંપલી છોકરીઓ તો ગર્વથી કહે છે કે ‘યાર, હું ડિપ્રેશનમાં છું.’ આવાને એક એક પાછલા ભાગે કચકચાવીને લાત મારો તો બધું ડિપ્રેશન હવામાં ઉડી જાય.

મૂળ કારણ એ કે યુવાનો હવે દુનિયાભરનું જાણતા થયા છે, ઈન્ટરનેટને કારણે. સમગ્ર વિશ્વ સાથે ઘેરબેઠા મોબાઈલ લઈને કનેક્ટ થઈ શકવાનો આશીર્વાદ ગુગલે આપણને આપ્યો છે.(જીઓ તો આ માટે સોનામાં સુગંધ ભળી ગઈ છે એમ કહી શકાય!) પણ કમનસીબે દરેક યુવાનો એટલો પુખ્ત નથી હોતા કે ગ્લોબલાઈઝેશન પચાવી શકે. સેલિબ્રિટીઓનાં મેરેજના ન્યુઝ હોય કે ક્રિકેટરો-બિઝનેસમેનનાં આવક અને રાજકારણીઓનાં કૌભાંડોના આંકડા હોય.. કયાંક ને ક્યાંક આપણા સબકોન્સિયસ માઇન્ડમાં લઘુતાગ્રંથી ઘર કરી જાય છે કે આપણે કંઈ જ નથી આપણી કોઈ હેસિયત જ નથી. આ ડિપ્રેશનનું મૂળ પ્રારંભિક કારણ છે.

બીજું એક કારણ એ કે નવ પેઢીને અગાઉની જનરેશનની જેમ રોટી કપડા ને મકાન માટે મોટેભાગે સંઘર્ષ કરવો નથી પડ્યો.(અપવાદ હોય જ છે. પણ એ તો આજ નહી સો કાલ કર,કાલ નહીં તો પરસો…) એટલે એમના ભાગે પાયાથી જ મોટી મહત્વાકાંક્ષાઓ જ આવે છે. બડી ગાડી,બડા બંગ્લા અને તગડા બેન્ક બેલેન્સ. શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ ‘અપેક્ષા સૌથી વધારે અને લાયકાત સાવ ઓછી. કામ આરામનું કરવું છે અને સપનાઓ? સેક્રેટરી ચેકબુક લઈને પાછળ ફરતી હોય એવું સપનુ જોવું છે. એમ જિંદગી નથી જીવાતી. જગતના ચોકમાં લાયકાત સાબિત કરવી પડે છે.’

જવાબદારીઓ પ્રમાણમાં ઓછી હોય તો સાચા ખોટા પ્રેમ અને ફાલતુ કમપેરિઝન કે દેખાદેખીના કારણે ખાલી દિમાગમાં ડિપ્રેશન નામનો શેતાન ઘુસી જતા વાર નથી લાગતી. દેવદાસ શ્રીમંત પરિવારનો નબીરો ના હોત તો ક્યારનો પારોને દિલમાં મમળાવીને મજૂરીએ લાગી ગયો હોત અને પરિવારને નિભાવતા નિભાવતા ગઝલો શાયરીઓ સાંભળીને એક પેગ દારૂ પીને બીજે દિવસે ફરી નોકરીએ પહોંચી ગયો હોત! સાવ દારૂડિયો થઈને ગુજરી તો ના જ ગયો હોત. મારા લવગુરુ કાંતિ ભટ્ટે કહેલું કે ‘ દેવદાસ બનીને બરબાદ થઈ જશો તો જગત તો ઠીક, પ્રેમિકા પણ તમને ભૂલી જશે. કારમી મહેનત કરીને કંઇક એવું કરો કે પ્રેમિકા આજીવન તમને યાદ રાખે!'(અમથા કંઈ ભટ્ટ સાહેબને અમે લવગુરુ ના બનાવ્યા હોય હો..)

ડિપ્રેશનના મૂળ બે કારણો ગણાવવા હોય તો એ છે પ્રેમ,પૈસા અને નિષ્ફળતા. અને દરેક રીતે સમજદાર નવી પેઢી એ વાત ભૂલી જાય છે કે આમાનું કંઈ જ શાશ્વત નથી. આવા જ આજના યુવાનો માટે જ કદાચ અવિનાશ વ્યાસે આગોતરું મજાનું ગીત લખી રાખ્યું હશે. નવરાત્રીના શોખીન યુવાનોએ આ ગીત સાંભળ્યું જ હશે,પણ સમજ્યું નહીં હોય એની પણ ગેરેન્ટી…

“ચકડોળ ચઢે ઊંચે નીચે એવું
જીવતર ચડતું પડતું
ઘડીમાં ઉપર ઘડીમાં નીચે
ભાગ્ય સૌનું એવું ફરતું
અરે દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો
નસીબની પાળે…”

આ સિવાય બીજું એક અગત્યનું કારણ ‘એકલતા’ ગણાવી શકાય. લાઇફ અતિશય ફાસ્ટ થઈ ગઈ છે. અંગત માં અંગત દોસ્તો સાથે પેટછૂટી વાત કરવા જેટલો સમય પણ ભાગ્યે જ ફાળવી શકાય છે. સગાઓ હવે પહેલા જેટલા વ્હાલાઓ થઈ શકતા નથી એનું કારણ પણ ફાસ્ટ લાઇફ જ છે. સૌ પોતપોતાની મસ્તીમાં,તકલીફોમાં અને જિંદગીના આયોજનોમાં વ્યસ્ત છે. એટલે શરીરથી ક્લોઝ આવી શકો તો પણ મનથી ના જ આવી શકો. આ ખરેખર થોડી પીડા આપે એવી કડવી હકીકત છે. પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પણ છે જ. ઝુકરે ફેસબુક-વોટ્સએપ બનાવ્યું એ કોઈ મનોચિકિત્સાથી કમ નથી જ. પોસ્ટ લખતા રહો, ગપ્પા મારતા રહો, અને જલસા કરો. તમારા જેવા દોસ્તો તમને મળી જ રહેશે. કિસ્મત હશે તો આજીવન સાથ નિભાવીને હાથ ના છોડે એવો પ્રેમ પણ!

ડાહ્યા શિક્ષિત માણસો કહે છે કે ‘ડિપ્રેશન તો સમાન્ય છે. મનોચિકિત્સક પાસે સીટીંગ કરો અને સારવાર કરાવો.’ પણ હકીકતમાં મનોચિકિત્સકો પાસે પણ ડાહી ડમરી સલાહો જ હોય છે જે આપણે ફેસબુક-વોટ્સએપના ફોરવર્ડ મેસેજીસમાં એક દસકાથી વાંચતા આવ્યા છીએ.અને અમુક સલાહો તો પેશન્ટ(?) પોતે પણ જાણતો જ હોય છે,બસ અમલમાં મૂકી નથી શકતો. (બાકી તો દુનિયા સ્વર્ગ બની જાય!) મેટ્રોપોલિટનમાં ખ્યાતનામ મનોચિકિત્સકો પાસે કન્સલ્ટિંગ કરવા માટે કે સલાહો આપવા માટે પણ સમય હોતો નથી. પરિણામે શરૂ થાય છે એન્ટી એન્ઝાયલોટિક ડ્રગ્સની જોખમી સારવાર. મેડિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ ના કરતા આમઆદમી સમજી સમજી શકે એવી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો આવી દવાઓ મગજના વિચારો સુન્ન કરી દે છે એટલે દર્દી આડાઅવળા વિચાર કર્યા વગર શાંતિથી સુઈ રહે. પણ દવાઓ પાસે સારા-ખરાબ વિચારને ફિલ્ટર કરવા જેટલી વિવેકબુદ્ધિ હોતી નથી એટલે એની આડઅસરો પણ ભયંકર છે. ઘણીવાર અગત્યની માહિતીઓ યાદ રહેતી નથી. પ્રેમ,લાગણી,સેક્સ અને અન્ય સંબંધોમાં પણ હૂંફ ઓછી થતી જાય છે. ખાવાપીવામાં કે બીજા મોજશોખો પ્રત્યે પણ એટલી ચાહના રહેતી નથી. કારણ કે ચેતાતંત્ર જ નબળું પડી જાય છે.વળી,ધીરે ધીરે દવાઓનું રેઝીઝટન્સ તો આવવાનું જ. ડોઝ વધતો જવાનો એમ સાઈડઈફેક્ટસ પણ..(અમુક સામાન્ય મેડીસીન્સનાં નામ લખવાનું ટાળ્યું છે કારણ કે ગેરઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે.) એટલે ખાસ ગંભીર તીવ્રતા વગર હું મેડિકલ ફિલ્ડના આ એકમાત્ર ડિપાર્ટમેન્ટથી દુર ભાગુ છું અને ઘણા નજીકના દોસ્તોને પણ દૂર રાખું છું.

હવે બીજીવાતો થોડીવાર સાઈડ પર મૂકીને મારી પોતાની વાત કરું. અમુક કારણસોર(ઉપર જણાવ્યા એવા કોલેજીયન બાબલા-બેબલીઓ જેવા કારણો નહીં) મને સાત વર્ષ પહેલાં ક્રોનિક ઇન્સોમ્નિયા(અનિદ્રા)નો રોગ(?) શરૂ થયો. આખા દિવસના ભરપૂર થાક પછી પણ રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ઊંઘ જ ના આવે.મેડિકલ ફિલ્ડમાં હોવાના કારણે ભવિષ્યના જોખમી પરિણામોથી માહિતગાર તો હોઉં જ. વળી,નાનપણથી સાહિત્ય અને ફિલોસોફીને રવાડે ચડી ગયો હોવાથી હમઉમ્ર દોસ્તો મને બાબલા જેવા લાગતા.એટલે મને આ બધી વાતો શેર કરીને હળવા થવા જેટલી ઈચ્છા ન્હોતી. તો કરવું શું? મનમાં મુંજાયા કરું. મનોચિકિત્સક પાસે તો જવું જ નહોતું. તો પછી ઉપાય શું?પણ એમ હિંમત હારી જાઉં તો મારા એક દસકાના સાહિત્યપ્રેમ અને બક્ષી-કાંતિભટ્ટ જેવા ગુરુઓ ફિટકાર વરસાવે.રસ્તો શોધી લીધો અને મંજિલ તરફ કદમો માંડી દીધા… પુષ્કળ વાંચો,ફિલ્મો જુઓ નવું નવું જાણો. અને સાથે વધારાની ઇન્કમ ઉભી કરવા હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી કરો. બેય બાજુથી લાડવા. આજે હું ચેલેન્જ આપીને કહી શકું કે ચૌદ કલાક વ્યસ્ત રહેવા છતાં હું ઘણાં પ્રોફેસરો, શિક્ષકો અને અમુક ફેસબુકીયા લેખકો-કવિઓ કરતાં વધારે વાંચું ને જાણું છું. ગર્વ લેવા જેવી નમ્રતાની વાતો ના કરતા હું અભિમાનથી આ કહું છુ.

માની લઈએ કે બધા માટે આ બધા ઉપયો શક્ય નથી. કદાચ આપણે અભાગિયા છીએ અને ઉપર લખ્યું એમાંથી કંઈ જ થઈ શકે એમ નથી તો પછી કવિઓ-લેખકો-કલાકારોની જેમ’ રાહી મનવા દુઃખ કી ચિંતા કયું સતાયે હૈ, દુઃખ તો અપના સાથી હૈ…’ ગાતા જાઓ અને જીવતા જાઓ..હજારો સર્જકો આવી જ પરિસ્થિતિમાં જીવ્યા છે અને મહાન બન્યા છે.અરે,મહાન ના બનીએ તો પણ શું?

“હર ફિકર કો ધૂએ મેં ઉડાતા ચલા ગયા.
મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા.”

2019ના આરંભે પ્રચંડ પ્રતિજ્ઞા લઈએ કે ‘ડિપ્રેશન’નું નામ ડિક્શનરીમાંથી ડીલીટ થઇ જાય. દેશી ભારતીય સ્ટાઇલમાં કયારેક ‘મુંજારો’ થાય કે કાઠિયાવાડી ભાષામાં ક્યારેક ‘સોરવતું ના હોય કે ‘હખ ના પડે’ તો ફેસબુકમાં બે ચાર પોસ્ટ વધારે ઠાલવી દેવી..તો શરૂ કરો અભિયાન ‘ ડિપ્રેશન ગો બેક…’☺️

~ ભગીરથ જોગીયા

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.