Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

વાર્તા : ત્રિયાચરિત્રમ્

ચુડેલના વાંસા જેવી સિક્કાની બીજી બાજુ : #MeeTooની પેલે પાર શ્રેણીની વાર્તા નંબર – 2

Advertisements

પેટા : ` RJએ બિલ્ડરને કહ્યું, ‘મને બીજો ફ્લેટ આપ નહીં તો તારી સામે #MeeToo કરીશ’

સ્લગ : ચુડેલના વાંસા જેવી સિક્કાની બીજી બાજુ : #MeeTooની પેલે પાર શ્રેણીની વાર્તા નંબર – 2

પોઈન્ટર : નિષ્ફળ બને જો પ્રેમ તો ‘વહેવાર’ થાય છે!

(નોંધ : આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેની કોઈપણ જીવંત, મૃત કે મરી જવાને લાયક કોઈપણ સ્ત્રી-પુરુષ કે પશુ-પક્ષી સાથે જરા સરખી પણ સામ્યતા જણાય તો એને માત્રને માત્ર જોગાનુજોગ ગણવો. વાર્તાના સર્જન દરમિયાન કોઈ પ્રાણી-પક્ષી તો દૂર બાજુમાં બણબણતી માખીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ નથી.)

જેના દરિયાના પેટાળમાં અનેક રહસ્યો ધરબાયેલા પડ્યા છે તેવું મુંબઈ શહેર. એક બહુ જાણીતી RJ. એનું નામ ત્રિયા. આર.જે. ત્રિયા. ત્રિયા સમાન્ય રીતે આર.જે. હોય તેવી દેખાવડી પણ હતી. વાકપટુતા પણ સારી. ત્રિયા કોઈને પણ પોતાના પ્રેમમાં પાડી શકે. પ્રેમમાં પાડ્યા વિના પણ પુરુષો પાસેથી કામ કઢાવવાની આવડત તો કોઈ તેની પાસેથી શીખે. તેની આ જ આવડતના કારણે શહેરની અને પોતાના તેના જ રેડિયોની અન્ય RJs કરતા તે કાયમ જોજનો આગળ રહેતી. અન્ય RJs તેની ભારોભાર ઈર્ષા કરતી.

ઈનશોર્ટ, મુંબઈમાં ત્રિયાના નામના સિક્કા પડે. નાની-મોટી કોઈપણ ઈવેન્ટ હોય તમે આર.જે. ત્રિયાને બોલાવો એટલે કાર્યક્રમ હિટ જવાની ગેરંટી. કેટલીક ભીડ તો માત્ર પોસ્ટર પર એના નામ અને ફોટાના કારણે જ ભેગી થઈ જતી. આવી જ એક ઈવેન્ટ તેની મુલાકાત શહેરના એક બહુ જાણીતા અને હેન્ડસમ બિલ્ડર ચરિત્ર સાથે મુલાકાત થઈ. જે પરણેલો હતો. એ મુલાકાત પછી નિયમિત મુલાકાતોમાં ફેરવાઈ. નિયમિત મુલાકાતો અંગત મુલાકાતોમાં ફેરવાઈ. એ જ થયુ જે સામાન્ય રીતે ઘીમાં આગ પડે ત્યારે થતુ હોય છે. એ પ્રેમ હતો કે કેમ એ તો ચોક્કસપણે કહી શકાય નહીં, પણ કોઈ તો સંબંધ બંધાયો. કહે છે કે એ સંબંધનું નામ તેના આરંભે કંઈક અલગ હતું, એ તેની ચરમસિમાએ પહોંચ્યો ત્યારે કંઈક અલગ થયુ. લોકોની નજરે તેનું નામ કંઈક અલગ હતું અને એ બન્નેની દૃષ્ટિએ કંઈક અલગ હતું. તેઓ એવું માનતા કે લોકો આપણને સમજી શકતા નથી. લોકોને એમ હતું કે તેઓ બધું જ સમજે છે. એ સંબંધના સેચ્યૂરેશન પોઈન્ટ પછી એનું નામ આર.જે.ની દૃષ્ટિએ કંઈક અલગ હતું અને બિલ્ડરની દૃષ્ટિએ અલગ હતું. એને મન કદાચ મોંઘો પડેલો કોઈ સોદો હશે. કોઈ નાટકમાં એક ડાયલોગ સાંભળેલો કે, ‘માનવીના મન અને કાચિંડાના રંગ તો બદલ્યા કરે.’ આ બન્નેના કિસ્સામાં બધાં પોતપોતાની રીતે બધુ જ સમજતાં હતાં અને ઉપરવાળો કદાચ મુછમાં મલકાતો હતો.

ત્રિયા અને ચરિત્રનો સંબંધ રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો બીજી રાત્રે વધવા લાગ્યો! દિવસે રેડિયોમાં શો કરતી ત્રિયા રાત્રે ચરિત્ર સામે કંઈક અલગ જ ‘શો’ કરતી. કહેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે ત્રિયાને ચરિત્રની બિલ્ડિંગ્સમાં જ રસ હતો અને ચરિત્રને ત્રિયાની બોડીમાં. બોડીબિલ્ડિંગ યુ નો…! ચરિત્રએ ત્રિયાને એક ફ્લેટ પણ અપાવ્યો. જ્યાં ત્રિયા-ચરિત્ર નિયમિત ‘ઘરઘત્તા’ રમતા. ચરિત્રએ ઘર કોઈ બીજીની સાથે માંડેલુ અને ‘ઘરઘત્તા’ આની સાથે રમતો હતો. એમના સંબંધના સિમાડાઓ આ દેશ પૂરતા જ મર્યાદિત ન રહ્યાં. ચરિત્ર કોઈ કારણસર અમેરિકા ગયો ત્યારે ત્રિયાને સાથે પણ લઈ ગયો. અલબત્ત, ત્યાં ઈવેન્ટ ગોઠવીને, એન્કરિંગ માટે યુ…નો…! બન્નેએ અમેરિકા જઈને ચરિત્રના પૈસે ખુબ ખાધુ-ખદોડ્યું અને ત્યાં જઈને એક-બીજા સાથે કરવાની થતી દેહધાર્મિક વિધિઓ પણ બરાબર કરી. ત્રિયાની ઓફિસના કલિગ્સ અને ઉચ્ચ મેનેજમેન્ટ પણ આ પ્રવાસમાં ત્રિયાના જોડાણ પાછળનું કારણ બરાબરા જાણતુ હતું. જોકે, એનાથી કોઈ ફર્ક નહોતો પડતો. કારણ કે, ત્રિયાના ચરિત્ર સાથેના સંબંધનો રેડિયોને પણ ફાયદો મળતો. કોઈપણ કાર્યક્રમ માટે ચરિત્રની કંપનીની સ્પોન્સરશીપ તરત જ મળી જતી. મોટી ઈવેન્ટ હોય તો ચરિત્રના થોડા જ ફોનકોલ્સથી સ્પોન્સર્સનો ઢગલો થઈ જતો. ત્રિયા રેડિયો સ્ટેશનનું ટ્રમ્પકાર્ડ હતી અને ચરિત્ર ત્રિયાનું એટીએમ કાર્ડ.

સમાજને આ બધી ‘સિક્રેટ ગેમ્સ’ વિશે જાણ તો હતી જ પણ એનું ઊંડાણ અને ફ્રિકવન્સી તો આ બન્ને જ જાણતાં. બીજી તરફ ચરિત્રની પત્ની કાશીને ખબર નહોતી કે એનો ‘બાજીરાવ’ કઈ રાત્રે ક્યાં કઈ મસ્તાનીઓ સામે બિલ્ડિંગો ખડી કરી આવે છે!

લગભગ ત્રણ-ચાર વર્ષ બધુ બરાબર ચાલ્યુ. કહે છે કે આટલો સમય તો બધુ સુખરૂપ જ ચાલતુ હોય છે. યક્ષપ્રશ્ન પછી ઊભો થયો. જેની ચરિત્રને કલ્પના પણ નહોતી. ઈવન સંબંધની બિલ્ડિંગ બાંધતી વખતે પેલીએ પણ આ પ્રશ્ન નહીં વિચાર્યો હોય. આમ પણ આપણા દેશમાં બિલ્ડિંગનો પાયો કાચો રહી ગયાની ખબર ત્યારે જ પડે છે જ્યારે એ તૂટી પડે. પેલીએ લગ્ન કરવાની જીદ પકડી. જે પૂરી કરવી શક્ય નહોતી. અલબત્ત, પેલા ચરિત્રની દૃષ્ટિએ. ચરિત્રને માત્ર પત્ની જ નહીં બાળકો પણ હતા અને બાળકો જે કારણોસર પેદા થતા હોય છે એવા જ કારણોસર તો એ ત્રિયા તરફ આકર્ષાયો હતો.

માત્ર આરજેઈંગ નહીં, પણ નાટ્ય સહિતની અનેક કળામાં પારંગત પેલી ત્રિયાએ પોત પ્રકાશ્યુ. ‘પોત પ્રકાશ્યુ’ શબ્દ બહુ ચુંથાયેલો લાગે છે અહીં આપણે ‘રંગ બદલ્યો’ શબ્દ રાખીએ. એ પણ નથી જામતો. ‘રંગ બતાવ્યો’ રાખીએ. ત્રિયા વિવિધ રંગ બતાવવામાં એક્સપર્ટ હતી. એ સારી એક્ટર પણ હતી એટલે. માનવીના તમામ રંગરૂપ બહાર લાવવા માટે તો ‘બિગબોસ’ની અત્યાર સુધીની તમામ સિઝનનું ડ્યુરેશન પણ ઓછું બને. જરૂરી નથી કે માનવીએ પોત જ પ્રકાશ્યુ હોય. એ પણ શક્ય છે કે આટલા વર્ષોના સમયગાળામાં એ વ્યક્તિ ધરમૂળથી બદલાઈ પણ હોય. દસ વર્ષ પહેલાના માણસને તમે આજે ફરી મળો ત્યારે તમે એ દસ વર્ષ પહેલાના માણસને મળી જ નથી રહ્યાં હોતા. એ તો દસ વર્ષ પહેલા જ રહી ગયો હોય છે. તમે મળો છો એક નવા વ્યક્તિને. જેમાં વિતેલા દસ વર્ષો દરમિયાન કેટકેટલુય નવું ઉમેરાયું હોય છે અને જૂનુ બાદ થયુ હોય છે. (આ પેરેગ્રાફમાં ભાષણબાજી બહુ થઈ ગઈ નહીં? આ તો મે’કુ વાર્તામાં આવી બધી ફિલસૂફીઓની ભુકી ભભરાવીએ તો થોડા સ્માર્ટ લેખક લાગીએ. લોકો પાછા ઈમ્પ્રેસ પણ થાય કે લેખક કેવા જમાનાના ખાધેલ છે! એમને કેટલી બધી ખબર પડે છે! એમની રેન્જ કેટલી વિશાળ છે! આ તો મેં બ્રેક મારી. બાકી, અહીં બદલાયેલા માણસ વિશેની વાત વધુ મજબૂત બનાવવા ‘શિપ ઓફ થિસિયસ’, સિગ્મન્ડ ફ્રોઈડ અને એવા બધા રેન્ફરન્સિસ ટાંકવાનો પણ વિચાર હતો. જેથી વાચકને લાગે કે લેખકને કેટકેટલા રેફ્રન્સિસ હાથવગા હોય છે! હોવ…હમ્બો…હમ્બો…! ચલો, નેક્સ્ટ પેરેગ્રાફમાં ફરી વાર્તાના મૂળ પાટે ચડીએ.)

તો ત્રિયાએ ચરિત્રને બરાબરનો ભેરવ્યો. ચરિત્રને પોતે બાંધેલી બધી જ બિલ્ડિંગ્સ ચક્કર-ભમ્મર ફરતી લાગી. જેનો અવાજ આખા મુંબઈના કાનમાં સાકર ઘોળતો હતો એ જ અવાજ ચરિત્રને કડવો ઝેર જેવો લાગવા લાગ્યો. ત્રિયા બોલતી ત્યારે ચરિત્રને એવું લાગતું જાણે કોઈ એના કાનમાં ધગધગતુ સીસુ રેડી રહ્યું હોય. પ્રેશર વધારવા ત્રિયાએ પોતાના ચરિત્ર સાથેના સંબંધોની વાતો શહેરની એક ઉપલી સર્કિટમાં લિક પણ કરી. ‘શરાફત કે જબ કપડે ઉતરતે હે તબ સબસે જ્યાદા મજા શરીફો કો હી આતા હૈ’ના ન્યાયે શહેરનો ભદ્રવર્ગ આ બંન્નેના સંબંધોની અભદ્ર વાતો રસઘોયું શ્રોતા થઈને સાંભળતો રહ્યો. એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે એમાં પોતાની કલ્પનાશક્તિઓ ઉમેરીને વઘાર પણ કરતો રહ્યો. આ સમગ્ર ઘટનાક્ર્મમાં નાટ્યશાસ્ત્રની અભ્યાસુ એક્ટર ત્રિયાએ પોતે વિક્ટિમ અને ચરિત્ર વિલન ચિતરાય તેનો ખાસ ખ્યાલ રાખ્યો. એ કેટલાક લોકો પાસે જઈને પોતાને ચરિત્રએ કરેલા અન્યાયના રોદણાં પણ રડી આવી. તેને ખભો આપનારી જગપંચાતોએ તો કહ્યું પણ ખરું કે, ‘એ તો છે જ એવો. તું વળી ક્યાં એનામાં ભરાણી?’ કોઈએ વ્યવસ્થિત ઉશ્કેરણી પણ કરી કે, ‘એને બરાબરનો પાઠ ભણાવજે. અમે તારી સાથે જ છીએ.’ આ સ્થિતિ અંગે અમારે સૌરાષ્ટ્ર બાજુ કંઈક એવી કહેવત પણ છે કે – ‘ગાંડી હતી અને ભૂતે પેલું કર્યું.’

ત્રિયાએ ચરિત્રને બરાબરનો ક્લચમાં લીધો. બાળ અને સ્ત્રીહઠ સામે તો દેવો પણ લાચાર હોય છે. જ્યારે આ તો ચરિત્ર હતો. જેનું પોતાનું જ ચરિત્ર ઠીક નહોતું. પેલી એકની બે થવા તૈયાર નહોતી. બહુ લાંબી લમણાફોડ ચાલી. મુંબઈને ચર્ચા કરવાનો મસાલો મળ્યો અને ત્રિયા-ચરિત્રના હિતેચ્છુઓ અને હિતશત્રુઓને જોણું થયુ. આવા સમયમાં હિતશત્રુઓને મજા આવતી જ હોય છે, પણ હિતેચ્છુઓ અને હિતશત્રુઓ વચ્ચેની ભેદરેખા પણ બહુ પાતળી થઈ જતી હોય છે. (લેખક અહીં ફરી ભાષણે ચડી ગયા. તમે વાર્તા કરો યાર. મતલબ વાચકો કાઢી લેશે. વાચકો કે દર્શકોને ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા નહીં. એ તમારી વાર્તા વાંચવા કે ફિલ્મ જોવા આવતા હોય છે તમારા ભાષણો સાંભળવા નહીં. હોવ…હમ્બો…હમ્બો…!)

અંતે વાત ‘સમાધાન’ પર આવી. આપણે ત્યાં સમાધાનની એક બહુ જાણીતી વ્યાખ્યા પૈસા થાય છે. જે ચરિત્ર પાસે ખુબ હતા. કહે છે કે પુરુષ પાસે પૈસા એક હદથી વધી જાય ત્યારે ચરિત્ર જાળવવું અઘરું બને છે અને સ્ત્રીને ચરિત્ર જાળવવું ન હોય ત્યારે પૈસા બનાવવા સરળ બની જાય છે. ‘નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે’ – ‘કંકોતરી’ નઝમમાં અસિમ રાંદેરીએ જ્યારે આ પંક્તિ લખી હશે ત્યારે તેમને સપનેય કલ્પના નહીં હોય કે તેમની પંક્તિના વહેવાર શબ્દને લોકો ખરેખર (પૈસાના) ‘વહેવાર’ના સંદર્ભમાં લઈ લેશે!

ત્રિયા અને ચરિત્રના સંબંધની હવે કિંમત અંકાવાની હતી. એટલે જ આ વાર્તામાં આપણે તેને પ્રેમનું નામ નહોતુ આપેલુ. બહુ સોદાબાજી ચાલી. એક સમયે જે લગ્નથી ઓછું કંઈ ન સ્વીકારવા તૈયાર નહોતી એ ત્રિયાએ હવે ફ્લેટની જીદ પકડી. હા, એક ફ્લેટ હોવા છતાં બીજા ફ્લેટની જીદ. ચરિત્ર શું કરી શકવાનો હતો? આપ્યો એણે ફ્લેટ. પોતાના જીવનના એકાદ ખુણાનો ખાલીપો ભરવા તે ત્રિયામાં ભેરવાયેલો. એ ખાલીપાની કિંમત તેણે ખાલી ફ્લેટ આપીને ચુકવી. પ્રેમ અણમોલ હોય છે ને એવી બધી ફિલસૂફી ડહોળનારાઓએ સમજવું જોઈએ કે કેટલાક પ્રેમો એવા પણ હોય છે જેની કિંમત એકલ-દોકલ ફ્લેટમાં પણ અંકાઈ જતી હોય છે! હોવ…હમ્બો…હમ્બો…!

ચરિત્ર આજે પણ બિલ્ડિંગો બાંધવાની અને દિલના એક ખાલી ઓરડાને ભરવાની તાકમાં રહે છે. ત્રિયા પોતાના ચરિત્રના ફ્લેટમાં ખુશ છે. RJ તરીકે આજે પણ હિટ છે. મુંબઈ તેના અવાજ અને જલવાઓ પર આજે પણ ફિદા છે. એક્ટિંગમાં પણ તેણે સારી એવી નામના મેળવી છે. જ્યારે પણ કોઈ પેજ 3 પાર્ટીમાં #MeeToo ઝુંબેશની ચર્ચા ચાલે ત્યારે એવો ફાંકો પણ મારી લે છે કે, `જ્યારે હું #MeeToo કરીશ ત્યારે મુંબઈના એક જાણીતા બિલ્ડરના કપડાં ઉતરી જશે.` હા, એ જ બિલ્ડરના કપડાં જેની સામે પોતાના કપડાં ઉતારતા તેને ક્યારેય શરમ નહોતી આવતી. તેની આવી વાતો જ્યારે જ્યારે ચરિત્રના કાને પડે છે ત્યારે ફરી વાર તેના કાનમાં કોઈ સીસુ રેડતું હોય એવી દર્દનાક અનુભુતી થાય છે. પોતે બનાવેલી તમામ બિલ્ડિંગ કોઈ ભૂકંપથી ધ્રુજતી ભાસે છે. ચરિત્ર કોઈ અંગત મિત્ર ક્યારેક સામે એવો ડર પણ વ્યક્ત કરી લે છે કે, ‘પેલી આવું કોઈ પગલું ભરશે ત્યારે મારે મેં જ બનાવેલી કોઈ બિલ્ડિંગ પરથી નીચે કુદી જવાનો દિવસ આવશે.’

આ આખી વાર્તામાં ચરિત્રએ બે ફ્લેટ ગુમાવ્યા અને ત્રિયાએ ચરિત્ર! આઈ મિન, ચરિત્ર ગુમાવ્યો.

ફ્રિ હિટ :

त्रिया चरित्रं, पुरुषस्य भाग्यम; देवो न जानाति कुतो मनुष्यः। (અનુવાદ ગૂગલ પર સર્ચ કરીને વાંચી લેવો.)

~ તુષાર દવે ( સીટી ભાસ્કર, અમદાવાદ )

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: