વુ મીંગ યીન : ‘ધ સ્ટોલન બાઈસિકલ’ની આઈડેન્ટીટી શું ?

તાઈવાન ઉપર ચીનનો પહેલાથી અંકુશ રહ્યો છે. ચીન તાઈવાનને પોતાનું ગણે છે. ગણતું આવ્યું છે. એટલે ત્યાંથી જેને પણ નાગરિકતા મળતી તે પહેલા ચીનની નાગરિકતા હતી. એ પછી કેટલાક લોકો તલાટીની ઓફિસે જઈ નાગરિકતા બદલવાનું સર્ટિફિકેટ મેળવે, તેમ ત્યાંના તલાટીઓ પાસે જઈ “તાઈવાન ચીન”માંથી નાગરિકતાને માત્ર તાઈવાન કરી નાખી. અને એ કરવું એક લેખકને આકરૂ પડી રહ્યું છે. નામ છે વુ મીંગ યીન. હવે આખા આર્ટિકલમાં આપણે તેમને વુના નામથી જ ઓળખશું.

2018ના બુકર પ્રાઈઝની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં વુ શામિલ છે. 13 લેખકો વચ્ચે કોમ્પટિશન છે. જેમાં વુ જીતવા માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વુની નવલકથા ધ સ્ટોલન બાઈસિકલને ક્રિટીક્સ દ્વારા ખોબલેને ખોબલે વધાવવામાં આવી છે. પણ થોડા દિવસ પહેલા જ વુને જાણકારી મળી કે તેની આઈડેન્ટીટી ‘તાઈવાન ચીન’ લખવામાં આવી છે, નહીં કે, માત્ર તાઈવાન. આ વાત તેમને ખટકી એટલે તેમણે સોશિયલ મીડિયા પેજ પર લખ્યું. અને હજુ તેમની પ્રોબ્લેમનું સમાધાન નથી મળ્યું.

વુએ આ એટલા માટે કર્યું કે બુકર પ્રાઈઝ વુ જીત્યો, તો પછી તે તાઈવાનના ખાતામાં નહીં તાઈવાન અને સાથો સાથ ચીનના ખાતામાં પણ બોલશે. તેનું વતન તાઈવાન છે. ત્યાં તેનો જન્મ થયો છે. અને ગામના મૂળીયાને તે કોઈકાળે અલિપ્ત થવા દેવા નથી માગતો. આ તેનો રાષ્ટ્રપ્રેમ છે.

મોટાભાગના લોકો નવલકથા લખતા અચકાતા હોય છે. વુ પણ અચકાતા હતા. વુ એ જ્યારે પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારે તે નોન ફિક્શન હતું. ફિક્શન તો તેને લખતા જ ન હોતુ આવડતું. આ તો રહી રહીને તેમણે નવલકથા પ્રકાશિત કરી. સાહિત્યનો શોખ હોવાના કારણે ચીનના ભાષા સાહિત્ય પર તેમણે પીએચડી કરેલું છે. બુકરમાં નોમિનેટ થયેલી ધ સ્ટોલન બાઈસિકલ પહેલા તેમણે ધ મેન વીથ કમ્પાઉન્ડ આઈસ અને ધ મેજીશ્યન ઓન ધ સ્કાય વોક જેવી નવલકથાઓ લખી. પહેલી બે નવલકથાઓમાં અંગ્રેજી અને ફ્રેન્ચ પબ્લિશરોને એટલો રસ પડ્યો કે તેમણે આ નવલકથાના અંગ્રેજી રાઈટ્સ ખરીદી લીધા. ચાઈનીઝ ભાષામાં લખ્યા કરત તો વુ કોઈ દિવસ પોપ્યુલર ન થાત. વુની નવલકથા અનુવાદ થવા લાગી અને અનુવાદિત થયેલી નવલકથાઓ જ્યારે ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થઈ તો તેને પ્રેસ્ટિઝિયસ “સલોન ડી ઓઈસાટો” પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવી. લેખકને બીજુ શું જોઈએ ? એક કૉલમ, એક સારો પ્રકાશક, એર્વોડ અને પ્રતિષ્ઠા !!

કોઈ પણ નવલકથા એ લેખકનું એક જ રોણું રોતો ચવાયેલો વિષય હોય છે. લેખક પોતાના જ જીવનને નોલાનની ડનક્રિક ફિલ્મની માફક થોડુ આ સાઈડથી થોડુ પહેલી સાઈડથી બતાવ્યા કરે છે. તેમાં નવું કંઈ આવતું નથી. બહુ ઓછી એવી નવલકથા હોય છે, જેમાં લાઈફનો પાર્ટ મઝા કરાવી જાય, પણ એ જ સિરીઝમાં લેખક લખ્યા કરે તો પછી તેના રિડર્સને ખબર પડી જાય કે લેખક હવે આનાથી આગળ વધી નથી શકવાના. મોટાભાગના વાર્તા સંગ્રહોમાં શૈલી બાબતે આવુ જ થાય છે. એક ને એક ઢબની લાગતી વાર્તાઓથી આખો વાર્તાસંગ્રહ વાંચતા લોકો કંટાળી જાય. તેમાં સસ્પેન્સ વાર્તા ન આવે, તેમાં સામાજીક વાર્તા ન આવે, તેમાં લવસ્ટોરી ન આવે.. પણ વુ અલગ છે. ધ સ્ટોલન બાઈસિકલ પહેલા બાઈસિકલ ઉપર લગલગાટ ઘણી નવલકથાઓ લખાઈ. સુપર્બ ક્લાસિક બાઈસિકલ થિવ્સ નામની ફિલ્મ પણ બની. તો વુની બાઈસિકલમાં એવી ખાસિયત શું છે ? શું તેમાં મેજીક રિયાલીઝમના પોંઈન્ટથી સાઈકલને હવામાં ઉડાવવામાં આવી છે ? શું સાઈકલ અને રાજકારણી સાથે કોઈ પ્રેયસી અને આંખમાં આંસુ લેવડાવે તેવા વર્ણનો છે ? હા, આંસુ આવે છે, પણ અલગ રીતે !

વુની આ પાંચમી નવલકથા 20મી સદીના યુદ્ધ પાસે આકાર લે છે. આ એવો સમય છે કે સાઈકલ હોવી એ મર્સિડીઝ હોવા બરાબરનું લાગે. લોકો પોતાની સાઈકલને ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ કરે છે. સાઈકલ તેમના માટે ચાઈનીઝ ભાષામાં ‘જીતેન-શા’ છે એટલે કે સેલ્ફ ટર્ન વ્હિકલ. એક સમય હતો કે તાઈવાન સોનાની ચીડિયા હતો. ત્યાં મસમોટા ઉદ્યોગો હતા, પ્રાણીસંગ્રહાલયો હતા, હેન્ડીક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીમાં દુનિયાભરમાં પોપ્યુલર હતો. એ સમય હતો 1905નો. હજારોની સંખ્યામાં લોકો યુદ્ધમાં ચીન માટે પ્લેનનું નિર્માણ કાર્ય કરવા જોતરાય છે. ઘરે જવુ અને આવવુ આ માટે સાઈકલનો ઉપયોગ કરતા. પિતાનું વોરમાં સાઈકલ લઈ જવું અને પ્લેન બનાવવાની કહાની આપણા લેખક ચેંગને મળે છે.

ચેંગ ત્યારે નાનો હોય છે, પણ મોટો થાય છે, એટલે આ પ્લોટ પરથી તે નવલકથા લખે છે. ત્યાંસુધીમાં સાઈકલ લઈ વિમાનો બનાવવા જતા તેના પિતા ખેવાઈ જાય છે. આપણો પ્રોટોગોનીસ્ટ એક મીડલ એજ રાઈટર છે. તેની નવલકથા પોપ્યુલર થાય છે. અને એક દિવસ તેને મેઈલ આવે છે કે, તમે જે લખ્યું તે સાઈકલ હજુ મોજુદ છે. માતા માટે તે પિતા સાથે, એ વખતે શું થયું તે ચેગમાં જાણવાની ઉત્કંઠા જાગે છે. પિતાની સાઈકલ શોધવા માટે તે નીકળી પડે છે. જેમાં તેની સાથે અબ્બાસ નામનો એક ફોટોગ્રાફર જોડાય છે.

અબ્બાસનું લક્ષ્ય પણ ચેંગની માફક પિતાને શોધવાનું છે. અબ્બાસ ચાઈના તરફથી વોર લડેલો હોય છે. અને ફોટોગ્રાફીનો શોખીન હોય છે. આ બંન્નેની જર્ની શરૂ થાય છે. નવા અનુભવો થાય છે. બર્મુડાનું જંગલ આવે છે. ચીન જેવા લાગતા પ્રદેશો મ્યાનમારથી નીકળી રસ્તામાં વિશ્વયુદ્ધ દરમિયાન ચીન દ્વારા બ્રિટીશ ઈન્ડિયા ટ્રૂપ પર કરવામાં આવેલા હુમલાની વાતનું વર્ણન છે, અધવચ્ચે લેખકને તેની એક્સ ગર્લફ્રેન્ડ મળે છે. એટલે નવલકથા ટુરિઝમ ગાઈડ જેવી છે. ધ સ્ટોલન બાઈસિકલને શોધવાની છે. નવલકથાનો મૂળ હેતુ લેખકના પિતાને શું થયું તે શોધવાનું છે. એક પછી એક ક્લુ જોડાતા જાય છે. સાઈકલ સાથે સાઈકલ જોડાય અને રહસ્ય ખૂલે. જેને વુએ નવલકથામાં “બાઈસિકલ નોટ્સ” તરીકેનું સ્થાન આપ્યું છે. મને તો ખાલી સમરી મળી છે, પણ ઈચ્છા છે કે, સાઈકલ ટુ સાઈકલ રહસ્યો કેવી રીતે ખૂલે ?

પોસ્ટર પણ હવામાં ઉડતા બે હંસનું છે. બે હંસ એટલે એક લેખક અને એક અબ્બાસ. બંન્નેને પોતાના પિતાને શોધવાનું પરિશ્રમ ભર્યું કામ કરવાનું છે. માનસરોવરના હંસ જેમ લાંબી મુસાફરી કરે તેવી જર્ની કરવા નીકળ્યા છે, પણ પોસ્ટર મુજબ નોવેલનો સેન્ટર પોંઈન્ટ હાથી છે !

વુ સ્વીકારે છે કે, મેં 2007માં જ્યારે રુટ્સ ઓફ ડ્રિમ નવલકથા લખી તેમાં એક પોર્શન લખેલો. મારો નાયક એક હોલની મુલાકાતે જાય છે, અને તેની સાઈકલ ચોરાઈ જાય છે. પછી આખી નવલકથામાં તે સાઈકલ ક્યાં ગઈ તેનો મેં ઉલ્લેખ શુદ્ધા ન કર્યો. મારી આ નબળાઈને એક વાંચકે ઢમઢોળી કે, ‘યાર, તમે પછી સાઈકલનું શું થયું તે તો કહ્યું નહીં.’ પહેલા તો વુને લાગ્યું કે સાઈકલનું મઠારી નવી આવૃતિમાં પ્રકાશિત કરવું. પણ એ સારૂ નહીં લાગે એટલે તેમણે નવી જ નવલકથા લખી, જેનું નામ સ્ટોલન બાઈસિકલ. છે ને મજેદાર કહાની.

નવલકથામાં એક કિસ્સો આવે છે, કે અમેરિકાએ 1944-45ના સમયે તાઈવાન પર બોમ્બમારો કર્યો છે. આ વખતે તાઈવાન જાપાનના તાબા હેઠળ હોય છે. એક છોકરી બોમ્બ નહીં ફુટે આ માટે પોતાના સ્કર્ટનો ઉપયોગ કરે છે. તે સ્કર્ટમાં બોમ્બ કેચ થઈ જાય તેમ દોડ્યા રાખે છે. વુ કહે છે કે, મારી માતાએ આ કિસ્સો પોતાની આંખો સામે જોયો હતો. જેનું વાંચકને ચોટ લાગતું અને સચોટ વર્ણન તેમણે કર્યું છે.

નવલકથામાં આવતો અબ્બાસ મુસ્લિમ છે, કોઈ મુસ્લિમ પાત્રને તાઈવાનની નવલકથામાં શા માટે રાખવો જેના જવાબમાં વુએ કહ્યું કે, તાઈવાન એ કોઈ એક કલ્ચર નથી. અહીં વિવિધતામાં એકતા છે. ચીનમાં પણ એવું જ છે. વિદેશથી વસતા લોકો જેણે ચીન માટે સેવા કરી હોય તે અહીં રહે છે. અને આ રીતે જ મારા પાત્રોનો ઉદ્દભવ થયો.

અબ્બાસને જ્યારે તેના પિતાની ભાળ મળે છે, ત્યારે તેની ભાષામાં રેકોર્ડર બોલે, તે શબ્દો લેખકે પાના પર અંકિત કર્યા છે. તેની પાછળનું કારણ વુ એ જણાવેલું કે, હું ઓરિજનલ સાઉન્ડને જીવતો રાખવા માગતો હતો. પરંતુ અંગ્રેજી ટ્રાંસલેશનમાં એ શક્ય ન બન્યું. મેં મારા અનુવાદકને આ વાત કરી કે અર્નેસ્ટ હેંમિંગ્વેની યુદ્ધ આધારિત નવલકથામાં આવો પાર્ટ આવે ત્યારે કેવું વર્ણન હોય તેવુ કરવું છે, પણ અનુવાદક એ લેવલ સુધી ન પહોંચી શક્યા, પણ વુ અનુવાદકનો આભાર માને છે કે, તેમણે નવલકથાના અનુવાદ માટે વુને 1000 કરતા વધારે પ્રશ્નો પૂછેલા.

વુની નવલકથાનું મેકિંગ કોઈ ફિલ્મના મેકિંગથી કમ ન લાગે, વુના વિવાદને આપણા દલિત આંદોલન સાથે સાહિત્યના અનુસંધાનથી જોડીએ. ગુજરાતીમાં બે સાહિત્ય છે. એક સાહિત્ય અને બે દલિત સાહિત્ય. ચંદ્રકાંત બક્ષીએ કહેલું કે, “સાહિત્ય એ સાહિત્ય છે, તેમાં પ્રકારો પાડવાની જરૂર નથી.” પણ વુ જ્યાં તાઈવાન માટે લડી રહ્યા છે, તેમ આપણે ત્યાં કોઈ સાહિત્ય અને દલિત સાહિત્ય એક થાય તેમાં રસ નથી લેતા. હજુ પણ આધુનિક દલિત સાહિત્યની વેદનાના નામે રિસર્ચો તૈયાર થયા કરે છે. દલિત સાહિત્યના એર્વોડો અલગ રાખવામાં આવ્યા છે. આપણી સમસ્યા તો નાની છે જ્યારે વુની સમસ્યા તો કન્ટ્રી ટુ કન્ટ્રીની છે, તેના દેશના અભિમાનની છે, છતા એ બચારો એકલો લડી રહ્યો છે.

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.