વિક્રમ-વેધા મોર્ડન માઈથોલોજીને સત્ય અસત્યનો સ્પર્શ

રાવણની મોત પછી પ્રભૂ શ્રીરામે વિભીષણ અને લક્ષ્મણને કહ્યું, જાઓ અને રાવણ પાસેથી રાજનીતિના પાઠ શીખો. અહીં કહેવાનો અર્થ બસ એટલો જ છે કે, બોલિવુડ ફિલ્મના સસ્પેન્સ થ્રીલર ડિરેક્ટરોને કહો કે જાઓ અને સાઉથની ફિલ્મો પાસેથી સસ્પેન્સ થ્રીલર ફિલ્મોના પાઠ શીખો. દ્રશ્યમ આવી ન હોત તો આપણું શું થાત ? કેવી રીતે આપણને 2 ઓક્ટોબર યાદ રહેત ? ફિલ્મના શોખીનોને તો વિક્રમવેધાની પહેલાથી જ જાણ હશે. કેટલાકે તો જોઈ પણ લીધી હશે. માઈથોલોજીકલ કન્સેપ્ટને મોર્ડન ટચ આપી સોને પે સુહાગા કેવી રીતે કરવું તે વિક્રમ વેધા પરથી શીખ્યા જેવુ છે. વિક્રમ વેતાલની વાર્તા તો બધાએ સાંભળી હશે, આ વાર્તા છે તો તેના પર આધારિત પણ થોડી ડિફરન્ટ છે. રેલ્વેમાં એક ભાઈ પોતાનો ડબ્બો છોડી તમારા ડબ્બામાં શિફ્ટ થાય પછી તેને શું શૂરી ચડે કે તમને વાર્તા કહેવા માડે. એટલામાં ટીટીની એન્ટ્રી થાય એટલે તમારા સ્ટોરી ટેલર ડબ્બો છોડી ભાગે. રણમાં ખીલ્યુ ગુલાબનો અંત જાણ્યા વિના પહેલાભાઈને આપણે વાર્તા માટે શોધતા હોઈએ. એ જ નહીં બીજા બે ચાર પણ તેમની પાછળ આટા મારતા હોઈ શકે કારણ કે તે ભાઈ ટીટીના ડરે બધા ડબ્બામાં આટા મારી આવ્યા છે. દાદીમાંની વાર્તાઓ અધૂરી રહી જતી. તે શરૂ કરે તે પહેલા આપણે સુઈ જઈએ કાં તે પરાણે આપણને સુવડાવી દે. ઓર કુછ ઐસી હી કહાની હૈ વિક્રમ ઓર વેધા કી…

ધુમ્રપાન કરવાથી તન,મન અને ધનની શક્તિ છીનવાય જાય છે, જે પહેલીવાર આ ફિલ્મ જોઈને જ ખબર પડી. કારણ કે માધવન અને સેથ્થુપથ્થી એટલી સિગરેટો પીવે છે કે ક્યારેક ફિલ્મ નો સ્મૉકિંગનો બીજો ભાગ લાગવા માંડે. તો ફિલ્મની શરૂઆત એક નોર્મલ પણ હાઈટેક સીનથી થાય છે. જ્યાં એન્કાઉન્ટર માટે ભૂખ્યા વિક્રમ એટલે કે આપણા આર.માધવન પોતાની ટીમને લઈ પહોંચ્યા છે. થોડીવારમાં ગુંડાઓનું ઢીમ ઢાળી દે છે. પણ બધા એકાઉન્ટરોમાં જે પદ્ધતિસરની પ્રક્રિયા થાય છે તે મુજબ અહીં પણ એક પોલીસને ઘાયલ કરવામાં આવે છે અને એક ગુંડાને (છોકરાને) ઈજા પામેલા હાથથી પિસ્તોલ ફોડવામાં આવે છે. આ ગુંડાઓને મારવા પાછળનું કારણ વેધા સાહેબ છે. વેધા જ્યારે સામેથી સરેન્ડર કરે છે ત્યારે ગબ્બર સિંહની એન્ટ્રી થવાની હોય તેવો માહોલ થઈ જાય છે. ઓલઓવર ફિલ્મ સાઉથની છે. બધા વેધાનું ઈન્ટરવ્યૂ લે છે. વાયોલેન્સની મનાઈ છે એટલે ખાલી ગાળો બોલી ઓકાવવાની કોશિશ કરે છે. પણ વેધા બોલતો નથી. આખરે નીડર અને બાહોશ જેવા સર્વનામો જેના માટે બન્યા છે, તે ઓફિસર વિક્રમ આવે છે અને કેમેરો ઓફ કરી દેતા શરૂ થાય છે સ્ટોરી નંબર-1… પણ સ્ટોરી પૂર્ણ થતા જ વિક્રમને ખબર પડે છે કે, તેની વાઈફ જ આ કેસમાં વેધાની લોયર બનેલી છે. જેનો રોષ વિક્રમના ચહેરા પર દેખાય છે. ફરી ભાગમ ભાગી અને પાછો વેધા વિક્રમના હાથમાં આવી જતા બીજી સ્ટોરી શરૂ થાય છે. સ્ટોરી પૂર્ણ સવાલ જવાબનો સિલસિલો અને છેલ્લે ફેક્ટરીમાં ત્રીજી સ્ટોરી શરૂ થાય છે. જ્યાં આ ત્રણે સ્ટોરીનું કન્કલુઝન નીકળે છે. આ છે ફિલ્મની સામાન્ય હાઈલાઈટ. પણ પાત્ર પ્રમાણે કહાનીને વિવરણાત્મક ઢબે રજૂ કરવી જરૂરી છે. ફિલ્મની મને કોઈ સ્પર્શી ગયેલી વાત હોય તો તે છે, બંદુક !!! ગુજરાતીમાં કહેવત છે કે દિવાલ પર બંદુક ટાંગેલી હોય તો ફુટવી જોઇએ. અહીં એક પોલીસ ઈન્સપેક્ટર વેધાના ખોફને દર્શાવવા કહે છે કે, ‘વેધાએ પહેલુ ખૂન હથોડાથી કરલું… આમ ઢબ દેખાનું માથુ ફાટી ગયું…’ અને પહેલી સ્ટોરીમાં તે ખૂન પણ જોવા મળે છે. વિક્રમ વેતાલનો ખેલ રમી રહ્યા છીએ તેની માધવન કે સેથ્થુપથ્થીને પણ ખબર નથી. તે તો સ્ટોરી અને ક્લુ પ્રમાણે ચાલે છે. વેધા માસ્ટરમાઈન્ડ છે જે વિક્રમને કહાનીયોથી હકિકતો બયાન કર્યા કરે છે. અને વિક્રમ બનેલો માધવન પોતાની આસપાસના લોકોની હરામીગીરીને સફાચટ્ટ કર્યા કરે છે. તો 2 કલાક 25 મિનિટની આ વાર્તાને પાત્ર પ્રમાણે જ સમજી શકીએ.

 વિક્રમ
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે. સિમોન નામનો તેનો એક પોલીસ મિત્ર છે. જેના કારણે પ્રિયા તેની પત્ની બને છે. પતિ-પત્ની બંન્નેને વિસ્કી પીવાનો શોખ છે. શોખ સરખો હોવાના કારણે સાથે રહેવુ ગમશે અને જીવન ચાલશે એટલે પરણે છે. પત્ની વકિલાત કરે છે. ફિલ્મની શરૂઆતથી જ વિક્રમ પર એન્કાઉન્ટરનું ભૂત સવાર થયું છે. તેને મળતી ઈન્ફોર્મેશનના સહારે તે વેધાને ખલ્લાસ કરવા સુધી પહોંચી જાય છે. ત્રણ વાર પહોંચે છે અને ત્રીજીવાર તો ગોળી માથા પર હોય છે, પણ મારે છે કે નહીં તે ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રી આપણી પર છોડી દે છે.

 વેધા
ચૈન્નઈમાં મજૂરીનું કામ કરતો વેધા હોશિયાર અને ચબરાક છે. બાજુમાંથી પસાર થતી તકને તે તુરંત પકડી લે છે. માલિક ચિટ્ટાને એક કાર શહેરમાંથી પોતાના નિવાસસ્થાને પહોંચાડવી છે અને તે કામ વેધા માગે છે ત્યારે તેને નથી મળતું. પણ તક મળે નહીં તો તેને આંચકી લેવાની વૃતિ પણ તે છોડતો નથી. આ નિયમનું શબ્દેશ: પાલન કરી વેધા કારને ચિટ્ટા પાસે પહોંચાડી દે છે. ત્યાંથી નફરતનો દોર શરુ થાય છે. તેના ભાઈ પુલ્લીને તે ખૂબ પ્રેમ કેરે છે, મોટાભાઈની આજ્ઞા માનીને પુલ્લી બાળકો દ્વારા થતા ડ્રગ્સના વેપલામાં કામ કરવાની ના પાડે છે પણ તેની બાળપણની મિત્ર ચંદ્રા આ કામ ઉઠાવી લે છે, જેનું પુલ્લીને ખુબ મોટુ ભુગતાન ભોગવવુ પડે છે. વેધા અને ચિટ્ટાની ગેંગવોર શરૂ થાય છે. જેમાં એક માણસના કારણે વેધાની ગેંગનો સફાયો થઈ જાય છે. જેનું મૂળ કારણ હોય છે વિક્રમ.

 પુલ્લી
પુલ્લી તેનું સાચુ નામ નથી. અંત સુધી તેના સાચા નામની કોઈને ખબર નથી પડતી. પણ વેધા કહે છે, ‘પુલ્લી તેને લોકો એટલા માટે બોલાવતા કારણ કે તે ગણિતમાં નબળો હતો.’ ડ્રગ્સના વેપલામાં બાળપણની મિત્ર ચંદ્રાના કહેવાથી તે કામ કરે છે, પણ પોલીસ બાળક પુલ્લી અને ચંદ્રાને પકડતા પોલીસ સામે સાચુ ઓકી દે છે. પરિણામ એટલુ ખરાબ આવે છે કે, મુરઘીની દુકાને પુલ્લીના હાથમાં લોખંડનો વાયર ખોંસી દેવામાં આવે છે. જેનો ડંખ ફિલ્મના પહેલા એન્કાઉન્ટરથી જ ખ્યાલ આવી જાય છે. બાળપણની મિત્ર ચંદ્રા સાથે તેને પ્રેમ થઈ જાય છે. મોટોભાઈ જમવા સમયે તેને વારંવાર પૂછે છે, ‘તમારી લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ ?’ જેનો જવાબ તો વિક્રમ પણ નથી આપતો !! પણ ચંદ્રાને ડાબા હાથે ભોજન લેતા તે લોકો ટોકતા હોય છે. વેધાના પાંચ લાખ ચોરાતા પુલ્લી અને ચંદ્રાનો ભાંડો ફુટે છે.

 ચંદ્રા
પુલ્લીની બાળપણની ગર્લફ્રેન્ડ. જેનું ઈન્ટરવલ પહેલા જ ખૂન થઈ ચૂક્યું છે. જમણા હાથે તેણે ગોલી ચલાવી વિક્રમના પ્રિય મિત્ર સિમોનને યમદ્રાર પહોંચાડી દીધો છે. જે ફૉરેન્સિક સાયન્સ રિપોર્ટમાં ખુલ્યું છે. 5 લાખ રૂપિયા ચોરી કરનાર પણ તે પોતે જ છે. આખરે તે વેધાને પાંચ લાખ આપી, પુલ્લી સાથે પ્રેમ પ્રસંગ આગળ વધારી દે છે, પણ નાહકની બિચારી મરી જાય છે.

 સિમોન
વિક્રમની સાથે કામ કરતો પોલીસ ઓફિસર છે. જેને પહેલા એન્કાઉન્ટરથી જ ખબર હતી કે, જેના પર ગોલી ચલાવતા તેનો હાથ રોકાયો અને વિક્રમથી ગોલી ચાલી ગઈ તે નિર્દોષ માણસ પુલ્લી વેધાનો ભાઈ છે. વિક્રમનો નિયમ છે કે નિર્દોષને સજા ન થવી જોઈએ. જેવી રીતે રાજા વિક્રમનો હતો. આ વાત સિમોન વિક્રમથી છુપાવે છે. સિમોનના દિકરાને બિમારી છે, જેના ઈલાજ માટે પૈસા જોઈએ છે. અને પોલીસની 1500 રૂપિયાની નોકરીમાં કંઈ નહીં મળે એટલે તે બીજાના ઈશારે એન્કાઉન્ટર કરતો થાય છે. જેથી દિકરાની સારવાર થઈ શકે…

 રવિ
રવિ વેધાનો મિત્ર હતો, પણ બાદમાં વેધા સાથે નાની એવી વાતમાં ટશલ થતા તેણે વેધાની ગેંગને ખલ્લાસ કરવાનો પ્લાન બનાવ્યો. રવિ છેલ્લે સુધી પડદાની આડે રહ્યો અને સિમોન નામના એક પોલીસ ઈન્સપેક્ટરને પટાવી તેણે આ બધાનો ભૂરચો બોલાવી દીધો, પણ હવે એન્કાઉન્ટર ટીમમાં વિક્રમ આવી ગયો છે એટલે ગમે ત્યારે ભાંડો ફુટશે આ બીકે રવિના ઈશારે કામ કરતા સિમોનનો કોઈએ ભૂરદો બોલાવી દીધો છે. તે પણ જમણા હાથે તેવુ ફોરેન્સિક સાયન્સની રિપોર્ટમાં સામે આવ્યું છે.

 પ્રિયા
વિક્રમની પત્ની છે, લોયર છે. વેધાની લોયર છે ! પરાઠા અને મટન ચોપ્સ્ટિક સિવાય વેધાએ તેને કશું સત્ય નથી કહ્યું.

 ચિટ્ટા
ચિટ્ટા ગેંગ્સટર છે જેણે વેધાને બનાવ્યો છે. વેધા અને તે એકવાર સાથે મળે છે ત્યારે તે તેને પરાઠા અને મટન ચોપ્સિટક ખાતા શીખવાડે છે. કેવી રીતે ? પરાઠાનો કટકો કરી તેમાં જમણાં હાથની આંગળીથી થોડુ મટન લઈ પરોઠાના કટકામાં નાખવાનું. પછી એ જ કટકાને ફરી મટનમાં ડુબોડી મોમાં મુકી આખો બંધ કરી દેવાની શું તૃપ્તિનો અહેસાસ થાય ? આટલી મિત્રતા હોવા છતા બંન્ને એકબીજાના દુશ્મન બની જાય છે. ગેંગવોર થાય છે, જેમાં છેલ્લે સુધી ચિટ્ટા અડ઼ીખમ રહે છે. વિક્રમ તેના એક શાગીર્ત પાસે પહોંચવાનો જ છે, જેણે તેને પહેલા એન્કાઉન્ટરની માહિતી આપી હતી, પણ ત્યાં તો ચિટ્ટાએ તેનું કાસળ કાઢી નાખ્યું છે.

 પાંચ પોલીસ ઈન્સ્પેક્ટર એક લંગડો એસપી
એક ને બંદુક ચલાવતા ડર લાગે છે, પણ છેલ્લે તે એક ગુંડાને મારી નાખે છે કારણ કે ગુંડો સત્ય બોલવાનો હતો. વિક્રમને છેલ્લે સુધી તે પોતાનો માણસ લાગે છે, પણ હમે તો અપનો ને લૂંટાની જેમ એ પણ દગો દે છે…. શા માટે ? એક સામાન્ય કોન્સસ્ટેબલ પાસે ઘોડાની રેસમાં લગાવવાના 2 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા, ત્રીજા પોલીસે દિકરીના લગ્નમાં આટલો ખર્ચો કેમ કરી શક્યો, એક પોલીસમેને નવી ગાડી લીધી જ્યારે વિક્રમ તો પોતાની મહેનતથી હજુ પોતાનું બુલેટ બનાવી રહ્યો છે. આ બધા રિશ્વતખોરો પાસેથી આ આવ્યું ક્યાંથી ?

 કેરળની ગેંગ
કેરળની ગેંગનું કંઈ વધારે કામ નથી, પણ તેની ગેંગના એક મેમ્બર સાથે રવિની દોસ્તી અને વેધાના વળતા પાણી થાય છે. જે ટક્કા કેરલીયનને વિક્રમનો કોઈ દિવસ ગોલી ન ચલાવતો ઓફિસર મારે છે. વિક્રમ તેને શાબાશી આપે છે અને કહે છે, ‘આ તારી પહેલી વિકેટ હતીને ?’ તે હા કહે છે, બાકી તેણે નૉ બોલમાં ઘણી વિકેટો લીધેલી છે. અને બધા કંઈક આવા જ છુપારૂસ્તમ છે.

 તો ઓલઓવર ફિલ્મની ત્રણ સ્ટોરી, ખૂન ખરાબા… આ બધુ પરફૅક્ટ સસ્પેન્સ થ્રીલર ડીશની માફક અહીં મુકી દીધુ છે. જેણે ફિલ્મ નથી જોઈ તે પણ આમાંથી સવાલો અને જવાબો શોધી શકે છે. કપલ ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રીની થીમ હંમેશા ડિટેલીંગ પર આધારિત હોય છે. અને તેમનું મેક્સિમમ ડ઼િટેલીંગ આ ફિલ્મમાં છે. 2007માં તેમંની પ્રથમ શૉર્ટ ફિલ્મ આવી તે મળતી નથી, પણ શરૂઆતની બે ફિલ્મોનું મુખ્ય કથાવસ્તુ તો કૉમેડી હતું. તેમાંથી બહાર નીકળી 2017માં ક્રાઈમ ડ્રામા અને માઈથોલોજીકલ કન્સેપ્ટ પર આધારિત વિક્રમ વેધા બનાવી.

 ફિલ્મનો એક સીન છે જ્યારે વેધાની પૂછપરછ કરવા માટે વિક્રમ તેની સામે બેઠો છે. કેમેરો ઓફ છે. ટેબલની સામ સામે ત્રણ પ્યાલા પડ્યા છે. ગણિતના અભ્યાસુ હોય તે માફક વિક્રમ અને વેધાના ટેબલ વચ્ચે પડતી તીરાડ પણ 30 અંશના ખુણે દ્રશ્યમાન થાય છે. સારા માણસ વિક્રમનો શર્ટ સફેદ છે પણ પેન્ટ નથી. કારણ કે તે પોલીસવાળો છે, દુધે ધોયેલો નાના પાટેકર ટાઈપ પોલીસમેન નથી. જેવો ફિલ્મોમાં જી-લલચાવા માટે જોઈએ ! જ્યારે વેધા કાળા કલરના વસ્ત્રોથી સજ્જ છે. એક પછી એક આરોપો ઘડાતા જાય છે અને કોઈવાર વિક્રમ વેધા તરફ અને વેધા વિક્રમ તરફ કપ મુકે છે. એક સિચ્યુએશન એવી આવે છે કે, વેધાને કહેવુ મુનાસિબ લાગે છે, ‘મેં 16 ખૂન કર્યા તમે 17 એન્કાઉન્ટર કર્યા. મેં પણ ગુંડ઼ાઓને માર્યા, તમે પણ ગુંડાઓને જ માર્યા. પણ 16 અને 17માં તમે મારા નિર્દોષ ભાઈ પુલ્લીને પણ માર્યો. એટલે ઈમાનદારીનું પૂંછડુ લઈ ઈનોસન્ટના ડાઈલોગ ફટકારતા ફરોમાં તમારા હાથે એક નિર્દોષનું કત્લ થયેલું છે. મારાથી કોઈ નિર્દોષનું ખૂન

અત્યારસુધી નથી થયું. તો કોણ હિરો હું કે તમે ?’ વેધા સફેદ પ્યાલો લઈ વિક્રમની તરફ રાખી દે છે. પ્યાલાનો રંગ પણ સફેદ જ છે ! આ છે બોસ ડિટેલીંગ

 સાઉથની ફિલ્મોમાં મોટાભાગે મારધાડ આપણે જોઈ છે. એક સરખા સબ્જેક્ટના વિષયો એને રોહિત શેટ્ટીની પ્રેરણાત્મક ઉડતીકારોથી વાહવાહી લૂંટી છે, પણ

આવુ તમે કદાચ દ્રશ્યમમાં પણ નહીં જોયું હોય. માઈથોલોજીકલ કન્સેપ્ટ અને મોર્ડન યુગને અટેચ કરવાથી કંઈક નવુ મળે તે આપણી બોલિવુડ ફિલ્મો શીખે ત્યારે, પણ ગુજરાતીમાં બનશે તો તેની કૉપી પણ નહીં કરી શકે. અરે ગુજરાતીની શું કરો છો, હિન્દીમાં આ ફિલ્મની રિમેક બનવાની છે, જેમાં એકાદ બે ગુંડા ખાઈ ન જાય તો સારૂ…. ફિલ્મમાં વેધા બનતો વિજય સેથ્થુપથ્થી હજુ હિન્દી ફિલ્મોમાં નથી આવ્યો, તે સારૂ છે, પણ માધવનના અભિનયને આપણે તિરસ્કાર્યો છે, અને જો ફરી તે ક્યુટ હેન્ડસમ હંકને પ્રેમ કરવો હોય તો એકવાર વિક્રમ વેધા જોઈ લેવી.

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.