Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

પ્લેટો

ગુણ વગરની ગુણવંતી, લાંબા નાક વાળી નર્મદા જેના બોયફ્રેન્ડે તેને એટલે કહી છોડેલી કે, તેનું નાક લાંબુ હતું, ચુંબન કરવામાં તકલીફ પડતી. ઉંચા કદની ઉર્વશીને તેની ઉંચાઈના કારણે પતિ ન હતા મળી રહ્યા.

Advertisements

પ્લેટોનો ચહેરો ઉતરી ગયો હતો. આખા ગામની ચિંતા હતી, પણ પોતાના ટેન્શનને હળવું કરવાનું સાધન તેને શોધ્યું જડતું ન હતું. ઉતરી ગયેલું થોબડુ અને 30 વર્ષની ઉંમરે સફેદવાળ ઘડપણની નિશાની બતાવી રહ્યા હતા. મૂછમાં પણ ત્રણ સફેદ વાળ દેખાય રહ્યા હતા. આંખો જવાબ આપી આપીને થાકી ગઈ હોય તેવું લાગતું હતું. જ્યારથી આ નોકરી સ્વીકારી ત્યારથી તેની હાલત આવી હતી. કરવું તો શું કરવું ?

પત્ની સાથે જ્યારે ડિવોર્સ થયા ત્યારે તેનું કારણ પણ તેની આ અજીબોગરીબ નોકરી જ હતી. કોલેજમાં બીએ અને ક્રિએટીવ રાઈટીંગમાં ડિપ્લોમાં કર્યું હતું. ડિપ્લોમાં ફળ્યું નહીં અને ક્રિએટીવીટીમાંથી પૈસાનો હિમાલય ચણવા તેણે એક છાપુ પકડી લીધુ. દર બુધવારના લેખમાંથી 500 રૂપિયાનું મહેનતાણું મળી જતું હતું. ઘર કંઈ 500 રૂપિયામાં ચાલે ? મહિનાના ખાલી 2000 ! શિયાળામાં ઓઢવા ધાબળો જોઈએ, ખાલી બે શરીરના મિલનથી કશું ન થાય ! પ્લેટોની પત્ની તેને છોડી ચાલી ગઈ. હવે પ્લેટો એકલો રહ્યો હતો. ડિપ્રેશનમાં હતો. અવાજ પણ બહાર નીકળતો ન હતો, એકધારી સિગરેટોના કસ છોડીને દબાઈ ગયો હતો. આવો જ અવાજ રહ્યો તો પ્લેટોને વોઈસ ઓવરનું કામ મળી જાય તેમ હતું, પણ અવાજ હવે દબાઈ ગયો હતો એટલે આ પણ ક્યાં કરવું.

ઓફિસે પહોંચ્યો. ઘણા બધા પત્રો આવ્યા હતા. હાથમાં પત્રો લઈ તેણે વાંચવાનું શરૂ કર્યું, ‘મારી પત્ની મને છોડી ચાલી ગઈ છે, પતિ સાથે લગ્ન થયા હોવા છતા, પ્રેમી સાથે હું ઉંબરો ઓળંગી ચૂકી છે, મારે મારા બોયફ્રેન્ડને મનાવવા શું કરવું ?’ અને આવા પ્રશ્નોના જવાબ આપતા આપતા પ્લેટોના મોંમાંથી ગાળ નીકળી જતી, ‘ઉંડા કુવામાં ખાબકો !!’

તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જતો. કોઈ પણ એક પત્રની પસંદગી કરી તે ટાઈપ કરવા માંડતો. લખાય જાય એટલે તંત્રીને બતાવી આ વખતેના 500 રૂપિયાનું મહેનતાણું લઈ હાલતી પકડતો. લખતા સમયે લખનારની ઓળખ છુપાવવી પડતી, નામ છુપાવવા પડતા. ગુણ વગરની ગુણવંતી, લાંબા નાક વાળી નર્મદા જેના બોયફ્રેન્ડે તેને એટલે કહી છોડેલી કે, તેનું નાક લાંબુ હતું, ચુંબન કરવામાં તકલીફ પડતી. ઉંચા કદની ઉર્વશીને તેની ઉંચાઈના કારણે પતિ ન હતા મળી રહ્યા. પ્લેટો આ બધાને સ્યુડોનેમ આપતો અને લખતો. લખવાની કળામાં પારંગત હતો એટલે કોઈ લેખકનો આર્ટિકલ ન આવ્યો હોય, તો એ લખી નાખતો. કોપી કરવાની સ્ટાઈલસેન્સ કાંચીડાની જેમ આવડતી હતી. જ્યારે લેખકના શરીરમાં પ્રવેશ કરી લીધો હોય એમ જ જોઈ લો !! તંત્રી ખુશ થતા અને તે લેખકના રૂપિયા પણ પ્લેટોના બટવામાં સેરવી દેતા. પ્લેટો ખુશ થતો. વધારે પૈસા મળે ત્યારે નોકરી વ્હાલી લાગતી.

નવું નામ વિચારતા સમયે તેને પોતાની પત્ની યાદ આવી ગઈ. આવી જ રીતે એક ખત તેને મળ્યો હતો, ‘મારે બોયફ્રેન્ડની તલાશ છે.’ અને ચોરી ચુપકે પ્લેટોએ આ છોકરીનું પત્ર નીચે લખાયેલું સરનામું અને ફોન નંબર લઈ તેને મળવાનું નક્કી કર્યું. પ્લેટોનો ફોન આવ્યો ત્યારે આરતી હચમચી ગઈ. તેને બોયફ્રેન્ડ જોતો હતો, પણ જો પ્લેટો જ મળે તો શું કહેવું ? જે માણસ લખીને દુનિયા આખીની પ્રેમની સમસ્યા ચપટી વગાડતા ગાયબ કરી શકતો હોય તેની સાથે જ લગ્ન કરાયને ? આરતીને એવું કે, પ્લેટો તો આવા સંબંધોનો ફટ કરતો નિવેડો લાવી શકે, તેનું લગ્નજીવન સારૂ જશે ! પણ પ્લેટો સાથે લગ્ન કર્યા પછી તેને સત્યનો ખ્યાલ આવ્યો. પ્લેટો એટલું કમાતો ન હતો અને પોતે તો મોજશોખમાં જીવન વિતાવનારી સ્ત્રી હતી. હરવું ફરવું અને પાણીની જેમ પૈસા ઉડાવવા તેને ગમતા. પ્લેટો સાથે મનના આ ઓરતા પૂરા ન થયા એટલે આરતીએ એક વર્ષમાં છુટાછેડા લઈ લીધા. પ્લેટોની ફિલોસોફી તેની પાસે રાખી ચાલી ગઈ.

પ્લેટો આજે પાછો કોઈ પત્રને વાંચી તેનો જવાબ આપવા મથતો હતો. કમ્પયુટરમાં નામ લખ્યું રેવતી. અને પછી લખ્યું, ‘‘પ્રિય રેવતી તમારા જીવનના આટાંપાટા સાપસીડીના ખેલ જેવા છે. પતિ હોવા છતા તમે પરાયા મર્દ પર નમી ગયા તે જાણી મને આઘાત લાગ્યો. આ દુનિયામાં શરીર સુખ કરતા પણ મોટુ કોઈ સુખ છે. એ તો તમે સાંભળ્યું જ હશે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ હવે હું તમને કહીશ કે, તમે પરાયા મર્દની સાથે આ છોગાળા રમત રમવાનું છોડી દો. પતિની સાથે વાત કરો, ખુલ્લા દિલથી મનની મોકળાશ થાળીમાં ઠાલવી દો. જો ખીચડી હશે અને ઘી ઢળશે તો જમવાની મઝા આવશે…. પ્રેમ કરવાની મઝા આવશે. ખાલી થાળીમાં એકલા હાથ ચોડવાથી હાથ દુખે. કોઈ દિવસ એક હાથે તાળી નથી પડતી. એમ પ્રેમમાં પણ બે પક્ષનું સહિયારૂ હોવુ જરૂરી છે. વાર્તાલાપ કરો. અને મહેશને છોડી દો. પરાયો મર્દ ગામમાં બધાને પાણી આપતી ડંકી જેવો હોય છે. તેમાંથી પાણી સીંચી શકાય તેને ઘરે ન લઈ જઈ શકાય. તેમ મહેશ સાથેનો તમારો સંબંધ કોલેજ પૂરતો હતો, તે સારૂ હતું, પણ હવે આ સંબંધ પર પૂર્ણવિરામ મુકી દો. જીવનના કેટલાક અધ્યાયો છોડી દેવા જ સારા હોય છે. મનગમતું ઘરમાં છે, તો કરો કંકુના. હું આશા રાખું કે આપને મારા ઉત્તરથી સંતોષ થયો હશે…. પ્રિય રેવતી… નીચે મોટા અક્ષરે લખાયું પ્લેટો.

તંત્રીને આપ્યું અને તંત્રી પ્લેટોના ગયા પછી તારીફના પુલ બાંધતો થાકતો ન હતો, ‘પ્લેટોએ શું કરામત કરી. ડંકીથી લઈને ખીચડીવાળુ તો નવું લાવ્યો. વાહ… ઓછા પગારે આધુનિક વિચારસણી ધરાવતા જવાનીયા મળી જ જાય. ગામમાં સિંહ હોય ત્યાં શિયાળીયા હોય જ…’ તંત્રી પેટમાં હાથ ફેરવતો હસવા લાગ્યો.

પણ આપણા પ્લેટો વ્યાકુળ હતા. પત્ની સાથેનો ડિવોર્સ, દારૂમાં જતા પૈસા, ઉધારની સિગરેટ, ઘરના લોકોના ટોણા, નવી ન મળતી નોકરી, જૂની નોકરીમાં ન વધતું પાંચીયું… બીચારો પ્લેટો ડિપ્રેશનમાં સરી પડ્યો. આંખે કુંડાળા કાળીચૌદશ જેવા થઈ ગયા હતા. ગળામાંથી અવાજ બહાર ન હતો નીકળતો. દુનિયાની સમસ્યાને જ્યારે સુપરમેનની જેમ સોલ્વ કરવાનું બીડુ તેણે ઝડપ્યું હતું. ઘણીવાર આ કામ મુકવાનું મન થતું, પણ બીજી નોકરી મળે તો છોડુ !

શારદા પત્ર લખી રહી હતી, ‘પ્લેટો સર, મારે એક બોયફ્રેન્ડ છે, જેનું નામ વિલાસ છે. પહેલા તો મને સારો લાગતો હતો, તેની વાણીથી હું વિલાસની થઈ ગઈ હતી, પણ એ ભમરો મારો રસકસ ચૂસ્યા બાદ મને છોડી કોઈ બીજીની સાથે ફરવા લાગ્યો છે. હું વિલાસને સાચો પ્રેમ કરૂ છું. તેની સાથે મારે મારૂ આયખુ વિતાવવું છું, પણ તે માનતો નથી. મારે તેને મનાવવા શું કરવું ? શું તે પોતાનું વર્તન અને પેલી હેતાક્ષીને છોડી મારી સાથે જિંદગી ન વિતાવી શકે ? કે પછી તેની સાથે લગ્નના સ્વપ્ન જોવા, એ મારા માટે બસ સપના જ બનીને રહેશે ? જવાબ આપવા વિનંતી સર…’

પત્ર પૂરો થયો. શારદાએ ટાઈપ કર્યા પછી છાપાવાળા સરનામે ઈમેલ કર્યો. સામે જોયું તો વિલાસ આવી રહ્યો હતો. શારદાને તેની સાથે વાત કરવાનું મન થયું. તે ઉભી થઈ, પણ સામે વિલાસે કશો જવાબ ન આપ્યો. તે જ્યારે તેને ઓળખતો જ ન હોય તેમ આવ્યો હતો. વિલાસે કહ્યું, ‘મેડમ મારૂ નામ લખો..’ શારદાએ વિલાસ સામુ જોઈ નામ લખ્યું. નામ પૂછવાની પણ ક્યાં જરૂર હતી ?! વિલાસને પણ આ વાતની જાણ હતી. બંન્ને એકબીજાની આંખો સામે તાકતા રહ્યા.

‘ક્યારે વારો આવશે ?’ વિલાસે પૂછ્યું,

શારદાએ જવાબ આપ્યો, ‘એક ભાઈ અંદર છે.’

ઘંટડી વાગી વિલાસ અંદર ગયો. જીવનમાં આવતા ઉતાર ચઢાવ જણાવ્યા અને એ પણ જણાવ્યું કે, વિલાસ છાપામાં પ્લેટો નામથી રિલેશનશિપ વિશેની કોલમ લખે છે. શું એટલા માટે તો તેની સાથે આવું નથી થઈ રહ્યુંને… ? ડોક્ટરે ચશ્મા ઉતાર્યા. પ્લેટો તેની સામે જોઈ રહ્યો. શારદા વિલાસના આવવાની રાહ જોવા લાગી….

~ મયુર ખાવડુ

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: