સલમાન ખાનની વ્યાખ્યા શું ?

આજે સલમાન ખાનનો જન્મદિવસ છે. ગેલેક્સી એપાર્ટમેન્ટના સુપરખાન. ખાન ડાયનેસ્ટીના ચાર ખાન. જેમાં નવાબ સૈફ અલી ખાનને છોડવામાં આવે તો બચે ત્રણ. જેમાં શાહરૂખ પોતાના ડિમ્પલ અને હાથો ફેલાવવાની સ્ટાઈલના કારણે પોપ્યુલર છે. આમિર પોતાની ફિલ્મોના કારણે પોપ્યુલર છે. અને સલમાન ? કંઈ ન કરે તો પણ પોપ્યુલર છે. એક ફિલ્મ ક્રિટીકે સલમાન ખાન વિશે કહેલું કે, ‘અત્યારે સલમાનનો એવો યુગ ચાલી રહ્યો છે અને સલમાનના ફેન્સ સલમાનની ફિલ્મ જોવા એ રીતે પાગલ છે કે, સલમાનની ત્રણ મિનિટની ફોટો વીડિયો થીએટરમાં મુકવામાં આવે તો પણ સલમાનની છોટી ફિલ્મ 100 કરોડની કમાણી આરામથી કરી લે.’ આ તો એક મજાક થઈ, પણ સલમાન ખાન હોવું એટલે ? કઈ વસ્તુ સલમાનને સલમાન બનાવે છે. આજે ભાઈજાન સલમાન ખાન ઉંમરના આધેડ થયા તો પણ યુવા બ્રિગેડને શરમાવે તેવું તેનું ફિઝીક છે. કાળિયારને માર્યા પછી તેમને જરા પણ વસવસો નથી, તો નશાની હાલતમાં ફુટપાથ પર સૂતેલા માણસો પર ગાડી તેણે ચલાવી કે, તેના ડ્રાઈવરે ? એ પણ સસ્પેન્સ છે. દુનિયામાં બસ સલમાનનો વકિલ રાખો તો જ કેસ જીત્યા કહેવાય એવી જોક પણ ફરવા લાગેલી. આટલું બધુ હોવા છતા સલમાન બોલિવુડનો સુપરખાન છે, ભાઈજાન છે, પણ ઐસે ક્યૂં હૈ સલમાન ? ઐસે ક્યૂં હૈ ભાઈજાન…?

ડિસેમ્બર 27, 1965માં 2:37 કલાકે ઈંન્દોરના મધ્યપ્રદેશમાં જન્મેલા સલમાનની ઉપર મંગળ ગ્રહનો પ્રભાવ છે. જેના દસમાં ઘરમાં મંગળ પૂરા યોગ સાથે રહ્યો છે. મંગળનો કોઈ દિવસ વિયોગ નથી થયો. જે તેમને તેમના વિરોધીઓને હરાવવાની તાકાત આપે છે. મંગળ સાથે બુધ ગ્રહનો સમન્વય હોવાના કારણે સલમાન બને છે સુપરસ્ટાર. તો શું આ જ્યોતિષ યોગના કારણે ભાઈજાન સલમાન આવા છે ?

પિતા સલીમ ખાનના ઘરે અબ્દુલ રશિદ ખાન ઉર્ફે સલમાન ખાનનો જન્મ થયો. માતાનું નામ સુશિલા ચરક. જે પછીથી સલમા બની. સલમાનના નાના બલવંત સિંહ જે જમ્મુ કશ્મીરના હતા. પિતા મુસ્લીમ અને માતા હિન્દુ હોવાથી સલમાનને જ્યારે પણ તેનો ધર્મ પૂછવામાં આવે ત્યારે તે હિન્દુ અને મુસ્લિમ આમ બંન્ને ધર્મ કહે છે. તે ઈદ પણ મનાવે છે અને ગણેશ ચતુર્થી પણ મનાવે છે. બાળપણથી સલમાનને એક આર્ટિસ્ટ બનવાની ઈચ્છા હતી. પિતાની માફક લેખક બનવાની ઈચ્છા હતી. પણ કોલેજમાં ભણતા ભણતા તેને બોલિવુડ સુપરસ્ટારોના સ્ટારડમ જોઈ અભિનય કરવાનું ઘેલું ચડ્યું. સલીમ ખાન પણ ઈંન્દોરથી એટલા માટે આવેલા કે તે એક્ટિંગ કરી શકે. પણ મહજ બે ચાર ફિલ્મોમાં દેખાયા અને પછી જાવેદ અખ્તર સાથે જોડી જમાવી સલીમ-જાવેદ બન્યા અને એન્ગ્રી યંગમેનનું પાત્ર પડદા પર લાવ્યું. આ તમારી જાણકારી માટે કે, રશિયામાં 95 વિદ્યાર્થીઓએ સલીમ-જાવેદના એન્ગ્રી યંગમેનની ઉત્પતિ કેવી રીતે થઈ તેના પર પીએચડી કરેલું છે. કોઈવાર મિત્ર મોહનીસ બહલ (મૈંને પ્યાર કિયાનો લડકા ઔર લડકી…) સાથે જુહુ બીચ પર બેઠો હોય ત્યારે સલમાન એ વાત દોહરાવતો કે, ‘બસ 30 હજારની નોકરી મળી જાય એટલે આપણી લાઈફ સેટલ થઈ જશે.’ મોહનીસના મતે, ‘સલમાનને કોઈ દિવસ સ્ટારડમની… વધારે સ્ટારડમની ઈચ્છા નથી થઈ. તેને એક સામાન્ય જિંદગી જીવવી હતી અને લોકો સાથે લોકો વચ્ચે રહેવું હતું, બીજાના બાળકો રમાડવા હતા ! લગ્નની ઈચ્છા તો તેની ત્યારે પણ ન હતી. ખ્યાલ સુદ્ધા નહતો આવ્યો.’

પિતાને એકવાર જઈને કહ્યું કે, ‘આપણે હિરો બનવું છે.’ ત્યારે સલીમ ખાનનું કહેવું હતું કે, ‘બેટા, તુ હિરો મટીરિયલ નથી, તારી શકલ આયનામાં તો જો.’ સલમાનને તેની કંઈ પડી ન હતી. આજે ટ્યુબલાઈટ ફ્લોપ જાય તો પણ સલમાન પોતાના બે હાથ ફેલાવી મીડિયા સામે હસીને કહી શકે છે, ઓલવેઝ આઈ એમ સલમાન ખાન. પિતાની વાતને ઠુકરાવી તે ઓડિશન દેવા લાગ્યો. બાપાશ્રીને તો ખ્યાલ જ ન હતો કે આપણો દિકરો એક્ટર બનવાના અભરખા સાથે ઓડિશનો આપે છે. એટલામાં પેપ્સીની એડમાં ચમકી ગયો. સલીમ ખાનનું લેબલ હતું એટલે ચાલ્યો. પહેલીવાર સલમાન કોઈ એડમાં ચમકતો હતો. તેની સાથે હિરોઈન બીજી કોઈ નહીં, પણ ટાઈગરની માતા આયેશા શ્રોફ હતી. સલમાન અને આયેશાના અફેરની વાતો ઉડી. સલીમ ખાનનો દિકરો હોવાના કારણે મેગેઝિનોને ગોસીપ મળી ગઈ, પણ સલમાન સલમાન હતો. આ તેના કરિયરની પહેલી ગોસીપ હતી અને ભાઈજાન તેનો આનંદ, લુત્ફ ઉઠાવી રહ્યા હતા. પછી તો વર્ષ 2015માં પણ આ એડને લઈ મીડિયાએ ફરી સલમાન પર નિશાનો સાધ્યો કે, જેકીની પત્ની સાથે સલમાન ઈઝ ઈન રિલેશનશિપ.

અબ્બાજાન સલીમ ખાનને ખ્યાલ આવી ગયો કે આપણા ભાઈજાનને હિરો બનવું છે. સલીમ ખાનને દિકરામાં પોતાનો ચહેરો દેખાયો અને તેણે સલમાનને મોકલ્યો ડિરેક્ટર શશીનાયરને ત્યાં. જ્યાં સલમાન આસિસ્ટંન્ટ ડિરેક્ટર બન્યો. અને સમય જતા સલમાનને તેની પહેલી ફિલ્મ મળી બીવી હોતો ઐસી. આ ફિલ્મમાં રેખાનો દેવર બનેલો સલમાન ખૂબ ઓછા સિન્સમાં આવ્યો. પણ તેની સ્ટાઈલ સૌના દિલમાં વસી ગઈ. તેની આ સ્ટાઈલગીરી અને થોડીઘણી ભાઈગીરીના કારણે જ સૂરજ બરજાત્યાએ તેને મૈંને પ્યાર કિયામાં કાસ્ટ કર્યો. અને નામ આપ્યું પ્રેમ જે બાદમાં તેની આઈડેન્ટીટી બની ગઈ. ફિલ્મ રિલીઝ થઈ અને સલમાન સુપરસ્ટાર !!! તેના જેકેટ પહેરવાની સ્ટાઈલ લોકો કોપી કરવા લાગ્યા. સૂરજને ખ્યાલ આવી ગયો કે, સલમાન ખાન સ્ટાઈલના ખાન છે. તેને જે પહેરાવશો તે વસ્તુ પણ એટલી જ વહેંચાશે. આજે ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થયા બાદ આ આધેડ વયનો ખાન જ્યારે સ્વેગ સે કરેંગે સબકા સ્વાગતમાં ડાન્સ કરતો હોય ત્યારે તેના ચશ્મા જ તેની ઓળખ બની જતી હોય છે. લોકો તેના જેવા ચશ્મા શોધવા માંડે છે. પણ શું આ છે સલમાન ?

થયું એવું કે, સલમાનભાઈને સુપરહિટ ફિલ્મ તો મળી પણ તે 6 મહિના સુધી બેરોજગાર રહ્યો. પિતાને પણ થતું હતું કે દિકરો અભિનયમાં મારી જેમ જ સાબિત થશે. જેના એક વર્ષ બાદ આવી બાગી. સલમાનનો અભિનય ટાય ટાય ફિસ હતો, પણ ગીતો સારા હતા. મૈંને પ્યાર કિયા બાદ સલમાન પર એક સિમ્બોલ લાગી ગયો હતો. સુપરહિટ અને મેલોડિયસ ગીતો આપનાર એક્ટર. સ્ટાઈલ સિવાય ગીતો તેની ઓળખ બની હતી. લોકોને એ સમયે લાગ્યું કે સલમાન હિટ ગીતોના અભિનેતા છે, પણ ના એવું પણ ન હતું. તો શું આ સલમાન હતા ?

ત્યાં સુધીમાં એક ડેન્જર ખિલાડીનું મેદાન પર આગમન થઈ ગયેલું. શાહરૂખ ખાન. બાજીગર અનિલે ઠુકરાવી હતી. તે સીડીને જ પોતાની સફળતા માની, નેગેટિવ રોલ સાથે શાહરૂખે એન્ટ્રી મારી અને બની ગયો નેગેટિવ સુપરસ્ટાર અને પછીથી રોમેન્ટીક હિરો. એટલામાં અક્ષયની ખિલાડી સવારી આવી પહોંચી. અમિતાભનો સુર્ય અસ્ત થવાનું નામ નહતો લેતો. અજય દેવગનની બાઈકમાં બે ટાંટિયા પહોળા કરી મારેલી એન્ટ્રીએ યંગસ્ટર્સને દિવાના કર્યા હતા. આમિર ખાન પોતાની બૌદ્ધિકતાથી આગળ વધી રહ્યો હતો, પણ સલમાન ? સલમાન માટે ડિરેક્ટર્સને લાગતું હતું કે, હવે આ ભાઈને સાઈડ રોલ આપી દેવા જોઈએ. સલમાન તે કરવા માંગતો ન હતો. અને કદાચ આજ કારણે સલમાનના પિતાએ સર્જેલો એંન્ગ્રીયંગ-મેન કાગળના પાનામાંથી બહાર નીકળી પોતાના દિકરાના શરીરમાં વળગી ગયો. પ્રેમમાં પડેલા લવરબોય સાથે ઠોકરો ખાતા યુવાનની કહાની બિલ્કુલ એવી જ હતી જેવી તેના પિતા સલીમ ખાને એંગ્રી યંગમેનની ઘડેલી. સલમાન મોર્ડન જમાનાના એંન્ગ્રી યંગમેન બની ચૂક્યા હતા. અને આ સાથે જ પત્થર કે ફુલ તેના પિતાએ તેની એંન્ગ્રી યંગ મેન ઈમેજ માટે જ બનાવી હતી. આ ફિલ્મના રાઈટર પણ તેના પિતા જ હતા. અને તેમને ખ્યાલ આવી ગયો કે, દિકરો હવે રિયલમાં એન્ગ્રી-યંગમેન બનવા જઈ રહ્યો છે.

સલમાનનો પરિવાર મૂળ અફઘાનિસ્તાનનો પઠાણ હોવાના કારણે તેનામાં યુવતીઓને આકર્ષવાની કળા ઉપરથી પઠાણો ગુસ્સેલ સ્વભાવના પણ હોય છે તે સલમાનમાં પણ જોવા મળ્યું. વચ્ચે લગલગાટ ફ્લોપ ફિલ્મો વચ્ચે સાજન ફિલ્મ આપી, પણ તેમાં ક્યાંક હિરો સંજય દત્ત લાગતો હતો. એટલે તેને મનમાં ડંખ પણ હશે. સાજન ફિલ્મના જેટલા પણ ગીતો હિટ ગયા તે મોટાભાગના સલમાન પર ફિલ્માવાયેલા. કારણ કે, ફેન્સને લાગતું હતું સલમાન એટલે હિટ ગીતો. તુમસે મિલને કી તમન્ના હૈ, પહેલી બાર મિલે હૈ…. અને આ સાથે જ એસ.પી બાલાસુબ્રમ્હણ્યમ સલમાનનો અવાજ બની ગયા. પણ સલમાન હવે ફિલ્મમાં બીજા એક્ટર તરીકે નામદામ કમાવવા નહતો માગતો. તો પણ તેણે મિત્ર આમિર સાથે અંદાજ અપના અપના જેવી ફિલ્મ કરી. રાજકુમાર સંતોષીની આ ફિલ્મ છેલ્લે પોડ્યુસર સાથેના ઝઘડાના કારણે વિધાઉટ પ્રમોશન અને કોઈ જાણકારી વિના રિલીઝ કરી દેવાઈ અને સલમાન-આમિરની કોમેડી સૌને પસંદ આવી. આજ એ ફિલ્મ હતી જ્યાં પહેલીવાર સલમાન સલમાનમાંથી એન્ગ્રીયંગમેન ભાઈજાન બન્યો.

ફિલ્મનું સોંગ યે રાત ઔર યે દુરીનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં ડાન્સ કોના પર છે ? સલમાન પર… એ તમે જોયું હશે, સલમાન ઢોલકી લઈ ડાન્સ કરે છે. જ્યારે આમિર ખાનને ખાલી ગાદલા પર સૂતા સૂતા રવિના સામે પ્રેમના હાવભાવ કરવાના છે. તો પણ કોરિયોગ્રાફર સરોજ ખાન આમિર પર વધુ ધ્યાન આપતી હતી. સલમાનને આ વાત કણાની માફક ખટકી. તે ઉભો થયો અને સરોજને સાઈડમાં લઈ જઈ કહ્યું, ‘દેખ સરોજ…. તું આમિર કી **** મૈં બહોત ઘુસ રહી હૈ ના, તુ દેખના જબ મૈં સુપરસ્ટાર બન ગયા ના, તબ તુજે તો મેરી ફિલ્મ મેં કભી નહીં લૂંગા’ તો શું આ છે સલમાન ? સલમાનને જે લોકો પ્રત્યે વેરભાવ જાગે તેના માટે તો આવા જ છે સલમાન….

પણ પછીથી સલમાનને હમ આપકે હૈ કોન જેવી સમાજ સંસ્કારી ફિલ્મ મળી ગઈ અને તે એકલા હાથે સુપરસ્ટાર બની ગયો. સલમાન નવા ટ્રેન્ડને લાવનારા છે એટલે સલમાન છે ? આ વસ્તુ ગેરેન્ટી સાથે કહી શકુ. મૈંને પ્યાર કિયા અને બાદમાં ઘણી ફિલ્મોમાં સલમાને પોતાનો શર્ટ ઉતાર્યો અને વાળ બતાવ્યા. બોડી તો સુકલકડી હતું. સલમાનની આ જ સ્ટાઈલના કારણે તેની મહિલા મિત્રો તેની દિવાની હતી. ભાઈ અરબાઝ ફિલ્મોમાં એન્ટ્રી મારી ચૂક્યો હતો, તે પણ નેગેટિવ કિરદારથી પણ ફેન્સને તે એટલો પસંદ ન આવ્યો જેટલો સલમાન. સોહેલે સલમાન સાથે પ્યાર કિયા તો ડરના ક્યા નામની ફિલ્મ બનાવવાનું મન બનાવી લીધુ. સલમાન કંઈક નવું કરવા માગતો હતો. ઔઝાર ફિલ્મમાં તેણે પોતાના શર્ટલેસ અંદાજનો પરચો આપેલો, પણ તે ક્યારે આવે અને જાય ખબર ન પડે. ભાઈ સોહેલે સલમાનને હવે ફુલ શર્ટલેસ સોંગ આપવાનું વિચાર્યું. અને તે ફિલ્મનું પહેલું ગીત અને સલમાને દુનિયામાં પોતાની બોડીનું ઘેલું ચડાવી દીધું. ઓ ઓ જાનેજાનામાં સલમાનના ડાન્સે સૌને દિવાના કર્યા. બોડિબિલ્ડર અને ઘણા એક્ટરોની બોડી બનાવવામાં જેમનો ફાળો છે, તે સત્યજીત ચોરસિયાના મતે, ‘સલમાન ખાનની બોડી એક પરફેક્ટ બોડી છે. સલમાનની બોડીમાં કોઈપણ પ્રકારના નિશાન પણ નથી.’ તો શું શર્ટલેસ અંદાજમાં ફેન્સને દિવાના કરવા તે સલમાનનો ચાર્મ છે ?

સલમાનની બોડીને ફોલો કરતા બોલિવુડના ઘણા સિતારાઓએ બોડી બનાવી. જે ટ્રેન્ડ લાવનારા સલમાન જ હતા. બાદમાં તો સલમાનને ઘણીવાર એશિયાના સૌથી સેક્સી પુરૂષના ખિતાબથી નવાજવામાં આવ્યા. પણ સલમાન સલમાન રહ્યા.

સંજયલીલા ભણશાળી એવા કોઈ મોટા ડિરેક્ટર ન હતા. નવાસવા ડિરેક્ટર પર ભરોસો રાખવો અને મદદ કરવી એ સલમાનનો સ્વભાવ હોવાથી સલમાને તેની પ્રથમ ફિલ્મ ખામોશી મ્યુઝિકલમાં કામ કર્યું. ફિલ્મ હિટ ગઈ અને સલમાન સંજયની દોસ્તી થઈ ગઈ, જે છેલ્લે સાંવરિયા સુધી ટકી. સંજયને લવ ટ્રાયએંન્ગલ કાઢવાનો ખૂબ શોખ એટલે મૈત્રય દેવીની બંગાળી નવલકથા ન-હન્યતેમાં ફેરફાર કરી તેમણે હમ દિલ દે ચૂકે સનમ બનાવી. ફરી પોતાના ફેવરિટ સલમાનને કાસ્ટ કર્યો અને હિરોઈન હતી એશ્વર્યા રાય (બચ્ચન)

ફિલ્મમાં કામ કરતા કરતા સલમાન એશને પ્રેમ થઈ ગયો. એશ્વર્યા સલમાનમાં એક સારો માણસ જોઈ રહી હતી, પણ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે સલમાન ખાન સ્ત્રીઓની રિસ્પેક્ટ નથી કરતા. ઉપરથી સલમાનને એશ્વર્યા પ્રત્યે એટલો લગાવ થઈ ગયેલો કે, તે સેટ પર એશ્વર્યા સેફ તો છે ને ? આ બધુ શૂટિંગ છોડી ધ્યાન રાખવા જતા. એશ્વર્યાને આ પસંદ ન હતું. તેને શંકા થવા લાગી કે, સલમાન તેના પર ડિટેક્ટિવની જેમ બાજ નજર રાખી રહ્યો છે. તેણે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાનું વિચાર્યું. પણ આ સલમાન હતા. આ પહેલા 1997માં સલમાન સોમી અલી નામની પાકિસ્તાની એક્ટ્રેસને ડેટ કરી ચૂક્યો હતો. જે રિલેશનશિપનો અંત આવ્યો કે, સલમાનને એશ્વર્યામાં પ્રેમ દેખાયો. સલમાનનું નામ ભલે પ્રેમ હતું પણ તેને પ્રેમ મળી નહતો રહ્યો. એશ્વર્યા સાથે પણ આવુ જ થયું. સલમાન દારૂના નશામાં રહેતો, તેનો સ્વાભાવ એગ્રેસીવ હતો. એક દિવસ સલમાન નશાની હાલતમાં શાહરૂખ અને એશ્વર્યાની ફિલ્મ ચલતે ચલતેના સેટ પર પહોંચ્યો. સલમાને એશ્વર્યા પર ઠોંસ જમાવ્યો અને સેટ પર હંગામો ખડો કર્યો. એશ્વર્યાએ ચલતે ચલતે છોડી દીધી અને રાની મુખર્જી આ ફિલ્મમાં આવી ગઈ. એશ્વર્યાને આ બિલ્કુલ પસંદ ન હતું. શાહરૂખ સલમાન સાથે ત્યારે બે ત્રણ ફિલ્મો કરી ચૂક્યો હોવાથી તેને સલમાનના સ્વભાવની ખબર હતી. તે વચ્ચે ન પડ્યો. એશ્વર્યાના હાથમાંથી આ ફિલ્મ ગઈ એટલે તે સલમાન પર ગુસ્સે ભરાઈ અને સલમાન સાથેના સંબંધો ફરી કાપવાનું કહ્યું, પણ સલમાન સલમાન હતો. એ ફરી કુછ ના કહોના સેટ પર પહોંચ્યો અને ત્યાં પણ હંગામો કર્યો. એવું કહેવામાં આવે છે કે, તાલના શૂટિંગ સમયે એશ્વર્યાને ફિલ્મમાં લેવા બદલ સલમાને સુભાષ ઘાઈને થપ્પડ મારી દીધેલી. સલમાનના વર્તનના કારણે એશ્વર્યાના માતા પિતાએ સલમાન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો, તો સલમાને એશ્વર્યાના ઘરની બહાર પણ ધમાલ મચાવ્યો. પરિણામે એશ્વર્યાએ સલમાન સાથે કામ ન કરવાનો અને ચહેરો પણ ન જોવાનો નિર્ણય લીધો. આ સિવાય એક ઓડિયો ટેપ પણ ત્યારે વાયરલ થયેલી જેમાં સલમાન એશ્વર્યાને ધમકી આપતો હતો. અને અકાળે ભારતની સૌથી સુંદર એક્ટ્રેસ એશ્વર્યા અને હેન્ડસમ સલમાનના સંબંધોનો અંત આવ્યો. તેમના માટે નીચેનો શેર અદ્દલ સલમાનની પ્રેમકહાનીઓ જેવો છે….

તમામ ઉમ્ર તેરા ઈંન્તેઝાર હમને કિયા,
ઈસ ઈંન્તેઝાર મેં કિસ કિસ સે પ્યાર હમને કિયા…

પણ એશ્વર્યાને પ્રેમની ચાહના હોવાથી તે વિવેક સાથે સંબંધોમાં જોડાય. ક્યૂં ! આ ગયાના ફિલ્મથી બંન્નેના રિલેશનશિપની ગોસીપ મીડિયામાં ચર્ચાનો વિષય બની. અને એક પ્રેસ કોન્ફરન્સમાં વિવેક ઓબરોય એશ સાથે વધુ ગાઢ સંબંધમાં હોવાથી સલમાન વિરૂદ્ધ એલફેલ બોલી ગયો. સલમાનને પૂરી ઈન્ડસ્ટ્રીનો સપોર્ટ મળ્યો અને વિવેક એકલો પડી ગયો. આજે પણ સલમાન આ બંન્ને જોકરોને નથી બોલાવતો. તેના માઈન્ડમાં તો આ બંન્ને જોકર જ છે ! તો ઉપરના બે ફકરા વાંચ્યા પછી એવું લાગે છે કે, આવા છે સલમાન ?

પછી તો હિટ ફ્લોપનો સિલસિલો બરકરાર રહ્યો, પણ ભાઈજાનની પોપ્યુલારીટી આસમાનને આંબી રહી હતી એટલે તેમને કોઈ ફિકર ન હતી. એવામાં સલમાન પર એક ફોન આવ્યો અને તેણે ફિલ્મ કરવાનો ઈન્કાર દીધો, પણ બાદમાં ફોન પર સાંભળેલી અધૂરી સ્ક્રિપ્ટથી તે વિસ્મય થયો અને ડિરેક્ટર પાસે પહોંચી ગયો. જે ફિલ્મ હતી તેરે નામ. ઓરિજનલ તમિલ ફિલ્મ સેથુની રિમેક હતી, જેમાં વિક્રમે કામ કરેલું. વિક્રમના અભિનય સામે સલમાનનું પાંચિયું ન આવે. પણ અગાઉ કહ્યું તેમ સલમાન સ્ટાઈલના બાદશાહ છે. તેણે ફિલ્મને ત્રણ વસ્તુથી હિટ કરી. ફિલ્મની સ્ટોરી, હિમેશ રેશમિયાના ગીતો અને ત્રીજુ હેર સ્ટાઈલ ! આખુ ભારત આવા લાંબા જટીયા રાખવા માંડેલું ત્યારે સલમાન પર કાળિયારને મારવાનો આરોપ પણ ચાલતો હતો એટલે સલમાનની વિગ પહેરેલી આ સ્ટાઈલની ઝલક જોવા લોકો કોર્ટ પરિસરની બહાર ઉભા રહેતા. પણ બે-બે કેસ છતા સલમાન નિર્દોષ છૂટી ગયા. સલમાન પર ન્યૂઝ ચેનલોમાં આ બંન્ને કેસને લઈ ડિબેટો થઈ. તેને ખરીખોટી સાંભળવાનો વારો આવ્યો, જે જિંદગીભર તેને સતાવશે. તેની નજીક ત્યારે કોઈ ન હતું. સલમાન એકલો પડી ગયો હતો. ભવિષ્યમાં આ બે કાંટાઓ શરીરમાંથી નીકળી શકવાના હતા, પણ ત્યારની પરિસ્થિતિ સલમાન માટે ભયજનક હતી. સત્ય શું એ સલમાન જ જાણતા હતા ? તો આ સત્ય છીપાવતા સલમાન ખાન છે ?

એટલામાં બહેન અર્પિતા સલમાનને પાર્ટીમાં લઈ ગઈ. જ્યાં તેની મુલાકાત કેટરિના સાથે થઈ. કેટ અને સલમાનની જોડી હિટ રહી, તેમના સંબંધોને નામ પણ મળ્યું. બુમ ફિલ્મથી ફેંકાઈ ગયેલી કેટરિનાને જો સલમાનનો સહારો ન મળ્યો હોત તો કેટરિના આજે આટલું સ્ટારડમ ન ભોગવી રહી હોત. ઓનસ્ક્રિન અને ઓફસ્ક્રિન બંન્ને સુપરહિટ રહ્યા. બંન્ને વચ્ચે પ્રેમ નથી પણ મિત્રતા ખૂબ છે. જ્યારે તેમના રિલેશનશિપની વાતો મીડિયામાં ઉડી રહી હતી ત્યારે એક ઈન્ટરવ્યૂમાં સલમાનને પૂછવામાં આવ્યું, ‘તમારી ઉંમર આટલી મોટી છે અને કેટરિના આટલી નાની, તો પણ તમે બંન્ને રિલેશનશિપમાં છો.’ સલમાને ત્યારના સમયે હસીને જવાબ આપ્યો, ‘મારી ઉંમર 42 છે, તેની 24 છે, ખાલી આથી તે બાજુ આંકડાનો થોડો ફર્ક છે, બાકી બધુ બરાબર છે.’ સલમાન ઈવેન્ટ અને એર્વોડ શોમાં પોતાના સેન્સ ઓફ હ્યુમરના કારણે પણ ચર્ચામાં રહે છે. તો શું આ સલમાન છે ?

સલમાનને બાથરૂમમાં સાબુ રાખવાનો ખૂબ શોખ છે. તેમના બાથરૂમમાં તેઓ કેટલા બધા સાબુ રાખે છે, જ્યાં જવાની કોઈ પણ અજાણ્યા વ્યક્તિને મનાય છે. ચાઈનીઝ ખાવાનો અપ્રતિમ શોખ છે. લોકો કહે છે, સલમાનને અભિનય નથી આવડતો, પણ કહી દઉં કે અંદાજ અપના અપના બાદ સલમાને જેટલી પણ કોમેડી ફિલ્મો કરી તેમાં તેની કોમિક ટાઈમિંગના વખાણ થયેલા. સલમાનની આ કોમિક સ્ટાઈલને ગુફી કોમેડી તરીકે બોલિવુડના ઈતિહાસમાં ઓળખવામાં આવે છે. આવી કોમેડી કોઈ નથી કરી શકતું, કોપી પણ નહીં ! તેની ડાઈલોગ ડિલેવરી ઓડિયન્સના શરીરમાં વીજળી પેદા કરી શકે છે, “એક બાર જો મેને કમેટમેન્ટ કર દી તો ફીર તો મૈં અપને આપકી ભી નહીં સૂનતા…’ 1999માં પ્રથમવાર એશિયાનો સેક્સીએસ્ટ મેન બન્યા બાદ તેણે કહેલું કે, ‘ડાન્સિંગ તેની સ્ટ્રેન્થ નથી.’ તો પણ તેની ડાન્સિંગમાં અવળચંડાઈવાળી કોરિયોગ્રાફી સૌને પસંદ આવે છે. મને બિલ્કુલ પસંદ નથી આવતી અને છેલ્લે સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત તો બિલ્કુલ નહીં. પોતાની જનરેશનનો તે પહેલો સ્ટાર છે, જેણે જીમ જોઈન કર્યું હોય. સિલ્વેસ્ટર સ્ટેલોન અને હેમા માલિની તેમના પસંદિદા કલાકારો છે. તે કોઈ દિવસ મુવી રિવ્યૂ વાંચતો નથી કે, જોતો પણ નથી. 15 જાન્યુઆરી 2008માં મેડમ તુષાદ મ્યુઝિયમમાં તેની મીણની પ્રતિમા મુકાઈ. જે આ કારનામો કરનારો બોલિવુડનો ચોથો સ્ટાર બન્યો. 2007માં રાજીવ ગાંધી પુરસ્કાર મળ્યું, કારણ કે મોટાભાગના એ લિસ્ટ સ્ટારને મળી ચૂક્યું હતું, હવે આ વર્ષે કોણ ? એટલે અભિનયમાં લથડિયા મારતો સલમાન જ હતો. કોઈ મોટા નેશનલ-ફિલ્મફેર એર્વોડ તેના ખિસ્સામાં નથી. રૂમી જાફરીના મતે, ‘સલમાન સામાન્ય જીવન જીવવા માંગે છે. મધ્યમવર્ગીય પરિવારની માફક.’ અમીષા પટેલના મતે, ‘સલમાન પાસે જેન્યુન હાર્ટ છે, તમે ગમે ત્યારે તેને મદદ માટે કહેશો એટલે તે તમારી મદદ કરશે.’ રાતના બે વાગ્યે પણ !!! કારણ કે સલમાન રાતે ત્રણ વાગ્યે સૂવે છે. આ બધુ છે તો પણ શું આ સલમાન છે ? બિલ્કુલ નહીં.

આ લેખનો સારાંશ અને સલમાનની વ્યાખ્યા આ રહી, બાબુલ ફિલ્મના શૂટિંગ સમયે સલમાન સાઈકલ લઈ સેટ પર પહોંચ્યો. બહાર નાના-નાના 20 છોકરાઓ રમતા હતા. સલમાનની સાઈકલ જોઈ અને તેમની આંખોમાં એ સાઈકલ વસી ગઈ. એક છોકરો હિંમત કરીને ભાઈજાનની સામે બોલી બેઠો, ‘અંકલ, અમને આ સાઈકલ આપોને ?’ સલમાને તુરંત પોતાના મેનેજરને ફોન કર્યો અને 20 સાઈકલ કલાકમાં મંગાવી આપી.

ઓર એક, સલમાન ખાન બાંદ્રાની રેસ્ટોરન્ટમાં ફેમિલી સાથે પાર્ટી કરી રહ્યા હતા. એ સમયે બહાર નીકળતા કેટલાક બાળકો રંગબેરંગી ચોપડીઓ વેચતા હતા. તેમણે સલમાનને કહ્યું કે, ‘અમારી બુક્સ લઈ લો.’ સલમાન તેમને ઓળખતો ન હતો અને તેઓ પણ સલમાનને ઓળખતા ન હતા !! સલમાન તેમના માટે એક અમીર વ્યક્તિ હતો અને હમણાં પાંચ-છ રૂપિયા આપશે તેવું તેમણે માની લીધેલું. સલમાન હંમેશા ક્રેડિટ કાર્ડ લઈ ઘુમતો હોય છે, ત્યારે ખીસ્સામાં રૂપિયા ન હતા એટલે સલમાને બોડિગાર્ડ પાસેથી પાનસો પાનસો ઉધાર લીધા અને બાળકોને આપી દીધા. તો આ છે સલમાન… બિલ્કુલ આ જ છે ભાઈજાન ઓફ બોલિવુડ…

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.