આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે બધી મેળવી શકાતી નથી…

અશ્વિની ભટ્ટની આયનો : આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે બધી મેળવી શકાતી નથી…

10 વખત વાંચેલી ત્યારે પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર હતી. તેના કવરપેજ પર ઉછળતી કૂદતી કેસરબા દેખાતી હતી. જેની નવલકથાના કેરેક્ટર સાથે કોઇ સામ્યતા નહોતી અને હવે નવી બહાર પડેલી સાર્થક પ્રકાશનની બુક ખરીદીને વાંચી. કંઇ નવું નહોતું. અશ્વિની ભટ્ટનો જુવાન ચહેરો બેકસાઇડમાં હતો. આગળ અરીસો હતો, ઉપર પણ અશ્વિની ભટ્ટનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હતો. રાબેતા મુજબ અશ્વિની ભટ્ટના વખાણ કરવામાં આવેલા હતા. એ પણ હતું કે તેઓ લોખંડી વાંચકના લેખક છે. એટલે મને પણ આર્યન મેન હોવાની ફિલીંગ થઇ. પણ એક ખબર પડી ગઇ કે વારંવાર કોઇ બુકને વાંચવામાં આવે તો તે પુસ્તકમાંથી નવું નવું શીખવા જરૂર મળે છે. આજે એ ખબર પડી ગઇ કે, આયનો નવલકથા એ કોઇ હોરર કથા નથી.

આયનો એ હકિકતે તો ટૂંકી વાર્તા રૂપે લખાયેલી હતી. જે પછી તેનું નવલકથા રૂપે સર્જન થયું. જો કે ટૂંકી વાર્તામાંથી કોઇ નવલકથા બને તે પણ ત્યારે એક પ્રયોગ હતો. જે લોકોએ નથી વાંચી તે આ પછીની લાઇનનું વાંચતા નહીં. (સ્પોઇલરીયો રોદો… બે ચાર વખત આવશે.)

આયનો હકિકતે અશ્વિની દાદાએ સર્જેલ ઇર્ષ્યાનું ચિન્હ છે. વિજય અને કેતન આર્કિટેકની કોલેજમાં ભણતા હોય છે ત્યારે તેમને કાળા કલરની છોકરી મીન્સ કે ચંદ્રકાંત બક્ષીને જેવી ગમતી હતી, તેવી છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. વિજયને માધવી ગમે છે, કેતનને પણ માધવી ગમે છે. માધવીના પરિવારના લોકોને વિજય ગમે છે. કોલેજને વિજય ગમે છે, પણ જેવી રીતે બધી કહાનીઓમાં બને તેમ કેતન સાથે માધવીનું સગપણ થઇ જાય છે. માધવીને કેતન ગમતો હોય છે, એટલે તે વિજયને પોતાનો મિત્ર બનાવી લે છે. અગ્નિનીસાક્ષીએ વિજય ત્યારે કોઇને પણ કહ્યા વિના પ્રણ ધારણ કરે છે, ‘કેતન બળીને રાખ થઇ જાય તેવી કન્યા હું શોધી લાવીશ.’ અને મળે છે તો કોણ ? સાક્ષાત્ત કેસરબા !!

અરિસા વચ્ચેનો ખેલ શરૂ થાય છે, પણ અરિસો એ ઇર્ષ્યાની જણસ છે. તમે અરિસાની અંદર જુઓ એટલે તમને અંદરથી સરવાણી ફુટે, ‘હું હજુય છું તો ફુટડો જવાન હો…’ અરિસો તમારી સાથે વાત કરે છે ! ફલાણાથી તમે વધારે સુંદર છો અથવા હું તો દેખાવડો છું જ. તેના સિવાય અરિસાને કંઇ આવડતું નથી. અરિસાને બસ ખૂદના પ્રેમમાં પડતા આવે છે. વૈજ્ઞાનિકો તેને રિફ્લેક્શન સિવાય જોતા નથી અને આપણે માથાના વાળ બરાબર છે તેના સિવાય કોઇ તસ્દી લેતા નથી. અરિસામાં તમે તમારી જાત સાથે નહીં, તમારા અહમ અને ઇર્ષ્યા સાથે વાત કરતા હો છો, તમારા ભાવિ સ્વપ્નને જગાડવાની કોશિષ કરતા હો છો.

વિજયને કેતન તરફ એ ઇર્ષ્યા છે કે, માધવી જેવી છોકરી એ પટાવી ગયો, તો હું માધવી કરતા પણ સુંદર છોકરી શોધી લાવીશ, ભલે પછી તેના અસ્તિત્વનો કટકો આ દુનિયામાં હરતો ફરતો ન હોય.

અશ્વિની ભટ્ટની શબ્દની કરામત ગજબની હોય છે. અંગ્રેજી તો બરાબર પણ ગુજરાતીના શબ્દોય કયા અલૌકિક પાતાળમાંથી કાઢી લાવે તે માટે મારા જેવા નબળા મનના ‘જોડણીકોશે’ તો સાક્ષાત્ત સાર્થને નજીક રાખવો પડે. હઠિયલ, સોનાગેરૂ, ખખડપાંચમ, નૈષ્ઠિકો, ઓકલ્ટ (તાર્કિક રહસ્ય), એન્સાઇન (મહારાજાઓના મહેલોમાં બે તલવારો 60ના ખૂણે રાખવામાં આવી હોય છે તે) ઐહિક… આ વળી નવું હતું. નવલકથામાં એક વાક્ય આવે છે, ‘ઐહિક સમાગમ કરી શકતા.’ એટલે કે સાંસારિક….

બંન્ને નાયકો વિજય અને કેતનને તમે આજના જમાનાના સ્ટુડન્ટ ઓફ ધ યેર કહી શકો. લેખકે નોધ્યું છે કે એક્ટર અને સપોર્ટીંગ એક્ટરને રસ છે સ્પોર્ટ્સમાં, સ્વિમિંગમાં, રાઇડિંગમાં અને કેલેસ્થિનિસમાં. હવે આ કેલેસ્થિનિસ એટલે શું ? શરીરને સુડોળ અને સૌષ્ઠવ બનાવવા માટે જીમમાં કરવામાં આવતી કેટલીક ચિતવિચિત્ર પ્રકારની કસરતો જેને કેલેસ્થિનિસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા નાયકો શરીર સૌષ્ઠવ ધરાવે છે, તેનો અહીં આટલા મુશ્કેલ અંગ્રેજીમાં લેખકે પરિચય કરાવ્યો છે.

અશ્વિની દાદા સ્ત્રીઓ અને પુરૂષોને એકદમ કસુંબાની જેમ ઘોળીને પી ગયા છે. માધવીના વર્ણનમાં આવે કે, ‘ઉંચી અને પાતળી છતા માંસલ ! (એટલે ભરાવદાર-સાઉથ યૌવના) તેને જોતજોતા ખજૂરાહોના શિલ્પો મારી સામે આવ્યા હતા. પાતળી કેડ અને નાજુક કમરને કારણે કમનીય બનતું તેનું વક્ષ:સ્થળ, તેના નિતંબ અને તેનો તદ્દન સુરેખ સપ્રમાણ વળાંક, તેની સીધી, ટટ્ટરા કરોડરજ્જુ, તેનો ચહેરો શિલ્પીના ટાંકણાથી તસુએ તસુ માપીને કંડારાયેલો…. ગાલ સહેજ ઉપસેલા, લંબગોળ થુડ્ડી (દાઢી) એક સરખા તદ્દન શુભ દાંત, કાળી કીકીઓની આજુબાજુની સફેદી… આટલું વર્ણન કર્યા બાદ કેતન કહે છે, ‘‘હું આટલું વર્ણન કર્યા પછી તેના વિશે લખી શકુ તેમ નથી.’’ એટલે કે આર્કિટેક્ચર બનેલો આપણો નાયક લેખક પણ છે અને લખીને આ કહાની આપણને કહી રહ્યો છે. જો કે આવો ભાસ તમને પહેલી કે બીજીવાર વાંચો ત્યારે થશે નહીં, કારણ કે આ કથા કેતન લખી રહ્યો છે તેનો આ વાક્ય સિવાય અશ્વિની દાદાએ કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો.

જો કે ઉપરનું વર્ણન 2 નંબરના પાને કર્યું હોવા છતા 97 નંબરના પાને ફરી માધવીની પ્રશંસાના લેખક પુલ બાંધતા અટકતા નથી, ‘તેના લીસા લાંબા પગ, લાંબા હાથ, કેડનો વળાંક, વન પીસ કોસ્ચ્યુમની આડશે ઉપસી આવતા તેના વક્ષ:સ્થળના ગોળાર્ધ, હાંસડીની મુલાયમ ત્વચા અને આકાર પર ગોઠવાયેલી તેની ડોક.’

ઉપર અને નીચેના વર્ણનમાં બધું બરાબર છે, પરંતુ લેખકે એક જગ્યાએ સાયન્સ ફિક્શનની જેમ છૂટછાટ લઇ લીધી છે. ગઇકાલે કસૂવાવડ બાદ જાસોદ પેલેસમાં વેકેશન મનાવવા આવેલ માધવીનું શરીર હજુ સેક્સી કેવી રીતે હોઇ શકે ? જો કે આ લોકપ્રિય નવલકથા છે એટલે લેખકને આટલી સ્પેસ આપવી રહી, પણ જો કોઇ વાત આ નવલકથાને નવલકથા બનાવે છે તો એ છે તેના સંવાદો.

વાતચીત સિવાય ખૂબ ઓછા સંવાદો હ્રદયને સ્પર્શી ગયા. જેમાં એક તો ટાઇમલેસ ક્લાસિક છે.

વિજય માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઇ ખાઇ કંટાળી ગયેલો કેતન કહે છે, ‘પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદી તરીકે જાઓ કે આરોપી, કોઇ ફર્ક નથી પડતો.’

‘આપણે ઘણી ચીજોના પ્રેમમાં હોઇએ, પણ તે મેળવી નથી શકાતી.’ :કેતન

આના સિવાય હજુ બે ત્રણ છે, પરંતુ દિલમાં સોંસરવો ઉતરી જાય અને સીધી સુપ્રીમ કોર્ટની 377 યાદ આવી જાય તે સંવાદ તો આ રહ્યો.

દ્રશ્ય છે પોલીસ ઇન્સપેક્ટર અને માધવી વચ્ચેનું. માધવી વિજય અને કેતન વિશે આ વખતે પોલીસ સાહેબ પ્રણયત્રિકોણનો એંગલ કાઢીને આવ્યા છે. બાકીના કોઇ એંગલ બચ્યા નહોતા !! એટલે તે માધવી પર આરોપરૂપી તીરથી હુમલાઓ કરે છે. આ સમયે માધવી છંછેડાય જાય છે. રોદ્ર સ્વરૂપ ધારણ કરી તે બોલી બેસે છે, ‘‘આવતીકાલે જો કોઇ સ્ત્રીને બે પુરૂષ સાથે લગ્ન કરવાની છૂટ મળે તો હું પહેલી સ્ત્રી હોઇશ.’’

આ એવો સંવાદ છે જે વાસ્તવિક દુનિયામાં સંભવ બનવાનો નથી. આપણી સમાજવ્યવસ્થા પુરૂષને અઢળક વખત લગ્ન કરવાની છૂટ આપે છે, પણ સ્ત્રીને નથી આપતું. અહીં પોલીસને તેનો એંગલ ન મળ્યો, પણ આપણને ખબર પડી જાય કે માધવીને કેતન સાથે વિજય માટે પણ સોફ્ટ કોર્નર તો હતો જ.

અશ્વિની ભટ્ટના ચાહકો ક્યાં ક્યાં નથી ? પણ તેમને સાહિત્યકાર ગણવા આપણા સાહિત્યશ્રેષ્ઠીઓ તૈયાર ન હતા. એ વાતને આ નવલકથામાં કંઇક આ રીતે રજૂ કરી છે. કેતન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવવા જાય છે ત્યારે કહે છે, ‘સર હું આર્કિટેક્ટ છું.’ પોલીસને ખબર નથી કે આર્કિટેક્ટ એટલે શું ? તે ફરી પૂછે છે ?

શુદ્ધ ગુજરાતી શબ્દનો પ્રયોગ કરી આપણો નાયક કહે છે, ‘સ્થપતિ…’ તો સામે પોલીસવાળો અસંમજસમાં પૂછે છે, ‘કઇ હોસ્ટેલમાં…?’ હજુ તેને સમજાયું નથી.

આ સંવાદબાજીમાં છેલ્લે પોલીસભાઇનો પિત્તો જાય છે અને બોલી બેસે છે, ‘હવે સરખું બોલશો કે પંતુજીની જેમ જ વાત કરશો.’ અહીં લેખકનો ઇશારો છે કે, શુદ્ધ-સાત્વિક સાહિત્યનું લખાણ બધાને માથા પરથી જાય છે, તમે સ્થપતિ બોલો તો કોઇને સમજાય તેમ નથી. ઉપરથી પંતુજી સાથે તમારી ગણના થાય તે તો નોખું.

અશ્વિની ભટ્ટ એટલે સ્ત્રી !!! ખોટું નથી કહેતો, બક્ષી બાબુ બટકબોલા હતા. એટલે કોઇ વાર સાચું પણ બોલી નાખતા ! તેમણે કહ્યું છે કે, ‘લેખક એટલે પુરૂષનો સ્ત્રીના શરીરમાં પ્રવેશ.’ આપણે અશ્વિની ભટ્ટ માટે આ પ્રવેશને ઉપયોગમાં લાવી શકીએ.

શરૂઆતમાં તો અશ્વિની ભટ્ટને લોકો સ્ત્રી ગણતા હતા. એ કારણે જ તેમણે બાદમાં પોતાની ભરાવદાર મૂછો સાથેની તસવીર ચોપડીઓમાં મુકવી પડી. અશ્વિની દાદાનું કામકાજ નવલકથા બાબતે પણ ઇશ્વર જેવું જ રહ્યું. સમય લઇ સ્ત્રીઓનું સર્જન કરતા હશે અને પુરૂષને તો ખાલી એક પાત્ર તરીકે સર્જી નાખતા હશે.

નવલકથામાં અશ્વિની ભટ્ટે સ્ત્રીઓનાં બે પાસા ઉજાગર કર્યા છે. તમારા ઘરમાં કોઇ સ્ત્રી હોય તો તેને મકાનમાં સ્પેસ જોઇએ. ઘરમાં સામાન ભલે ઉંટગાડી ભરાય તેટલો હોય, પણ તે પોતાના માટે સ્પેસ શોધી લે. આર્કિટેક્ટ બાબતે આપણી નાયિકા માધવીનું પણ એવુ જ માનવું છે, ‘દરેક મકાનમાં સ્પેસની ફીલ થવી જોઇએ.’

બીજુ કે કેતનને હવે વિજય એન્ડ કેસરબા કંપનીમાં કોઇ રસ નથી, પણ એક તેની ઘરવાળી માધવી છે કે બધું શોધ્યા રાખે છે. જેનાથી સ્ત્રીઓની એક વધુ વાત લેખકે આપણી સામે મુકી. સ્ત્રીઓમાં ખણખોદવૃતિ હોય, ઓછા કે મહદઅંશે હોય… પુરૂષના હાથમાંથી ટાંચણી ખોવાઇ તો તે સ્ટેશનરી પર જઇ નવી લઇ આવશે, પણ જો સ્ત્રીના હાથમાંથી ખોવાણી તો એક મહિના પછી પણ,‘સંજવારી કાઢતી વખતે મઇળી.’ આવું વ્યક્ત કરતા તેને જરા પણ છોછ નહીં અનુભવાય.

અશ્વિની ભટ્ટ પોતાની કોઇ પણ નવલકથામાં એકા’દ બેવાર છુટ્ટા હાથે કોમેડી વાપરે છે. જેનો અહીં પણ તેમણે ઉપયોગ કર્યો છે.

આટલી સરસ મસાલેદાર, ખટ્ટમીઠી અને સસ્પેન્સ થ્રીલરના હિંચકા લેવડાવતી આ નવલકથામાં એક વાતની ખામી રહી ગઇ. ઝઘડા બાદ કેતન અને વિજય ભેગા નથી થયા, તો કેતનને કેમ ખબર પડી ગઇ કે, વિજય બ્લુ શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને ભાગી ગયો છે…??!!

સસ્પેન્સ થ્રીલરમાં સસ્પેન્સ જાણી લીધા પછી એ નવલકથા આપણા કંઇ કામની નથી તેવું વાંચકો માનતા હોય છે, પણ ના…. હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં સસ્પેન્સ અને થ્રીલર સિવાયનું વધું એક તત્વ રહેલું છે અને તે છે જર્ની… એ નવલકથાની મુસાફરી. વાસ્તવમાં આપણા આ બે લેખકોને ગુજરાતી જનતાએ જીવતા રાખ્યા છે તેની પાછળનું કારણ નવલકથામાં આવતી રહસ્યની આંટીઘૂંટી નથી, પણ એ નવલકથાની જર્ની છે.

~ મયૂર ખાવડુ

(ગુજરાતી પુસ્તકોના વાંચીને લખેલા રિવ્યુમાં- આ પડ્યો પડ્યો સડતો હતો એટલે બસ્સો રિવ્યુમાંથી ધૂળ ઝાટકી બહાર કાઢ્યો. આમેય દિવાળી આવવાની છે, એ પહેલા ફેસબુકમાં વેચી મારીએ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.