Sunday Story Tale’s – કચરો

“એ હાલો રાજકોટ, લીમડી, અમદાવાદથી દાહોદ… ઝટ કરો. ગાડી ઉપડવાની તૈયારી જ છે !”, જુનાગઢ બસસ્ટેન્ડ પર બસ કંડકટર સંતોષ છેલ્લી બુમો પાડતો પેસેન્જરો ભેગા કરી રહ્યો હતો. ડ્રાઈવર સીટ પર બેઠેલા ભા તેની બુમોને અવગણતા ડ્રાઈવર કેબીનમાં પડેલ કોઈ માતાના ફોટા તરફ હાથ જોડી પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતા.

“અલ્યા પણ બુમો કાં નાખછ… આવડું ઈ મોટું પાટિયું સરકારે શાની હાટું ચિતરાવ્યું હશે ?”, પ્રાર્થનામાં ખલેલ પડતા તેમણે સંતોષને ટકોર કરી.

“ભા… હંધાય ઓછા વાંચી હ્કતા હોય !”, સંતોષે એક જ વાક્યમાં ચર્ચાનો અંત આણી દીધો.
“હાલ હવ… આટલા તો ઘણા કે’વાય…”, ભાએ પાછળ તરફ નજર કરીને બસનું એન્જીન શરુ કર્યું. સંતોષે નીચે ઉતરી ગાડીને રીવર્સ લેવડાવવામાં મદદ કરી, અને ફરી કુદકા સાથે અંદર ચડી બેઠો. થોડીવાર વીત્યા બાદ તેણે પાછળ તરફ જઈને ટીકીટો કાપવા માંડી. મોટાભાગના પેસેન્જર છેલ્લા સ્ટેશન સુધી જવાવાળા હતા. અને બસને ત્યાં સુધી પંહોચતા 9 કલાકથી પણ વધુ સમય લાગી શકે તેમ હતો.

અંદાજે પોણા કલાકે સંતોષ બધા પેસેન્જરોની ટીકીટ કાપી રહ્યો. અને ત્યાં સુધીમાં ભાએ બસને ખાસ્સું એવું અંતર કપાવી દીધું હતું. સંતોષ આવીને એની કંડકટર સીટ પર હજી બેઠો જ હતો કે ભા એ પાછળ તરફ જોઇને બુમ પાડી, “હંધાય કાન ખોલીને સાંભળી લેજો. તમારા પાન-પડીકાં ‘ને બીજા કચરા બારી બહાર જવા દેજો. કારણકે આ જ બસમાં અમારે રાત્રે સુવાનું હોય છે. તમે તો હમણાં છો ને હમણાં ચાલ્યા જશો… એટલે એટલી મહેરબાની કરજો.” ભાના અવાજમાં આવેશભર્યો આગ્રહ હતો કે વિનંતી એ કળવું જરા મુશ્કેલ હતું. પણ હા, ભાને જયારે-જયારે એ રીતે કચરામાં સુવું પડતું ત્યારે ત્યારે એ, એ દિવસના મુસાફરોને મનભરીને ગાળો ભાંડતા.

પોતાની ચેતવણીભરી વિનંતી પૂરી થયા બાદ ભાએ પોતાના ખર્ચે વસાવેલા સ્પીકરો પર દેશી ગીતો વગાડવા શરુ કર્યા. લો વોઈસ પર વાગતા ગીતો અને ભાનો જામતો મિજાજ ગાડીને સારી એવી રફતાર આપી રહ્યા હતા.

થોડે દૂર બેઠો સંતોષ રોજની જેમ પેપર કાઢી વાંચવામાં પડ્યો હતો.
“આ લ્યો…”, પેપરના એક ન્યુઝ આર્ટીકલ પર હાથ મારતો એ ભા તરફ જોઇને બોલી ઉઠ્યો, “આ બીજો એક નેતા કૌભાંડમાં પકડાયો !”

“આ તો રોજનું થયું હવ…”
“પણ ઈમ તો કેમનું હાલે ?”
“તે કોણ ચલાવશે ? તારે જાવું સે ન્યા ?”
“હવ, મને ટીકીટ મળે તો હુંય લડી લઉં…”
“એ જ તો વાંધો છે લાલા…”
“એટલે ?”
“એટલે એ, કે ટીકીટો બધી ઘરડાઓને જ મળે છે… જવાન લોહીને કોઈ તક આપવા પણ તૈયાર નથી. અને આ જ ઘરડાઓ જિંદગીના છેલ્લા પડાવે પણ ભેગું કરવાની લાલચ નથી મૂકી શકતા !”

“પણ ભા, આટઆટલી પર્તિયું ટકી રહી છે એનો પાયો આ જવાનીયા જ તો છે. ક્યારેય કોઈ નેતાને કે કોઈ એમના જેટલા ઘરડાંને જોયો પાર્ટીના સ્વયંસેવક તરીકે કામ કરતા ?”

“વાત તો તારી હો આનાની… પણ !”
“પણ શું ?”
“છોડ… આ રાજકારણમાં બહુ પડવા જેવું નથી.”
“પણ કયો તો ખરા ! કદાચ મને કંઈક નવુંય જાણવા મળે !”
“લ્યે કહું ત્યારે… મને આ હંધાય જવાનીયા પુંછડી પટપટાવતા ગલુડિયા જેવા જ લાગે. એ હંધાયને બનવું તો નેતા જ હોય, પણ એની માટે બે વસ્તુ જોઈએ… એક પૈસો અને બીજો ઊંચી પંહોચ ! હવે ‘પેલું’ નાણું હોત તો ભાઈ ત્યાં જ ન હોત, અને ત્યાં હોય એટલે એને ‘બીજું’ મેળવવું છે એ નક્કી. અને બસ એ જ મેળવતા મેળવતા એની ઉંમર થઈ આવે. અને છેક ત્યારે જઈ એને ભૂલેચૂકે ટીકીટ મળે પણ ખરી તો શું એ કોઈ નવા આવેલા જવાનીયાને ટીકીટ અપાવે ખરો ?”

“અરે ભા !! શું તારણ કાઢ્યું છે તમે તો…! મને ખબર જ હતી કે મને કંઈક જાણવા મળશે જ !”

“અલ્યા, પણ એક વાત એ ય હમજી લે… હું આ ગાડી હાંકવામાં અને તું આ ટીકીટો કાપવામાં જ પૂરો થઈ જવાનો ! ખુરશી પર કોણ બેઠું છે એનાથી નાના માણસને કોઈ ફરક નથી પડતો, કારણકે ખુરશી પર બેઠેલાને એ નાના માણસની હાજરી કે ગેરહાજરીથી કોઈ ફરક નથી પડતો !”

“એ વાત ય હાચી !”, કહેતાં સંતોષ ફરી પેપરમાં ખોવાઈ ગયો.
થોડીવારમાં જ ભાની બસ રાજકોટ સ્ટેશને આવી લાગી. દસમીનીટના હોલ્ટ બાદ ફરી ઉપડવાનું કહી ભા બસમાંથી ઊતર્યા. રાજકોટ સુધીના પ્રવાસીઓ ઉતરી પડ્યા. સાથે બીજા અન્ય પ્રવાસીઓ બસનું પાટિયું વાંચતા અંદર ચડવા માંડ્યા. સંતોષે પાંચ જ મીનીટમાં ચા પૂરી કરી દઈ ફરી બસ પાસે ઊભા રહી હાકલો પાડવા માંડી.

ભાએ થોડી ઝડપથી ચા પતાવી અને બસમાં આવી ચડ્યા. સંતોષે ફરી બસ રીવર્સ લેવડાવી, અને ફરી એ જ પ્રોસેસ ! સંતોષે નવા ચડેલા મુસાફરોની ટીકીટો કાપવા માંડી. થોડીવારે એ પાછો આવીને બેઠો અને ફરી પોતાના પેપરમાં ઓતપ્રોત થઈ ગયો. ભાએ આદત મુજબ પોતાની – ‘કચરો બહાર નાંખવાની’ – ચેતવણી આપી.

થોડીવારે સંતોષે ફરી એક આર્ટીકલ વિષે વાત શરુ કરી. આ વખતે ભા કંઈક અલગ જ મિજાજમાં હતા. તેમણે આવેશમાં આવી કહેવા માંડ્યું, “આ સાલા જેટલાં નેય એમ લાગતું હોય ને કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે, એ હંધાયે એકવાર આપણી બસમાં છેલ્લા સ્ટેશન સુધીની મુસાફરી કરવી જોઈએ ! અને એ પછી એમનો ખ્યાલ ભાંગીને ભુક્કા ન થઈ જાય તો જોજે. અને હું તો હજી ખાલી એ પછાત વિસ્તારના મુસાફરો સાથે બસની મુસાફરીની વાત કરું છું, એમની સાથે એમના વિસ્તારમાં રહેવું તો એમના માટે અશક્ય જ સમજવું !”

“ઈ વાત તો હાચી હોં ભા.”, સંતોષે આદત મુજબ હામાં હા મિલાવી.
“એય, કચરો બહાર ફેંક્જે હોં. રાત્રે અમારે જ આ બસમાં સુવાનું છે !”, સંતોષની પાછળવાડી સીટ પર બેઠેલા જવાનીયાને વેફરનું પડીકું ખાતાં જોઈ ભાએ કહ્યું.

તેણે કાનમાંથી હેન્ડ્સ ફ્રિ કાઢી ફરી સામે પૂછ્યું, “તમે કંઈક કહ્યું ?”
“હા… આ હંધાય પડીકા બારી બહાર જવા દેજે.” ભાની વાત સાંભળી તેણે ‘થમ્સ અપ’ બતાવતા હામી ભરી.

“કોણ જાણે શું થશે આ જવાનીયાઓ નું !”, ભાએ હળવેકથી બબડાટ કર્યો. અને ફરી તેમની ગાડીએ સ્પીડ પકડવા માંડી.

થોડીવારે ભાનું ધ્યાન ફરી સંતોષ તરફ દોરાયું. એ ખુલ્લું પેપર મોઢે ઢાંકી સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને ત્યાં જ ભાએ પાછળ બેઠેલા જવાનીયાને પેલું પડીકું પોતાના બેગમાં સરકાવતો જોયો. તેમણે ફરી રસ્તા તરફ નજર કરી બબડાટ કર્યો, “મારે શું ! એને પોતાના બ્સ્તામાં કચરો ભેગો કરવાનો રસ હોય તો ભલે કરતો. મારી બસમાં કચરો નથી નાંખતો એટલે ઘણું !”

થોડીવારે જ દુરથી ચોટીલાનો ડુંગરો દેખાવા માંડ્યો. ભાએ દુરથી પ્રણામ કર્યા અને એક્સીલેટર પર પગનું જોર વધારવા માંડ્યું. પંદર જ મીનીટમાં બસ ચોટીલા આવી પંહોચી. માત્ર બે મીનીટના હોલ્ટ બાદ બસ ઉપાડવાની હોવાની ભાએ એન્જીન પણ બંધ ન કર્યું. ચોટીલા સુધીના મુસાફરો ઉતરવા માંડ્યા. અને દરવખતની જેમ ઉતરવાવાળા મુસાફરો કરતા ચડવાવાળા મુસાફરોની સંખ્યા વધારે હતી. પોતાની ડ્રાઈવર સીટ પર બેઠાબેઠા નજરોથી બહાર લટાર મારતાં રહી તેઓ આમતેમ જોવા લાગ્યા. અને ત્યાં જ એમની નજર થોડેક દુર પડેલી કચરાપેટી પર પડી. જ્યાં હમણાં પેલો જુવાનીયો પોતાના બેગમાં ભેગો કરી રાખેલો કચરો ઠાલવી રહ્યો હતો !

દ્રશ્ય તદ્દન સામાન્ય હતું, પણ ભાના મન પર એની અસર ચોટદાર હતી. એ જ્વાનીયો ચોટીલા સુધીનો જ મુસાફર હતો. પોતાની બેગના પડીકાં ઠાલવી દઈ એણે ચાલવા માંડ્યું. બે મીનીટનો હોલ્ટ પૂરો થયા બાદ ભાએ બસ ઉપાડી. થોડીવારે સંતોષ બધાની ટીકીટ કાપી આવીને બેઠો. ભાને કંઈક વિચારમગ્ન અવસ્થામાં જોઈ એણે પૂછ્યું, “કંઈક જોઈએ ભા ?”

“ના…”, કહી તેમણે કાચમાં જોતા રહી પાછળના મુસાફરો તરફ નજર કરી અને ફરી બોલ્યા, “મતલબ હા, જોઈએ છે કંઈક !”

પછી સંતોષને કહેવાને બદલે એમણે પાછળ તરફ હાકલ પાડી, “હંધાય કાન ખોલીને સાંભળી લ્યો, આગલા સ્ટેશનેથી બસમાં નાની કચરો નાંખવાની ડોલ મુકાવું છું… ન્યા લગણ કોઈ કચરો બસમાં નહીં નાંખે, અને બહાર પણ નહીં !”

“આ શું બોલ્યા ભા…?”, સંતોષે કંઈક ભળતું જ સાંભળ્યું હોય એમ પૂછ્યું.
“આપણે સ્પીકરનો ખર્ચો કરી શકીએ તો આ કેમ નહીં ? અને સરકારને ભાંડવા કરતા આપણે જ શરૂઆત કરીએ તો !?”, કહેતાં તેમણે આછેરા સ્મિત સાથે બસની ઝડપ વધારી દીધી.

– Mitra ❤

One thought on “Sunday Story Tale’s – કચરો”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.